આમ તો હવે ઠેર ઠેર 5G નેટવર્કની વાતો કરવામાં આવે છે ત્યારે ખેડા જિલ્લાના આ ગામમાં મોબાઈલ ઉપર વાત કરવા જાનનું જોખમ ખેડવુ પડે છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાણજા ગામમાં લોકોને મોબાઇલ ઉપર વાત કરવા માટે મહામુસીબતનો સામનો કરવો પડે છે. કારણ કે અહીં મોબાઇલના ટાવર મળતા ન હોવાથી વાત કરવા માટે ગામમાં પાણીની ટાંકી સૌથી ઉંચી છે તેની ઉપર ચઢીને વાત કરવી પડે છે. વર્તમાન સમયમાં સંપર્ક માટેનું સૌથી સરળ અને મહત્વનું સાધન મોબાઇલ ફોન છે પરંતું જો નેટવર્ક જ ન આવે તો શું કરવું?
માતર તાલુકાનું ત્રાણજા ગામના લોકો રોજબરોજના સમયમાં ગામમાં પીવાના પાણી સહીતની પ્રાથમિક સુવિધાઓ છે, છતાં નાગરિકો સૌથી મહત્વની એવી મોબાઈલ સેવાનો લાભ લઇ શકતા નથી અને તેનું કારણ છે ગામમાં એક પણ કંપનીનો મોબાઈલ ટાવર નથી. સ્થાનિકો દ્વારા ઘણી વખત પોતાના સ્થાનિક ધારાસભ્ય અને નેતાઓને રજુઆત કરી પણ પરિણામ આવ્યું શૂન્ય. ગામમાં મોબાઈલ ટાવર ન હોવાથી મોબાઈલ ફોનમાં નેટવર્ક આવતું જ નથી જેથી ગામના નાગરિકોએ જો વાત કરવી હોય ગામમાં સૌથી ઉચા સ્થળ એવા પાણીની ટાંકી પર ફરજીયાત ચડવું પડે છે.
ત્રાણજા ગામમાં મોબાઈલ ટાવર ન હોવાથી ગામના નાગરિકોને ઘણી તકલીફો પડી રહી છે એમાં પણ જો આરોગ્ય લક્ષી સુવિધાની જરૂર ઉભી થાય તો 108ને કોલ કરવામાં પણ કા તો ગામની બહાર જવું પડે છે અથવા તો ટાંકી પર ચડી કોલ લગાવવો પડે છે. આ મામલે ગામના તળાવ કિનારે કપડાં ધોઈ રહેલ મહિલાઓ સાથે પણ વાત કરી તેમના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો શું કહી રહી છે મહિલાઓ સાંભળો.
કોરોના કાળ પછી શિક્ષણ કાર્યમાં પણ મોબાઈલ મહત્વનું સાધન બની ગયું છે, આજે પણ શિક્ષકો બાળકોને ઘણું ગૃહકાર્ય તેમના વાલીઓની જાણ માટે વોટ્સએપના માધ્યમથી મોકલી રહ્યા છે પણ ત્રાણજા ગામના બાળકોને શિક્ષણ કાર્ય જોવા પણ ધાબા પર જવાની ફરજ પડી રહી છે.
ત્રાણજા ગામના નાગરિકો દ્વારા ઘણા વર્ષોથી અહીના નોતાઓને મોબાઇલ ટાવરની પોતાની સમસ્યાઓ અંગે વાત તો કરી જ હતી પણ નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ ગામમાં આવી વાયદાઓ કરી ગયા હતા કે ટૂંક સમયમાં તમારા ગામમાં મોબાઈલ ટાવરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે પણ હજી એ સુવિધા મળતી નથી. જેથી કંટાળીને હવે નાગરિકોએ પોતાના મોબાઈલ નેટવર્ક પકડવા માટે ગામની ટાંકીને કાયમી સરનામું બનાવવા મજબૂર બની ગયા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…