આજના સમયમાં કેમિકલયુકત ખેતીથી થતા નુકસાનની સામે પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધતું જાય છે ત્યારે માંડવી તાલુકાના વરઝડીના ખેડૂત મણીલાલ ભાઇ માવાણી તથા કોટડાના હરિસિંહ જાડેજા કચ્છના અન્ય ખેડૂતો માટે દાખલારૂપ કામગીરી કરી રહ્યા છે. તેઓ ન માત્ર પ્રાકૃતિક ખેતી કરે છે, પરંતુ ઉત્પાદીત પાકોનું મૂલ્યવર્ધન કરીને બમણી કમાણી કરીને અન્ય ખેડૂતો માટે નવી રાહ ચિંધી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી કરતા મણીલાલભાઇ ATMA પ્રોજેક્ટ સાથે સંકળાઇને આખા ગુજરાતમાં વિવિધ સ્થળે તાલીમ પ્રાપ્ત કરીને વરઝડીમાં અવનવા પાકનું સફળ ઉત્પાદન કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, આજના સમયમાં ખેતીમાં જતુંનાશક દવા તથા રાસાયણિક ખાતરનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે ખેડૂતોને ઉત્પાદન સામે મોટો ખર્ચ ચૂકવવો પડે છે.
ઉપરાંત બજારમાં મૂલ્ય ઓછા હોય તો પાક સાવ સસ્તા ભાવે વેચવા મજબૂર થવું પડે છે. તેના કારણે ખેડૂતોને ફાયદો ઓછો અને નુકસાન વધુ થાય છે. ઉપરાંત જમીન પણ દિવસે દિવસે કસ વગરની થતા ગુણવત્તા વગરના પાક સાથે લોકોને હાનિકારક જતુંનાશક સાથેના પાક મળે છે.
તેના બદલે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે તો જમીન,પર્યાવરણ અને લોકોના લાભ માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉપાય છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે બીજામૃત , નિમાસ્ત્ર , જીવામૃત , વર્મી કમ્પોસ્ટ ખાતર વગેરેનો ઉપયોગ કરે છે. જે તમામ તેઓ લીમડાના પાન, ગોળ, છાશ, ગૌમુત્ર વગેર પ્રોડકટમાંથી વાડીમાં જ બનાવે છે. ખાતર કે જતુંનાશક માટે એકપણ રૂપિયાનો ખર્ચ થતો નથી. અગાઉ વર્ષો પહેલા જયારે તેઓ રાસાયણિક ખેતી કરતા ત્યારે તેઓને દોઢ લાખનું બિલ ચુકવવું પડતું હતું. જેની આજે સીધી બચત થઇ રહી છે.
ખેડૂત મણીલાલે તેમની 8 એકરની ખેતીમાં કેસર કેરી, નારીયેળ, ખારેક, જામફળ, હળદર, આદુ, ધાણા, સરગવો, લસણ, ડુંગળી, પપૈયા, ઘાસચારો, શાકભાજી વગેરેનું વાવેતર કરે છે. આ તમામ પ્રાકૃતિક પાકનું બજારમાં વેચાણ કરવાના બદલે સીધુ વાડીમાંથી વેચાણ કરે છે . તેમજ તેનું મૂલ્યવર્ધન કરવા તેઓ વિવિધ મસાલા પ્રોડકટ બનાવીને વાડીમાંથી જ વેચાણ કરી રહ્યા છે.
હાલમાં તેમનો પરીવાર વાડીમાં જ ફુદીનાનો પાઉડર, મીઠા લીમડાનો પાઉડર, હળદરનો પાઉડર, શાકનો મસાલો, મમરાનો મસાલો, કેરીનો પલ્પ, સૂંઠનો પાઉડર, લસણનો પાઉડર, સરગવાનો તથા તેના પાનનો પાઉડર, ચાનો મસાલો, ધાણાનો પાઉડર વગેરે બનાવીને તેનું વેચાણ કરી રહ્યા છે. જેનાથી તેઓને બમણો ફાયદો થઇ રહયો છે. ઝીરો બજેટ ખેતી હોવાથી ઉત્પાદનમાં ખર્ચ નથી. ઉપરાંત બજારમાં સીઝનમાં નીચાભાવે વેચાણ કરવાના બદલે તેઓ જાતે જ બાયપ્રોડકટ બનાવીને ગ્રાહકોને સીધું વેચાણ કરતા નફો થઇ રહ્યો છે.
કોટડા(રોહા)માં કેરી અને બિજોરાની પ્રાકૃતિક ખેતી કરતા 47 વર્ષીય હરિસિંહ રાજકિશોરસિંહ જાડેજા જણાવે છે કે, આજે કેમિકલયુકત ખેતીના ઉત્પાદન થકી લોકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. ત્યારે પ્રાકૃતિક ખેતી જ માનવજાતને બીમારીમાંથી બચાવવાનો એક માત્ર ઉપાય છે. છેલ્લા 6 વર્ષથી તેઓ આ ખેતી તરફ વળ્યા છે. સરકાર મારફતે અપાતી વિવિધ તાલીમ પણ લેતા રહે છે. તેઓ ન માત્ર પ્રાકૃતિક ખેતી કરે છે પરંતુ ખુદના ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી તેમાંથી વિવિધ ખાણી-પીણીની ચીજો બનાવી તેનું પોતાના ગાંધીધામ ખાતેના આઉટલેટ પર વેચાણ કરે છે.
હાલ તેઓ આંબામાંથી પલ્પ, આંબાનો રસ વગેરે પેકેજિંગ કરીને વેચે છે જેમાં કોઇપણ જાતના પ્રિઝર્વેટીવ ,સુગર વગેરે હોતા નથી. આ સાથે 10 પ્રકારના આમપાપડ, જેલી, આઇસક્રીમ, કુલ્ફી, કેસર આમ પેંડા, જયૂસ, મિલ્ક શેક, ગોટલીનો મુખવાસ, બિજોરાનું અથાણું, વિવિધ મિઠાઇ, બિલ્વફળ જયુસ, કેસૂડાના ફુલ, વગેરેનું વેચાણ કરે છે.
પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત કરેલી મગ દાળ, ચણા દાળ, દેશી ગાયનું ઘી, ગુંદ, વગેરેનું પણ તેઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે. તેઓ જણાવે છે કે, ખાણી-પીણીની કોઇપણ ચીજમાં કૃત્રિમ કલર,એસેન્સ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો નથી. રોહાના આ ખેડુતને ઝીરો બજેટ ખેતી સામે અનેકગણો નફો થઇ રહ્યો છે. ગત વર્ષે તેઓએ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદીત કરેલી કેરીનું પ્રતિકિલો રૂ. 300ના રેકોર્ડબ્રેક ભાવે આખા ભારતમાં વેચાણ કર્યું હતું છતાં પણ માંગ સામે માલ ખુટી પડયો હતો.
ઓછા પાણી છતા કચ્છમાં ખેતી ક્ષેત્રે ખેડૂતોએ કમાલ કરી છે અને આજે કચ્છ બાગાયત ખેતીમાં ગુજરાતમાં અગ્રેસર છે. કચ્છની કેરી હોય કે ખારેક પ્રાકૃતિક ખેતી સાથે કચ્છમાં ખેડુતો કઇક નવુ કરતા રહ્યા છે. ત્યારે કચ્છના આ બે ખેડુતો ખેતી ક્ષેત્રે અન્ય ખેડુતોને નવી રાહ ચિંધી રહ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…