કચ્છ જિલ્લાના અંજારના નાગલપર ગામે રહેતા ધમેન્દ્ર ઉર્ફે ધમા રામજી ટાંકની અંજાર પોલીસે અંતે પાસા હેઠળ ધરપકડ કરી છે. અંજારની એક યુવતીને છેલ્લા કેટલાય વર્ષોથી તે એક તરફી પ્રેમમાં પરેશાન કરી રહ્યો છે અને તેના પર હુમલા સહિત ધાકધમકી આપી અનેક અત્યાચાર તેને ગુજાર્યા હતા. યુવતીએ અંજાર પોલીસમાં તેના વિરૂધ્ધ 10 થી વધુ ગુનાઓ અત્યાર સુધી નોંધાવ્યા છે. પરંતુ છુટ્યા બાદ ફરી તે યુવતીને પરેશાન કરતો હતો. ધમા રામજી ટાંક અંજારના નિવૃત તાલુકા વિકાસ અધિકારીનો પુત્ર છે. 2022 માં ફેબ્રુઆરી માસમાં યુવતીએ તેના વિરૂધ્ધ છેડતીની ફરીયાદ નોંધાવી હતી જો કે છુટ્યા બાદ ફરી સપ્ટેમ્બર મહિનામાં યુવતી પર છરીથી હુમલો કર્યો હતો.
તો તાજેતરમાં થોડા દિવસો પહેલાજ ફરી ધમા રામજી ટાંકએ છરી બતાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. યુવતીએ અત્યાર સુધી તેની સામે 13 જેટલી ફરીયાદ અરજી આપી છે. પરંતુ છુટ્યા બાદ ફરી તે યુવતીને પરેશાન કરવા માટે પહોંચી જાય છે. જેમાં આરોપી રીઢો ગુનેગાર છે અને યુવતીને પરેશાન કરી હુમલો કરવા સહિતની ફરીયાદની સાથે તેના વિરૂધ્ધ અપહરણ,મારામારી,ઘરફોડ ચોરી અને દારૂબંધી સહિતના કેસ નોંધાયેલા છે. જેમાં કચ્છ જ નહી પરંતુ રાજકોટના બે પોલીસ મથકોએ પણ તેના વિરૂધ્ધ વિવિધ ગુના નોંધાયેલા છે.
ત્યારે આજે અંજાર પોલીસે તેની પાસા હેઠળ ધરપકડ કરી છે. ગુનાખોરીના રવાડે ચડી ગયેલો 31 વર્ષીય યુવાન છેલ્લા 10 વર્ષથી આ રીતે વિવિધ ગુનાઓ આચરી રહ્યો છે. જેમાં અંજારની એક યુવતીને પરેશાન કરવામાં તેને કોઇ કસર છોડી ન હતી અને પરિવારના સભ્યને મારી નાંખવાની ધમકી સહિત મારામારી,હુમલો છેડતી સહિતની અનેક ફરીયાદો તેના પર થયા બાદ અંજાર પોલીસે કલેકટરને પાસા હેઠળ કાર્યવાહી માટે દરખાસ્ત કરી હતી જે મંજુર થતા આજે તેની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવા કાર્યવાહી શરૂ કરી છે.