Kutch: દુધઇ સબ બ્રાન્ચ કેનાલની અધૂરી કામગીરી મુદ્દે સરકારને 26 એપ્રીલ સુધીનું અલ્ટીમેટમ આપ્યા બાદ સરકારે કોઇ જાહેરાત (Farmers)ખેડુતોની માંગણી સંદર્ભે ન કરતા આજે ખેડુતો વિશાળ ખેડુત સંમેલન યોજવા સાથે ટ્રેક્ટર યાત્રા (Tractor Rally) કાઢી સરકાર સામે લડી લેવાનો સુર વ્યક્ત કર્યો હતો. કચ્છના દુધઇથી મોડકુબા અને રૂદ્ર્માતા એક બે કેનાલ માટે સરકારે યોજના બનાવ્યા બાદ સરકારે કેનાલના બદલે લાઇન નાંખવાનુ નક્કી કર્યુ હતુ. જે સદંર્ભે ખેડુતોએ વિરોધ નોંધાવી કેનાલ મારફતે પાણી પહોંચાડવા માંગ કરી હતી. પરંતુ સરકારે હજુ સુધી કોઇ જાહેરાત ન કરતા ખેડુતોએ આજે ટ્રેક્ટરયાત્રા યોજી વિરોધ નોંધાવ્યો હતો. અને ફરી સરકારને 9 મે સુધી યોગ્ય કાર્યવાહી કરવા માટેની માગ કરી હતી. દુધઇ કેનાલનુ અધૂરૂ કામ પૂરૂ નહીં કરાય તો 10 મેથી અચોકકસ મુદતના ધરણા કરવાની ખેડુતોએ ચીમકી આપી છે.
મુખ્યમંત્રીને આવેદન આપી રજુઆત
આજે રૂદ્રમાતા ખાતે વિવિધ કમાન્ડ એરીયામાં આવતા ગામના ખેડુતો સહિત કિસાનસંઘના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને નર્મદા કેનાલ વગર ખેતી અને કચ્છના પશુધનને થનાર નુકશાન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. ટપ્પરથી રૂદ્રમાતા કેનાલમાં બે વર્ષ પહેલાં સરકાર દ્વારા અચાનક કેનાલના બદલે પાઇપ લાઇન પાથરવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કારણ કે, દુધઇ સબ બ્રાન્ચ કેનાલ 68 કિલોમીટર જેટલી લંબાઇ ધરાવે છે. તેમાં નિયમિત પાણીના 23 કિલો મીટરના કામો થઇ ગયા છે.
જ્યારે બાકીના 45 કિલો મીટરના કામ બાકી છે. નર્મદા નિગમ દ્વારા તેનો સર્વે પણ કરાઇ ગયો છે. તેમજ એસ્ટીમેટ પણ બની ગયો છે. માત્ર ખેડૂતોને જમીન સંપાદનના એવોર્ડ કરવાના બાકી રહ્યા છે. ખેડૂતો પણ જમીન આપવા સરકારના નીતિ નિયમો મુજબ તૈયાર છે. તો તાત્કાલિક ધોરણે બાકીના કામો પૂરા કરવા વિનંતી છે. કારણ કે, 45 કિલો મીટરમાં આવતા ભુજ તાલુકાના 10 ગામો પહેલાથી જ મૂળ યોજના મુજબ કમાન વિસ્તારમાં આવે છે. આ ગામો પાસે સિંચાઇ માટે અન્ય કોઇ વ્યવસ્થા નથી અને સરહદો પરના ગામો છે તેમાં પાણી અભાવે ખેડૂતોઅને માલધારીઓ હિજરત કરી રહ્યા છે જેને રોકવા માટે પાણી અગત્યનું છે. તેવી ખેડુતોની માંગ છે.
ખેડુતો છેલ્લા બે વર્ષથી કચ્છમાં નર્મદા મુદ્દે સરકાર પાસે અસરકારક રજુઆતો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતા ફરી ખેડુતોએ લડતનો માર્ગ અપનાવ્યો છે. આજે પ્રદેશ કિસાનસંધના અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં ખેડુતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને બેનરો સાથે ટ્રેક્ટર યાત્રા યોજી નર્મદાના કામોમાં ઝડપ લાવવા અને મુળ યોજના મુજબ કરવા માગ કરી હતી પરંતુ જો સરકાર 9 તારીખ સુધી કોઇ યોગ્ય નિર્ણય નહી કરે તો 10 મેથી ખેડુતો કલેકટર કચેરી સામે અચોક્કસ મુદ્દતના ધરણા યોજશે.
આ પણ વાંચો :કોલસાની અછત પર થયેલા હોબાળા પર પ્રહલાદ જોષીનો જવાબ, કહ્યું- સરકાર દર કલાકે સ્થિતિ પર નજર રાખી રહી છે