Kutch : રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આમ તો સમયાંતરે ખેતી પછી સૌથી વધુ લોકો જેની સાથે જોડાયેલા છે. તેવા હસ્તકળા (Handicrafts)વ્યવસાયને પ્રોત્સાહન આપવાના પ્રયાસો થયા છે. જોકે હાલ કોરોના મહામારીમાં જ્યારે હસ્તકળા વ્યવસાય પર ગંભીર અસર થઇ છે. ત્યારે તેના પ્રોત્સાહન માટે સરકારે પ્રયાસ કર્યો છે. કચ્છના હસ્તકળા કારીગરોને સીધા ગ્રાહકો મળી રહે તે ઉદ્દેશ સાથે બનાવાયેલ ભુજ હાટમાં હાલ ગાંધી શિલ્પ બજાર મેળાનુ (Gandhi Shilpa Bazar Mela)આયોજન કરાયુ છે. જેમાં કચ્છ ઉપરાંત ગુજરાત અને અલગ-અલગ 12 રાજ્યોના કારીગરો આવ્યા છે. જેમાં 100 સ્ટોલમાં હસ્તકળા કારગીરોએ હાથે તૈયાર કરાયેલ વસ્તુઓનુ પ્રદર્શન અને વેચાણ થઇ રહ્યુ છે. 21 તારીખ સુધી આ પ્રદર્શન લોકો માટે ખુલ્લુ રહેશે.
ગ્રાહક અને કારીગરો વચ્ચે સીધા સંવાદનો ઉદ્દેશ
કચ્છના કારીગરોને દુર્ગમ વિસ્તારની જગ્યાએ શહેરમાં સીધા ગ્રાહકો મળે તે માટે આ હાટ બનાવાયુ છે. જેમાં વધુમાં વધુ લોકો જોડાય તેવા પ્રયત્નો અવાર-નવાર થાય છે. તેવામાં કોરોના મહામારી પછી કારીગરોને યોગ્ય બજાર મળે તે ઉદ્દેશથી આ આયોજન કેન્દ્રીય કાપડ મંત્રાલયના પ્રયત્નોથી કરાયુ છે. જેમાં સ્થાનીક તંત્રએ તમામ વ્યવસ્થા કારીગરો માટે ફ્રીમાં ઉભી કરી છે. ખાસ કરીને કારીગરો ગ્રાહક સાથે સીધો સંવાદ કરી તેની કલાનું યોગ્ય વડતર મેળવી શકે તે ઉદ્દેશ આ એક્ઝીબીશન યોજવા પાછળનો હોવાનું ગાંધી શિલ્પ બજારના ડાયરેક્ટર દાદુજી સોઢાએ જણાવ્યું હતું. તો કારીગરો પણ એકબીજા રાજ્યની કલા-કારીગરી સાથે પરિચીત થાય તે આવા આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ છે. જમ્મુ-કાશ્મીર,મહારાષ્ટ્ર,ઓરીસ્સા,કર્નાટક,કેરળ સહિત 12 રાજ્યના કારીગરો વિવિધ હસ્તકળાની વસ્તુઓ તૈયાર કરી અહીં પ્રદર્શન અને વેચાણ માટે આવ્યા છે.
100 સ્ટોલમાં વિવિધ વસ્તુઓ
કચ્છની હસ્તકળા, જેવી કે માટીકામ,કચ્છી ભરતના કાપડ તથા અજરખ સહિત વિવિધ વસ્તુઓ નિયમીત રીતે આ ભુજ હાટમાં કારીગરો વહેંચે છે. પરંતુ કચ્છ ઉપરાંત બહારથી આવેલા રાજ્યોએ પણ પોતાના રાજ્યના કાપડ, ઘરવખરી સામાન, ચામડાની વિવિધ વસ્તુ, ઘર સજાવટનો સામાન, કટલેરી અને સંગીત વાદ્યો તથા વિવિધ આર્ટ સહિત 12 રાજ્યોની ભાતીગળ વસ્તુઓ સાથે કારીગરો વસ્તુઓ અહીં વેચાણ માટે લાવ્યા છે. સરકાર દ્વારા આ તમામ કારીગરોને ફ્રી સ્ટોલ ઉપરાંત દૈનીક ભથ્થાની પણ આર્થીક મદદ કરે છે. હાલ ભુજ અને કચ્છમાંથી અનેક લોકોને આ પ્રદર્શન આકર્ષી રહ્યુ છે. તો કચ્છના હસ્તકળાના હબ સમાજ ભુજ હાટ પણ આવા પ્રદર્શનથી ફરી લોકોની અવરજવરથી ગાજતું થયું છે.
આત્મનિર્ભર ભારત અને આપણી સાંસ્કૃતિક કારીગીરી વારસાને સાચવી બેઠલા કલાકારોને પ્રોસ્તાહન માટે કાપડ મંત્રાલય હસ્તકના વિવિધ વિભાગો સંમયાતરે આવા આયોજન કરે છે. પરંતુ કોરોના મહામારીમાં જ્યારે નાના હસ્તકળા કારીગરો માટે મુશ્કેલી સર્જાઇ છે. ત્યારે વધુમાં વધુ લોકો આવા પ્રદર્શનમાં ભારતીય સંસ્કૃતિ સાથે આપણી પ્રાચીન હસ્તકળાને પ્રોત્સાહન આપવા મુલાકાત લે તેવી અપીલ કરાઇ છે. તો કારીગરો પણ માને છે કે તમામ સુવિદ્યા કારીગરોને આપવા સાથે આર્થીક મદદ કરતી સરકારના આવા આયોજનથી તેમને ચોક્કસ ફાયદો થશે.
આ પણ વાંચો : રાજકોટ : ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ-લોકોમાં હત્યારા સામે ભારે રોષ, વેકરિયા પરિવારે કરી મૃત્યુદંડની માગ
આ પણ વાંચો : રાજકોટ જિલ્લાના રખડતાં ભટકતાં બાળકો હવે શાળામાં ભણવા જશે, વાંચો કલેક્ટરનું વિશેષ આયોજન