Kutch : બિપરજોય વાવાઝોડું (Cyclone Biparjoy) ગુરૂવારે મધરાતે જ્યારે લેન્ડફોલ દરમિયાન કચ્છ (Kutch) ઉપર ત્રાટક્યું હતું. ત્યારે આ વિકટ અને ગંભીર પરિસ્થિતિમાં પણ વહીવટી તંત્રના જાંબાઝ અધિકારીઓની સમગ્ર ટીમ તથા મેડિકલ ટીમ કાર્યરત રહીને કામગીરી કરી રહી હતી. મુન્દ્રા સીએચસી ખાતે આવેલી એક પ્રસૂતાનું સિઝેરિયન કરીને સફળતાપૂર્વક બાળકીનો જન્મ કરાવવામાં આવ્યો હતો. મધરાતે જ્યારે વાવાઝોડું જોર પર હતું ત્યારે આ પ્રસૂતિ દરમિયાન જનરેટર પણ શોર્ટ સર્કિટના કારણે બંધ થઈ જવા છતાં પણ ડોક્ટર્સ અને મેડિકલની ટીમે આ પ્રસૂતાનું ઓપરેશન કરી સફળ ડિલિવરી કરાવી હતી. હાલમાં માતા અને બાળક બંને સુરક્ષિત છે.
મળતી માહિતી અનુસાર મુન્દ્રા તાલુકાના લુણી ગામની 27 વર્ષીય ગીતાબેન શામજી ડુંગરિયાને રાત્રે 9.30 વાગ્યે પ્રસૂતિ પીડા ઉપડતા મુન્દ્રા સીએસસીમાં રહેલી ડોક્ટરોની ટીમે સારવાર શરૂ કરી હતી. પરંતુ આ સમય દરમિયાન વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા થતી હોવાથી ભારે પવન તેમજ ભારે વરસાદના કારણે ડિલિવરી દરમિયાન ચાલુ જનરેટર પણ શોર્ટ સર્કિટના કારણે બંધ થઈ જતા અત્યંત કપરી પરિસ્થિતિમાં મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સફળતાપૂર્વક બાળકીનો જન્મ થયો હતો.
આ અંગે મુન્દ્રા સીએસસીના ડોક્ટર મંથન ફફલે જણાવ્યું હતું કે દર્દીની સ્થિતિ જોખમી હોવાથી સામાન્ય ડીલીવરી થઈ શકે એમ ન હતી. મહિલાની પ્રથમ પ્રસૂતિ હતી તેમજ લોહી ઓછું હોવાથી તેમને લોહીની એક બોટલ પણ ચડાવવાની ફરજ પડી હતી. વાવાઝોડાની સ્થિતિને કારણે ખાસ ડ્યુટી પર મુકાયેલા ગાયનેકોલોજિસ્ટ, સીએસસીમાં નર્સ તેમજ અન્ય મેડિકલ સ્ટાફની મદદથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ વાવાઝોડાને કારણે ભયંકર રીતે ફૂંકાતા પવન તેમજ ભારે વરસાદ વચ્ચે ચાલુ જનરેટર પણ શોર્ટ સર્કિટના કારણે બંધ થઈ જતા બેટરીના સહારે મહિલાના ટાંકા લઈ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ આ સફળ ઓપરેશનમાં ડો. ભાર્ગવ ગઢવી, ડો. કૈલાશગીરી ગોસ્વામી, ડો. કૃપાલ અગ્રાવત તથા સીએચસીની ટીમે ફરજ બજાવી હતી.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો