માર્ચ મહિનો પુર્ણતાના આરે છે. અને વિવિધ સરકારી કચેરીઓ બાકી નિકળતા વેરા (Tax) માટે કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે આજે ભુજ (Bhuj) પાલિકાએ પણ બાકી નિકળતા લેણાની ભરપાઇ માટે વધુ બે મિલ્કતોને (Properties) સિલ (Seal)કરી છે. ભુજ માધાપર હાઈવે પર આવેલ સોનું રીસોર્ટ તેમજ સીમંધર ઈન્ડસ્ટ્રીઝ આજે સીલ કરવામાં આવી હતી. બન્ને મિલ્કતમાં રીસોર્ટના 5.50 લાખ તથા ઇન્ડસ્ટ્રીના પોણા 5 લાખ જેવા વેરા બાકી હતા. જેમને વારંવાર નોટીસ છતાં ન ભરતા આજે પાલિકાએ આ કાર્યવાહી કરી હતી.
26 કરોડના બાકી લેણા સામે માત્ર 11 કરોડની વસુલાત
આમ તો ભુજ પાલિકા પણ લેણામાં ડુબેલી છે. માત્ર PGVCL પાલિકા પાસે 43 કરોડથી વધુની રકમ માંગે છે. પરંતુ પાલિકા ભુજ શહેરમાં વિવિધ મિલ્કત અને ઘરેલુ જોડાણના વિવિધ વેરા પેટે 26 કરોડ રૂપીયાની વસુલાત બાકી છે. જેની સામે માત્ર 11 કરોડ નજીક પાલિકા પહોંચી શકી છે. અને વર્ષના અંતે 12 કરોડ જેવી વસુલાત થાય તેવી આશા છે. નાણાકીય વર્ષ 2021-22માં કુલ 10 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે. જ્યારે પાણી ગટર મળીને 28 જેટલા કનેક્શન કાપવામાં આવ્યા છે. પાલિકાએ ચિમકી ઉચ્ચારી છે. હજુ પણ આવનારા દિવસોની અંદર પાણી-ડ્રેનેજના કનેક્શન કાપવા, પ્રોપર્ટી સીલ કરવાના પગલાઓ લેવામાં આવશે.જો સમયસર વેરા નહી ભરાય તો.
હવે રજાના દિવસે પણ વેરા માટે સુવિદ્યા
કોવીડ ગાઇડલાઇનને કારણે પાલિકાએ વેરા વસુલાત ઝુંબેશ કડક બનાવી ન હતી. પરંતુ હવે જ્યારે સ્થિતી સામાન્ય બની છે. ત્યારે પાલિકાએ જાહેર જનતાને સમયસર વેરો ભરી જવા અપીલ કરી છે. સાથે મિલકતધારકોને પોતાની મિલ્કત નગરપાલિકામાં ચડાવી રજીસ્ટ્રર કરવા જણાવ્યું છે. સાથે આગામી 31 માર્ચ સુધી જાહેર જનતા ને સગવડરૂપ જાહેર રજા ના દિવસો શનિવાર તેમજ રવિવારે અડધો દિવસ વેરા વસુલાતની કામગીરી નગરપાલિકાના ટેક્સ કાઉન્ટર મધ્યે ચાલુ રાખી છે. તો વર્ષ 2021-22 સુધીના તમામ વેરા જેમણે ભરેલા હશે. તેમના વર્ષ 2022-23 ના લેણા જો 01/04/2022 થી 31/05/2022 સુધીમાં ભરી જશે. તો તેમને ઓફલાઈન 10 % અને ઓનલાઈન 15 % ડિસ્કાઉન્ટ આપવાની પણ જાહેરાત કરી છે.
નગરપાલિકા ટેક્ષ કમીટીના ચેરમેન ધીરેનભાઈ લાલને અપીલ કરી શહેરના વિકાસ માટે ટેક્ષભરી જવા આગ્રહ કર્યો હતો. સાથે સરકારી મિલ્કતોના પણ લાખો રૂપીયાના વેરા બાકી હોય ટાર્ગેટ પુરો કરવા માટે પાલિકા સઘન કાર્યવાહી કરી રહી હોવાનું જણાવ્યું હતું.
Published On - 10:09 pm, Mon, 21 March 22