કેન્દ્ર સરકારના આદેશ અનુસાર 15 માર્ચ 2023થી 100 માઈક્રોનથી નીચેની પ્લાસ્ટીક થેલીનો ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે કચ્છ જિલ્લાની ભુજ નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી થેલીઓ જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં બે દિવસમાં અંદાજીત 720 કિલોગ્રામ પ્લાસ્ટીક બેગ જપ્ત કરવામાં આવી છે. સાથે જ કેટલાક વેપારીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
અગાઉ આ અંગે ઝુંબેશ હાથ ધરવા છંતા પણ પાલિકાના ધ્યાને આવ્યુ હતુ કે શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા 100 માઇક્રોનથી નિચેની થેલીનો ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા ગઇકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ અને લારી ગલ્લા વાળા પાસેથી અંદાજીત 20 કીલો પ્લાસ્ટીકની પ્રતિબંધિત થેલીઓ જપ્ત કરવામાં આવ્યા હતા.
તેમજ અંદાજીત 4300 રૂપીયાનું પ્લાસ્ટીકનું તેમજ સફાઈ ન રાખનાર પાસેથી સફાઈનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તો આજે પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી સાથે હોલસેલ વેપારીઓને ત્યા દરોડો પાડી જલારામ પ્લાસ્ટીક અને સ્વામિનારાયણ પ્લાસ્ટીક પેઢીમાંથી અંદાજીત 700 કીલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ અંદાજીત 1000 રૂપીયાનો પ્લાસ્ટીક રાખવા સબબ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
પાલિકાના ચીફ ઓફીસર તથા પ્રમુખ દ્વારા હોલસેલ તથા છુટક વેપારીઓને નક્કી કરેલા માઈક્રોનથી ઓછા માઈક્રોનવાળા પ્લાસ્ટીક રાખવાનું બંધ કરવાની તાકીદ કરવામાં આવી હતી. તેમજ હજુ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
પાલિકાના ચીફ ઓફીસરે નાગરીકોને અપીલ કરી છે કે પ્લાસ્ટીકની વસ્તુઓનો ઉપયોગ બંધ કરી રોજબરોજના વપરાશમાં ઘરેથી જ કાપડની થેલી લઈને નીકળવા જણાવ્યુ છે સાથે દુકાનો તેમજ લારી-ગલ્લાવાળા સફાઈનો આગ્રહ રાખવાનુ કહી, જો ગંદગી ફેલાવતા કે સફાઈ ના રાખતા ઝડપાશે તો તેઓ દંડ કરવાની પાલિકાએ ચિમકી ઉચ્ચારી છે.