જુનાગઢનું ગૌરવ અને સમગ્ર ગુજરાતનાં હાજી રમકડું તરીકે ખ્યાતિ પામેલા હાજી કાસમ મીરને હજુ બે દિવસ પહેલા જ પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પોતાની અનોખી ઢોલક વગાડવાની કલાને જીવંત રાખવા માટે તેઓ પદ્મ શ્રી થી સન્માનિત થનાર છે. ત્યારે જુનાગઢ તેમજ સમગ્ર ગુજરાતના રત્ન સમા હાજી કાસમનું નામ જ મતદાર યાદીમાંથી કમી કરી દેવાયુ હોવાનો આરોપ કોંગ્રેસના વિપક્ષના નેતા લલિત પણસારાએ લગાવ્યો છે.
વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે કે હાજી કાસમ મીરનુ નામ કમી કરવા માટે વોર્ડ નંબર 7ના ભાજપના જ નગરસેવક સંજય મણવરે અરજી કરી છે. આ સાથે તેમણે કલેક્ટરને આ સંદર્ભમાં કાર્યવાહી કરી ચૂંટણીપંચને પણ જાણ કરે તેવી માગ કરી છે.
આ તરફ કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ પણ સરકાર પર આરોપ લગાવ્યો કે સમગ્ર ગુજરાતમાં હાસ્ય કલાકાર તરીકે નામના મેળવી ચુકેલા શાહબુદ્દીન રાઠોડનું નામ પણ કમી કરવા માટેનો ખેલ કરવામાં આવ્યો છે. દોશીએ આ સાથે SIR ની કામગીરી પર સવાલ ઉઠાવ્યો કે આખરે આ ક્યા પ્રકારની કામગીરી તેઓ કરી રહ્યા છે, રાજ્યભરમાં 12 લાખ જેટલા 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે. તેમણે સુનિયોજિત રીતે ભાજપ અને ચૂંટણી પંચ પર મતદાર યાદીમાંથી નામ કમી કરવાનો કારસો કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો
આ તરફ નામ કમી કરવાની અરજી કરનારા ભાજપના નગરસેવક સંજય મણવરે દાવો કર્યો છે કે હાજી કામસ મીરના આધાર કાર્ડમાં હાજીભઈ મીર નામ છે અને મતદાર યાદીમાં હાજી રાઠોડ નામ છે. તેમના નામે પદ્મશ્રીની જાહેરાત પણ હાજીભાઈ મીરના નામે થઈ છે. ત્યારે હાજીભાઈ રાઠોડ નામ સામે મારો વાંધો હતો. વધુમાં નગરસેવકે ઉમેર્યુ કે તેમના નામનો ખોટો ઉપયોગ ન થાય તે માટે અરજી કરાઈ છે.
આ સમગ્ર વિવાદ પર પદ્મશ્રી હાજી કાસમે જણાવ્યુ કે જુનાગઢમાં વોર્ડ નંંબર 8માં હું વર્ષોથી રહુ છુ ત્યારે મતદાર યાદીમાંથી નામ કમી કરવાનું કૃત્ય દુ:ખદ છે.
અગાઉ ઋત્વિક મકવાણાએ શાહબુદ્દીન રાઠોડનું નામ ગાયબ કરવાનો કર્યો હતો આક્ષેપ
ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પુરાવા સાથે દાવો કર્યો છે કે, ‘SIRની કામગીરીના બહાને વિરોધ પક્ષના સમર્થકો અથવા તટસ્થ લોકોના નામ મતદાર યાદીમાંથી જાણીજોઈને કમી કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિનું નામ રદ કરવા માટે ફોર્મ ભરાવું તે વહીવટી તંત્ર અને ભાજપની આયોજનબદ્ધ બેદરકારી અથવા કુચેષ્ટા દર્શાવે છે. જો પદ્મશ્રી એવોર્ડ વિજેતા સુરક્ષિત ન હોય, તો સામાન્ય નાગરિકોના મત આપવાના અધિકારનું શું થશે તેવો પ્રશ્ન તેમણે ઊઠાવ્યો છે.’
સમગ્ર દેશમાં SIR ની કામગીરીને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરી રહી છે ત્યારે વારંવાર મતદાર સુધારણા દરમિયાન આ પ્રકારના છબરડા સામે આવી રહ્યા છે, જેના કારણે વિપક્ષ પણ ફ્રન્ટ ફુટ પર રમી રહ્યો હોય તેવુ ચિત્ર હાલ ઉપસી રહ્યુ છે.
Published On - 6:22 pm, Tue, 27 January 26