
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાઈ ગયા છે અને અનેક નીચાણવાળા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આવા જ એક બનાવમાં, પાણીના તેજ પ્રવાહના કારણે એક બેઠા પુલ પરથી પસાર થઈ રહેલી ST બસ ફસાઈ ગઈ હતી. માળિયા હાટીનાથી વાંદરવડ જઈ રહેલી આ બસ પુલ પર અધવચ્ચે અટકી પડતા મુસાફરો અને બસ સ્ટાફ ચિંતામાં મુકાઈ ગયા હતા.
જોકે, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જ NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. NDRF દ્વારા ઝડપી અને અસરકારક કામગીરી હાથ ધરીને બસમાં સવાર તમામ મુસાફરો તેમજ ડ્રાઈવર અને કંડકટરનું સફળતાપૂર્વક અને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
માળિયા હાટીના પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ ત્રણ ઈંચથી પણ વધુ વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. આ પ્રકારના દ્રશ્યો ચોક્કસપણે ચિંતા ઉપજાવનારા છે, ત્યારે નાગરિકોને નદી-નાળા અને નીચાણવાળા પુલ પરથી પસાર થતી વખતે વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદના કારણે કેશોદ પંથકનો જીવાદોરી સમાન સાબલી ડેમ ઓવરફ્લો થયો છે. વંથલી તાલુકાના ખોરાસા ગામ નજીક આવેલા સાબલી ડેમના 11 દરવાજા 1.20 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
ડેમમાંથી પાણી છોડાતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને વંથલી તાલુકાના ખોરાસા અને સેંદરડા તેમજ કેશોદ તાલુકાના મઘરવાડા, માણેકવાડા સહિતના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ નદીના પટમાં અવરજવર ન કરવા અને પાણીની નજીક ન જવા તંત્રએ અપીલ કરી છે, જેથી કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય.
વીજપોલ વળતર મુદ્દે ખેડૂત આંદોલનનો અંત! સરકારની મોટી જાહેરાત, જુઓ Video