ચોમાસાની સિઝનમાં જુનાગઢના જોષીપુરા વિસ્તારમાંથી પસાર થવુ એટલે જાણે જંગ જીતીને પરત આવવા સમાન છે. તેનુ કારણ છે જોષીપુરાવાસીઓના માથાનો દુખાવો બની ગયેલી ટ્રાફિની સમસ્યા. અહીં એટલી હદે ટ્રાફિકની સમસ્યા છે કે સ્થાનિકો તો ઠીક બહારથી આવતા લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્ર દ્વારા આ સમસ્યાના નિવારણ માટે જોષીપરામાં ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. પરંતુ આ ઓવરબ્રિજનો નિર્ણય હવે તંત્ર માટે ગળાની ફાંસ બની ગયો છે.
જોષીપરા ઓવરબ્રિજની ડિઝાઇન રાતોરાત બદલી નાંખવામાં આવતા હવે આ પ્રોજેક્ટ વિવાદમાં આવ્યો છે. ઓવરબ્રિજના પ્લાનમાં અગાઉની જે H આકારની ડિઝાઇન હતી તે મુજબ તેનું એસ્ટીમેટ તૈયાર કરવામાં આવ્યું. બ્રિજની ચારે બાજુ રસ્તો ઉતરતો હોવાથી તેની એસ્ટીમેટ કોસ્ટ 110 કરોડ રૂપિયા થતી હતી. પરંતુ પૂરતી ગ્રાન્ટ ન હોવાથી બ્રિજને બે તબક્કામાં બનાવવાનો નિર્ણય લેવાયો. આથી બ્રિજની અડધી ડિઝાઈન મુજબનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. પરંતુ નવી ડિઝાઇન મુબજ રસ્તો સાંકડો થઇ જવાથી સમસ્યા ઘટવાને બદલે વધે તેમ છે. પરંતુ મનપાના પદાધિકારીઓ આ વાતમાં કોઇ તથ્ય ન હોવાનો કરી રહ્યા છે દાવો.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે બ્રિજની ડિઝાઇન બદલાઇ ગઇ તેનાથી ખુદ ભાજપના જ ધારાસભ્ય સંજય કોરડીયા અજાણ છે. ધારાસભ્ય પોતે સ્વીકારે છે કે અગાઉની જે ડિઝાઇન બનાવવામાં આવી ત્યારે તેઓેએ સાથે બેસીને બનાવી હતી પરંતુ ત્યારબાદ ડિઝાઇનમાં અચાનક જ ફેરફાર કરવામાં આવ્યો. ગ્રાન્ટના અભાવે ડિઝાઇનમાં ફેરફાર કર્યો હોવાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના દાવાનો પણ ધારાસભ્ય છેદ ઉડાડે છે. ધારાસભ્યએ કહ્યું કે સરકાર બમણી ગ્રાન્ટ આપવા તૈયાર છે. પરંતુ ઓવરબ્રિજની હાલની ડિઝાઇનથી ટ્રાફિકનો પ્રશ્ન વધુ ન વકરે તે જોવું જરૂરી છે.
જો કે જુનાગઢના મેયર તો આ બધાથી કંઇક અલગ જ રાગ આલાપી રહ્યા છે. સ્ટેન્ડિંગ ચેરમેનનું કહેવું છે કે બ્રિજની ડિઝાઇનને મેં બદલાવી છે અને તેને મંજૂરી મળી ચૂકી છે. પરંતુ મેયરનું કહેવું છે કે ડિઝાઇન શહેરી વિકાસ મંત્રાલયમાંથી બદલવામાં આવી છે.
જોષીપરામાં ઓવરબ્રિજ મુદ્દે ભાજપ શાસિત મહાનગરપાલિકા અને ભાજપના જ ધારાસભ્ય સામસામે આવી ગયા છે. બીજી તરફ શહેરીજનો અને આગેવાનો પણ બ્રિજની ડિઝાઇન બદલાવવા મુદ્દે ઉઠાવી રહ્યા છે સવાલો. લોકોનું કહેવું છે કે અગાઉ જોષીપરા રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ માટે H આકારની ડિઝાઇન એટલે કે ચાર તરફ આવન-જાવન થઇ શકે તે પ્રકારની હતી. હવે તે ડિઝાઇનમાં અચાનક ફેરફાર કરી S આકારની ડિઝાઇન બનાવવામાં આવી. જેના કારણે જૂનાગઢના પ્રવેશદ્વાર સમા રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધીનો હેરિટેજ રસ્તો જે ચાર માર્ગીય છે તે ખૂબ સાંકડો થશે અને ટ્રાફિક સમસ્યા વધુ વકરશે.
કોંગ્રેસે પણ મનપાના શાસકોની દાનત સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે ઓવરબ્રિજ બનાવવા માટે જે વચ્ચે પીલર આવે છે તે પીલર રેલવે ટ્રેકની બંને બાજુની સરકારી જમીન પર બને તે પ્રકારની ડિઝાઇન હતી. જે સુગમ હતી અને કોઇને અડચણરૂપ નહોતી. પરંતુ શાસકોએ રાતોરાત ડિઝાઇન બદલાવી અને પોતાના અંગત આર્થિક સ્વાર્થ માટે આ ટેન્ડરને મંજૂરી આપી શહેરીજનોને મુશ્કેલીમાં મુક્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
જુનાગઢમાં મનપા બની તેને બે દાયકા થઇ ગયા છે. પરંતુ મનપાના શાસકોની અણઆવડત અને બેદરકારીને કારણે શહેરમાં હજુ સુધુ એક પણ ઓવરબ્રિજ બની શક્યો નથી. હવે ઓવરબ્રિજ તો બની રહ્યો છે. પરંતુ તેમાં પણ મનપાના શાસકોની મેલી મુરાદ સામે શહેરીજનોમાં રોષ ફાટી નીકળ્યો છે.