
Junagadh : રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત સાચી સાબીત થતી એક ઘટના જૂનાગઢમાં બની છે. જૂનાગઢ જિલ્લામાં ગીરનાર પર્વત પર એક અજીબો ગરીબ ઘટના બની છે. 5 જુલાઇના રોજ મૂળ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના વતની એવા વૃદ્ધ જૈન સમુદાયના મદન મોહન ગિરનાર પર દર્શન કરવા માટે ગયા હતા. જો કે તેઓ અચાનક 500 ફૂંટ ઊંડી ખીણમાં ખાબકી ગયા હતા. જો કે તેમને 12 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ ઓપરેશન કરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
મદન મોહન નામના વૃદ્ધ 5 જુલાઈના રોજ ગિરનાર પર જૈન દેરાસરના દર્શન કરવા ગયા હતા. તેઓ એક સંઘ અને પરિવારના કેટલાક સભ્યો સાથે દર્શન કરવા માટે નીકળ્યા હતા. જો કે દર્શન કરીને પરત ફરતા સમયે તેમનો સંઘ તેમનાથી વિખુટો પડી ગયો હતો. પરિવાર અને સંઘ દૂર થઇ જતા વૃદ્ધ ખૂબ જ ગભરાઇ ગયા હતા. તેઓ ભૂખ્યા અને તરસ્યા પણ હતા. દર્શન કરી તે પોતે પાણીની શોધમાં હતા. જો કે પાણીની શોધ દરમિયાન સીડી ઉપરથી 500 ફૂટ નીચે ખીણમાં પડ્યા હતા.
સંઘ અને પરિવારજનોએ વૃદ્ધના ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ SDRFની ટીમ અને ભવનાથ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. જે પછી તેમની શોધખોળ શરુ કરવામાં આવી હતી. તેમનું છેલ્લુ લોકેશન જાણીને ટીમે તેમનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ હતુ. રાત્રે 4 વાગ્યાની આસપાસ તેમનું લોકેશન મળી ગયુ હતુ. જો કે ભારે વરસાદ અને અંધકારના કારણે પોલીસે પોતાની ટીમને સ્ટેન્ડ બાય રાખવી પડી હતી. જે પછી સવારે અજવાળુ થતા રેસ્ક્યૂ શરુ કરવામાં આવ્યુ હતુ.
લગભગ 12 કલાક સુધી તેમનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ખીણમાં ઝરણા અને પથ્થરોની વચ્ચેથી વૃદ્ધ મદન મોહનને બહાર કાઢવા ખૂબ જ મુશ્કેલી ભર્યુ હતુ. જો કે SDRFની ટીમ અને ભવનાથ પોલીસની ટીમે ખૂબ જ મહેનત કરી હતી. વૃદ્ધ ખીણમાં ઝાડીઓ વચ્ચે ફસાયેલા હતા. મદન મોહનજીએ મીડિયાને જણાવ્યા પ્રમાણે તેઓ ખીણમાં ખાબક્યા ત્યારે તેઓ હલી પણ ન શકે તેવી જગ્યાએ ફસાયા હતા. પોલીસ, વન વિભાગ અને SDRFની ટીમે ઝાડીઓ કાપીને તેમને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
વૃદ્ધને બહાર કાઢ્યા બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધને સહી સલામત રીતે પરિવાર સાથે મિલન કરાવતા વૃદ્ધના પરિવારજનોએ પોલીસ, વન વિભાગ, એસડીઆરએફ અને જિલ્લા તંત્રનો આભાર માન્યો હતો.
(with input – Vijaysinh Parmar, Junagadh)
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો