
જુનાગઢના અતિ વ્યસ્ત એવા કડિયાવાડ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ. અહીં આવેલા જર્જરીત લક્ષ્મી એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી અચાનક પ્લાસ્ટરનું પોપડુ ધડાકાભેર નીચે પડતા ત્યાંથી પસાર થઈ રહેલ એક મહિલાને માથાના ભાગે તેમજ હાથમાં ગંભીર ઈજા પહોંચી. હાલ આ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે અગાઉ આ જ વિસ્તારમાં જર્જરીત ઈમારત ધરાશાયી થતા 4 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે સમયે મનપા દ્વારા મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા. જર્જરીત ઈમારતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ તંત્ર જાણે માત્ર દાવા કરવામાં જ માને છે. જમીની કામગીરી દેખાતી નથી. આજે જે પ્રકારે જર્જરીત ઈમારતનો એક ભાગ ધરાશાયી થયો છે તે જ સાબિત કરે છે કે તંત્ર માત્ર કાગળ પર પોકળ દાવા કરે છે. હજુ સુધી જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાલ તો ઈજાગ્રસ્ત મહિલાના પતિ અને કડિયાવાડ વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ હાર્દીક ચંદારાણાએ તંત્રની નિષ્ક્રિયતા સામે લડત આપવાનું એલાન કર્યુ છે.તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો જર્જરીત મકાનો અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ આવતીકાલે ઉપવાસ પર બેસશે. જર્જરીત ઈમારતને કારણે આ ઘટના બાદ આસપાસના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ત્યારે નોટિસ આપવા છતા જોખમી બિલ્ડિંગ કેમ ઉતારી લેવામાં આવતી નથી. જો ભરબજારમાં આ ઈમારતનો ભાગ ધરાશાયી થયો હોત તો મોટી જાનહાનિ સર્જાઈ હોત. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જુનાગઢ મનપા શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય પછી જ જાગશે.
હાલ આ ઘટનાને પગલે ભાજપના જ કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખસીયાએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, અમે આ અંગે બે મહિના પહેલા મનપા કમિશનરને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી કે આ બિલ્ડીંગ જોખમી છે છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. શાસક પક્ષના જ પ્રતિનિધિની રજૂઆતને તંત્ર ઘોળીને પી ગયું હોય તેવું જણાઈ રહ્યુ છે. હાલ તો તંત્રની બેદરકારીને કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
Published On - 4:24 pm, Sun, 5 April 26