Junagadh: જૂનાગઢનું ખાડે ગયેલું તંત્ર, ખસ્તાહાલ રસ્તાથી જનતા પરેશાન

જૂનાગઢ મનપાનું 395.61 કરોડનું બજેટ (Budget) છે જેમાં 23 કરોડ રૂપિયા રસ્તા પાછળ વાપરવાની જોગવાઇ છે. આ મામલે ટીવી નાઇને શહેરીજનોની સમસ્યા જ્યારે સત્તાધીશો સમક્ષ રજૂ કરી તો એ જ જૂનો પુરાણો જવાબ સાંભળવા મળ્યો.

Junagadh: જૂનાગઢનું ખાડે ગયેલું તંત્ર, ખસ્તાહાલ રસ્તાથી જનતા પરેશાન
| Edited By: | Updated on: Aug 22, 2022 | 8:05 PM

રાજ્યના અન્ય શહેરોની જેમ જ જૂનાગઢમાં (Junagadh) રસ્તા અને ખાડાની સમસ્યા વકરેલી છે. જૂનાગઢના રસ્તા (Broken Road) એટલા ખરાબ છે કે જે સાજી સારી વ્યક્તિને આ રસ્તા પર મુસાફરી કરીને કમરની સમસ્યા કે હાડકા ભાંગવાની સમસ્યા થઈ શકે છે. પ્રવાસન નગરી તરીકે જાણીતા જૂનાગઢમાં કેટલાય પ્રવાસીઓ આવે છે પરંતુ પ્રવાસીઓ (Tourist) અને સ્થાનિકો રસ્તાને બદલે ખાડા પર મુસાફરી કરીને ત્રસ્ત થઈ ગયા છે. સ્થાનિકોને રોજબરોજ અકસ્માતનો ભય રહે છે.

પ્રવાસન નગરી નહીં પરંતુ ખાડાનગરી બન્યું જૂનાગઢ

પ્રવાસન નગરી તરીકે ઓળખાતું જૂનાગઢ આજકાલ ખાડાગઢ તરીકે પ્રચલિત બની રહ્યું છે અને જૂનાગઢને આ નવી ઓળખ મળી છે બિસ્માર રસ્તાઓને પગલે. ચોમાસામાં પડેલા વરસાદમાં જૂનાગઢના રસ્તા નર્કાગાર સમાન બની ગયા છે. કોઇ એક વિસ્તાર નહીં, પરંતુ જૂનાગઢના મોટાભાગના રસ્તાઓ પર ખાડાની સમસ્યા છે. શહેરના વાડલા ફાટક, મધુરમ ચાર રસ્તા, મોતીબાગ, કોલેજ રોડ, કાળવા ચોક, જયશ્રી રોડ, બસ સ્ટેન્ડ રોડ, જોશી પરા વિસ્તાર સહિતના રસ્તાઓનો સમાવેશ થાય છે.

 

અહીંથી પસાર થતા વાહનચાલકો એ સમજી જ નથી શકતા કે ખાડામાં રસ્તા છે, કે પછી રસ્તામાં ખાડા. ખુદ જૂનાગઢવાસીઓ તો ઠીક, પરંતુ અહીં ફરવા આવતા પ્રવાસીઓ પણ રસ્તાની કમઠાણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જૂનાગઢમાં રસ્તાની ખસ્તા હાલતથી શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તામાં એવા તો ખાડા છે કે રોજ પાંચ-દસ વાહન ચાલકોના કમરના મણકા ઢીલા થઇ રહ્યા છે.

રોડ રસ્તાનું 23 કરોડ રૂપિયા બજેટ કયાં વપરાયું?

આપને જણાવી દઇએ કે જૂનાગઢ મનપાનું 395.61 કરોડનું બજેટ (Budget) છે જેમાં 23 કરોડ રૂપિયા રસ્તા પાછળ વાપરવાની જોગવાઇ છે. આ મામલે ટીવી નાઇને શહેરીજનોની સમસ્યા જ્યારે સત્તાધીશો સમક્ષ રજૂ કરી તો એ જ જૂનો પુરાણો જવાબ સાંભળવા મળ્યો. મનપાના મેયર ગીતા પરમારે દોષનો ટોપલો મેઘરાજા પર ઢોળી દીધો. સાથે જ ઠાલું વચન પણ આપ્યું કે ઉઘાડ નીકળે ત્યારે યુદ્ધના ધોરણે રસ્તા રીપેરની કામગીરી કરવામાં આવશે.

હવે ઉઘાડ ક્યારે નીકળે છે અને ક્યારે મનપા તંત્ર રસ્તા રીપેરની કામગીરી કરે છે તે સમય બતાવશે, પરંતુ અહીં સવાલ એ સર્જાય છે કે રસ્તા માટે અનામત રાખેલા કરોડો રૂપિયા વપરાય છે ક્યાં? કેમ કરોડોના બજેટ બાદ પણ રસ્તાની ખસ્તા હાલત છે? ત્યારે જોવાનું એ રહે છે કે મનપાનું તંત્ર નગરજનોને સારા રસ્તાનું સુખ ક્યારે આપે છે.

 

વિથ ઇનપુટ્ ક્રેડિટઃ વિજયસિંહ પરમાર , જૂનાગઢ

Published On - 7:33 pm, Mon, 22 August 22