ગુજરાતમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે તે કેસર કેરીનું આગમન જૂનાગઢના માર્કેટ યાર્ડમાં થઈ ગયું છે . આખા ગુજરાતમાં તાલાલાની કેસર કેરી ખૂબ જ જાણીતી છે ત્યારે કેરીના રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે કે તાલાલા પંથકની કેસર કેરીના 15 બોક્સની આવક થઈ છે. આ કેરીના 10 કિલોના 2500 થી 3500 રૂપિયા ભાવ બોલાયા હતા. નોંધનીય છે કે ગત વર્ષે 1.56 લાખ મેટ્રિક ટનથી વધુ કેરીનું ઉત્પાદન થયું હતું. જેની સામે આ વર્ષે 30 ટકા કેસર કેરીનું ઉત્પાદન વધવાની શક્યતા છે.
ગુજરાત વાસીઓ કેરીની સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીનો સ્વાદ માણતા હોય છે તાલાલા ગીરની કેસર, કચ્છની કેસર તેમજ વલસાડની હાફુસ કેરી ગુજરાત અને દેશ વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે.
ગુજરાતમાં દર વર્ષે મોટા પ્રમાણમાં કેરી ખવાતી હોય છે ત્યારે લોકો આતુરતા પૂર્વક કેરીની રાહ જોતા હોય છે સામાન્ય રીતે કેરીની સિઝન મે મહિનામાં જામતી હોય છે જોકે સિઝન સાનુકૂળ રહે તો કેરીની સિઝન માર્ચ મહિનાથી શરૂ થઈ જાય છે અને તે જૂન કે જૂલાઈ મહિના સુધી ચાલે છે જો માવઠું ન થાય કે વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર ન થાય તો કેરીનો પાક પુષ્કળ પ્રમાણમાં ઉતરતો હોય છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઓર્ગેનિક કેરીની માંગમાં પણ વધારો થયો છે ત્યારે તાલાલા સહિત ગીરમાં અને તેની આસપાસ આવેલા આંબાવાડિયામાં ઓર્ગેનિક કેરીનો પાક લેવાનું પ્રમાણ પણ વધ્યું છે. કેરીની સિઝન જામતા ગુજરાતના વિવધ શહેરોમાં આમ્રઉત્સવ અંતર્ગત ખેડૂતોને કેરીના વેચાણ માટે સીધું બજાર પણ પૂરૂ પાડવામાં આવતું હોય છે.
Published On - 8:26 am, Fri, 3 March 23