જૂનાગઢમાં (Junagadh)ભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો હતો અને ભવનાથ સહિત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે શહેરના રસ્તાઓ જાણે નદી બની ગયા હતા. તો તળેટી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા (Waterlogging)લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. તો ખરાબ વાતાવરણને પગલે રોપ વે (Ropeway Junagadh) બંધ કરીને 40 પ્રવાસીઓને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા હતા.
જૂનાગઢમાં આજે ફરીથી ગિરનાર ઉપર જવાનો રોપ-વે બંધ કરવામાં આવ્યો છે. ખરાબ હવામાનના કારણે રોપ-વે બંધ કરવામાં સહેલાણીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. વાદળોથી ગિરનાર ઘેરાઈ જતા રોપ-વે ચલાવવામાં તકલીફ પડી હતી. જેના કારણે 40 પ્રવાસીઓને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા હતા. ખરાબ વાતાવરણના કારણે આજે માત્ર બે કલાક રોપ-વે શરૂ રહ્યો હતો. તંત્રના જણાવ્યા મુજબ વાતાવરણ અનુકૂળ થયા બાદ રોપ-વેની સેવા ફરી શરૂ કરવામાં આવશે.
છેલ્લા બે ત્રણ દિવસથી થઈ રહેલા વરસાદને પગલે ભારે વરસાદને પગલે જૂનાગઢ જિલ્લા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ખાસ કરીને, પવિત્ર દામોદર કૂંડમાં નવા નીર આવ્યા છે. પાણી વહેતા દામોદર કૂંડ જાણે કે જીવંત બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો સોનરખ નદીમાં પણ નવા નીર આવ્યા હતા. ગિરનાર પર 4 ઇંચ જેટલો વરસાદ પડી જતાં પર્વત પરથી ઝરણાં વહેતાં થયાં છે. પ્રવાસીઓએ વરસાદને પગલે ગિરનાર પરથી વહેતા પાણીમાં ન્હાવાની મજા માણી હતી અને મોબાઇલમાં આ અપ્રતિમ સૌંદર્યના વીડિયો પણ લીધા હતા. જોકે વરસાદને પગલે ગિરનાર પર અવરજવર માટે રોપ વે બંધ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢમાં ગિરનારનું સૌંદર્ય એવું ખીલે છે જે દૂરથી પણ દેખાય છે અને ખાસ આ જ નજારો જોવા માટે કેટલાક પ્રવાસીઓ દૂરદૂરથી આવતા હોય છે અને પ્રકૃતિના ખોળે સમય વિતાવવાનું પસંદ કરતા હોય છે. થોડા દિવસ અગાઉ પણ ગિરનાર પરથી વહેતા પાણીનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે ગિરનારની વિવિધ કંદરાઓમાંથી વહેતા પાણીને લીધે શિવજીની જટામાંથી ગંગાજી વહી રહ્યા હોય તેવો નજારો સર્જાયો હતો. જૂનાગઢમાં વરસાદ થતા હંમેશાં નયનરમ્ય નજારો જોવા મળતો હોય છે અને પ્રવાસીઓ ખાસ આ કુદરતી દ્રશ્યોને માણવા માટે જૂનાગઢની મુલાકાત લેતા હોય છે.
Published On - 6:29 pm, Mon, 4 July 22