
જૂનાગઢને (Junagadh) ફાટકમુક્ત બનાવવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજની સુવિધા માટેનું (Underbridge ) વર્ષો જૂનું શહેરીજનોનું સપનું હવે સાકાર થશે. રાજ્ય સરકાર દ્વારા શહેરમાં ઓવરબ્રિજ અને અંડરબ્રીજના 56 કરોડ 40 લાખના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. તો જૂનાગઢના હાર્દ સમાન નરસિંહ મહેતા તળાવના (Narsinh Mehta talav) બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકારે વધુ એક વખત ગ્રાન્ટની જાહેરાત કરી છે, જેમાં તળાવના ફરતે રિંગરોડ, એમ્પેક્મેન્ટ, પ્રોટેકશન વોલ, પ્રોમિનાડ વોક વે, બોટિંગ, ટ્રી પ્લાન્ટેશન, આઇલેન્ડ સહિતના ડેવલપમેન્ટની મંજૂરી મળી છે. જયારે શહેરના બસ સ્ટેન્ડ નજીક ઓવરબ્રિજ અને રેલવે સ્ટેશન પાસે અંડરબ્રિજ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. હવે ટૂંક સમયમાં આ કામ શરૂ કરવામાં આવશે એવું શહેરના મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું.
જૂનાગઢ શહેરમાં ઓવરબ્રિજ, અંડરબ્રિજ અને તળાવના કામને મંજૂરી મળી છે તે કામને વિપક્ષના ચૂંટણીના પ્રોપોગેંડા ગણાવી રહ્યું છે. આ અંગે કોંગ્રેસી કોર્પોરેટરે લલિત પરસાણાએ જણાવ્યું હતું કે ઓવરબ્રિજ માટે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 86 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી માત્ર કાગળો ઉપર જ નકશા બન્યા છે. આ બ્રિજની કન્સ્ટીંગ ફિ ચૂકવાઈ ગઈ, પરંતુ ઓવરબ્રિજ હજુ સુધી બન્યો નથી ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ કામો મંજૂર કરવામાં આવ્યા છે. હજી તો આ વખતે ચૂંટણી પહેલા વિકાસ કામોના વચનોની લહાણી કરતી સરકાર દ્વારા ઓવરબ્રિજ બનાવાશે કે નહી એ જોવાનું રહ્યું
જૂનાગઢના હાર્દસમાન નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકારે વધુ એક વખત ગ્રાન્ટની જાહેરાત કરી છે. જેમાં તળાવના ફરતે રિંગરોડ, એમ્પેક્મેન્ટ, પ્રોટેકશન વોલ, પ્રોમિનાડ વોક વે, બોટિંગ, ટ્રી પ્લાન્ટેશન, આઇલેન્ડ સહિતના ડેવલોપમેન્ટની મંજૂરી મળી છે. અગાઉ 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવ્યા બાદ હાલ રાજ્ય સરકારે વધુ 28 કરોડ 32 લાખની ગ્રાન્ટ મંજૂર કરી છે. મહા નગરપાલિકાના સતાધિશોના જણાવ્યા પ્રમાણે આગામી મહિનાથી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે અને આવનાર 2 માસમાં તળાવનું બ્યુટિફિકેશનનું કામ શરૂ થઈ જશે.
ટુરિઝમ પ્લેસ તરીકે વૈશ્વિક નકશામાં ઉભરી આવેલા જૂનાગઢના વિકાસમાં સ્થાનિક સતાધીશો ઉણા ઉતર્યાં છે. રાજ્ય સરકાર દ્વારા વિકાસઅર્થે સમયાંતરે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. છેલ્લા 7 વર્ષમાં નરસિંહ મહેતા તળાવ માટે કુલ 48 કરોડ 32 લાખ ફાળવ્યા છે, પરંતુ મહા નગરપાલિકાના સતાધિશો ગ્રાન્ટની રકમ નકશા અને ડિઝાઈન બનાવવામાં તેમજ કન્સલ્ટીંગ ચાર્જમાં વેડફી નાખે છે ત્યારે ફરી વખત ગ્રાન્ટ મંજૂર થઈ છે ત્યારે શહેરીજનોમાં સવાલ ઉઠયો છે કે તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ક્યારે હાથ ધરવામાં આવશે
Published On - 9:06 pm, Wed, 20 July 22