જુનાગઢ તોડકાંડના આરોપી સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તરલ ભટ્ટની નાટકીય ઢબે ગુજરાત એટીએસએ ધરપકડ કર્યા બાદ તેને આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમા એટીએસએ તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. તરલ ભટ્ટ છેલ્લા 7 દિવસથી ફરાર હતો. ધકપકડ બાદ પણ તપાસમાં સહયોગ ન કરતા હોવાનું અને ગોળ ગોળ જવાબો આપતા હોવાનુ સામે આવ્યુ છે.
જુનાગઢ તોડકાંડના માસ્ટર માઈન્ડ PI તરલ ભટ્ટ પર હવે ગુજરાત ATSએ બરાબરનો સકંજો કસ્યો છે અને ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની દેખરેખ હેઠળ આ સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે ત્યારે તરલ ભટ્ટ હવે છટકી શકે તેમ નથી. જોકે નામ ભલે તરલ હોય પરંતુ આ સસ્પેન્ડેડ પોલીસ ઈન્સપેક્ટર અને માણાવદરના સર્કલ પીઆઈ તરીકે ફરજ બજાવતા તરલ ભટ્ટ બિલકુલ સરળ નથી.
એટીએસની ટીમે કોર્ટ સમક્ષ તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માગ રાખી હતી. જેમા જણાવ્યુ હતુ કે તેઓ તપાસમાં સહયોગ નથી કરી રહ્યા અને ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે. તોડકાંડના આરોપી તરલ ભટ્ટ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલ તેમની સામે 386 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી ત્યારબાદ એકાઉન્ટ અનફ્રીઝ કરવા બાબતે તોડ કરવાનો આરોપ છે અને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે જુદા જુદા અધિકારીઓને હાથો બનાવી 22 લાખથી વધુ રકમની માગ કરી હતી.
માણાવદરના CPI તરલ ભટ્ટે ગુનાહિત કાવતરુ રચી ખોટી રીતે બેંક એકાઉન્ટની માહિતી મેળવી પેનડ્રાઈવમાં છુપાવી હતી. મોબાઈલમાં સ્ટોર કરેલા નંબરની તપાસ માટે પૂછપરછ કરાશે. FSL માં મોકલીને ડેટા રિકવરની કાર્યવાહી કરાશે. તરલ ભટ્ટનો એક ફોન કબ્જે કરાયો છે અને અન્ય ત્રણ ફોનની તપાસ શરૂ છે.
ઈ-ગેમિંગમાં થયેલા આર્થિક વ્યવહારને લઈને બેંક એકાઉન્ચ ફ્રીઝ કરીને અનફ્રીઝ કરવાના બદલામાં લાખો રૂપિયાનો તોડ કરવાના આરોપમાં પીઆઈ તરલ ભટ્ટ, એ એમ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરી ત્રણેય સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ સંદર્ભે ડીવાયએસપી એસ એલ ચૌધરી અને અન્ય સ્ટાફ દ્વારા તરલ ભટ્ટના સોલામાં વિશ્વાસ સિટી પાસે આવેલ શિવમ રેસીડેન્સી ખાતેના ફ્લેટમાં સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી.આ સર્ચ દરમિયાન પેન ડ્રાઈવ, અમુક ડિજિટલ ડોક્યુમેન્ટ્સ કબ્જે કરાયા હતા. તેને હાલ FSLમાં મોકલવામાં આવ્યા છે.
પોલીસ તરલ ભટ્ટ અને તેમના પરિવારના બેંક એકાઉન્ટની પણ તપાસ કરશે. જુનાગઢ એસઓજી પીઆઈ એ એમ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીના જુનાગઢ સ્થિત મકાનની પણ તપાસ કરવામાં આવશે. જો કે તરલ ભટ્ટે એટીએસને ક્યા ક્યા પુરાવા જપ્ત કર્યા છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી આપી નથી. પોલીસે 21 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધીના સીસીટીવીની પણ તપાસ કરી રહી છે. જેથી તે ક્યા ગયા કોને મળ્યા તેના પર પણ નજર રાખી શકાય..
ગુજરાત પોલીસને શર્મસાર કરનાર જુનાગઢ તોડકાંડના માસ્ટરમાઈન્ડ તરલ ભટ્ટ સામે ફરિયાદ નોંધાયા બાદ સાતમાં દિવસે તેની ધરપકડ કરવામાં આવે છે. 26 જાન્યુઆરીએ જુનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વમાં હાજરી આપ્યા બાદ થોડા કલાકોમાં જ તરલ ભટ્ટ સહિત SOG PI એ.એમ. ગોહિલ અને એ.એસ.આઈ દીપક જાની સામે ફરિયાદ નોંધાઈ તે પછીથી સૂત્રધાર તરલ ભટ્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. બનાવની ગંભીરતા જોઈ ડીજીપીએ ગુજરાત એટીએસને તપાસ સોંપી હતી. એટીએસના પ્રયાસો છતા ચાર દિવસથી એટીએસને હાથતાળી આપી છટકી ગયેલા તરલ ભટ્ટની શુક્રવારે કોર્ટમાં રજૂ થાય તે પહેલા વહેલી સવારે અમદાવાદ રિંગ રોડ નજીકથી ધરપકડ કરાઈ હતી.
એટીએસના જણાવ્યા મુજબ તરલ ભટ્ટ બે દિવસ ઈન્દોર, મહાકાલેશ્વર અને એક દિવસ શ્રીનાથજીમાં રોકાણ કર્યુ હતુ. જો કે અન્ય ચાર દિવસ તે ક્યાં હતો અને કોની કારમાં ભ્રમણ કરી રહ્યો હતો તેને લઈને કોઈ વિગતો જાહેર કરાઈ નથી. હાલ તોડકાંડને લઈને તરલ ભટ્ટ સામે પુરાવા એકત્ર કરાયા છે. તરલ ભટ્ટ સામે ફરિયાદ કરનાર ફરિયાદી કાર્તિક ભંડેરીનું પણ નિવેદન કોર્ટ સમક્ષ કલમ 164 હેઠળ નોંધવામાં આવ્યુ છે.
વર્ષ 2008ન બેચના પીએસઆઈ તરલ ભટ્ટની 2014થી 2024 સુધીમાં આર્થિક કૌભાંડના આરોપસર બે વાર જિલ્લા બદલી થઈ ચુકી છે. વર્ષ 2014માં એક લાખ રૂપિયાની લાંચ માગવા મુદ્દે તરલ ભટ્ટ સામે હેબિયસ કોપર્સ કરવામાં આવી હતી. જેમા હાઈકોર્ટના આદેશ બાદ તરલ ભટ્ટની અમદાવાદથી જિલ્લામાંથી બદલી કરાઈ હતી. 10 વર્ષના ગાળામાં બીજીવાર વર્ષ 2023માં માધવપુરા સટ્ટાકાંડમાં તોડકાંડથી તરલ ભટ્ટની બદલી જુનાગઢમાં કરાઈ હતી વર્ષ 2024માં જુનાગઢ તોડકાંડ બાદ હવે માણાવદર સેક્સટોર્શન કેસમાં તોડકાંડનો આરોપ તરલ ભટ્ટ સામે છે.
આ પણ વાંચો: બજેટમાં જળાશયો અને જળસંચય માટે 11,535 કરોડની જોગવાઇ, બંદરોના વિકાસ- વાહનવ્યવહાર માટે 3858 કરોડ ફાળવાશે
માણાવદર તાલુકાના દડવા ગામના એક યુવકે સેક્સટોર્શનના કારણે આપઘાત કરી લીધો હતો. આ કેસમાં તત્કાલિન સીપીઆઈ રહેલા તરલ ભટ્ટે બે આરોપીઓને સુરતથી પકડ્યા હતા. આ મલ્ટીલેયર ટોળકીના સભ્યોના ખાતામાં 67 કરોડના વ્યવહાર સામે આવ્યા હતા. જેમા અન્ય કોઈ આરોપીઓને પકડ્યા ન હતા. સાયબર ક્ષેત્રના નિષ્ણાંત હોવાની છબી બનાવનાર તરલ ભટ્ટે આ કેસમાં સુરતથી બે આરોપીને પકડ્યા હતા. આ શખ્સોના એકાઉન્ટમાં હનીટ્રેપ, સેક્સટોર્શન, ઓનલાઈન જુગાર, ક્રિકેટ સટ્ટા અંગેના કરોડોના વ્યવહાર મળ્યા હતા. આ ખાતાઓ અંગેની તપાસનો વીંટો વાળી દેવામાં આવ્યો હતો અને આ મામલે પણ તોડ કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હોવાથી ફેરતપાસ આરંભાઈ હોવાનુ ઉચ્ચ પોલીસ સૂત્રોનું કહેવુ છે. આ તપાસ પણ શંકાસ્પદ હોવાની ફરિયાદીની રજૂઆતને ધ્યાને લઈ જુનાગઢ રેન્જ આઈજીપીએ માણાવદરમાં દાખલ ફરિયાદ અંગે ફેર તપાસ કરવા કેશોદ dyspને આદેશ કરાયો છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:00 pm, Sat, 3 February 24