
Jamnagar: જામનગર જીલ્લા પંચાયતમાં (Jamnagar District Panchayat) મોટાભાગની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. અધિકારી-કર્મચારીઓની ખાલી જગ્યાના કારણે વિકાસના કામમાં નિયમિત થઈ શકતા નથી. આ માટે શાસકોએ પણ અધિકારીઓની ભરતી કરવાની માંગ કરી છે. કરાર આધારીત કર્મચારીઓને ભરતી કરવાની પરવાનગી માંગી છે. તેનો ખર્ચ જીલ્લા પંચાયત સ્વભંડોળમાંથી ચુકવવાની તૈયારી બતાવી છે.
જામનગર જીલ્લા પંચાયત પાસે વિવિધ વિભાગના વિકાસ કાર્યો માટે પૂરતી ગ્રાન્ટ છે. આયોજન છે, મંજુરી છે, છતાં પણ કામ થઈ શકતા નથી. કારણ કે લાંબા સમયથી અધિકારીઓની ખાલી જગ્યા ભરાયેલી નથી. જીલ્લા પંચાયતમાં મોટાભાગના વિભાગમાં જગ્યાઓ ખાલી છે. જીલ્લા પંચાયતમાં ગ્રામ્ય વિસ્તારોમાં રોડ, રસ્તા, આરોગ્ય, પશુપાલન સહિતના વિવિધ સવલતો આપવામાં આવે છે. આ માટે અનેક યોજના અમલી હોય છે.
જામનગર જીલ્લામાં આવા તમામ કામો નિયમિત થઈ શકતા નથી. આ કામ કરવા માટે જરૂરી સ્ટાફ ના હોવાથી કામમાં વિલંબ થાય છે. કામ મંજુર હોય, ગ્રાન્ટ હોય તેમ છતાં કામ સમયમર્યાદામાં પૂર્ણ થતાં નથી. ગ્રામ્ય વિસ્તારોમાં કામ માટે મંજુરી પ્રક્રિયા થાય છે. પરંતુ કામ થઈ શકતા નથી. પુરતો સ્ટાફ ના હોવાથી આયોજન મુજબના કામ સમયસર થઈ શકતા નથી. નિયમિત કામ ના થતા ખર્ચ અને સમય વધુ લાગે છે. હાજર કર્મચારીઓ પર કામનું ભારણ વધે છે. અનેક અધિકારી ઈન્ચાર્જ હોવાથી નિયમિત કચેરીએ જોવા મળતા નથી.
મહેકમ ભરેલ ખાલી
વર્ગ-1 17 9 8
વર્ગ-2 153 94 59
વર્ગ-3 1574 966 608
વર્ગ-4 216 98 118
ખાસ કરીને વર્ગ-1ના અધિકારીઓની 17 પૈકી 8 જગ્યાઓ ખાલી છે. અન્ય હાજર રહેલા અધિકારી અન્ય કચેરી કે જીલ્લામાંથી ચાર્જમાં મુકવામાં આવેલ છે. જેથી નિયમિત અધિકારી મળી શકતા નથી.
પુરતો સ્ટાફ ના હોવાથી શાસકો પણ પરેશાન છે. સ્ટાફની ભરતી કરવા માટે સરકારમાં માંગણી કરી છે. કરાર આધારીત સ્થાનિક કક્ષાએ ભરતી કરવાની મંજુરી માંગી છે. જેનો ખર્ચ સ્વભંડોળમાંથી પંચાયત આપવાની તૈયારી દર્શાવી છે. પરંતુ રાજયના વિકાસ કમિશ્નર દ્વારા આ મંજુરી પણ મળી નથી.
પુરતા પ્રમાણમાં સ્ટાફ પંચાયતમાં મળી શકે તો ગ્રામ્ય વિસ્તારોમાં થતા કામોને નિયમિત પૂર્ણ કરી શકાય. વિવિધ યોજનામાં મળતી ગ્રાન્ટના નાણા યોગ્ય રીતે ઉપયોગ થતા ગ્રામ્ય વિસ્તારોની સવલતોમાં વધારો થઈ શકે છે.