
જામનગર શહેરમાં મહાનગર પાલિકા દ્વારા રંગમતિ નદીના પટ્ટામાં થયેલા દબાણ સામે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી. 200 કરોડની સરકારી જમીન ખાલી કરાવવાના આ વિશાળ અભિયાનમાં સૌથી વધુ ચમકાવનારો દ્રશ્ય બચુનગર વિસ્તારમાં જોવા મળ્યો, જ્યાં ધાર્મિક સ્થળના દબાણમાં લક્ઝરીયસ સુવિધાઓ ઉભી કરાઈ હોવાનું ખુલ્યું.
મહત્વની વાત એ રહી કે, અંદાજે 11,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ધરાવતું આ બિનઅધિકૃત ધાર્મિક સંકુલ માત્ર ધાર્મિક કૃત્યો માટે નહિ, પરંતુ અંદરથી સંપૂર્ણ રીતે લક્ઝરીયસ “રેસ્ટ હાઉસ” જેવું લાગતું હતું.
સ્વિમિંગ બાથ ટબ સાથેનો આધુનિક રૂમ
ટાઇલ્સ અને માર્બલથી સજાયેલા રૂમો
વિશેષ “પ્રાઈવેટ રૂમ” જેમાં પ્રવેશ માટે બાહ્ય વ્યક્તિને સખત મનાઈ
દરવાજા પર સ્પષ્ટ સૂચનાઓ: “અંદર રજા વિના પ્રવેશ નહિ!”
જ્યારે તંત્રના અધિકારીઓ કમિશ્નર ડી.એન. મોદી અને એસ.પી. પ્રેમસુખ ડેલુ ની સાથે સ્થળ તપાસ માટે આવ્યા ત્યારે આ અભૂતપૂર્વ દ્રશ્યો જોઈને તેઓ પણ અચંબિત થઈ ગયા. ‘યા મિસ્કીને નવાજ’ નામની મજાર શરીફમાં જોએલી આ ભવ્ય સુવિધાઓ સામે સવાલો ઊઠ્યા છે: આ લક્ઝરી સુવિધાઓ માટેનું ફંડ ક્યાંથી આવ્યું? અને ધાર્મિક સ્થળોમાં આવાં આધુનિક સાધનો કેવી રીતે ઉભા કરાયા?
ધાર્મિક સ્થળો કોઈ પણ વ્યવસાયિક કે ખાનગી હેતુ માટે નહીં પણ શાંતિ અને સમર્પણ માટે હોઈએ છે. પરંતુ અહીં જે રીતે લક્ઝરી સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી, તે આ નીતિ પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.
તંત્ર દ્વારા પહેલા નોટીસ આપી દેવામાં આવી હતી અને ઘણાં લોકોએ દબાણ અગાઉથી ખાલી કરી દીધું હતું, જેના કારણે લગભગ 300 દબાણો એક જ દિવસે દૂર કરી શકાયાં. પરંતુ હવે આ “લક્ઝરી ધાર્મિક દબાણ”ની વિગતો બહાર આવતા તપાસની નવી દિશા ખુલ્લી થઈ છે.
મહાનગર પાલિકાના બુલડોઝર કામગીરી બાદ એસઓજી (Special Operations Group) દ્વારા આ દબાણોની પાછળ કોનો હાથ હતો, કોને રાહત મળી હતી અને ક્યાંથી આવી ભવ્યતા ઉભી થઈ – તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
(ઈનપુટ ક્રેડિટ – દિવ્યેશ વાયડા, જામનગર)
Published On - 5:01 pm, Sun, 15 June 25