
અજમા માટે દેશભરમાં જામનગરનું હાપા માર્કેટ યાર્ડ પ્રખ્યાત છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાની આવક શરૂ થઈ ગઈ છે. આ વખતે કમોકમી વરસાદ કારણે અજમાની આવકમાં થોડો ઘટાડો નોંધાયો છે, પરંતુ ખેડૂતોને અજમાના પોષણક્ષમ ભાવ મળતા ખુશી જોવા મળી રહી છે. માર્કેટ યાર્ડમાં અત્યારે દૈનિક 2 હજાર જેટલી અજમાના ગુણીની આવક થઈ રહી છે. અજમાના એક મણનો ભાવ 2 હજારથી 5 હજાર સુધી બોલાતા ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા.
જામનગરના અજમાનો કલર અને ગુણવત્તા સારી હોવાથી દેશ અને વિદેશમાં માગ રહે છે અને કોરોના કારણે તેનો ઔષધી તરીકે ઉપયોગ થતો હોવાથી તેની માગમાં વધારો થયો છે. જેના કારણે દેશના અનેક રાજ્યોમાંથી વેપારીઓ અજમાની ખરીદી કરવા માટે યાર્ડમાં આવે છે. તો અન્ય રાજ્યોના ખેડૂતો પણ હરાજી માટે હાપા માર્કેટ યાર્ડમાં આવી છે.
રાજ્યમાં આ વખતે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ ઘટતા, લોકોને તો ફાયદો થયો છે, પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં. ભાવનગર જીલ્લામાં આ વર્ષે 25000થી વધારે હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું. આ વર્ષે ડુંગળીના વાવેતર માટે બિયારણના ભાવ આસમાને રહ્યાં, છતાં ખેડૂતોએ સારા ભાવની આશાએ મોંઘા ભાવના બિયારણ લાવી ડુંગળીનું વાવેતર કર્યું, જ્યાં સુધી ડુંગળીનું ઉત્પાદન ખેતીમાંથી માર્કેટિંગ યાર્ડમાં વેચાવા આવ્યું ત્યા સુધી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા હતા.
પરંતુ અન્ય રાજ્યની આવક થતાં ભાવ ગગડી ગયા. ભાવનગર માર્કેટ યાર્ડમાં છેલ્લા 3-4 દિવસથી મબલખ ડુંગળીની આવક થઇ છે, જેથી મણ દીઠ ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. જો કે શરૂઆતમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળ્યા હતા, પરંતુ હાલ 100 રૂપિયા નુકસાની ભોગવવી પડી રહી છે.
મહત્વનું છે કે આજથી થોડા દિવસ પહેલા જગતના તાતને કસ્તુરીના યોગ્ય ભાવ મળતા હતા પરંતુ હાલ નફામાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, એક તો ખાતરના ભાવ મોંઘા થઇ રહ્યાં છે તેમાં કેવી રીતે ઘર ચલાવવું તેવા સવાલ જગતના તાત ઉઠાવી રહ્યાં છે. કિસાન મોચરના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ પણ કહ્યું કે ખેડૂતોને વળતર નથી મળી રહ્યું. હાલ, જે સ્થિતિ છે તે હજુ પણ યથાવત રહેવાની છે, કેમ કે બહારના રાજ્યની આવક થતા ડુંગળી ભરપૂર આવી રહી છે. ત્યારે ખેડૂતો સરકારે પાસે ડુંગળીની નિકાસના નિયમો હળવા કરવાની અને ટેકાનો ભાવે ખરીદીની માગ કરી રહ્યાં છે.
Published On - 8:07 pm, Mon, 2 January 23