
જામનગરમાં દિવસે દિવસે ડોગ બાઈટના બનાવો વધી રહ્યા છ. છેલ્લા બે વર્ષમાં જામનગરની જીજી હોસ્પિટલમાં ડોગ બાઈટના 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. હાલ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 11 હજાર લોકો શ્વાનના શિકાર બન્યા છે. તમામ લોકોને પ્રાથમિક સારવાર બાદ બાદ રજા આપી દેવાઈ છે.
જામનગર શહેર સહિત સમગ્ર હાલાર પંથક અને રાજ્યમાં પણ શ્વાનનો આતંક વધી રહ્યો છે. કોઈપણ શેરી, ગલી, મહોલ્લા કે જાહેર માર્ગો પર શ્વાનો અડિંગો જમાવીને બેઠા હોય છે. જેનો ભોગ અનેકવાર ખાસ કરીને બાળકો અને વૃદ્ધો વધુ બને છે. અચાનક રાહદારીઓ પર શ્વાનના હુમલાઓ રોજિંદી ઘટના બની રહ્યા છે. તાજેતરમાં અનેક માસૂમો શ્વાનના હુમલામાં લોહીલુહાણ થયા અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે સોસાયટી કે એરિયામાં નીકળતા જ લોકોના મનમામ ડર પેસી જાય છે. શ્વાનના હુમલા વધતા લોકોમાં રોષનો માહોલ છે. છેલ્લા બે વર્ષમાં જામનગરની જીજી હોસ્પિટલમાં ડોગ બાઈટના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
જામનગની સરકારી હોસ્પિટલમાં નોંધાયેલા સત્તાવાર આંકડાઓ જ તંત્રની ઘોર બેદરકારીની સાબિતી પૂરી રહ્યા છે. વર્ષ 2025માં જાન્યુઆરીમાં 1927, ફેબ્રુઆરીમાં 1139, માર્ચમાં 1138, એપ્રિલમાં 1158, મે માસમાં 1144, જૂનમાં 1004, જૂલાઈમાં 1139, ઓગસ્ટમાં 978, સપ્ટેમ્બરમાં 1077, ઓક્ટોબરમાં 1575, નવેમ્બરમાં 1691 અને ડિસેમ્બરમાં 1748 કેસ નોંધાયા હતા. એટલે કે માત્ર 2025માં જ 14,538 લોકો શ્વાનનો શિકાર બન્યા હતા. બીજી તરફ આ ભયાનક સિલસિલો વર્ષ 2026માં પણ વણથંભ્યો રહ્યો છે. જેમા જાન્યુઆરીમાં 1615, ફેબ્રુઆરીમાં 1287, માર્ચમાં 1450, એપ્રિલમાં 1383, મે મહિનામાં 1451, જૂનમાં 1234 , જૂલાઈમાં 982, ઓગસ્ટમાં 1012, સપ્ટેમ્બરમાં 1021 અને ઓક્ટોબરમાં 1000 જેટલા ડોગ બાઈટના કેસ નોંધાયા છે. આ આંકડા દર્શાવે છે કે છેલ્લા બે વર્ષમાં 28 હજાર થી વધુ લોકો ડોગ બાઈટનો શિકાર બન્યા છે.
શ્વાનના આતંકની આ વાસ્તવિક્તા વચ્ચે હવે શેરી, ગલી કે બાળકો માટે રમવાના મેદાનો પણ સુરક્ષિત નથી. આ માત્ર જામનગર શહેરની સમસ્યા નથી. પરંતુ આ રાજ્યવ્યાપી છે અને હવે જનતાની એક જ માગ છે કે અધિકારીઓ તેમની AC ચેમ્બરમાંથી બહાર આવી તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરે અને લોકોને શ્વાનના આતંકમાંથી મુક્તિ મળે. બાળકો કોઈપણ ડર વિના મુક્ત રીતે રમી શકે. વડીલો મુક્ત રીતે ફરી શકે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત થવી જોઈએ.