Jamnagar: જામનગરના દરેડ મસીતીયા રોડ પર આવેલ સરકારી માધ્યમિક શાળામાં દરેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા ડેન્ગ્યુ તેમજ ક્ષય અને તમાકુ નિયંત્રણ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણની સાથે ટીબી જેવા રોગ અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો. ખાસ સરકારી શાળામા અભ્યાસ કરતા વિધાર્થીને ભણતરની સાથે રોગ વિશે માહિતી મળે તેવો પ્રયાસ કરાયો.
વિદ્યાર્થીઓને TB રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયાથી વધારે ઉધરસ આવવી, ગળફા સાથે લોહી આવવુ, વજન ઘટી જવો જેવા ટીબી રોગના લક્ષણો છે અને તેની તપાસ કઈ રીતે કરાવવી, દર્દીને શું કાળજી રાખવી જોઈએ, ટીબી અટકાવવા માટે શું કરવું જોઈએ, ટીબીનું નિદાન, તપાસ અને સારવાર તમામ આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે આપવામાં આવે છે. સરકાર દ્વારા ટીબીના દર્દીઓને ક્ષય પોષણ યોજના હેઠળ રૂ.500ની સહાય આપવામાં આવે છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. બાદમાં ટીબી મુક્ત જામનગર થાય એવો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ વાહકજન્ય રોગો મલેરીયા અને ડેન્ગ્યું વિષે માહિતી આપવામાં આવી હતી. જેમાં પાણીના બિનજરૂરી પાત્રો, નાળિયેરની કાચલી, પક્ષી કુંજ, ફ્રીઝની ટ્રે જેમાં બિન જરૂરી પાણી હોય તો તેમાં મચ્છર ઈંડા મૂકતા હોવાથી આવા પાત્રોમાં પાણી ભરીને ન રાખવા અંગે સમજૂતી આપવામાં આવી હતી. ત્યારબાદ તમાકુ નિયંત્રણ વિષે 110 જેટલા વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપી તમાકુથી થતા નુકશાન વિષે સમજાવી તમાકુ ન લેવા અંગે વિદ્યાર્થીઓને શપથ લેવડાવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Jamnagar: કનસુમરા જમીન હેતુ ફેર પ્રકરણમાં 10 અધિકારીઓને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ
આ કાર્યક્રમમાં ડી.એસ.બી.સી.સી ચિરાગ પરમાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડના હેલ્થ સુપર વાઈઝર પંડ્યા અને હેલ્થ કાર્યકર હમીર ગઢવી દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. તેમજ જાગૃત્તતા માટે પત્રિકાઓ અને બેનરો લગાડવામાં આવ્યા હતા. સરકારી માધ્યમિક શાળાના આચાર્ય ડાકી અને શિક્ષકો દ્વારા આ જાગૃતિ કાર્યક્રમને સારો પ્રતિભાવ આપવામાં આવ્યો અને આવા આરોગ્ય જાગૃતતાના કાર્યક્રમો શાળાઓમાં યોજવામાં આવે તે અંગે આવકાર આપ્યો હતો.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો