જામનગરની સાઇબર ક્રાઇમ સેલની (Cyber Crime Cell) ટિમને સતત બે મહિનાની દોડધામ પછી ચાઈનીઝ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનનાં(Instant loan application) નામે ફ્રોડ અને બ્લેકમેઇલ કરતી આંતરરાજ્ય ગેંગને પકડી પાડવા માટે મોટી સફળતા સાંપડી છે. હાલ સાઈબર સેલે કર્ણાટક રાજ્યમાંથી ઠગ ટોળકીને ઝડપી પાડી છે. તમને જણાવી દઈએ કે, આ ગેંગ પાસેથી સેલની ટીમે લેપટોપ- મોબાઈલ ,ફોન-સીમકાર્ડ સહિતનું થોકબંધ સાહિત્ય સહિત ૧૬.૪૨ લાખથીવધુની રકમ ફ્રીજ કરાવી છે. આ ટોળકીનું પગેરું છેક તાઈવાન સુધી હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટીમને આસપાસના વિસ્તારના આઠ જેટલા લોકો દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. છેલ્લા બે મહિના દરમિયાન મોબાઇલ ફોનની ચાઈનીઝ ઇનસ્ટંટ એપ્લિકેશન મારફતે ઠગ ટોળકી દ્વારા પોતાને યેન-કેન પ્રકારે પરેશાન કરી નાણાં પડાવી લઇ ફ્રોડ કરતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતુ.જે બાદ ફરિયાદ અરજીના અનુસંધાને જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અને જુદા જુદા એક્સેસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી અને બે મહિનાની સખત મહેનતના અંતે કર્ણાટક રાજ્ય સુધી તપાસનો દોર લંબાવ્યો હતો.
કર્ણાટક (Karnataka) રાજ્યના બેંગલોરમાં રહેતા આરોપી ભીમસેન હનુમંતાચાર્ય મઠદ જેણે એમ.બી.એ.નો અભ્યાસ કર્યો છે. તેની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ તેજ કરી છે.આ ઉપરાંત કર્ણાટક રાજ્યના ચીકમંગલૂંરમાં રહેતા અને એમબીએનો અભ્યાસ કરી ચુકેલા મહમદ ઉઝેર શરીફ મકબુલ મોહમ્મદ શરીફ અને બીએસસીનો અભ્યાસ કરી ચુકેલા માઝઅહમદ શરીફ રહમતુલ્લા શરીફની પણ અટકાયત કરવામાં આવી હતી.આ ત્રણેય આરોપીને સાઈબર સેલની ટીમે જામનગર અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. હાલ પોલીસને આરોપી પાસેથી જુદી જુદી કંપનીના ૧૯ નંગ સીમકાર્ડ,૧ લેપટોપ, ૩ નંગ મોબાઇલ ફોન વગેરે સાહિત્ય મળી આવ્યુ છે. ઉપરાંત ત્રણેયના જુદા જુદા બેંક એકાઉન્ટમાં ફ્રોડ ના માધ્યમથી જમા કરેલી ૧૬,૪૨,૨૩૬ ની રકમને પણ સાઈબર સેલે (Cyber Cell) ફ્રીઝ કરાવી દીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઠગ ટોળકી ચાઈનીઝ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન (Loan Application) બનાવીને બહોળા પ્રમાણમાં વિવિધ સાઇટ્સ ઉપર પ્રસિદ્ધિ કરી અને એપ ઇન્સ્ટોલ થયાની સાથે તમામ એપ્લિકેશન ધારકના ફોન કોન્ટેક્ટ, ગેલેરી, અને અન્ય સંવેદનશીલ માહિતીઓ વિવિધ એક્સેસ મારફતે મેળવી લેતા હતા, ત્યાર પછી એપ્લિકેશન ડાઉનલોડ કરીને બળજબરીથી લોન આપ્યા પછી ગેરકાયદે રીતે ઊંચા વ્યાજ દર વસુલ કરતા હતા.ત્યારે હાલ સાઈબર સેલની ટીમે તેને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : જામનગરમાં નરેશ પટેલ ભાજપ નેતાઓ સાથે એક રથમાં સવાર થયા