
આસામમાં જન્મના થોડા સમય બાદ જ ગંભીર ઈજાનો ભોગ બનેલા સાત અઠવાડિયાના હાથીના બચ્ચા ‘રાજા’ને હવે ગુજરાત લાવવામાં આવશે. રાજાને આસામથી જામનગર સ્થિત વનતારાની હાથીઓની વિશેષ હોસ્પિટલમાં એરલિફ્ટ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. વનતારા દ્વારા શુક્રવાર, 20 નવેમ્બરના રોજ આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજાને ગુવાહાટીથી વિશેષ વિમાન મારફતે જામનગર લાવવામાં આવશે.
આ મુસાફરીમાં અંદાજે ચાર કલાકનો સમય લાગશે. જો તેને રસ્તા માર્ગે લાવવામાં આવે તો 2,500 કિલોમીટરથી વધુનું અંતર કાપવું પડે, જે ઈજાગ્રસ્ત અને નબળી તબિયત ધરાવતા બચ્ચા માટે જોખમી બની શકે છે.
રાજાનો જન્મ 2 ઓક્ટોબર, 2026ના રોજ આસામના ગોગામુખમાં થયો હતો. વનતારા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જન્મ બાદ તેની 11 વર્ષની માતા ગભરાઈ ગઈ હતી અને તેણે અજાણતાં જ નવજાત બચ્ચાને લાત મારી દીધી હતી. જેના કારણે રાજાના જમણા પાછળના પગના થાપાના મુખ્ય હાડકા એટલે કે ફીમરમાં સંપૂર્ણ ફ્રેક્ચર થયું હતું. આ ગંભીર ઈજાને કારણે રાજા પોતાના પગ પર ઊભો રહી શકતો નહોતો અને શરીરનો ભાર પણ ઉઠાવી શકતો નહોતો. એટલું જ નહીં, જન્મ બાદ તેને માતાનું પ્રથમ દૂધ એટલે કે કોલોસ્ટ્રમ પણ મળી શક્યું નહોતું. આ દૂધ નવજાત બચ્ચાંની રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.
રાજાની સ્થિતિ અંગે જાણ થતાં વનતારાની વેટરનરી ટીમ 8 ઓક્ટોબરના રોજ તેની સારવાર માટે પહોંચી હતી. ડોક્ટરોએ એક્સ-રે દ્વારા ફ્રેક્ચરની પુષ્ટિ કરી હતી અને પ્લાસ્ટર કાસ્ટ તથા પટ્ટીઓની મદદથી ઈજાગ્રસ્ત પગને સ્થિર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 10 ઓક્ટોબરના રોજ રાજાને તેના માલિકના પોહુમારા સ્થિત નિવાસસ્થાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલુ રાખવામાં આવી હતી. રાજાને પગ પર વધુ દબાણ ન આવે અને તે હળવી હિલચાલ કરી શકે તે માટે નાનું હાઇડ્રોથેરાપી પોન્ડ પણ તૈયાર કરવામાં આવ્યું હતું.
જોકે, સમય જતાં રાજાની તબિયતમાં અન્ય સમસ્યાઓ પણ ઊભી થઈ હતી. તેને ઝાડા, બેક્ટેરિયલ ચેપ, વારંવાર બ્લડ શુગરનું સ્તર ઘટી જવું અને લિવર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં સૂઈ રહેવાના કારણે તેના શરીર પર દબાણથી ઘા પણ થઈ ગયા હતા. આ ઉપરાંત, ડોક્ટરોએ નાભિ પાસે હર્નિયા અને શરીરમાં સામાન્ય નબળાઈ જેવી સમસ્યાઓ પણ ઓળખી હતી. આ તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને હવે તેને વિશેષ સારવાર માટે જામનગર લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વનતારાના જણાવ્યા અનુસાર, સંસ્થાના સ્થાપક અનંત અંબાણીના સહયોગથી રાજાને આસામથી ગુજરાત લાવવા માટે વિશેષ એરલિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના સહયોગથી હાથીને એરલિફ્ટ કરવાની આ ત્રીજી આવી કામગીરી હોવાનું સંસ્થાએ જણાવ્યું છે. મુસાફરી દરમિયાન રાજાને ખાસ તૈયાર કરવામાં આવેલા ક્રેટમાં રાખવામાં આવશે. તેમાં નરમ પથારી અને ઈજાગ્રસ્ત પગને યોગ્ય ટેકો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. વિમાનમાં તેની સાથે વેટરનરી ડોક્ટરો અને સંભાળ રાખનારા કર્મચારીઓ પણ હાજર રહેશે, જેઓ સમગ્ર મુસાફરી દરમિયાન તેના સ્વાસ્થ્ય અને શરીરના મહત્ત્વપૂર્ણ સંકેતો પર સતત નજર રાખશે.
આ અંગે વનતારાના CEO વિવાન કરણીએ જણાવ્યું હતું કે, “રાજા આ દુનિયામાં તૂટેલા પગ સાથે આવ્યો છે, પરંતુ તેનો જુસ્સો ક્યારેય તૂટ્યો નથી.”
જામનગરની વનતારા હોસ્પિટલમાં પહોંચ્યા બાદ રાજાની ફરીથી વિસ્તૃત તબીબી તપાસ કરવામાં આવશે. ત્યારબાદ તેની ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિશેષ હાડકાંની સારવાર, પોષણયુક્ત આહાર અને રિહેબિલિટેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વનતારાના જણાવ્યા અનુસાર, રાજાની ઈજાની ગંભીરતાને જોતા તેને ભવિષ્યમાં પણ લાંબા સમય સુધી અથવા આજીવન તબીબી દેખરેખ અને સારવારની જરૂર પડી શકે છે. તેના ફ્રેક્ચર થયેલા હાડકાની સ્થિતિમાં કેટલો સુધારો થાય છે અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે તે કેટલી સારી રીતે પ્રતિસાદ આપે છે તેના પર તેની રિકવરીનો આધાર રહેશે.
એન્ટિલિયા ખાતે એક ખાસ સાંજ, ઈશા અંબાણીએ કોના માટે પાર્ટીનું આયોજન કર્યું