Breaking News : 80 હિપ્પોપોટેમસને મૃત્યુથી બચાવવા અનંત અંબાણીની કોલંબિયાને અપીલ

વનતારાના સ્થાપકે કોલંબિયા સરકારને ઔપચારિક વિનંતી કરી છે, 80 પ્રાણીઓને સુરક્ષિત રીતે પકડી, સ્થળાંતર કરવા અને આજીવન સંભાળ પૂરી પાડવા માટે વૈજ્ઞાનિક, કાર્યાન્વિત અને નાણાકીય સહાયની ઓફર કરી

Breaking News :  80 હિપ્પોપોટેમસને મૃત્યુથી બચાવવા અનંત અંબાણીની કોલંબિયાને અપીલ
| Updated on: Apr 28, 2026 | 2:47 PM

કોલંબિયાની મેગડાલેના નદીના પટમાં રહેતા 80 હિપ્પોપોટેમસને મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને વિશ્વના સૌથી મોટા વન્યજીવ બચાવ, સંભાળ અને સંરક્ષણ કેન્દ્રોમાં સ્થાન ધરાવતા વનતારાના સ્થાપક અનંત મુકેશ અંબાણીએ કોલંબિયા સરકારને વિનંતી કરી છે કે, તેઓ આ નિર્ણય પર પુનર્વિચાર કરે અને માનવીય વિકલ્પ અપનાવે. સુરક્ષિત અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્થળાંતર થકી આ 80 પ્રાણીઓને જામનગર, ગુજરાતમાં આવેલા વનતારામાં કાયમી આવાસ પૂરો પાડશે.

‘ગ્લોબલ હ્યુમેન એવોર્ડ’

કોલંબિયાના એન્વાયર્મેન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મિનિસ્ટર ઇરેન વેલેઝ ટોરેસને સંબોધેલા એક પત્રમાં આ અપીલ કરવામાં આવી છે, જેમાં દરેક તબક્કે કોલંબિયન સત્તાવાળાઓના નિર્દેશન અને મંજૂરી હેઠળ સંપૂર્ણ સંસાધનોથી સજ્જ એક માનવીય વિકલ્પની ઓફર કરવામાં આવી છે. આ પગલું પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ પ્રત્યે અંબાણીની વર્ષો જૂની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે, જેના માટે તેઓ ‘ગ્લોબલ હ્યુમેન એવોર્ડ’ મેળવનારા સૌથી નાની વયના અને પ્રથમ એશિયન બન્યા છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાણીઓ અને લોકો માટે પરિવર્તનકારી વૈશ્વિક પ્રભાવ પાડવા બદલ આપવામાં આવે છે.

 

અનંત મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “આ 80 હિપ્પોએ જાતે જન્મસ્થળ પસંદ નથી કર્યું, એટલું જ નહીં અત્યારે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે તેમણે ઊભી કરી નથી. તેઓ જીવંત અને સંવેદનશીલ પ્રાણીઓ છે અને જો આપણી પાસે સુરક્ષિત અને માનવીય ઉકેલ થકી તેમને બચાવવાની ક્ષમતા હોય તો પ્રયાસ કરવાની આપણી જવાબદારી છે.”

કુદરતી આવાસ ગુજરાતમાં પૂરું પાડવાની તૈયારી

વનતારાએ કોલંબિયાના સત્તાવાળાઓ સમક્ષ એક સર્વસમાવેશી પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં વેટરનરી લીડરશિપ, પ્રાણીઓને પકડવા અને પરિવહન કરવાની નિપુણતા, બાયો-સિક્યોરિટી પ્રોટોકોલ્સ અને હિપ્પોના વર્તમાન વાતાવરણ જેવું જ કુદરતી આવાસ ગુજરાતમાં પૂરું પાડવાની તૈયારી સામેલ છે. આ સાથે જ તમામ 80 હિપ્પોની આજીવન સંભાળ લેવાની ખાતરી પણ આપવામાં આવી છે.અનંત અંબાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, “કરુણા અને જાહેર સુરક્ષા એ પરસ્પર વિરોધી બળો નથી. ઘનિષ્ઠ વિજ્ઞાન અને સંભાળપૂર્વકના આયોજન સાથે નદી કિનારે રહેતા સમુદાયોનું રક્ષણ કરવું, ઇકોસિસ્ટમને જાળવવી અને પ્રાણીઓનો જીવ બચાવવો શક્ય છે. વનતારા પાસે આ પ્રયાસને સહયોગ આપવા માટે જરૂરી નિપુણતા, માળખાગત સુવિધા અને સંકલ્પ છે, જે સંપૂર્ણપણે કોલંબિયાની શરતોને આધીન રહેશે.”

 

80 હિપ્પોને મૃત્યુથી બચાવવા અનંત અંબાણીની કોલંબિયાને અપીલ

 

વનતારાએ ઔપચારિક રીતે વિનંતી કરી છે કે, જ્યાં સુધી આ વૈકલ્પિક દરખાસ્તનું યોગ્ય મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી આ પ્રાણીઓને મારી નાખવાના નિર્ણયને મોકૂફ રાખવામાં આવે. વનતારાએ વિગતવાર વૈજ્ઞાનિક, કાર્યાન્વિત અને કલ્યાણકારી દરખાસ્ત રજૂ કરવા માટે કોલંબિયાના સત્તાવાળાઓ સાથે સીધી રીતે જોડાવા માટે પોતાની તૈયારીની પુષ્ટિ કરી છે.

આ પ્રસ્તાવ વનતારાની સ્થાપનાના એ મૂળભૂત વિચારને પ્રતિબિંબિત કરે છે કે દરેક જીવ મહત્વનો છે અને વન્યજીવોને લગતા જટિલ વૈશ્વિક પડકારો માટે વિજ્ઞાન આધારિત, મોટા પાયાના ઉકેલો પૂરા પાડવામાં ભારતની ઉભરતી ભૂમિકાને ઉજાગર કરે છે. આ દરખાસ્તનું કોઈપણ પ્રકારે અમલીકરણ કોલંબિયા અને ભારત સરકારની જરૂરી મંજૂરીઓ તેમજ સંબંધિત આંતરરાષ્ટ્રીય સત્તાવાળાઓ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવ્યા પછી જ કરવામાં આવશે.

 

વનતારાએ ઔપચારિક રીતે વિનંતી કરી

 

હિપ્પોપોટેમસનું નિવાસ

કોલંબિયાની મેગડાલેના નદીનો પટ અંદાજે 200 હિપ્પોપોટેમસનું નિવાસ છે, જે 1980ના દાયકામાં ત્યાં લાવવામાં આવેલા એક નાના સમૂહના વંશજો છે. કુદરતી શિકારીઓના અભાવ અને સાનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓને કારણે, તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે કોલંબિયન સત્તાવાળાઓએ જૈવવિવિધતાને નુકસાન, ઇકોસિસ્ટમની હાનિ અને સ્થાનિક સમુદાયની સુરક્ષાને ધ્યાને લઈ આ પ્રજાતિને આક્રમક તરીકે વર્ગીકૃત કરી છે. સત્તાવાળાઓએ તાજેતરમાં 80 પ્રાણીઓને મારી નાખવાના આદેશ આપ્યા છે, આ નિર્ણયે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે અને માનવીય તથા વિજ્ઞાન આધારિત વિકલ્પો અપનાવવા માટેની માંગ ફરીથી ઊઠી છે.

વનતારા વિશ્વનું સૌથી મોટું સંરક્ષણ કેન્દ્રો

ગુજરાતના જામનગરમાં આવેલું વનતારા વિશ્વના સૌથી મોટા અને અત્યાધુનિક વન્યજીવ બચાવ, સંભાળ અને સંરક્ષણ કેન્દ્રોમાં સ્થાન ધરાવે છે. યાતના, શોષણ અથવા વિસ્થાપનમાંથી બચાવવામાં આવેલા હાથી, બિગ કેટ્સ, પ્રાઈમેટ્સ, સરીસૃપ અને અન્ય સસ્તન પ્રાણીઓને વિશેષ વેટરનરી સહાય, લાંબાગાળાની સંભાળ અને પ્રજાતિની જરૂરિયાત મુજબની વિશિષ્ટ સુવિધાઓ પૂરી પાડે છે. વનતારા સંરક્ષણ સંસ્થાઓ, રાષ્ટ્રીય સરકારો અને આંતરરાષ્ટ્રીય વન્યજીવ સત્તામંડળો સાથે સહયોગ સાધે છે અને તેણે વૈશ્વિક નેટવર્ક થકી સરહદપારના બચાવ, પુનર્વસન અને સ્થળાંતરની પહેલોને સમર્થન આપ્યું છે. વનતારા આવાસ પુનઃસ્થાપના, સામુદાયિક ભાગીદારી, આનુવંશિક પ્રોફાઇલિંગ અને વિજ્ઞાન આધારિત સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને તંદુરસ્ત ઇકોસિસ્ટમને મદદ કરવા કાર્ય કરે છે, જ્યાં વન્યજીવો મુક્તપણે જીવી શકે અને ઇકોસિસ્ટમની સ્થિરતા માટે મહત્વપૂર્ણ એવી લુપ્તપ્રાય પ્રજાતિઓ માટે ભાવિ રિવાઇલ્ડિંગ ઇનિશિયેટિવ્સને વેગ આપી શકાય.

કરોડો રુપિયાનો સંપત્તિ હોવા છતાં નથી કોઈ ઘમંડ,દેશ વિદેશ નહી જામનગરમાં જ કરે છે બર્થ ડે સેલિબ્રેશન અહી ક્લિક કરો

Published On - 2:47 pm, Tue, 28 April 26

Follow Us