મુલેર ગામમાં એક સાથે 6 અર્થીઓ ઉઠી,આખું ગામ હિબકે ચઢ્યું

|

May 20, 2023 | 12:39 PM

આજે શનિવારે મુલેર ગામ શોકમગ્ન બન્યું હતું. એક સાથે 6 મૃતકોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. અંતિમયાત્રામાં વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત અનેક રાજકીય આગેવાનો જોડાયા હતા.

મુલેર ગામમાં એક સાથે 6 અર્થીઓ ઉઠી,આખું ગામ હિબકે ચઢ્યું

Follow us on

ભરૂચ(Bharuch)નાં વાગરા તાલુકાના મુલેર ગામે ગંધારના દરિયાની ભરતીમાં ડૂબી ગયેલા 3 બાળકો સહીત 6 મૃતકોની એક સાથે અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામમાં શોકનું  મોજું ફરી વળી હતી. કલ્પાંત વચ્ચે બે પરિવારના આંગણેથી 6 લોકોની અંતિમયાત્રા નીકળતા વાતાવરણ શોકમગ્ન બન્યું હતું. અંતિમયાત્રામાં આખું ગામ જોડાયું હતું. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સમુદ્ર કિનારે ફરવા ગયેલા બે પરિવારના 8 લોકો અમાસની ભરતીમાં તણાયા હતા જે પૈકી 6 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. 2 કિશોરીઓને સ્થાનિકોએ રેસ્ક્યુ કરી હોસ્પિટલ પહોંચાડતા સમયસર સારવાર મળવાથી તેમના જીવ બચાવી  શકાયા હતા. મૃતકોમાં 3 નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : જીવન ક્યારેય ધર્મ નથી જોતું, હિન્દૂ પરિવારના બાળકોના જીવ બચાવવા મુસ્લિમ યુવાનો સમુદ્રમાં કૂદી પડ્યા, 2 લોકોને મળ્યુ નવજીવન
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શુક્રવારે  અમાસની મોટી ભરતી સમયે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર નજીક ગંધાર પાસે દરિયા કાંઠે ફરવા ગયેલા બે પરિવારના  8 લોકો એકબીજાને બચાવવાના પ્રયાસ દરમિયાન દરિયામાં ડૂબવા લાગ્યા હતા. આ ઘટનામાં  6 લોકોને દરિયો ભરખી ગયો હતો. હોનારતમાં 19 વર્ષીય દશરથ ગોહિલ, 20 વર્ષીય તુલસીબેન બળવંતભાઈ, 5 વર્ષીય જાનવીબેન હેમંતભાઈ, આર્યાબેન રાજેશભાઇ 15 વર્ષીય રીંકલબેન બળવંતભાઈ અને 38 વર્ષીય રાજેશ છત્રસિંહ ગોહિલના મૃત્યુ થયા હતા. જ્યારે 19 વર્ષીય કિંજલબેન બળવતભાઈ ગોહિલ અને 17 વર્ષીય અંકિતાબેન બળવતભાઈ ગોહિલનો બચાવ થયો હતો.
 
આજે શનિવારે મુલેર ગામ શોકમગ્ન બન્યું હતું. એક સાથે 6 મૃતકોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. અંતિમયાત્રામાં વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત અનેક રાજકીય આગેવાનો જોડાયા હતા.
આ પણ વાંચો : જોતજોતામાં 6 જીંદગી બની ગઈ નશ્વર, છતા વડીલથી લઈ યુવાન અને પોલીસથી લઈ પોલિટીકલ વ્યક્તિ ઝઝૂમી જીવન સાટે

અમાસની ભરતીમાં બાળકો ડૂબી ગયા

ભરૂચ પોલીસ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર સાંજના સુમારે વાગરા તાલુકાના મુલેર ગામના બે પરિવાર વેકેશન હોવાથી બાળકોને ખંભાતના અખાત નજીક સમુદ્ર કિનારે ફરવા લઈ ગયા હતા. સાંજના સુમારે બાળકો કિનારે રમી રહ્યા હતા ત્યારે અમાસની ભરતી ચઢવા લાગી હતી. અચાનક ધસી આવેલા પાણીના કારણે બાળકો કિનારા તરફ પહોંચે તે પહેલા સમુદ્રએ બાળકોને તેમનામાં સમાવી લીધા હતા. આ બાળકોને બચાવવા માટે પરિવારના મોભીઓ પણ સમુદ્ર તરફ દોડ્યા હતા અને એક પછી એક 8 લોકો સમુદ્રમાં સમાઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી સમુદ્રમાંથી 8 લોકોને બહાર કાઢ્યા હતા.

Next Article