શિયાળાએ હજુ વિદાય લીધી નથી ત્યાં તો વીજ કંપની વીજચોરીની સમસ્યાનો સામનો કરી રહી છે. વીજ ચોરીના બનાવો ઉપર નિયંત્રણ મેળવી દાખલારૂપ કાર્યવાહી માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ અને સ્થાનિક મળી 93 ટીમોએ 70 વાહનોના કાફલા સાથે વહેલી સવારે ભરૂચ અને જંબુસર તાલુકાને ધમરોળ્યું હતું. નાણાકીય વર્ષને પૂર્ણ થવામાં હવે દોઢ મહિનાનો જ સમય બાકી છે ત્યારે વિવિધ સરકારી વિભાગ અને કંપનીઓ તેમનો કામગીરીનો ટાર્ગેટ અને બાકી નાણાંના વસુલાતની કામગીરી માટે જોર લગાવી રહ્યા છે. વીજ કંપનીએ પણ વીજચોરોને ઊંઘતા ઝડપી પાડવા મેગા ઓપરેશન હાથ ધર્યું હતું.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ભરૂચ સર્કલમાં પણ વધુ લાઈનલોસ અને વીજચોરીને લઈ DGVCL દ્વારા દરોડાનો દોર શરૂ કરાયો છે. મંગળવારે ભરૂચ અને જંબુસર તાલુકાના ગામોમાં લોકો નિંદ્રાધીન હતા ત્યારે જ વીજ કંપનીની સુરત વિજિલન્સ સહિત સ્થાનિક ટીમોએ વહેલી સવારે 5.30 કલાકે દરવાજે દસ્તક દઈ દરોડાની કામગીરી હાથ ધરી હતી.
વીજ કંપનીની 93 ટીમોએ 70 જેટલા વાહનો, 10 જીયુવીએનએલ પોલીસ અને 103 સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે વીજ ચોરી ઝડપી પાડવા ચેકીંગ શરૂ કર્યું હતું. જંબુસર ટાઉન, દહેગામ, દેવલા, સિગામ, દયાદરા સહિત આસપાસના ગામોમાં વીજ ચોરી પકડી પાડવા 3600 જેટલા જોડાણો સવારે પોણા 12 વાગ્યા સુધી તપાસવામાં આવ્યા હતા.
ઘરવપરાશના જે પૈકી 119 જોડાણોમાંથી 54 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. વીજચોરીના આરોપી ગ્રાહકો સામે વીજ ચોરી બદલ કેસ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે. વીજ કંપનીના મેગા ઓપરેશનમાં સુરત વીજિલન્સના અધિક્ષક ઈજનેર જી.બી. પટેલ અને ભરૂચ સર્કલના સુપ્રીટેન્ડન્ટ એન્જીનીયર જી.એન.પટેલ તેમની ટીમો સાથે જોડાયા હતા.
વીજળીની ચોરી એ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો માટે મોટી સમસ્યા છે. વીજળીની ચોરી રોકવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે. એટલું જ નહીં સરકારે ઘણા કડક કાયદા પણ બનાવ્યા છે. આમ છતાં વીજળીની ચોરી સંપૂર્ણપણે બંધ થઈ રહી નથી. વીજળી ચોરી કરનારા લોકો આજે પણ વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરીને વીજ ચોરી કરી રહ્યા છે. શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો પણ વીજ ચોરીમાં સંડોવાયેલા હોય છે.
વીજળી અધિનિયમ-2003માં વીજળી ચોરી કરનારાઓ માટે સજાની જોગવાઈ છે. જે લોકો વીજળી ચોરી કરે છે તેમને ઇલેક્ટ્રિસિટી એક્ટ-2003ની કલમ 135 અને 138 હેઠળ સજા કરવામાં આવે છે. કલમ 135 વીજળીની ચોરી સાથે સંબંધિત છે અને કલમ 138 હેઠળ ચોરી કરવાના ઇરાદા સાથે વીજળી મીટર સાથે ચેડાં કરવા સંબંધિત કેસમાં વીજ ચોરીના ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને દંડની સાથે જેલની સજા પણ ભોગવવી પડે છે.