Ahmedabad: હવાઇ મુસાફરી દરમિયાન સોનાના દાગીના ગુમ થવાના કેસમાં 11 વર્ષની લાંબી લડત બાદ વડોદરાના મુસાફરને ન્યાય મળ્યો છે. રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને ગ્રાહકલક્ષી ચુકાદો આપ્યો છે. ગ્રાહક તકરાર નિવારણ કમિશને એર કંપનીને 50 હજાર નાણાં 11 વર્ષના 9 ટકા વ્યાજ સાથે મુસાફરને ચૂકવવા અને અન્ય ખર્ચ 5 હજાર ચૂકવવા આદેશ કર્યો છે.
બનાવની વાત કરીએ તો વડોદરાના વિરેન્દ્ર પારેખ 1 ફેબ્રુઆરી 2012માં કુવૈતથી શારજહાં અને શારજહાંથી અમદાવાદ આવવા અરેબિયાની ફલાઇટમાં મુસાફરી કરી હતી.
કુવૈત ઍરપોર્ટ પર લગેજ ચેકિંગ અને વજન દરમિયાન હેન્ડ બેગમાંથી સોનાના દાગીના ગુમ થયા હતા.જેથી ફરિયાદીએ તાત્કાલિક ઍરપોર્ટ ઓથોરીટી, ઍર અરેબિયા અને પોલીસને જાણ કરી હતી. પરંતુ ઍરપોર્ટ ઓથોરિટીએ જવાબદારીમાંથી હાથ ઉંચા કરી રકમ પરત આપવા ઈનકાર કર્યો હતો. જેથી મુસાફરે ગ્રાહક સુરક્ષા સમિતિમાં ફરિયાદ કરી હતી.
2012ની ઘટનામાં 2023માં એટલે કે 11 વર્ષે મુસાફર ફરિયાદીને ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને ચુકાદો આપતા મુસાફરે તેને આવકાર્યો છે. જે ચુકાદાને મહદઅંશે રાહત ગણાવી. સાથે જ કંપની જલ્દી નાણાં ચૂકવે તેવી અપીલ પણ કરી છે.
ફરીયાદીએ અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 28 ફેબ્રુઆરી 2018ના રોજ જજમેન્ટ આપી ફરીયાદીની ફરીયાદ અંશતઃ મંજુર કરી સોનાના દાગીનાના નુકસાન પેટે રૂ .50,000 ફરીયાદ કર્યા તારીખથી વાર્ષિક 9% ના વ્યાજ સાથે તેમજ ખર્ચના 5000 રૂપિયા અલગથી ચુકવવા આદેશ કર્યો હતો.
જો કે, ઍરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા જીલ્લા ગ્રાહક ફોરમના હુકમ સામે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અપીલ દાખલ કરી જિલ્લા ફોરમનો ચુકાદો રદ બાતલ કરવા દાદ માંગવામાં આવી હતી.
2023માં ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન (સ્ટેટ કમિશન)ના ઇન્ચાર્જ પ્રમુખ એમ.જે.મહેતા અને સભ્ય ડૉ. કે.જી.મેકવાન સમક્ષ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ફાઈનલ હિયરીંગ દરમ્યાન અસરકારક મૌખિક દલીલો કરી, જિલ્લા ગ્રાહક ફોરમનો ચુકાદો ગુણવત્તાલક્ષી અને કાયદેસર યોગ્ય હોવાથી ચુકાદામાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી અને અપીલ રદ કરવા રજૂઆત કરી હતી.
સ્ટેટ કમિશને નેશનલ કમિશનના જજમેન્ટને ટાંકીને અવલોકન કરાયુ કે એરલાઇન્સની સેફ કસ્ટડીમાં મુસાફરોનો માલસામાન હોય છે અને પેસેન્જરને ડીલીવરીના સમયે સુરક્ષિત લગેજ આપવાની જવાબદારીમાં નિષ્ફળ જાય તો માનસિક ત્રાસ થાય અને નુકસાની ભોગવવી પડે. Provision of Carriage carriage by Air Acr-1972 ના પ્રોવિઝન ઓફ કેરેજ અનુસાર સેવામાં ખામી છે અને બેગ ગુમાવવા બાબતે વળતર ચુકવી શકાય છે.
આથી એર અરેબીયા પેસેન્જરના હેન્ડબેગમાંથી ગુમ થયેલ વસ્તુ બાબતે જવાબદાર બને છે. તેમ આ કમિશન માને છે. કેસમાં ફરીયાદીને થયેલ નુકસાન એર અરેબીયાએ ચુકવવું જોઇએ તેમ આ કમિશન માને છે. 11 વર્ષથી વધુ કાનુની લડત બાદ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના માધ્યમથી આખરે ફરીયાદી ગ્રાહકને અંશતઃ ન્યાય મળ્યો છે.
આ પણ વાંચો: સાળંગપુર વિવાદ પર નૌતમ સ્વામીનું નિવેદન પર હિન્દૂ સંગઠનોમાં રોષ, જૂઓ Video
11 વર્ષની લાંબી લડત બાદ મુસાફર ફરિયાદીને ન્યાય મળ્યો છે. જોકે આવા અન્ય કિસ્સા પણ બનતા હોય છે. જેમાં ફરિયાદ નહિ થતી હોવાનું ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ માની રહ્યું છે. ત્યારે આવા લોકોઈ પણ જાગૃત બની આગળ આવવાની જરૂર છે. જેથી તેઓને ન્યાય મળે. અને આ પ્રકારની ઘટના પર અંકુશ લાવી શકાય.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો