જામનગરની જીજી હોસ્પિટલમાં જ ખડકાયા બાયોમેડિકલ વેસ્ટના ઢગલા, ફરિયાદ બાદ GPCB એ આપ્યા તપાસના આદેશ

જામનગરની જીજી હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટનો ઢગલો મળી આવ્યો છે. જ્યાં બીમારી દૂર કરવાની હોય તે જ તંત્ર બીમારી ફેલાવવાનું કામ કરી રહી હોય તેવી સ્થિતિ જામનગરમાં જોવા મળી છે. હોસ્પિટલ દ્વારા કચરાનો યોગ્ય નિકાલ ન કરવામાં આવતાં ગંભીર સ્વાસ્થ્ય જોખમ ઉભું થયું છે. 

| Edited By: | Updated on: Jul 08, 2025 | 5:31 PM

જામનગરમાં આવેલી જીજી હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના યોગ્ય નિકાલ અંગે ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના પરિસરમાં અને તેની આસપાસ મોટા પ્રમાણમાં બાયોમેડિકલ કચરાનો ઢગલો જોવા મળ્યો છે. આ કચરામાં સુચિત પ્રક્રિયા મુજબ નિકાલ ન કરાયેલા ઈન્જેક્શન, સિરીંજ, અને અન્ય તબીબી કચરો સામેલ છે. આવી ગંભીર બેદરકારી સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી સાબિત થઈ શકે છે. આ બાબત સામે આવ્યા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ને જાણ કરવામાં આવી છે. GPCB ના અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે અને સ્થળ પર તપાસ કરવાની ખાતરી આપી છે.

તબીબી કચરાનો યોગ્ય નિકાલ ન કરવાથી ગંભીર રોગો ફેલાવાની શક્યતા વધી જાય છે. આ કચરામાં હાનિકારક જીવાણુઓ અને વાયરસ હોઈ શકે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કરી શકે છે. હોસ્પિટલ તંત્રની આ બેદરકારી અનેક સવાલ ઉભા કરે છે. શું ખરેખર તપાસ બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? શું આવી ઘટનાઓને રોકવા માટે કોઈ યોગ્ય પગલાં લેવાશે? આ પ્રશ્નો ગંભીર ચિંતા ઉભી કરે છે. આ સમગ્ર મામલામાં પારદર્શિતા અને જવાબદારીની જરૂર છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

Input Credit- Divyesh Vayeda- Jamnagar