ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10નું પરિણામ આજે જાહેર થયું છે. ધોરણ 10નું 82.56 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ સૌથી વધુ 86.69 ટકા અને વિદ્યાર્થીઓનું પરિણામ 79.12 ટકા રહ્યું છે. ગુજરાતની 70 શાળાનું પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10:30 વાગ્યે ઓડિશાના કંધમાલ, બપોરના 12:15 વાગ્યે બોલાંગીર, 13:45 વાગ્યે બારગઢ અને સાંજે 5 વાગ્યે ઝારખંડના ચત્રામાં ચૂંટણી જાહેર સભાઓને સંબોધન કરશે. રાહુલ ગાંધી આંધ્રપ્રદેશમાં સભાઓને સંબોધશે. તેઓ વાયએસ શર્મિલા સાથે 12 વાગે વાયએસઆર ઘાટ જશે અને ત્યારબાદ 1 વાગે ચૂંટણી સભાને સંબોધશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 11 મેના રોજ સમસ્તીપુરથી કોંગ્રેસના ઉમેદવાર સની હજારી અને મુઝફ્ફરપુરથી અજય નિષાદની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. પહેલા તેઓ હનુમાન મંદિર જશે અને દર્શન અને પૂજા કરશે અને પછી સાંજે બે રોડ શો કરશે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સાક્ષી મહારાજના સમર્થનમાં, ઉન્નાવના રામલીલા મેદાનમાં પૂનમ સંખવાર અને કાનપુર દેહતમાં રમેશ અવસ્થીના સમર્થનમાં જાહેર સભાઓ કરશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો
શક્તિપીઠ અંબાજીના અંબાજી મંદિર ના જીણોદ્ધાર ને 50 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે અનેકો વખતના વરસાદ વાવાજોડાથી ડાઘ વાળો બનેલો માર્બલ ફરી તેની ઓરિજનલ ચમક પરત મેળવે તે પ્રકારે ચમકાવવામાં આવશે. પાવર વૉશ અને સ્ટીમ વોશ ટ્રીટમેન્ટ આપી માર્બલ ચમકાવાશે. બરોડાના માઇ ભક્તે નિ:શુલ્ક કામગીરી કરવાનો સંકલ્પ કર્યો છે. રૂ.15 લાખથી વધુના ખર્ચે ઇકો ફેસેલિટી મેનેજમેન્ટ કંપનીના ચેર પર્સને નિ:શુલ્ક આ કામગીરી કરી આપશે. માર્બલની ફરી ચમક લાવવાની કામગીરી 45 દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે.
પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કેસમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે જણાવ્યુ કે સમગ્ર કેસની ઉંડી તપાસ થવી જોઈએ. મોટા માથાઓ અને શાળા સંચાલકોની સંડોવણીથી જ આ પ્રકારનું ષડયંત્ર શક્ય બને. પરીક્ષા યોજના માટે જે કેન્દ્ર અપાયુ તે પણ શંકાના દાયરામાં છે. સંસ્થાની પ્રવૃત્તિ શંકાસ્પદ હોવાથી તે અંગે પણ તપાસ થવી જોઈએ. વધુમાં જેઠા ભરવાડે કહ્યુ આ પ્રકારની ચોરી કરાવતી શાળાઓની માન્યતા રદ કરવી જોઈએ.
નુપૂર શર્મા સહિત હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં. મૌલાના બાદ હવે વધુ એક આરોપીની ધરપકડ કરાઇ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારના મુજફ્ફરપુરથી મોહમ્મદ અલી નામના શખ્સની ધરપકડ કરીઅને તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ મારફતે સુરતમાં લવાયો.આ શખ્સ મૌલવીના સંપર્કમાં હતો અને સોશિયલ મીડિયાના ગ્રૃપને હેન્ડલ કરતો હતો. મહત્વનું છે, ઝડપાયેલા શખ્સ મોહમ્મદ અલીનો પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે, હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે, તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.
ફરીએક વાર ઊંઝા વિવાદમાં આવ્યુ છે. ઊંઝામાંથી શંકાસ્પદ વરિયાળીનો જથ્થો કબજે કરવામાં આવ્યો. ફૂડ વિભાગે દરોડા પાડીને અંદાજે 11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આ મામલે ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલનું નિવેદન સામે આવ્યુ. તેમણે કહ્યું કે અમૂક લેભાગૂ તત્વના કારણે ઊંઝા બદનામ થાય છે. અમૂક લોકો વરિયાળીમાં રંગ અને અન્ય પદાર્થ મિક્સ કરી ઊંઝાને બદનામ કરે છે આવા તત્વો સામે કડક પગલા ભરવા જોઈએ.
ભરૂચના દહેજમાં આવેલી ઈપેક કંપનીમાં પાંચ લાખ લીટરની પાણીની ટાંકી ફાટી જતા 2 કામદારોના મોત થયા છે. ટાંકી ફાટવાના કારણે પાણીના ફોર્સમાં કામદારો ખેંચાઈ જતા 2 કામદારના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 4 કામદારો ઈજાગ્રસ્ત છે. પોલીસે બંને મૃતકોના મૃતદેહને ભરૂચ સિવિલમાં પીઅમ અર્થે ખસેડ્યા છે. હાલ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કેજરીવાલના આરોપો પર અમિત શાહે પલટવાર કર્યો હતો અને કહ્યું હતુ કે તેલંગાણામાં 10 થી વધુ બેઠકો જીતીશું આ સાથે BJP 400 બેઠકો જીતી રહી હોવાનો દાવો કર્યો છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે ચૂંટણીમાં નિષ્ફળતાનો અહેસાસ થયા બાદ કેજરીવાલ અને સમગ્ર INDIA ગઠબંધન પરેશાન છે. તેમનો હેતુ દેશને ગેરમાર્ગે દોરવાનો અને ભ્રમિત કરવાનો છે. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધી, મોદીજીને લોકો તરફથી અપાર આશીર્વાદ મળી રહ્યા છે. વડાપ્રધાન સામે તેમની પાસે ન તો કોઈ નીતિ છે કે ન કોઈ કાર્યક્રમ. હવે તેઓ મોદીજીની ઉંમરનું બહાનું કાઢીને રસ્તો શોધી રહ્યા છે.
ભારતના ચૂંટણી પંચે ત્રીજા તબક્કાના મતદાનની મતદાનની ટકાવારી જાહેર કરી છે. ECI અનુસાર, ત્રીજા તબક્કામાં 65.68% મતદાન નોંધાયું હતું. 7 મેના રોજ ત્રીજા તબક્કાની ચૂંટણી 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો માટે યોજાઈ હતી.
તિહારથી બહાર આવ્યા બાદ સીએમ કેજરીવાલ પોતાના કામમાં વ્યસ્ત છે. એ જ રીતે AAP પાર્ટીએ જણાવ્યું છે કે સીએમ અરવિંદ કેજરીવાલ આવતીકાલે સીએમ આવાસ પર આમ આદમી પાર્ટીના દિલ્હી ધારાસભ્યો સાથે બેઠક કરશે.
વામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ ભયંકર ગરમીમાં રાહત મળશે અને કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આજથી લઈને 14 મે સુધી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરુ થશે જેમાં રાજ્યના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન આંધી સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરુ થશે. ત્યારે આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં મોટો દાવો કર્યો અને કહ્યું કે મોદીજી અમિત શાહને પીએમ બનાવવા માંગે છે. મોદીજી શાહ માટે વોટ માંગી રહ્યા છે. જે લોકો મોદીજીના નામ પર વોટ આપી રહ્યા છે, તેઓએ વિચારવું જોઈએ કે તેઓ શાહના નામ પર વોટ આપી રહ્યા છે.
અમદાવાદમાં વેજલપુરની એક સોસાયટીના ચેરમેન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અસ્માક્મ 2 સોસાયટીના સેક્રેટરી વિરૂદ્ધ ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2017 થી 2023 સુધીના સમયગાળા દરમિયાન અસ્માક્મ 2 સોસાયટીના સેક્રેટરીએ ઠગાઈ કરી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે. ખોટો વહીવટી અહેવાલ તૈયાર કરીને સોસાયટીના સભ્યો સાથે છેતરપિંડી પણ આચરી હોવાનું કહેવામાં આવ્યું છે. ફ્લેટના વેચાણની ટ્રાન્સફર ફી તેમજ મેઈન્ટેન્સના રૂપિયા સોસાયટીના બેંક ખાતાને બદલે પર્સનલ ખાતામાં મેળવ્યા હતા. ચેક દ્વારા રૂપિયા ઉપાડીને 52,50,722 ની ઉચાપત કરી હોવાનું જૈનમ સિસોદિયાએ સંદીપ રંગાડીયા સામે ફરિયાદ નોંધાવી છે.
CID ક્રાઈમે રાજ્યભરમા 12 આંગડિયા પેઢીમાં પાડેલા દરોડામાં ચોકાવનારી વિગતો સામે આવી છે. ગુજરાતના વિવિધ શહેરની 12 આંગડિયા પેઢી પૈકી કેટલીક પેઢીના દુબઈ સાથેના કરોડો રૂપિયાના આંગડિયાના વ્યવહારો મળી આવ્યા છે. CID ક્રાઈમ દ્વારા કરાયેલ દરોડાની કાર્યવાહીમાં, ઇન્કમટેક્ષ અને ઈડી પણ તપાસમાં જોડાઈ છે. CID ક્રાઈમે હાથ ધરેલ તપાસમાં આંગડિયા પેઢીમાંથી 18 કરોડથી વધુની રોકડ મળી આવી છે. સાથોસાથ એક કિલો સોનુ પણ મળી આવ્યું છે. 75 લાખનુ વિદેશી ચલણ પણ હાથ લાગ્યું છે. આંગડિયા પેઢી દ્વારા રોજબરોજ રૂપિયાની હેરફેર માટે ઉપયોગમાં લેવામાં આવતા 66 મોબાઈલ ફોન મળી આવ્યા છે તે પણ તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યાં છે.
અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલ શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલની મેચ રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સની બેંટિગ સમયે, મહેન્દ્રસિંહ ધોનીનો એક ચાહક સ્ટેડિયમમાં કરાયેલ તમામ સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનની વચ્ચોવચ દોડી ગયો હતો. મહેન્દ્રસિંહ ધોનીના ચાહક સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આઈપીએલની ચાલુ મેચ દરમિયાન સ્ટેડિયમની તમામ સુરક્ષા વ્યવસ્થા ભેદીને મેદાનમાં યુવક દોડી જતા, ફરી એકવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થવા પામ્યા છે.
રાજકોટ સ્થિત સહકારી આગેવાન બાબુ નસીતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, જયેશ રાદડિયાએ ભાજપની વિરુદ્ધ જઈને
ઇફકોની ચૂંટણી લડ્યા છે. જયેશ રાદડિયાને મત આપનાર ભાજપના સભ્યો સામે પ્રદેશ અધ્યક્ષે પગલાં ભરવા જોઈએ. રાજકોટ લોધિકા સંઘમાં મેન્ડેડ હોવા છતાં મારા વિરુદ્ધ પગલાં લીધા હતા. સહકારી ક્ષેત્રમાં ભાજપ-કોંગ્રેસનું ઇલું ઇલું ચાલે છે. જયેશ રાદડિયા સામે ભારતી જનતા પાર્ટીએ પગલાં લેવા જોઈએ. અમારા સામે જે રીતે પગલાં લેવાયા તેવી જ રીતે આ લોકો સામે પણ પગલાં લેવાવા જોઈએ.
ઇફકોની ચૂંટણીમાં લેઉવા પાટીદારની સામાજિક સંસ્થાની દરમિયાનગીરીનો વિષય સામે આવ્યા બાદ, લેઉવા પાટીદાર અગ્રણી પરેશ ગજેરાનું મોટું નિવેદન સામે આવ્યું છે. પરેશ ગજેરાએ કહ્યું છે કે, સામાજિક સંસ્થાના માધ્યમથી આ પ્રકારની રાજનિતી ન કરવી જોઇએ. જો કોઇ ટ્રસ્ટીની દરમિયાનગીરી હોય તો આવી સંસ્થામાંથી ટ્રસ્ટીને દુર કરવા જોઇએ. બાકી જયેશ રાદડિયા ખેડૂત નેતા છે અને ખેડૂતોના દુંખે દુખી અને સુખે સુખી છે
કર્ણાટક ભાજપના નેતા અને વકીલ દેવરાજ ગૌડાને શુક્રવારે હિરીયુર નજીકથી પોલીસે શારીરિક સતામણી અને જાતીય શોષણના કેસમાં કસ્ટડીમાં લીધા હતા. જ્યારે તે બેંગલુરુથી ચિત્રદુર્ગ તરફ જઈ રહ્યો હતો ત્યારે હિરીયુર પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.
અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. ભૂકંપ આજે સવારે 6.16 કલાકે આવ્યો હતો. જો કે આ ભૂકંપના આંચકાને કારણે જાનમાલના નુકસાનના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી.
Published On - 11:09 am, Sat, 11 May 24