ગુજરાત(Gujarat) વિધાનસભામાં કોંગ્રેસના(Congress) ધારાસભ્યોએ હોબાળો કર્યો છે. તેમજ અધ્યક્ષને પ્લે કાર્ડ (Play Card) દર્શાવીને કોરોના મુદ્દે ગૃહમાં હોબાળો કર્યો છે.
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના(Monsoon Session) બીજા અને અંતિમ દિવસે વિપક્ષ કોંગ્રેસે સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર પર પસ્તાળ પાડી છે. જેમાં કોંગ્રેસે વિધાનસભામાં કોરોના મુદ્દે સરકારને ઘેરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ કોરોનાના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત કોંગ્રેસના અન્ય MLA વેલમાં ધસી ગયા હતા.
જેના પગલે વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના 10 ધારાસભ્યોને પ્રશ્નોત્તરી કાળ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા હતા. તેમજ તેની બાદ ગૃહ મુલતવી રાખવામાં આવ્યું હતું. આ હોબાળા બાદ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને રાજેન્દ્ર ત્રિવેદીએ અધ્યક્ષ સાથે બેઠક કરી હતી.
જો કે વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં રાજ્યમાં લાખો લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. તેમણે સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, ઓક્સિજન, ડોક્ટર, બેડ આ તમામની અછત અને અભાવના કારણે ગુજરાતમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા અને આ માટે ભાજપની સરકાર જ જવાબદાર છે.
માહિતી અધિકાર અધિનિયમથી હેઠળ મળેલી માહિતીના આધારે કોંગ્રેસે દાવો કર્યો છે કે, અત્યાર સુધી કોરોનાથી રાજ્યમાં 3.34 લાખથી વધુ લોકોના મોત થયા છે.ત્યારે સરકાર કોરોનાથી મોતના આંકડા છુપાવી નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો પરેશ ધાનાણીએ ગંભીર આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં 17 ફૂટ ઉંડા ભૂવામાં રિક્ષાચાલક રિક્ષા સાથે ખાબક્યો, ભારે જહેમત બાદ બહાર કઢાયો
આ પણ વાંચો : રાજકોટની ભાદર નદીમાં ઘોડાપૂર, અનેક ગામો સંપર્ક વિહોણા થયા
Published On - 11:04 am, Tue, 28 September 21