3 માર્ચના મહત્વના સમાચારઃ WPL 2024: ગુજરાતની ચોથી સતત હાર, દિલ્હી કેપિટલ્સ જીતની હેટ્રિક સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર

|

Mar 03, 2024 | 11:58 PM

આજે 3 માર્ચને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

3 માર્ચના મહત્વના સમાચારઃ WPL 2024: ગુજરાતની ચોથી સતત હાર, દિલ્હી કેપિટલ્સ જીતની હેટ્રિક સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર

Follow us on

વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીની જાહેરાતથી થોડા દિવસ પહેલા એટલે કે આજે પોતાના કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. મંત્રીપરિષદની બેઠક દિલ્હીમાં ચાણક્યપુરીના સુષ્મા સ્વરાજ ભવનમાં થશે. ખેડૂત આંદોલનની આગળની રણનીતિને લઈ મોટી જાહેરાત થઈ શકે છે. પાકિસ્તાનના નવા વડાપ્રધાનને લઈ લગભગ 20 દિવસથી ચાલી રહેલા સસ્પેન્સ પરથી આજે પડદો હટી જશે. આજે કોણ વડાપ્રધાન બનશે તેની પર મહોર વાગશે. દેશ-દુનિયાના મહત્વના સમાચાર વાંચો અહીં

 

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Mar 2024 11:11 PM (IST)

    WPL 2024: ગુજરાતની ચોથી સતત હાર, દિલ્હી કેપિટલ્સ જીતની હેટ્રિક સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર

    વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2024ની 10મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 25 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સ WPL 2024ના પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધીમાં 4 મેચ રમી છે. જેમાંથી તેણે 3માં જીત મેળવી છે. તેમાં 6 અંક છે.

  • 03 Mar 2024 11:08 PM (IST)

    દિલ્હીની કેજરીવાલ સરકાર આવતીકાલે બજેટ રજૂ કરશે

    દિલ્હીની કેજરીવાલ સરકાર આવતીકાલ સોમવારે વિધાનસભામાં બજેટ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે બજેટની થીમ રામરાજ્ય હશે. સમગ્ર બજેટમાં રામરાજ્યનો ખ્યાલ રહેશે. કેજરીવાલ સરકારનું આ 10મું બજેટ હશે. ચૂંટણી વર્ષમાં તમામ વર્ગના લોકોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તેવી સંભાવના છે.


  • 03 Mar 2024 10:31 PM (IST)

    ભારતે હાજીઓ માટે હજ સુવિધા મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હજ ગાઈડ 2024 બહાર પાડી અને હજ સુવિધા મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે હાજીઓ માટે સુવિધાઓ એ લઘુમતી બાબતોના મંત્રાલયની એકમાત્ર જવાબદારી નથી. હવે મોદી સરકારે હાજીઓની સુવિધાઓ સુધારવા માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સાધ્યું છે. ગયા વર્ષે વ્યક્તિગત મહિલા હાજીઓની સંખ્યા 4300 હતી અને આ વર્ષે તેમની સંખ્યા 5160ને વટાવી ગઈ છે.

  • 03 Mar 2024 08:08 PM (IST)

    લો બોલો, મહેસાણાના બાવલુ પોલીસ મથકની હદમાં વિદેશી દારુથી ભરેલુ ટેન્કર ઝડપાયું

    સ્ટેટ મોનિટરીગ સેલે ફરી એકવાર મહેસાણામાં દરોડા પાડીને વિદેશી દારુ ભરેલ ટેન્કર ઝડપી પાડ્યું છે. એસએમસીએ પાડેલા દરોડામાં પકડી પાડેલા ટેન્કરમાં રૂપિયા 37.18 લાખનો વિદેશી દારૂ ભરેલો હતો.
    કુલ રૂ. 62,31,300નો મુદ્દામાલ જપ્ત કરીને બે આરોપીની અટકાયત કરી છે. જ્યારે પાંચ આરોપી ફરાર થઈ ગયા હોવાનું જણાવાયું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાવલું પોલીસ સ્ટેશનની હદમાં, એન.કે.પ્રોટીન્સની તિરુપતિ કપાસિયા તેલની કંપનીના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપ્યું હતું.

  • 03 Mar 2024 07:31 PM (IST)

    મંત્રીમંડળના સભ્યો સાથે આવતીકાલે અયોધ્યા રામ લલ્લાના દર્શન કરશે મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ

    મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું છે કે તેમની આખી કેબિનેટ સોમવારે અયોધ્યા ધામ જશે. તેમણે કહ્યું કે, ભગવાન શ્રી રામે 22 જાન્યુઆરીએ ઘરમાં પ્રવેશ કર્યો, તે આપણા બધા માટે સૌભાગ્યની વાત છે. ફેબ્રુઆરી મહિનામાં ભારે ભીડ અને વ્યસ્તતાને કારણે અમે માર્ચની તારીખ નક્કી કરી હતી, તેથી આવતીકાલ સોમવારે કેબિનેટની બેઠક બાદ અમે અહીંથી અયોધ્યા દર્શને નીકળીશું.

  • 03 Mar 2024 06:51 PM (IST)

    દિલ્હીમાં મોદી કેબિનેટની બેઠક પૂર્ણ, લગભગ 8 કલાક સુધી ચાલી બેઠક

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લગભગ 8 કલાકથી મંત્રી પરિષદની બેઠક ચાલી હતી. તમામ સચિવો બેઠક છોડીને ચાલ્યા ગયા છે તેમજ તમામ મંત્રીઓ અને પીએમ હાજર રહ્યા હતા. બેઠકમાં આગેવાનોને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.

  • 03 Mar 2024 06:40 PM (IST)

    દિલ્હીમાં લગભગ 8 કલાકથી કેન્દ્રીય મંત્રી પરિષદની ચાલી રહી છે બેઠક, પીએમ પણ છે સામેલ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લગભગ 8 કલાકથી મંત્રી પરિષદની બેઠક ચાલી રહી છે. તમામ સચિવો બેઠક છોડીને ચાલ્યા ગયા છે પરંતુ તમામ મંત્રીઓ અને પીએમ હાજર છે. બેઠકમાં આગેવાનોને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.

  • 03 Mar 2024 06:23 PM (IST)

    કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ ગંગોપાધ્યાયે રાજીનામાની જાહેરાત કરી

    કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ ગંગોપાધ્યાયે રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે રવિવારે મીડિયાને જણાવ્યું કે તેઓ મંગળવારે જજ પદ પરથી રાજીનામું આપી દેશે. જસ્ટિસ ગંગોપાધ્યાયે રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે ભરતી ભ્રષ્ટાચારના મામલામાં એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે. તેમણે ઘણા મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ પણ આપ્યો હતો. આ વખતે તેઓ જજ પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. તેઓ ઓગસ્ટમાં નિવૃત્ત થવાના હતા, પરંતુ તે પહેલા આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ પોતાનું રાજીનામું દેશના રાષ્ટ્રપતિ અને મુખ્ય ન્યાયાધીશને પણ મોકલશે.

  • 03 Mar 2024 06:09 PM (IST)

    શું તમને દેશની પ્રગતિ દેખાતી નથી? રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે કહ્યું

    કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે કહ્યું કે શું તમને દેશની પ્રગતિ દેખાતી નથી? તમે 12માં નંબર પર ક્ષીણ થતી અર્થવ્યવસ્થા છોડી દીધી હતી. ભારતની જીડીપી આજે તમે જ્યાં છોડી હતી તેનાથી ઘણી આગળ વધી ગઈ છે. તમે આંકડા બહાર કાઢો અને જુઓ.

  • 03 Mar 2024 05:43 PM (IST)

    ભોજપુરી ફિલ્મ સ્ટાર પવન સિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળશે

    ભોજપુરી ફિલ્મ સ્ટાર પવન સિંહ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળશે. પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. આ પછી હવે ભાજપ સીટ બદલવાનું વિચારી રહી છે.

  • 03 Mar 2024 04:49 PM (IST)

    સરકાર માત્ર સર્વેના ખોટા વાયદાઓ કરે છે: પાલ આંબલિયા

    હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજકોટમાં માવઠાથી થયેલ પાક નુકસાનને લઈને કિસાન કોંગેસ નેતાએ નિવેદન આપ્યુ છે. પાલ આંબલિયાએ નિવેદન આપ્યુ છે કે કમોસમી વરસાદના પગલે જીરું, ઘઉં, ચણા, રાયડો અને કેરીના પાકને મોટાપાયે નુકસાન થયુ છે. તેમજ “પાક નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરી સહાય ચુકવવામાં આવે”.

    “સરકાર 48 કલાકમાં સર્વે કરાવે તો સાચું નુકસાન સામે આવે” પાલ આંબલિયા જણાવ્યુ કે “ખેડૂતોને નિષ્ફળ પાક માટે વળતર મળે તેવી કોઈ યોજના અમલમાં નહીં” આ ઉપરાંત કોંગ્રેસમાં “આ વર્ષે માવઠામાં ખેડૂતોને એક પણ વખત વળતર મળ્યું નથી” તેમજ સરકાર માત્ર સર્વેના ખોટા વાયદાઓ કરે છે.

  • 03 Mar 2024 04:21 PM (IST)

    10 માર્ચે ખેડૂતો રેલ રોકો આંદોલન કરશે

    ખેડૂતો 10 માર્ચે સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી રેલ રોકો આંદોલન કરશે.

  • 03 Mar 2024 03:42 PM (IST)

    ખેડૂતો હવે 6 તારીખે દિલ્હી કૂચ કરશે, બસ-ટ્રેનથી આવશે

    ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જાહેરાત કરી છે કે ખેડૂતો 6 માર્ચે દિલ્હી તરફ કૂચ કરશે. આ વખતે તે બસ-ટ્રેન વગેરે દ્વારા દિલ્હી જશે. આ ઉપરાંત ભારતભરમાં 10 માર્ચે બપોરે 12 થી 4 વાગ્યા સુધી રેલ રોકો આંદોલન કરવામાં આવશે.

  • 03 Mar 2024 02:22 PM (IST)

    શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ચૂંટાયા

    પાકિસ્તાનમાં કેટલાય દિવસોથી ચાલી રહેલા રાજકીય ગરમાવો વચ્ચે આખરે નવા વડાપ્રધાનની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શેહબાઝ શરીફ પાકિસ્તાનના આગામી વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિકે જાહેરાત કરી હતી કે PML-Nના પ્રમુખ શહેબાઝ શરીફ 201 મત મેળવીને પાકિસ્તાનના 24મા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે.

  • 03 Mar 2024 01:53 PM (IST)

    સાબરકાંઠામાં કાશ્મીર જેવો માહોલ! કરા વરસતા સફેદ ચાદર છવાઈ

    ઠંડીના વિદાયના અને ગરમીના દિવસોની શરુઆતે જ સાબરકાંઠામાં જાણે કે બરફ વર્ષા થઈ હોય એવો માહોલ જોવા મળ્યો હતો. વીડિયો જોઈને તમને પણ નવાઈ લાગશે. વાત સાબરકાંઠાના ઈડર અને વડાલી વિસ્તારની છે. આ વિસ્તારમાં કરા વરસ્યા હતા. કરા વરસવાને લઈ ઘરના છત પર પણ સફેદ કરાની ચાદર પથરાવા લાગી હતી, તો સાથે જ ધોધમાર વરસાદ વરસવાને લઈ કરા છત પરથી સરકતા હોવાનો નજારો જોવા મળ્યો હતો.

  • 03 Mar 2024 01:19 PM (IST)

    પશ્ચિમ બંગાળની બેઠકથી પવન સિંહ ચૂંટણી લડશે, ભાજપે ભોજપુરી સ્ટારને મેદાનમાં ઉતાર્યા

    દેશમાં લોકસભા ચૂંટણીને લઈને ઉત્તેજના વધી રહી છે અને તારીખો જાહેર થાય તે પહેલા જ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રમાં સતત ત્રીજી વખત સત્તા કબજે કરવાનો પ્રયાસ કરી રહેલી ભારતીય જનતા પાર્ટીએ શનિવારે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. ભાજપે પશ્ચિમ બંગાળ સહિત 15 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ યાદીમાં ઘણા નામો આશ્ચર્યજનક હતા. ભાજપે ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર તરીકે જાણીતા પવન સિંહને આસનસોલથી ટિકિટ આપી છે.

  • 03 Mar 2024 01:05 PM (IST)

    પંજાબ: જાલંધરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ગેંગનો પર્દાફાશ

    પંજાબની જલંધર પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનો વેપાર કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. 5 કિલો અફીણ સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય કુરિયર સેવા દ્વારા ચાર જુદા જુદા દેશોમાં સપ્લાય કરવામાં આવી હતી.

  • 03 Mar 2024 12:09 PM (IST)

    છત્તીસગઢઃ કાંકેરમાં નક્સલવાદીઓ સાથે અથડામણ, એક જવાન શહીદ

    છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. વર્દીધારી પુરુષ માઓવાદીનો મૃતદેહ અને એક એકે-47 મળી આવી હતી. આ એન્કાઉન્ટરમાં બસ્તર ફાઇટર્સ કોન્સ્ટેબલ રમેશ કુરેઠી શહીદ થયા હતા.

  • 03 Mar 2024 11:55 AM (IST)

    ત્રીજી ટર્મમાં મારે મથુરામાં ઘણું કામ કરવાનું છે – હેમા માલિનીએ ટિકિટ મળ્યા બાદ કહ્યું

    આગામી લોકસભા ચૂંટણી માટે મથુરા મતવિસ્તારમાંથી તેમની ઉમેદવારી અંગે ભાજપના નેતા હેમા માલિનીએ કહ્યું કે હું અહીં ઘણું કરવા માંગતી હતી. મેં પહેલા પાંચ વર્ષમાં ઘણી વસ્તુઓ કરી છે અને મારા બીજા કાર્યકાળ દરમિયાન પણ વધુ સારું કર્યું છે. આ ત્રીજી વખત છે અને મારે હજુ એક મોટું કામ કરવાનું બાકી છે. હું પીએમ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથનો આભાર માનું છું.

  • 03 Mar 2024 11:38 AM (IST)

    સાબરકાંઠા અને અરવલ્લીમાં કરા સાથે વરસાદને લઈ ખેતી પાકમાં નુક્સાન, વળતરની માંગ કરાઈ

    અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કરા સાથે માવઠાને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શનિવારની મોડી સાંજે ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠું થતા મોડાસા, ભિલોડા, માલપુર મેઘરજ સહિતના તાલુકાઓમાં ક્યાંક ખેતીને તો ક્યાંક લગ્ન પ્રસંગમાં માવઠાએ વિઘ્ન બનીને તમામ આયોજનો પર પાણી ફેરવ્યું હતું. મોડાસા તાલુકામાં માવઠાની વધારે અસર જોવા મળી હતી.

    સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોએ પાકમાં નુક્સાની વેઠવાનો વારો આવ્યો છે. ઇડર, વડાલી અને ભિલોડા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા વરસ્યા હતા. ઇડરના ફલાસણ અને વડાલીના ચામુ સહિતના વિસ્તારમાં કરા સાથે વરસાદ તૂટી પડવાને લઈ ખેતી પાકમાં નુક્સાન સર્જાયુ હતુ. ખેતરોમાં સફેદ કરાની ચાદર પથરાઇ ગઇ હતી અને ઘઉં સહિતનો તૈયાર પાકનો સોથ વળી ગયો હતો.

  • 03 Mar 2024 10:55 AM (IST)

    પાકિસ્તાન કરતાં ભારતમાં બેરોજગારી વધારે: રાહુલ ગાંધી

    કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન કરતાં ભારતમાં વધુ બેરોજગારી છે. રાહુલ સતત બેરોજગારીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.

  • 03 Mar 2024 10:23 AM (IST)

    ભારત જોડો ન્યાય યાત્રામાં આજે થોડો ફેરફાર થયો છે, રાહુલ પટના જશે: જયરામ રમેશ

    કોંગ્રેસના નેતા જયરામ રમેશનું કહેવું છે કે આજે ભારત જોડો ન્યાય યાત્રાનો 50મો દિવસ છે, તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે કારણ કે રાહુલ ગાંધીએ વિપક્ષની રેલીમાં ભાગ લેવા માટે પટના જવું છે. આજે સવારે તેઓ અગ્નવીર યોજના અંગે ચર્ચા કરશે. બપોરે ભારત જોડો ન્યાય યાત્રા નહીં નીકળે. આવતીકાલે, અમે શિવપુરીથી ફરી યાત્રા શરૂ કરીશું.

  • 03 Mar 2024 09:08 AM (IST)

    Ahmedabad: ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઇન ચૂંટણીકાર્ડ કાઢવાના રેકેટનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ

    ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણી કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ચૂંટણી કાર્ડની કોપી જેવા ડોક્યુમેન્ટ પર આધારકાર્ડ માટે એપ્લાય કરાતા સમગ્ર મામલો મામલતદારના ધ્યાને આવ્યો હતો. જેને લઈને સોલા પોલીસ સ્ટેશનમાં 2 ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તપાસ કરી, અને સોલા પોલીસે કન્સલ્ટન્સી ધરાવતા યુવક અને બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરી છે.

  • 03 Mar 2024 08:21 AM (IST)

    રશિયાએ યુક્રેનના ઓડેસામાં કર્યો ડ્રોન હુમલો, 7 લોકોના મોત

    રશિયન ડ્રોન હુમલામાં યુક્રેનમાં સાત લોકોના મોત થયા છે. આ માહિતી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આપી છે. તેમણે કહ્યું કે રશિયાએ યુક્રેનના ઓડેસામાં ડ્રોન હુમલો કર્યો, જેમાં સાત લોકો માર્યા ગયાના અહેવાલ છે.

  • 03 Mar 2024 08:19 AM (IST)

    પાકિસ્તાનના નવા પીએમના નામની આજે થશે જાહેરાત

    પાકિસ્તાનના નવા વડાપ્રધાનને લઈને લગભગ 20 દિવસથી ચાલી રહેલા સસ્પેન્સનો આજે અંત આવશે. પાડોશી દેશના આગામી વડાપ્રધાન કોણ હશે? જેની પર આજે મહોર લગાવવામાં આવશે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 3 માર્ચે પીએમની ચૂંટણી થવાની છે.

  • 03 Mar 2024 07:41 AM (IST)

    વડાપ્રધાન મોદી આજે પોતાના મંત્રીઓ સાથે કરશે બેઠક, આપશે જીતનો મંત્ર

    વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીની જાહેરાતથી થોડા દિવસ પહેલા એટલે કે આજે પોતાના કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. મંત્રીપરિષદની બેઠક દિલ્હીમાં ચાણક્યપુરીના સુષ્મા સ્વરાજ ભવનમાં થશે.

Published On - 7:41 am, Sun, 3 March 24