આજે 29 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
પંચમહાલના ગોધરા શહેરના MGVCL, GUVNL અને પંચમહાલ પોલીસ તંત્રની સંયુક્ત ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયું હતું. વીજ ચેકીંગ દરમિયાન 73 ગ્રાહકો પાસેથી અંદાજે રૂ. 30 લાખની વીજ ચોરી પકડાઈ છે. મેગા વીજ ચોરી સર્ચ અભિયાનમાં 61 ટીમોના 244 કર્મચારીઓ અને 77 પોલીસ કર્મીઓ જોડાયા હતા. ગોધરા શહેરના પોલનબજાર, સાતપુલ, વેજલપુર રોડ, સ્ટેશન રોડ, ગુહ્યા મહોલ્લા અને સિંગલ ફળિયા સહિતના વિસ્તારોમાં કુલ 1356 વીજ કનેક્શનની તપાસ કરાઇ હતી. કેટલાક સ્થળોએ વીજ ગ્રાહકો અને તપાસ ટીમ વચ્ચે રકઝકના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જોકે પોલીસ દ્વારા સમજાવટથી મામલો શાંત કરાયો હતો.
જયપુર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં જીબીએસથી પીડિત ત્રણ દર્દીઓ મળી આવ્યા છે. એસએમએસ મેડિકલ કોલેજની લેબોરેટરીમાં કેમ્પીલોબેક્ટરની પુષ્ટિ થઈ છે. તબીબોના મતે તે ‘ગુઇલેન-બેરે સિન્ડ્રોમ’ (GBS) છે. આ એક પ્રકારનો ન્યુરોલોજીકલ રોગ છે. જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાની પેરિફેરલ નર્વ્સ પર હુમલો કરે છે. જેના કારણે સ્નાયુઓની નબળાઇ, નિષ્ક્રિયતા અને લકવાનું કારણ બની શકે છે.
ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કુંભમેળા દરમિયાન આજે ઘટેલી દુર્ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય. આ ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, અને હવે તેની પાછળના કારણો શોધવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે, કુંભમેળામાં આજે થયેલ નાસભાગ દરમિયાન જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 25 લાખ રૂપિયાના વળતર આપવાની જાહેરાત કરી છે. આ વળતર મૃતકોના પરિવારોને આપવામાં આવશે.
રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે. વ્યાજખોરીમાં ચક્કરમાં ફસાયેલા અલ્પેશ સાકરિયાએ ઝેરી પાવડર પી ને આપઘાત કર્યો છે. આપધાત કરતા પૂર્વે, અલ્પેશ સાકરિયાએ, પરિવારના વોટ્સએપ ગ્રુપમાં અંતિમ વીડિયો અને સ્યુસાઈડ નોટ પોસ્ટ કરી હતી. રાજકોટ બાલભવન નજીક ઝેરી પાઉડર પાણીમાં નાખીને પી ને આત્મ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.
ગાંધીનગર સાયબર ક્રાઇમે, ઓનલાઈન છેતરપિંડી કરતા કોલ સેન્ટરના પાંચ લોકોને મુંબઈથી ઝડપી પાડ્યાં છે. સાયબર ક્રાઇમે અગાઉ દાખલ થયેલ ગુનાનો એનાલિસિસ કરી મુંબઈ ખાતેથી કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. સાયબર ક્રાઇમે 5 સભ્યોની મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે. ભોગ બનનારને વિશ્વાસમાં લઈને છેતરપિંડીને અંજામ આપતા હતા. સાયબર ક્રાઇમે આરોપી પાસેથી 13 મોબાઈલ ફોન, ડેબિટ કાર્ડ 4 અને મોબાઈલ નંબરના લિસ્ટ કબજે કર્યું છે.
મહાકુંભ દરમિયાન સંગમ કિનારે થયેલી ભાગદોડમાં ઘણા લોકો ઘાયલ થયા છે. 30 લોકોના મોત થયા છે. ઘાયલોને કુંભ વિસ્તારના સેક્ટર-2 સ્થિત હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું કે આજે મહાકુંભ પ્રયાગરાજમાં ભારે ભીડ હતી. આના કારણે બેરિકેડ તૂટી ગયા અને ભીડે લોકોને કચડી નાખવાનું શરૂ કર્યું.
અમદાવાદના હાથીજણ પાસે વાંચ ગામમાં ફટાકડા બનાવતી ફેકટરીમાં આગ લાગી છે. વાંચ ગામમાં ફટાકડાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. આગ લાગ્યાની જાણ થતા જ, ફાયર બ્રિગેડની ચાર વાહનો આગને કાબૂમાં લેવા ઘટના સ્થળે પહોચી ગયા છે. ફાયર બ્રિગેડના જવાનો પાણીનો મારો કરીને આગને કાબૂમાં લેવાની કામગીરી કરી રહ્યાં છે. જો કે અત્યાર સુધીમાં આગને કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.
26મી જાન્યુઆરીના રોજ 76માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ”ને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા છે. ગુજરાતના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસનું પ્રથમ સ્થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી છે. 2023માં “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત” ટેબ્લો પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રથમ સ્થાન મળ્યું હતું. 2024માં “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO” ટેબ્લોને પણ પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રથમ સ્થાન મળ્યું હતું. આ વર્ષે પણ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં ગુજરાતના ટેબ્લો દેશની જનતાની પ્રથમ પસંદ બન્યું છે.
રખડતાં ઢોર, ગેરકાયદે પાર્કિંગ અને ગેરકાયદે દબાણ મામલે હાઇકોર્ટે 62 આદેશો બાદ પણ સ્થિતિ જેમની તેમ હોવાથી હાઈકોર્ટ આખરા પાણીએ. રાજ્ય સરકાર વતી સરકારી વકીલ જી એચ વિર્કે કોર્ટમાં માહિતી આપી હતી કે, દબાણો, પાર્કિંગનાં મુદ્દે તંત્ર સતત કામગીરી કરી રહી છે. ખાણીપીણીની લારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણ મામલે પણ હાઇકોર્ટ નારાજ હતી. દબાણો દૂર કરવામાં આવે છે તેના થોડાક જ સમયમાં ફરીથી દબાણ થઈ જાય છે તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું. દબાણોવાળી જગ્યાઓ પર જ્યાં ટ્રાફિક થાય છે ત્યાં પોલીસ પણ મુકદર્શક બની છે તેવી ટકોર હાઈકોર્ટે કરી હતી.
હાઇકોર્ટે કહ્યું કે, અમે પોતે જોયું છે જાહેર રસ્તાઓ પર દબાણના કારણે ટ્રાફિક થાય છે, પોલીસની ગાડી ત્યાંથી નીકળે છે તો તેઓ બહાર નીકળવાની પણ તસ્દી લેતા નથી. પોલીસને કામ કરવાં મહેનતાણું મળે છે, તેમ છતાં કામગીરી થતી નથીતેવી ટકોર હાઈકોર્ટે કરી હતી. સરકારી વકીલે વધુ સમયની માંગ કરતા હાઇકોર્ટે મૌખિક હુકમ લખાવ્યા બાદ મુદત આપતા 6 ફેબ્રુઆરીનાં રોજ વિગતવાર સુનાવણી હાથ ધરાશે.
મહેસાણામાં હોમીયોપેથી કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. મહેસાણાના બાસના નજીક મર્ચન્ટ કોલેજ ખાતે આ દુખદ બનાવ બન્યો છે. 19 વર્ષીય ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીની એ અગમ્ય કારણોસર, ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મહેસાણા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયે, DGCA ને પત્ર લખીને દેશના વિભિન્ન શહેરોમાંથી પ્રયાગરાજ માટેની ફ્લાઈટના ભાડા ઘટાડવા માટે પગલાં લેવા જણાવ્યું હતું.
જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકામાં કોંગ્રેસ અને આપ પાર્ટી સાથે રહી લડે તે અંગે સ્થાનિક સ્તરે બન્ને પક્ષોના આગેવાનોમાં સહમતી સંધાઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી સામે નગરપાલિકાની ચૂંટણીમાં લડવા અંગે સ્થાનિક સ્તરે વાટાઘાટા સફળ રહી છે. આપના નેતા એ કહ્યું કે, અમે લોકો પ્રદેશના નિર્ણયની હજુ રાહ જોઈ રહ્યાં છીએ, જ્યારે કોંગ્રેસના નેતાએ કહ્યું કે, અંતિમ નિર્ણય મવડી મંડળ કરશે.
ભાવનગરના સિહોર પોલીસ સ્ટેશનમાંથી નરશી જાદવ નામના યુવકે બીજા માળે થી કુદકો મારી આપઘાતનો કર્યો પ્રયાસ. સિહોર પોલીસ દ્વારા યુવકને એક ગુમ થયેલ યુવતીની ફરીયાદ સંદર્ભે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે આજે સવારે લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આ યુવકને અચાનક લાગી આવતા સિહોર પોલીસ સ્ટેશનના બીજા માળેથી કુદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવક સિહોર તાલુકાનો હોવાનું સામે આવ્યું સામે, યુવકે આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
દહેગામ ચીલોડા રોડ પરના મમૈયા પેટ્રોલ પંપ ઉપર તસ્કરો ત્રાટકયા હતા. પેટ્રોલ પંપની ઓફિસનાં ડ્રોઅરમાં પેટ્રોલ ડિઝલના વેચાણના રાખેલા 25 હજાર રોકડા ચોરીને તસ્કરો સિફતપૂર્વક પલાયન થઈ ગયા હતા. તસ્કરોની આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપનાં સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. ચીલોડા પોલીસે અજાણ્યા ઈસમો વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત જાહેર સેવા અયોગ દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરાયું છે. કુલ 1 હજાર 751 જુદી-જુદી કેડરની ભરતીઓ જાહેર કરાઈ. 16 DYSO અને નાયબ મામલતદારની ભરતી કરાશે. શિક્ષણ સેવા વર્ગ-2ની 300 ખાલી જગ્યાઓ ભરાશે. રાજ્ય વેરા નિરીક્ષકની 323 જગ્યા પર ભરતી કરાશે. વહીવટી સેવા વર્ગ 1 અને 2ની 100 જગ્યાઓ ભરાશે.
જામનગર: જર્જરિત મકાનની છત ધરાશાયી થતાં બે ઈજાગ્રસ્ત થયા છે. બે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા છે, તો શ્રમિકની હાલત ગંભીર છે. રતનબાઈની મસ્જિદ નજીક આ ઘટના બની છે. છતનો ભાગ પડતાં મહિલા સહિત બે લોકો નીચે દબાતા ઘાયલ થયા છે. નવા મકાનના સેન્ટિંગના કામ દરમિયાન બાજુના મકાનની છત ધરાશાયી થઇ.
મહાકુંભની દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત દુ:ખ કર્યું. તેમણે કહ્યુ કે મહાકુંભમાં દુ:ખદ દુર્ઘટના બની. આપણે કેટલીક પુણ્યાત્માઓને ગુમાવી છે, કેટલાકને ઈજા થઈ છે. હું પીડિત પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું. PM મોદીએ ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. ઘટના મુદ્દે PM મોદી યુપી સરકારના સતત સંપર્કમાં હોવાનું જણાવ્યુ.
કચ્છઃ ભચાઉનાં લાકડિયા પાસે 25 લાખનો દારૂ ઝડ્પાયો છે. ચોખાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડ્પાયો. હોટલનાં પાર્કિંગમાં ઊભેલી ટ્રકમાં દારૂનો જથ્થો સંતાડેલો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે 4 આરોપીઓની ધરપકડ કરી.
મોરબીઃ મકનસર ગામે વિદ્યુત બોર્ડનાં કર્મચારી પર હુમલો થયો છે. વીજ બિલની ઉઘરાણી કરવા ગયેલા વીજકર્મી અને પોલીસ જવાનને માર મારી ધમકી આપવામાં આવી. હાથમાં હથિયાર રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હુમલો કરનાર ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ.
સુરતઃ પોલીસે 14 વર્ષથી ફરાર આરોપીને ઓડિશાથી ઝડપ્યો છે. ફાયરિંગ અને લૂંટ કેસમાં આરોપી 14 વર્ષથી ફરાર હતો. પોલીસને બાતમી મળતાં ઓડિશા જઈ આરોપીને ઝડપ્યો છે. પોલીસે વેશ પલટો કરી આરોપીની ધરપકડ કરી.
અમદાવાદથી ગુજરાત સરકારની વોલ્વોમાં ગયેલા તમામ 47 યાત્રિકો સુરક્ષિત છે. મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવેલા યાત્રિકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. GSRTC ની પ્રથમ બસ સ્નાન બાદ હાલ પરત થઈ. મૌની અમાવસ્યાને કારણે વધુ ભીડ હોવાથી ટ્રાફિક જામની સમસ્યા છે. હજારો વાહનો મહાકુંભ ક્ષેત્રમાં આવતા હોવાથી પરત થવામાં મોડું થઈ રહ્યું છે. ગુજરાત સરકારના GSRTC વિભાગ તરફથી મહાકુંભ માટે વિશેષ આયોજન કરાયું છે.
ભરૂચના જંબુસરમાં ગૌચરની જમીન પર ભુમાફિયાઓના દબાણ હટાવાયા છે. 510 એકર જમીનમાંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. કપાસ અને મગ જેવા પાકની સરકારી ગૌચરમાં ખેતી કરવામાં આવતી હતી.
27 જેટલાં લોકોને નોટિસ આપવામાં આવી હતી. જે બાદ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી.
સીએમ યોગીએ અખાડાના સંતો સાથે વાત કરી. આ પછી, અખાડાઓ વચ્ચે સ્નાન અંગે સર્વસંમતિ થઈ છે. 11 વાગ્યા પછી, અખાડાઓના સંતો અને મુનિઓ ક્રમિક રીતે સ્નાન માટે જશે.
કુંભ મેળામાં દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીએ CM યોગી સાથે વાત કરી છે. PM મોદીએ શક્ય તમામ મદદની યોગી આદિત્યનાથને ખાતરી આપી છે. ગૃહ પ્રધાન અમિત શાહ, નડ્ડાએ પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. CM યોગીએ શ્રદ્ધાળુઓને અફવાઓ પર ધ્યાન ન દેવા અપીલ કરી. જે ઘાટની નજીક હોવ ત્યાં જ સ્નાન કરવા અપીલ કરવામાં આવી.
અમદાવાદ: શીલજ પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે. કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બાઈકચાલક યુવકને ગંભીર ઈજા થઇ છે. યુવકને સારવાર અર્થે સોલા સિવિલ ખસેડાયો છે. કારચાલક અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થયો છે.
પીએમ મોદીએ મહાકુંભ મેળાની પરિસ્થિતિ વિશે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે વાત કરી, વિકાસની સમીક્ષા કરી અને તાત્કાલિક રાહત પગલાં લેવા હાકલ કરી.
પ્રયાગરાજઃ મહાકુંભમાં રાત્રિ દરમિયાન ભાગદોડથી અનેક લોકો ઘાયલ થયા છે. ભાગદોડમાં 15થી વધારે લોકોના મોતની આશંકા છે. રાત્રે 2 કલાકે સંગમ સ્થળે ભાગદોડ થઈ. મહાકુંભમાં ભાગદોડ બાદ નિર્ણય આજે અખાડાઓનું અમૃત સ્નાન રદ કરવામાં આવ્યા છે. તમામ 13 અખાડાનું અમૃત સ્નાન રદ કરાયુ. હવે વસંતપંચમીએ અખાડા સ્નાન કરશે.
Published On - 7:53 am, Wed, 29 January 25