
આજે 28 નવેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમેરિકાના ટેરિફ બોમ્બ બાદ પણ ભારતની GDPમાં વધારો થયો. ત્રીજા ત્રિમાસિકમાં GDP 8.2 ટકા પર પહોંચી. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન એટલે કે, આ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ભારતની રાજકોષીય ખાધ 8.25 લાખ કરોડ રૂપિયા હતી.
વડોદરામાં 7 હજારની ઉઘરાણી માટે એક વેપારીને બીજા વેપારીએ ઢોર માર માર્યો. ઘટનામાં કરિયાણાની દુકાનના વેપારીએ પૈસાની ઉઘરાણી માટે ટાયર સર્વિસની દુકાનના વેપારીને ઢસડી-ઢસડીને માર માર્યો, જેના કારણે તે ગંભીર ઈજાગ્રસ્ત થયો. હાલ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
દિત્વાહ નામનું વાવાઝોડું ભારતમાં તબાહી મચાવવા માટે આગળ વધી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, 30 નવેમ્બરે વાવાઝોડું ત્રાટકી શકે છે, જેના કારણે તામિલનાડુથી લઈને આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને NDRF ની ટીમો હાલમાં જ તૈનાત કરવામાં આવી ગઈ છે, જેથી સંકટની ઘડીમાં લોકોને મદદ કરી શકાય.
અમદાવાદમાં ગૌ વંશની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ગ્રામ્ય LCBએ મોંઘીદાટ કાર સાથે ગેંગના બે આરોપીની ધરપકડ કરી છે. બન્ને આરોપી જુહાપુરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ કરતા ખુલાસો થયો કે, બે પૈકી એક આરોપી વિરૂદ્ધ વેજલપુર, ઈસનપુર, સરખેજ, ખોખરામાં ગુના નોંધાઈ ચૂક્યા છે. જો કે ગૌ વંશની ચોરીના વીડિયોને આધારે પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી છે.
રાજકોટમાં કિન્નર સમુદાય વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદે હવે લીધો છે ગંભીર વળાંક આવ્યો છે. અંદરો અંદરના ઝઘડાથી કંટાળીને 6 કિન્નરોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા મચી છે ચકચાર. રાજકોટમાં કિન્નરો વચ્ચે જાતિવાદ અને કમિટીમાં સમાવેશ મુદ્દેની લડાઇએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. કમિટીના અધ્યક્ષ નિકીતાદેએ ફિનાઇલ પી લીધા બાદ તેની જાણ થતાં જ હરીફ જૂથના અન્ય છ કિન્નરોએ પણ સામૂહિક રીતે ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો. મોડી રાત્રે જામનગર રોડ પર આવેલા ખાટું શ્યામ મંદિર પાસે આ ઘટના બની, જ્યાં 6 કિન્નરોએ એકસાથે ફિનાઇલ પી લીધું. જે બાદ તમામને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કિન્નરે વીડિયો જાહેર કરીને અન્ય કિન્નરો પર ગંભીર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.
પાલનપુર તાલુકાના સલ્લા ગામની 14 એકર ગૌચર જમીન ખાનગી વ્યક્તિઓને આપી દેવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કલેક્ટરને તપાસ આદેશ આપ્યા છે. ગુજરાત લેન્ડ રોકોર્ડના કાયદા મુજબ ગૌચરની જમીન ખાનગી વ્યક્તિઓને આપી શકાય નહીં. છતાં, 14 એકર ગૌચર જમીન ખાનગી વ્યક્તિઓને કઈ રીતે આપવામાં આવી, તે અંગે તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા હુકમ કરાયો. આ તપાસમાં સરપંચને સહકાર આપવા પણ હુકમ કરાયો છે. 14 એકર ગૌચર જમીન પર 141 જેટલા લોકોએ બાંધકામ કર્યું, જ્યારે 79 ખુલ્લા પ્લોટ છે.
જામનગરમાં પણ રસ્તા પર બાઈકર્સ બન્યા બેફામ. બાઈક પર સૌથી આગળ બેઠેલ વ્યક્તિ એક હાથમાં મોબાઈલ પકડીને જોઈ રહ્યો છે. શક્ય છે કે કદાચ તે સેલ્ફી લઈ રહ્યો હોય. યા રીલ બનાવી રહ્યો હોય. જ્યારે તેની પાછળ બેઠેલ વ્યક્તિએ. બાઈકનું સ્ટિયરિંગ પકડી રાખ્યું છે. મુદ્દો એ કે ગફલતમાં જો કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદારી કોની ?
સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઈવે પર સ્ટંટબાજો બેફામ બન્યા. 2 બાઇકચાલકોએ મોડી રાત્રે હાઈવે પર જોખમી રીતે બાઈક હંકાર્યું. રીલ્સ બનાવવા માટે બાઇકચાલકોએ બાઇક પર સૂતા સૂતા સ્ટંટ કર્યા. આવા સ્ટંટ થકી તેમના જીવ તો જોખમમાં મુક્યા પરંતુ રસ્તા પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોના જીવ પર પણ જોખમ સર્જ્યું. બેફામ સ્ટંટ કરીને સ્ટંટબાજોએ જાણે કે હાઇવેને બાનમાં લીધો. સ્ટંટબાજોનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે હવે તેના આધારે તપાસ શરૂ કરી છે.
સુરત: DGVCLની કચેરીએ પરીક્ષાને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. આપ અને કોંગ્રેસ સાથે મળી પરીક્ષાના ઉમેદવારો મેદાને ઉતર્યા. કચેરી કેમ્પસમાં ભરતી અંગે ઉમેદવારોએ ઉગ્ર વિરોધ કર્યો. પરીક્ષા બાદ ઉમેદવારોને નોકરીની ફાળવણી ન કરાતા રોષની લાગણી જોવા મળી. કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ, આપ MLA ચૈતર વસાવા આ વિરોધમાં જોડાયા. ઉગ્ર વિરોધ સાથે DGVCLના અધિકારીઓ સાથે વાટાઘાટો કરી. DGVCLની કચેરીમાં ખાનગી ભરતી બંધ કરવાની માગ કરી.
વડોદરા: વિશ્વામિત્રી નદીના કોતરોમાં ફરી દબાણ થવા લાગ્યુ છે. વિશ્વામિત્રી નદીના પટમાં ખોદકામ થતા સવાલ ઉઠી રહ્યા છે. હરણી વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રીના કોતરોમાં ખોદકામ શરૂ કરાયું છે. સમગ્ર બાબત ધ્યાનમાં આવતા પાલિકાના અધિકારીઓ સફાળા જાગ્યા છે. પાલિકાએ સ્થળ પર પહોંચી ખોદકામ અટકાવ્યું. ખોદકામ કરનારને નોટિસ પાઠવવા કાર્યવાહી હાથ ધરાઈ છે. વિશ્વામિત્રીનું કામ પૂર્ણ થયા બાદ નિરીક્ષણમાં ખામીના આક્ષેપ ઉઠ્યા છે. ખોદકામ કરાવનાર વિનુ જીવા ભરવાડનો દાવો છે કે તેણે જ્યાં કામગીરી હાથ ધરી છે. તે જગ્યા તેની માલિકીની છે. ત્યારે પાલિકા દ્વારા નકશાના પુરાવાઓને આધારે હાલ તપાસ હાથ ધરાઈ છે.
અમદાવાદમાં હજી તો ઠંડીની શરૂઆત છે અને ત્યાં જ હવાની ગુણવત્તામાં સતત મોટા ફેરફાર થઈ રહ્યા છે. પ્રદૂષણનું સ્તર એટલી હદે પહોંચી ચૂક્યું છે કે મેટ્રોસિટીનો સરેરાશ AQI 236 પર પહોંચ્યો છે. આ સાથે જ થલતેજના જય અંબે નગરમાં AQI 260, સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં AQI 247, સોનીની ચાલી વિસ્તારમાં AQI 236, રખિયાલમાં AQI 228 જ્યારે કે ઈસરો, બોડકદેવ સહિતના શહેરના અનેક વિસ્તારોમાં AQI 230ને પાર પહોંચી ગઈ છે. જે એક રીતે લોકો માટે મોટા જોખમથી ઓછું બિલકુલ નથી.
શુક્રવારે સવારે 8 વાગ્યાની આસપાસ શહેરનો સરેરાશ AQI 236 નોંધાયો હતો. તો સાડા આઠની આસપાસ શહેરના અનેક વિસ્તારોમાં AQI 230ની ઉપર પહોંચી ગયેલો જોવા મળ્યો. ઈસરો, બોડકદેવ, સી.પી. નગર, ઉષ્માનપુરા સહિતના વિસ્તારોમાં AQIનું સ્તર ચિંતાજનક રીતે 230ની ઉપર જોવા મળ્યું હતું. શહેરની સ્થિતિને જોતા સતત લોકોની ચિંતા વધી રહી છે. અસ્થમા અને શ્વાસ સંબંધિત રોગના દર્દીઓના માથે મોટું જોખમ તોળાઈ રહ્યું છે.
અમદાવાદ: BLO મૃત્યુ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ગંભીર આક્ષેપ કર્યા, તેમણે કહ્યુ દબાણ અને વ્યવસ્થાના અભાવે BLOના મોત થઈ રહ્યા છે.
BLOના મોત બાદ સરકાર હવે જાગે તેવી જરૂરીયાત છે. કામના ભારણના કારણે BLOના મોત થઈ રહ્યા છે. ચૂંટણી પંચે પણ વ્યવસ્થા સુધારવાની જરૂરીયાત છે.
સુરત: મનપાના સિક્યુરિટી ચીફ ઓફીસરના વિવાદનો મામલે ઈ-સિગારેટ અંગે સિક્યુરિટી ચીફ ઓફીસરે નિવેદન આપ્યું. ઈ-સિગારેટ પીને પોતે ખોટું કર્યું હોવાની કબૂલાત કરી. બદનામ કરવા વીડિયો બનાવ્યો હોવાનો આરોપ લગાવ્યો. દુબઈથી મિત્ર ઈ-સિગારેટ લાવ્યો હોવાનો દાવો કર્યો. મનપાના સિક્યુરિટી ચીફ ઓફીસર ઈ-સિગારેટ પીતા હોય તેવો આક્ષેપ થયો છે. ઈ-સિગારેટ પીતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જો કે TV9 આ વીડિયોની પુષ્ટી કરતું નથી. મહાનગરપાલિકાએ વીડિયો સંદર્ભે તપાસના આદેશ આપ્યા છે.
ધરમપુરમાં આયોજીત ગુજરાત સરકારની ચિંતન શિબિરના બીજા દિવસે કંઈક અદ્દભૂત રંગ જોવા મળ્યા. મનોમંથનની સાથે સર્જાયું રંગોનું ગૂંથણ અને ચિંતન શિબિર બની ચિત્રાત્મક. દક્ષિણ ગુજરાતની પ્રસિદ્ધ વારલી ચિત્રકળા પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાથ અજમાવ્યો અને તેમની સાથે અનેક નેતાઓ પણ જોડાયા. વારલી ચિત્રકળા એ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાની પારંપરિક કલા છે.
હર્ષ સંઘવીએ વાંસમાંથી બનતી વસ્તુઓ ઉપર પણ તેમની કલાકારીગરી અજમાવી. વારલી ચિત્રકળા અને વાંસમાંથી બનતી વસ્તુઓને આ ચિંતન શિબિર સાથે જોડવાનો હેતુ એ છે કે તેને લઈ રોજગારીની નવી તક ઊભી થાય. સૌથી ખાસ વાત એ છે કે ચિંતન શિબિરમાં વારલી ચિત્રકળાની થીમ રજૂ કરવામાં આવી છે. ચિંતન શિબિરના વિવિધ સ્થળે વારલી ચિત્રકળાના માધ્યમથી. વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે. જે અત્યંત આકર્ષક ભાસી રહી છે.
લિંબાયતમાં પત્નીના બહેનની હત્યા કરનાર આરોપી ઝડપાયો છે. શહેરના લિંબાયત છત્રપતિ શિવાજીનગર વિસ્તારની ઘટના. આરોપી અકીલ ઉર્ફે ચીકોલીયાને લિંબાયત પોલીસે પકડી પાડ્યો છે. ફરીયાદી સાબીરા, જે આરોપી અકીલની પત્ની છે, છેલ્લા 9 મહિનાથી માતાના ઘરે રહેતી હતી. ગત 23/11/2025ના રોજ અકીલ બાળક તૈમુરને લેવા સાસરીયે આવ્યો હતો. આ દરમિયાન પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો. ઝગડાની વચ્ચે અકીલે ફરીયાદીની બહેનને થપ્પડ મારતાં તણાવ વધ્યો હતો. અકીલે ગુસ્સામાં સિમેન્ટનો બ્લોક મારી હત્યા કરી દીધી.
બનાસકાંઠાના કાંકરેજની ખીમાણા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દીવાનજી ઠાકોરને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યાં છે. સગા સહિતનાઓએ અનઅધિકૃત દબાણ કર્યુ હોવાની વિગત સામે આવી હતી. માપણી ફી ભર્યા બાદ પણ માપણી ના કરતા સરપંચ દોષિત થયા છે. વડગામના છાપી બાદ વધુ એક સરપંચ સસ્પેન્ડ થવાની ઘટના બની છે.
છોટાઉદેપુરમાં એમ્બ્યુલન્સની આડમાં લઈ જવાતો દારૂ ઝડપાયો. મોટી રાસલી ગામેથી વિદેશી દારૂ ઝડપાયો હતો. પાવીજેતપુર પાસે જનતા ડાઈવર્ઝનથી પસાર થતી હતી એમ્બ્યુલન્સ. 928 બોટલ કુલ કિંમત રૂ.2.55 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આરોપી સ્થળ પરથી ભાગી ગયો છે.
શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ, વાવાઝોડું ‘દિતવાહ’ ભારત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળ માટે ચેતવણી જાહેર કરી છે. શ્રીલંકામાં 46 લોકોના મોત થયા છે અને ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
વાવ થરાદના ધરણીધર તાલુકાના નાળોદર ગામ નજીકની કેનાલમા ગાબડુ પડ્યું છે. કેનાલ ઓવરફ્લો થઈની તૂટી હોવાનું અનુમાન સ્થાનિકો લગાવી રહ્યાં છે. વધુ પડતું પાણી કેનાલમાં છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ. કેનાલમાં ગાબડું પડતાં નજીકના ખેતર માલિક ખેડતને નુકશાન થયું છે. ગાબડામાંથી નહેરનું પાણી વાવેતર કરેલા એરંડા સહિતના પાક પર ફરી વળ્યું. ગઈકાલે સુઈગામ તાલુકાના ભટાસણા ગામની સીમમાં 15 ફુટથી વધુનું ગાબડુ પડ્યું હતું. આજે નાળોદર ગામની સીમમાં પડ્યું કેનાલમાં ગાબડું.
કેનેડામાં કપિલ શર્માના કાફેમાં કરાયેલા ગોળીબારની તપાસમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોન ગેંગના સભ્ય બંધુમાન સિંહની ધરપકડ કરી છે.
રાજકોટ શહેરમાં હવાનું પ્રદુષણ સતત વધી રહ્યું છે. આજે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં AQI 300ને પાર થયો છે. રાજકોટમાં વહેલી સવારે AQI 309 નોંધાયો હતો. ઓફિસ અવર્સ દરમિયાન કટેરીએ જવા અને આવવાના સમયે રાજકોટનું વાતાવરણ સૌથી ખરાબ હોવાનું સામે આવ્યું છે.
આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. શિયાળાના સમયમાં વાતાવરણમાં ધુમ્મસ અને વાહનોની અવરજવર હોવાને કારણે સ્થિતિ ખરાબ થાય છે. હવાના પ્રદુષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને સિઝનલ રોગ થવાની શક્યતા રહેલી છે. વાતાવરણમાં રહેલી હવા ફેફસાંમાં થઇને સીધી લોહીમાં ભળે છે. વિટામીન સી પણ ભરપૂર લેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. લોકોએ માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. હાલના સંજોગોમાં લોકોએ માસ્ક પહેરવાની આરોગ્ય વિભાગે અપીલ કરી છે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ લખેલા પત્રની અસર જોવા મળી. પોલીસ અને પાલિકાએ સંયુક્ત કામગીરી કરી બ્રિજ નીચે દબાણ હટાવ્યું. ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું પ્રજાના પ્રતિનિધિ તરીકે મેં પત્ર લખ્યો હતો. હું કોઈ વાહવાહી માટે નહીં પરંતુ પ્રજાને પડતી સમસ્યા બાબતે પત્ર લખુ છું. તંત્રએ એક દિવસ પૂરતી નહીં પરંતુ આ કામગીરી લાંબા સમય સુધી કરવી પડશે. પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોને પડતી મુશ્કેલી દૂર કરવાનું મારું કામ છે. કોંગ્રેસે પણ કુમારભાઈના પત્રની વહાવાઈ કરી હતી.
જામનગરમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે, લાલા ગોરીયા નામના આસામીના ઘરે દરોડા પાડ્યા છે. જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલ છે લાલા ગોરીયા. આર્થિક ગેરરીતિ સબંધિત માહિતી મળતા ઈડી એ હાથ ધરી છે તપાસ. જો કે, ધંધાર્થી લાલા ગોરીયા ઈડીની કાર્યવાહી સમયે ઘરે ના હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં કિન્નારોના બે જુથ વચ્ચે બબાલ થઈ હતી. કિન્નરોના સામસામા બે જુથો દ્રારા કરાયો આત્મવિલોપનનો પ્રયાસ. નિકીતા દે નામની કિન્નરે દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મિહિર અને મીરા દે નામની કિન્નરના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નિકીતા દે એ આત્મહત્યાનો પ્રયાસ કરતા સામા પક્ષે છ કિન્નરોએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યુબીલી બાગ ખાતે થયેલી બબાલનો ખાર રાખીને કિન્નરોએ બબાલ કરી હતી.
મહેસાણામાં હૃદયરોગના હુમલાથી BLO નું થયું મોત. સતલાસણાના સુદાસણા ગામે BLO નું મોત થયું હતું. BLO ઘરમાં SIRનુ કામ કરી રહ્યા હોવાની માહિતી મળી છે. દિનેશ રાવળ નામના શિક્ષકનુ થયું મોત. સુદાસણા ગામની કન્યાશાળાના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા દિનેશ રાવળ.
સુદાસણા ગામમાં BLO તરીકેનું પણ કામ કરતા હતા. BLO – શિક્ષકનુ મોત થતા ગામમા શોકની લાગણી ફેલાઈ છે.
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ, સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ છે. EDએ મનસુખ સાગઠિયા સામે નોંધી વધુ એક ફરિયાદ. મની લોન્ડરીંગ એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો છે. EDએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ નોંધાવતા 24 ડિસેમ્બરે હાજર રહેવા આદેશ કર્યો છે. સરકાર દ્રારા 21.61 કરોડની મિલ્કત ટાંચમાં લેવામાં આવી છે.
જસદણના બજરંગનગર વિસ્તારમાં રોડ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સ્થાનિકોએ કર્યો વિરોધ. સ્થાનિક રહીશો ભેગા થઈને કામની સામે વિરોધ નોંધાવતા આક્ષેપ કર્યો હતો કે, ભ્રષ્ટાચાર છુપાવવા માટે રોડનું કામ રાત્રે કરવામાં આવ્યું હતું. જસદણના બજરંગનગર વિસ્તારમાં અંદાજિત રૂપિયા પાંચ કરોડના ખર્ચે કરાયેલા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના સ્થાનિકોમાંથી ગંભીર આક્ષેપ. સ્થાનિકોનું કહેવું છે કે રોડ સાફ કર્યા વગર જ તેની ઉપર ડામર પાથરી દેવામાં આવ્યો છે. જેના કારણે રોડની ગુણવત્તા અત્યંત નબળી રહી છે. સ્થિતિ એવી છે કે નવો જ બનાવેલ રોડ, હાથે ઉખડવા લાગે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રોડના કામકાજ દરમિયાન સંબધિત વિભાગના એકપણ અધિકારી સ્થળ પર હાજર ના હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે.
સરખેજમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાટી સળગી મર્યો હતો. સરખેજમાં આવેલ આલનૂર હોસ્પિટલ ખાતે આ બનાવ બન્યો હતો. હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીના પાડોશમાં જ રહેતો હતોઆ યુવક. યુવક આજે હોસ્પિટલ્સમાં પહોચી તોડફોડ કરી હતી. ત્યાર બાદ પોતાના શરીર પર કેરોસીન છાંટી સળગ્યો હતો. યુવકે સળગતી હાલતમાં પહેલા માળેથી નીચે કૂદકો માર્યો હતો. સ્થાનિક લોકોએ યુવકને સળગતો બચાવવા પ્રયત્ન કર્યા હતા. યુવતીને પણ સામાન્ય ઇજાઓ થતા હોસ્પિટલ્માં સારવાર માટે ખસેડાઇ છે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના જસમતપુરની કેનાલમાં પિતા-પુત્રનો આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. મહેશ દાદરેજાએ 8 વર્ષિય પુત્ર દેવરાજ સાથે જસમતપુરની કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડ અને તાલુકા પોલીસે કરી મૃતદેહ શોધવાની કાર્યવાહી .
એર ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “27 નવેમ્બરના રોજ, દિલ્હીથી અમદાવાદ જતી ફ્લાઇટ AI2939 ના ક્રૂએ ટેકઓફ પછી તરત જ દિલ્હી પાછા ફરવાનો નિર્ણય લીધો, કારણ કે કાર્ગો હોલ્ડમાં ધુમાડો જોવા મળ્યો હતો. વિમાનની સંપૂર્ણ તપાસ પછી, કાર્ગો એરિયામાં ઘુમાડો હોવાના જે સંકેત મળ્યા હતા તે ખોટા હોવાનું જાણવા મળ્યું. માનક સંચાલન પ્રક્રિયાઓનું પાલન કરીને, ફ્લાઇટને દિલ્હીમાં પાછી ઉતારવામાં આવી હતી. મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા. દિલ્હીમાં અમારી એર ઈન્ડિયાની ગ્રાઉન્ડ ટીમે મુસાફરોને તાત્કાલિક સહાય પૂરી પાડી વૈકલ્પિક વ્યવસ્થા કરી.”
Published On - 7:25 am, Fri, 28 November 25