
આજે 20 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
દસાડા હાંસલપુર બેચરાજી હાઈવે પર બાઈક અને ટ્ર્ક વચ્ચે થયેલા અકસ્માતમાં 2ના મોત થયા છે. દસાડા-હાંસલપુર -બેચરાજી હાઇવે પર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર બેના મોત થયા છે. એકનુ ઘટનાસ્થળે અને એકનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. મૃતદેહ પીએમ માટે વિરમગામ ની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. અમદાવાદ ગ્રામ્યની માંડલ પોલીસે તપાસ હાથ ધરી છે.
દેવગઢબારીઆના કાપડી વિસ્તારમાં ગૌવંશને બચાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કરાયો હોવાનુ સામે આવ્યું છે. પથ્થરમારામાં એક એએસઆઇને ગંભીર ઇજા પહોંચી છે. સાથોસાથ પોલીસના વાહનોને પણ ભારે નુકસાન થયુ છે. બનાવની જાણ થતા જ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામાના લારો-પરીગામ વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું. પોલીસ અને સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે.
જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામેની T20 શ્રેણી પર કબજો જમાવ્યો છે. આયર્લેન્ડના માલાહાઈડમાં 20 ઓગસ્ટ, રવિવારના રોજ રમાયેલી શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને 33 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ઋતુરાજ ગાયકવાડની અડધી સદીના આધારે 185 રન બનાવ્યા હતા, ત્યારબાદ પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ આયરલેન્ડને 152 રને અટકાવી દીધુ હતું.
પોરબંદરના જાવર ગામે 15 થી 20 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી છે. એક જાણીતી કંપનીમાં જમવાથી ફૂડ પોઈઝનિંગ થયુ હોવાનુ વાત સામે આવી છે. ફૂડ પોઈઝનિંગને કારણે 32 વર્ષના એક યુવાનનું મોત થયું છે. અસરગ્રસ્તોને સારવાર માટે સરકારી ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ચાર લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયુ છે.
મુંબઈ નજીક આવેલા વસઈના કમાન વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. રવિવારના કારણે ફેક્ટરી બંધ હતી, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી. મળતી માહિતી મુજબ આગ રાત્રે 8 વાગ્યાની આસપાસ લાગી હતી. ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે આગ લાગવાનું કારણ પણ સ્પષ્ટ થયું નથી.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ચીન વિશેના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું છે કે દેશ, તેમની પાર્ટીના લોકો અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાહુલ ગાંધીની વાતને ગંભીરતાથી લેતા નથી. જો કોઈએ તેમની વાતને ગંભીરતાથી લીધી હોત તો તેઓ તેમની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોત.
છેલ્લા ઘણા દિવસના વિરામ બાદ, મેધરાજાએ આજે ગુજરાતના 94 તાલુકામાં મહેર વરસાવી છે. આજે રવિવારના સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના બાર કલાકમાં, 94 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના બોડેલીમાં 17 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. કુલ 16 તાલુકામાં 9 મિલિમીટરથી વધુ વરસાદ વરસ્યો હતો.
દેશની બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ ફરી એકવાર ભારતમાં મોસ્ટ ફેવરેટ ઇન્વેસ્ટમેંટ ડેસ્ટીનેશન તરીકેની ઓળખ ધરાવતાં ગુજરાતમાં રોકાણ કરાયેલા વિકાસ પ્રોજેક્ટ્સમાં તેમનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ હાલમાં બહાર પાડેલ તેના ઓગસ્ટ મહીનાના બુલેટિનમાં જણાવ્યું છે કે વર્ષ 2022-23 માં, દેશમાં સૌથી વધુ 82 વિકાસ પ્રોજેક્ટ્સને બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ફંડ પૂરું પાડવામાં આવ્યું છે. આ કેટેગરીમાં 48 પ્રોજેક્ટ્સની સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને અને 45 પ્રોજેક્ટ્સની સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. બસમાં 33 શ્રદ્ધાળુઓ હતા. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે, 20 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બચાવ અને રાહત ટીમ દ્વારા અન્યને શોધવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.
गंगोत्री से उत्तरकाशी जा रही बस के गंगनानी में दुर्घटनाग्रस्त हो जाने से कुछ लोगों के हताहत होने का अत्यंत पीड़ादायक समाचार प्राप्त हुआ है। प्रशासन को त्वरित रूप से राहत और बचाव कार्य संचालित करने एवं घायलों के उपचार के लिए उचित व्यवस्था सुनिश्चित करने हेतु निर्देशित किया है।…
— Pushkar Singh Dhami (@pushkardhami) August 20, 2023
પુણેમાં એનસીપી પ્રમુખ શરદ પવારે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં અનેક પ્રશ્નો અને સમસ્યાઓ છે. સરકાર આ તરફ ધ્યાન આપી રહી નથી. કેન્દ્ર સરકારના અનેક નિર્ણયો ખેડૂત વિરોધી છે. ડુંગળી પર નિકાસ ડ્યુટી વધારવાનો નિર્ણય ખોટો છે. તેનાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે. ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે.
વર્ષ 2009 ના પોરબંદરના હત્યા કેસમાં રાજકોટ જેલમાં જેલવાસ ભોગવતા હતા, તે દરમિયાન નાસી છૂટવાના કેસમાં ધારાસભ્ય કાંધલ જાડેજાને દોઢ વર્ષની સજા થઈ હતી. આ કેસમાં કાંધલ જાડેજાને સેશન્સ કોર્ટે 6 માસની સજા માફી આપવામાં આવી છે. આથી કાંધલ જાડેજાને હવે જેલમાં નહી રહેવું પડે. દોઢ વર્ષની સજામાં, કાંધલ જાડેજાએ અગાઉ એક વર્ષ સુધી જેલવાસ ભોગવ્યા બાદ 6 માસની સજા માફી માંગી હતી. આ કેસમાં રાહત મળતા હવે ધારાસભ્ય કાંધલને જેલમાં નહિ રહેવું પડે.
Ahmedabad : કોર્પોરેટર (Corporator) દ્વારા પ્રજાલક્ષી કામો માટે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ આ જ ગ્રાન્ટ વપરાયા પછી તે વસ્તુ કે વ્યવસ્થાનો લાભ લોકો સુધી પહોંચ્યો છે કે કેમ તે જોવાની દરકાર કોર્પોરેશનના અધિકારીઓ લેતા નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં પણ આ જ પ્રકારની હાલત જોવા મળી છે.
ભારતનું ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટી પર ઉતરવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન મિશન 14 જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આ મૂન મિશન દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી કોઈ સ્પેસ એજન્સીએ આ કારનામું કર્યું નથી. આપણું ચંદ્રયાન-3 મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે કે તરત જ ભારત આવું કરનાર પ્રથમ દેશ બનીને ઈતિહાસ રચશે.
Chandrayaan-3 Mission:
Chandrayaan-3 is set to land on the moon on August 23, 2023, around 18:04 Hrs. IST.
Thanks for the wishes and positivity!
Let’s continue experiencing the journey together
as the action unfolds LIVE at:
ISRO Website https://t.co/osrHMk7MZL
YouTube… pic.twitter.com/zyu1sdVpoE— ISRO (@isro) August 20, 2023
આંધ્રપ્રદેશના અલુરી સીતામરાજુ જિલ્લાના પડેરુ વિસ્તારમાં પહાડ ઘાટ રોડ પર મુસાફરોથી ભરેલી એક RTC બસે નિયંત્રણ ગુમાવ્યું અને લગભગ 100 ફૂટ ઊંડી ખીણમાં પડી. બસમાં સવાર બે લોકોના મોત થયાનું કહેવાય છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 10 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. બચાવ કાર્ય ચાલુ છે. બસ છોડવરમથી પડેરુ જઈ રહી હતી.
નર્મદા ડેમની જળ સપાટી 132 મીટર પર પહોંચી છે. ડેમ મહત્તમ સપાટીથી 6 મીટર દુર છે. હાલમાં સરદાર સરોવરમાં પાણીનો જથ્થો 77.81 ટકા જેટલો રવિવારે બપોર બાદ નોંધાયો હતો. નર્મદા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ગત મધરાત્રી દરમિયાન પાણીની આવક 1 લાખ ક્યુસેક કરતા વધુ થઈ રહી હતી. જે દિવસે એંકદરે 80 હજાર ક્યુસેકની આસપાસ રહી હતી. જોકે બપોરે 12 કલાકે આવક ફરીથી 1 લાખ ક્યુસેક કરતા વધારે નોંધાઈ હતી. ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો. નદીમાં 44 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.
ડેમમાં પાણીની આવક થવાને લઈ વીજ ઉત્પાદન શરુ થઈ ચુક્યુ છે. નર્મદા ડેમ પર આવેલ RBPH ના 6 ટર્બાઈન અને CHPH 3 ટર્બાઈન શરુ કરવામાં આવ્યા છે. આમ ડેમમાં પાણીની આવક થતા વીજ ઉત્પાદન 9 થવા લાગ્યુ છે. નર્મદા ડેમની સપાટી હવે 80 ટકાએ પહોંચવા તરફ આગળ વધી રહી છે. ડેમમાં જળ જથ્થાને લઈ મોટી રાહત છે.
રશિયાનું ચંદ્ર મિશન લુના-25 નિષ્ફળ ગયું છે. અહેવાલો અનુસાર, લુના-25 તેના માર્ગથી ભટક્યા બાદ ચંદ્રની સપાટી સાથે અથડાયુ હતું. જે બાદ તેનો સ્પેસ સ્ટેશન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
વડોદરાના મંજુસર GIDCમાં આવેલ નીઓ સિલ નામની કંપનીમાં લાગી ભીષણ આગ, ચારથી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે રાહુલ ગાંધીનો ચીન સાથે શું સંબંધ છે? તે બધા જાણે છે. તેઓએ મગરના આંસુ વહાવ્યા. રાહુલ ગાંધી માત્ર દેશને બદનામ કરવા માંગે છે.
કસ્ટમ્સ વિભાગે (કસ્ટમ્સ) મુંબઈ એરપોર્ટ પર 5 મુસાફરોની તપાસ કરીને 6 કિલો સોનું જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા સોનાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 3.20 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા વિસ્તારમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. બાળકીના 68 વર્ષીય ફુવાએ જ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સાઠંબા પોલીસે આરોપી વૃદ્ધ ફુવા સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. બાળકીને ઈજા પહોંચી હોવાને લઈ તેને બાયડ સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઈજાઓ ગંભીર જણાતા બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
Ahmedabad Rain : અમદાવાદમાં વરસાદના વિરામ બાદ ફરી એક વાર શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે. તેમજ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે બફારાનો માહોલ જોવા મળ્યો છે. શહેરમાં કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. વસ્ત્રાલ સાથે ઓઢવ સહિત પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો વડોદરામાં વરસાદના 10 દિવસના વિરામ બાદ ડભોઈ શહેર અને તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જ્યારે મહુડી, ભાગોળ, નવાપુરા, કડિયાવારમાં વરસાદ વરસ્યો છે. રેલવે સ્ટેશન, સિનોર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે.
Surat : રાજ્યમાં વરસાદે લીધા વિરામ બાદ રાજ્યભરમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. જ્યાં સુરતમાં પણ રોગચાળો જોવા મળ્યો છે. સુરતના ઉધનામાં 17 વર્ષીય કિશોરીને ડેન્ગ્યૂ ભરખી ગયો. કિશોરીનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે. કિશોરીને બે-ત્રણ દિવસથી હતી તાવની અસર હતી. જેના પગલે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
Himachal : હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 78 લોકોના મોત થયા છે. તે જ સમયે, હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 21, 22 અને 23 ઓગસ્ટે ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં હજુ પણ ઓછામાં ઓછા 3 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. હાલ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે ઓપરેશન ચલાવી રહી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે લદ્દાખના લોકો કહી રહ્યા છે કે ચીનની સેના અહીં ઘૂસી ગઈ છે. લદ્દાખમાં મોંઘવારી તેની ટોચ પર છે.
ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. શાહ શિવરાજ સરકારનું રિપોર્ટ કાર્ડ બહાર પાડશે. તેઓ ગ્વાલિયરમાં ભાજપ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેશે.
આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ દિલ્હીમાં ‘વીર ભૂમિ’ જઈને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
પાકિસ્તાનમાં એક મોટો અકસ્માત થયો છે. કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી પેસેન્જર બસમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 35 લોકોના મોત થયા છે જ્યારે સાત લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત રવિવારે વહેલી સવારે પિંડી ભટ્ટિયા પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી છે.
હિમાચલ પ્રદેશમાં 21, 22 અને 23 ઓગસ્ટે ફરી એકવાર ભારે વરસાદ અને અચાનક પૂર માટે ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને, સ્થાનિક વહીવટીતંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.
Published On - 6:18 am, Sun, 20 August 23