
આજે 18 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
દાહોદ જિલ્લામાં સરજુમી જંગલ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ સંરક્ષિત માદા દીપડાની હત્યા કરી. અજાણ્યા શખ્સોએ તેના કિંમતી અંગોની ચોરી કરી હતી. વન વિભાગને મૃતદેહ મળ્યા બાદ તપાસ કરતા દીપડાના આગળના પગના કુલ 8 નખ તેમજ મૂછના વાળ કાપી લીધા હોવાનું તપાસમાં સામે આવ્યું. દીપડાના આ અંગોનો ઉપયોગ તાંત્રિક ક્રિયાઓ કે ગેરકાયદે વેપાર માટે થતો હોવાની આશંકાને સઘન તપાસ હાથ ધરાઈ અને બે આરોપીઓને ઝડપી પાડ્યા.
રાજકોટ: પોલીસ સ્ટેશનમાં સોડા બોટલનો ઘા કરવા મામલે આરોપીની ધરપકડ કરાઈ છે. કુખ્યાત જેનિસ મહાજન સહિત 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે.
જેનિસ અને તેના સાગરીતોએ દારૂનાં નશામાં અટકચાળો કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કાચની બોટલો ફેંકી હતી. એસ.કે.ચોક ખાતે પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો.
જૂનાગઢ: ઉભી પુંછડીએ ભાગતા વનરાજનો વીડિયો વાયરલ થયો છે. શિકારની શોધમાં બે ડાલામથ્થા ગામમાં ઘૂસ્યા હતા. ત્યારે અચાનક ગાયને જોઈને બંને ચોંકી ગયા. આ દરમિયાન ગાયે પણ સિંહને શિંગડે ચડાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે અચાનક ગાયના હુમલાથી બચવા માટે વનરાજ ઉભી પૂંછડીએ ભાગ્યા હતા. કોઈ પ્રત્યક્ષદર્શીએ આ અદ્દભૂત દૃશ્યોને તેના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા.
4 દિવસ પહેલા ધ્રોલ નગરપાલિકા કચેરી સામે આવેલ જવેલર્સની દુકાનમાં થઇ હતી ચોરી. રૂ. 17 લાખથી વધુની કિંમતના સોના અને ચાંદીના દાગીના ચોરાયા હતા. ચોરી કરનાર શખ્સોએ દુકાનની પાછળથી બાકોરું પાડ્યુ, ચોરોએ CCTV પર કપડું ઢાંકીને ચોરીને અંજામ આપ્યો હતો. જો કે તેમ છતાં ચોર પોલીસનાં સકંજામાંથી છટકી ન શક્યા. જામનગર LCBએ બાતમીના આધારે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા. ચોરીનાં દાગીના અને 2 મોટર સાયકલ અને 4 મોબાઇલ સહિત પોલીસે રૂ 26લાખ 96હજારનો મુદ્દામાલ કબજે કર્યો. ચોરી કરનાર ત્રણેય શખ્સ દાહોદનાં ધાનપુરમાં આવેલા મોટીમલુ ગામનાં રહીશ. ત્રણેય આરોપીઓ ખેત મજૂરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું.
આણંદ: ખંભાતમાં દરિયાઈ ઉત્તરાયણના આયોજનમાં બેદરકારી સામે આવી છે. તંત્રના આયોજનના અભાવે જોખમી રીતે પ્રવેશ માટે લોકો મજબૂર બન્યા છે. જોખમી રીતે રસ્તો મળે ત્યાંથી લોકો પ્રવેશ કરવા માટે મજબૂર બન્યા છે. જોખમી સળિયાઓ પરથી દરિયાકાંઠે પતંગ રસિકો પહોંચ્યા હતા ત્યારે જો કોઈ દુર્ઘટના બને કે ઈજા થાય તો જવાબદાર કોણ? વહીવટીતંત્રની ગંભીર બેદરકારીના દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. કલેક્ટર તમામ સુવિધા સાથે પતંગ ચગાવતા નજરે પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પછીના પ્રથમ રવિવારે ખંભાતના દરિયાકાંઠે પતંગોત્સવ ઉજવાય છે. જેમાં રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં પતંગરસિયાઓ પતંગ ચગાવવા માટે ખંભાતના દરિયા કિનારે પહોંચ્યા હતા. પરંતુ, તેવામાં વહીવટી તંત્રએ યોગ્ય આયોજન ન કરતા લોકોએ દરિયાકાંઠે પહોંચવા માટે જોખમ ખેડવાનો વારો આવ્યો.
જૂનાગઢ: વીજ સબ સ્ટેશનમાં તસ્કરો ત્રાટક્યા. ચાલુ વીજલાઈને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. જેટકોના 66 KV સબ સ્ટેશનમાં ચોરીનો બનાવ બન્યો. ચોરી કરતા ત્રણ તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા છે. 3.70 લાખના બે કોપરના રીયેક્ટરની ચોરી કરી હતી. CCTV ફૂટેજના આધારે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
અમરેલીઃ 11 વર્ષથી ફરાર આરોપી પંજાબથી ઝડપાયો છે. LCBની ટીમે પંજાબમાં ઓપરેશન પાર પાડ્યું. છેતરપિંડીના ગુનામાં આરોપી 11 વર્ષથી નાસ્તો ફરતો હતો. ખાનગી રાહે વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું. આરોપીને પકડી અમરેલી રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો. પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી
અમદાવાદઃ CTM પાસે નેશનલ હાઇવે નંબર 8 પર ભૂવો પડ્યો છે. વરસાદી પાણીની લાઇન નાખવાનું કામ ચાલતું હતુ તે દરમિયાન ભૂવો પડ્યો. કામગીરી દરમિયાન વિશાળ ભૂવો પડ્યો
ડાંગઃ આદિવાસી સંમેલનમાં કોંગ્રેસ પર ધવલ પટેલે પ્રહાર કર્યો. કોંગ્રેસ નેતા ફુલસિંગ બારિયાના નિવેદન પર સાંસદે પલટવાર કર્યો. કોંગ્રેસના ધારાસભ્ય કહે છે કે આદિવાસી મહિલા પર રેપ કરશો તો સ્વર્ગ નસીબ થશે, આવા નિવેદન આપ્યા પછી પણ તેમને અફસોસ નથી, આવા નિવેદન કોંગ્રેસની માનસિકતા છતી કરે છે, રાહુલ ગાંધીએ ફુલસિંગ બારિયા સાથે સ્ટેજ શેર કર્યુ. આ સાથે સાંસદે રાહુલ ગાંધી સામે પણ સવાલ ઉઠાવ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના તલોદમાં પોસ્ટ ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓ મળીને 77 લાખ કરતા વધુની રકમની ઉચાપત કરી છે. પોસ્ટ વિભાગને હરસોલ પોસ્ટ ઓફિસના વ્યવહારોના મામલામાં શંકા જણાતા ઓચિંતી તપાસ કરતા જ તપાસકર્તા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. પોસ્ટ ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓએ મળીને રકમ જ ચાંઉ કરી ગયાનું સામે આવતા ફરિયાદ નોંધાઈ છે. તલોદ પોલીસે બે પોસ્ટ કર્મચારીઓની ધરપકડ કરી છે. પોસ્ટ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ બાદ તલોદ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે બાકીના બે આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે. પોસ્ટ વિભાગે ચારેય આરોપી કર્મચારી-અધિકારીને ફરજ પરથી મોકૂફ કરી દીધા છે.
દ્વારકાઃ બેટ દ્વારકામાં બ્રાહ્મણો દ્વારા મંદિર સમિતિ સામે વિરોધ ઉઠ્યો છે. યજમાન સાથે મંદિરમાં આઉટ ગેટથી નહીં જવા દેવાતા વિરોધ કરવામાં આવ્યો. બ્રાહ્મણોએ મંદિર સમિતિ સામે કાળી પટ્ટી બાંધી દેખાવ કર્યા. બ્રાહ્મણો દ્વારા અલગ ગેટ ની માંગણી કરાઇ હોવાનો મંદિર સમિતિનો દાવો છે. મુખ્ય પ્રવેશદ્વારથી જવામાં મનાઈ ન હોવાનું મંદિર પ્રશાસનનું નિવેદન પણ સામે આવ્યુ છે.
સુરતઃ બોટ સ્પર્ધા દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. સ્પર્ધામાં સામેલ નાવિકની બોટ પલટી ગઈ હતી. બોટ પલટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બોટમાં સવાર તમામ લોકોનો બચાવ થયો છે.
સુરતના મગદલ્લાથી હજીરા સુધી બોટ સ્પર્ધા યોજાઈ હતી.
દ્વારકાઃ ખંભાળિયાના સલાયા ગામે રખડતાં ઢોરનો આતંક સામે આવ્યો છે. મુખ્ય બજારમાં ફરસાણની દુકાનમાં આખલો ઘુસ્યો હતો. આખલો ઘુસી આવતા દુકાનનો સામાન વેરવિખેર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. વારંવાર આખલા યુદ્ધને કારણે સ્થાનિકો ત્રસ્ત બન્યા છે.
અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમનુ11 વર્ષથી ફરાર આરોપીને પડકવા પંજાબમાં ઓપરેશન સફળ. પંજાબમાં PSI હડીયા ટીમ સાથે પહૌોચી આરોપીને દબોચી લેતા મોટી સફળતા મળી છે. અમરેલી રૂલર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુન્હામા 11 વર્ષથી નાસ્તો ફરતો હતો. આરોપી પંજબસિંગ ઉર્ફે દીપુ ફરાર હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી. પંજાબ રાજ્યમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખાનગી રાહે વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યુ. લિસ્ટેડ આરોપી અને 10,000ના ઈનામી આરોપી હોવાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની પ્રશંશા કરાઈ છે. આરોપીને અમરેલી રૂલર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
ચોટીલા સાયલા નેશનલ હાઇવે પર આયા ગામના પાટીયા પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થતા પાંચ ઘાયલ. કાર અને પેસેન્જર રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકો થયા હતા ઘાયલ. ઘાયલોમાં બે લોકોની ગંભીર હાલત જણાતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડીકલ કોલેજમાં ખસેડાયા છે. અકસ્માત સર્જાતા સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્ય પોલીસ એ ઘટના સ્થળે પોહોચી તપાસ હાથ ધરી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનો એવો નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં મ્યુનિસીપલ એરીયાની હદમાં આવતા હોય તેવા ગારમેન્ટ, એપેરલ અને મેડઅપ્સ, સ્ટીચીંગ, એમ્બ્રોઈડરી તથા અન્ય એક્ટિવિટી સાથે સંકળાયેલા નોન પોલ્યુટીંગ ટેક્ષટાઈલ મેન્યુફેક્ચરીંગ એક્ટિવિટીવાળા એકમોને પણ આ ટેક્સટાઈલ પોલિસી-2024નો લાભ અપાશે.
આના ભાગરૂપે ટેક્ષટાઇલની નોન પોલ્યુટીંગ પ્રવૃતિ ગારમેન્ટ, એપેરલ અને મેડઅપ્સ, સ્ટીંચીંગ, એમ્બ્રોડરી તથા અન્ય વેલ્યુએડેડ એક્ટિવિટિ ધરાવતા એકમો કે જે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(GPCB)ની પ્રર્વતમાન White Category તથા Green Category અથવા તેને સમકક્ષ GPCBના પ્રવર્તમાન જોગવાઈ કે કેટેગરી ક્લાસીફીકેશન હેઠળ સમાવેશ થતા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હદમાં સ્થાપિત એકમોને પણ ગુજરાત ટેક્ષટાઈલ પોલીસી 2024 અંતર્ગત સહાય પાત્ર ગણવામાં આવશે.
અમદાવાદ મહેસાણા હાઈવે છત્રાલ નિરમા કંપની આગળ વહેલી સવારે અકસ્માતની ઘટના બની છે. અંધારામાં ઊભેલી ટ્રક પાછળ પિકઅપ ડાલુ ઘૂસી ગયું હતું, અકસ્માતમાં પિકઅપ ડાલાના ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ડ્રાઈવર ને 108 મારફતે કલોલ સિવિલ હોસ્પિટલમાં માં ખસેડવામાં આવ્યો. અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર અનેક બ્લેક સ્પોટ હોવા છતાંય સેફ્ટી માટે કંઈપણ કામગીરી ના થતી હોવાથી અકસ્માત વધી રહ્યા છે. GRICL કંપનીને ફક્ત ટોલ ટેક્સ ઉઘરાવવામાં જ રસ છે. લોકોના સુરક્ષા માટે કામ કરવા નહીં, હાઈવે રોડ ઉપર કોઈજ નક્કર કામગીરી કરવામાં ના આવતી હોવાથી વાહનોના અકસ્માત વધ્યા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
આમ આદમી પાર્ટીના ક્ષેત્રીય સંમેલન પહેલા ડખો સામે આવ્યો છે. છેલ્લા સમયે “આપ” દ્વારા સંમેલનનું સ્થળ બદલવામાં આવ્યુ છે. અરવિંદ કેજરીવાલની હાજરીમાં નિકોલ ખાતે મિટિંગનુ થયું હતું આયોજન. 25 દિવસ પહેલા રૂપરેખા તૈયાર થઈ હતી. પોલીસ સહિત તમામ વિભાગોને જાણ કરવામાં આવી અને તૈયારી કરવામાં આવી હતી. ગઈકાલે ભાજપે તાનાશાહી અને ગુંડાગર્દીની હદ વટાવી હતી તેવો આક્ષેપ કરાયો છે. દરેક રાજકીય પક્ષોને પોતાની સભા અને બેઠક કરવાનો અધિકાર છે. ક્યારેય કાર્યકરોને કે પાર્ટીને રોકવાની બાબત સામે આવી નથી.
આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, અરવિંદ કેજરીવાલની સભા નિકાલમાં ના થાય તે માટે રાત્રે 3 વાગ્યે ભાજપે અમને રોકવાના પ્રયાસો કર્યા છે. અમે જે પાર્ટી પ્લોટ બુક કરાવ્યો હતો, જેના માલિકને ભાજપ દ્વારા ધમકીઓ આપવામાં આવી છે. રૂપિયા 2.30 લાખ આપીને અમે જગ્યા બુક કરાવી હતી. નિકોલમાં આપનો જે કાર્યક્રમ હતો તેને દબાવવાના પ્રયાસ કરવામાં આવ્યો છે. 42 લાખ લોકોએ ગુજરાતમાં આપને મત આપ્યા છે.
હવે લોદરીયાલ પાસે સાણંદ બાવળા રોડ પર હવે આ કાર્યક્રમ કરવામાં આવશે. નવુ સ્થળ આપના કાર્યકર દ્વારા ફાળવવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે ત્યારે ભાજપના પેટમાં કેમ તેલ રેડાય છે તે ખબર નથી પડતી. અમારી સભામાં ગુંડાઓ મોકલવામાં આવે છે. જૂનાગઢમાં જૂતું ફેલાવવા મામલે ગોપાલ ઇટાલિયાનો આરોપ લગાવ્યો છે. ભાજપ દ્વારા મારા પર જૂતું ફેલાવવામાં આવ્યું હતું. વિસાવદરમાં હાર બાદ ભાજપ ચિડાયું અને અકળાયું છે. જૂતું શું, છરી કે તલવાર મારે તો પણ હું ભાજપથી ડરવાનો નથી.
પંચમહાલમાં ACBની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તત્કાલીન નાયબ કાર્યપાલક ઈજનેર સામે ભ્રષ્ટાચારની ફરીયાદ નોંધાઈ છે. પાનમ સિંચાઈ પેટા વિભાગના અધિકારી સ્નેહલકુમાર શાહ સામે ગંભીર આરોપ છે. આવક કરતા વધુ લાખ્ખો રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવતા ખળભળાટ મચ્યો છે. વર્ષ 2004 થી 2015 દરમિયાન આવક કરતા વધુ અપ્રમાણસર મિલકતો મળી આવી હોવાનો ખુલાસો થયો છે. કુલ રૂ.33 લાખથી વધુની અપ્રમાણસર મિલકત બહાર આવી છે. આવકની સરખામણીએ અંદાજે 74 ટકાથી વધુનો તફાવત નોંધાયો છે. પંચમહાલ ACB પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ઝડપી ગતિએ ચાલી રહેલા પુનર્વિકાસના કાર્ય અંતર્ગત અમદાવાદ સ્ટેશન પર રેલવે લાઇન સંખ્યા 06, 07, 08, 09 અને 10 ઉપર નવા દક્ષિણ ફૂટ ઓવર બ્રિજ (FOB)ના સ્પાન-03 માટે કમ્પોઝિટ સ્ટીલ ગર્ડરોનું લોન્ચિંગ કાર્ય એઆરટી ક્રેન તથા હાઈડ્રાની મદદથી કરવામાં આવશે. આ કાર્ય માટે 18 જાન્યુઆરી 2026 ના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે કેટલીક ટ્રેનો આંશિક રદ તથા કેટલીક ટ્રેનોને સંપૂર્ણ રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
1. ગાડી સંખ્યા 19033 વલસાડ–અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2. ગાડી સંખ્યા 22953 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
1. ગાડી સંખ્યા 20959/20960 વલસાડ–વડનગર–વલસાડ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ સંપૂર્ણ રીતે રદ રહેશે.
2. ગાડી સંખ્યા 19036/19035 મણિનગર–વડોદરા–વટવા ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણ રીતે રદ રહેશે.
3. ગાડી સંખ્યા 69101/69102 વડોદરા–વટવા–વડોદરા મેમુ સંપૂર્ણ રીતે રદ રહેશે.
4. ગાડી સંખ્યા 69115/69130 વડોદરા–વટવા–આણંદ મેમુ સંપૂર્ણ રીતે રદ રહેશે.
5. ગાડી સંખ્યા 59549/59550 વડોદરા–વટવા–વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર સંપૂર્ણ રીતે રદ રહેશે.
દાહોદ જિલ્લાના સરજુમી જંગલ વિસ્તારમાં, શિડ્યુલ્સ કેટેગરીમાં આવતા દીપડાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ દિપડાની હત્યા બાદ, આગલા પગના આઠ નખ કાપી લેવાયા હતા. તેની મુંછના વાળ પણ હત્યારાઓ દ્વારા કાપી લેવાયા હતા. દિપડાની હત્યાની જાણ થતા જ વન વિભાગે ત્વરીત કાર્યવાહી કરીને, બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના ઘરેથી દિપડાની અવયવો અને હત્યા માટે વપરાયેલ હથિયાર મળી આવ્યા છે. બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
અમદાવાદના એસ જી હાઈવે પર આવેલા વૈષ્ણવદેવી બ્રિજ પર અકસ્માત સર્જાયો છે. એસટી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થવા પામી હતી. અકસ્માતમાં ફોર્ચ્યુનર કારના આગળના ભાગનો ફુરચો બોલાઈ ગયો હતો. અકસ્માતને કારણે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
વાવ-થરાદના થરાદના કરબુણ ગામના મંદિરમાં ચોરી થવા પામી છે. રાત્રિના સમયે થઈ કરબુણ ગામમા ચેહર માતા અને આશાપુરા માતાજીના મંદિરમા ચોરીની ઘટના. મંદિર નજીકમાં લાગેલા CCTV મા શંકાસ્પદ ત્રણ શખ્સોની અવર જવર થઈ કેદ થવા પામી છે. CCTV મા જોવા મળતા ત્રણ શખ્સો બંને મંદિરોમા ચોરીની અંજામ આપ્યાનું સ્થાનિકોને શંકા છે. બંને મંદિરોમાં માતાજીના કિંમતી આભૂષણ, રોકડ સહિત કરી ગયા ચોરી અજાણ્યા શખ્સો. સ્થાનિકોએ CCTV આધારે લેખિતમાં કરી થરાદ પોલીસને જાણ. થરાદ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં આજે રવિવારના રોજ વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી હતી. શહેરમાં સર્જાયેલા ગાઢ ધુમ્મસને પગલે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. વિઝિબિલિટી ઓછી હોવાના કારણે, વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી.કાર સહીતના વાહન ચાલકો, વાહનની હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવતા નજરે પડતા હતા.
આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેઓ ગુજરાત આવતા જ, બોલ્યા કે, ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાતમાં ભય છે. ભ્રષ્ટાચાર છે. કોઈ અવાજ નથી ઉઠાવી શકતા. અવાજ દબાવવામાં ભાજપ અગ્રેસર છે.
Published On - 7:16 am, Sun, 18 January 26