
આજે 17 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
જુનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો. ઓચિંતો વરસાદ શરૂ થતા યાત્રીકો ફસાયા હતા. કાશ્મીરી બાપુની જગ્યા પર ભાવિકોની ભીડ હત. યાત્રિકોમાં પુરુષો, મહિલાઓ તેમજ નાના બાળકો ફસાયા હતા. વચ્ચે આવતી નદી પસાર કરવી મુશ્કેલી બની હતી. મનપા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અંદાજિત 30 થી 35 લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને મનપાની એમ્બ્યુલન્સમાં ભવનાથ તળેટીમાં ઉતારવામાં આવ્યા હતા. જે બાદ યાત્રિકોએ મનપાની ફાયરની ટીમનો આભાર માન્યો હતો.
ગોપીનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ જુગારને કંલકિત ઘટના ગણાવી છે અને આક્ષેપ કર્યો કે મંદિરમાં જુગાર રમતા ઝડપાયેલા વ્યક્તિ સાથે દેવ પક્ષને કોઈ લેવાદેવા નથી. જુગારમાં ઝડપાયેલા આરોપીને આચાર્ય પક્ષ અને SP સ્વામી સાથે સંબંધ હોવાનો હરજીવનદાસે આક્ષેપ કર્યો છે.
બીજી તરફ આચર્ય પક્ષના શાસ્ત્રી ઘનશ્યામ દાસજીએ તમામ આક્ષેપોને નકારતા કહ્યું કે હરજીવન સ્વામી પોતાની જવાબદારીમાં છટકવા માટે આવા આક્ષેપ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે.જુગાર રમતા ઝડપાયેલા વ્યક્તિ સાથે આચાર્ય પક્ષને કોઈ લેવાદેવા નથી. સાથે તેમણે દેવપક્ષને આ મુદ્દે જાહેરમાં ડિબેડ કરવા પણ પડકાર ફેંક્યો
રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે . મેઘાએ મન મૂકીને હેત વરસાવ્યું. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો, તો ક્યાંક ભારે વરસાદને પગલે રસ્તા થયા જળમગ્ન.. વાવણી કર્યા બાદ ખેડૂતો વરસાદની રાહ જોઇને બેઠા હતા, ત્યારે સતત વરસાદને પગલે ખેડૂતોને ચોમાસું વાવતરમાં ફાયદો થવાની આશા બંધાઇ છે. ખાસ કરીને મગફળીના ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થઇ શકે છે.
મેઘરાજાએ ફરી એકવાર ધોધમાર બેટીંગ શરૂ કરી છે. જેમાં વિરપુર તાલુકામાં તો રીતસરના મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા તેવી રીતે વરસ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ યાત્રાધામ વિરપુરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા શ્રદ્ધાળુઓથી લઈ સ્થાનિકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વિરપુરમાં વરસાદની તીવ્રતા એટલી હતી કે રસ્તા પર વિઝિબિલિટી પણ ઝીરો જેવી જ થઈ ગઈ હતી. લાંબા વિરામ બાદ વરસાદ થતા લોકોને અસહ્ય ઉકળાટથી રાહત મળી છે. તો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં આજે ચોથો દિવસે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે. રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટ્યાં છે. મોતના કૂવાને મંજૂરી ન મળતા સંચાલકોમાં થોડી નિરાશા જોવા મળી છે. સ્ટ્રક્ચર વધુ જોખમી હોવાથી એક પણ મોતના કૂવાને મંજૂરી આપવામાં આવી નથી. લાખોનું નુકસાન થયું હોવાનો મોતના કૂવાના સંચાલકોનો દાવો છે. ત્રણ દિવસમાં 8 લાખથી વધુ લોકોએ મેળાની મજા માણી છે. સૌરાષ્ટ્રભરમાંથી લોકો મેળાની રંગત માણવા માટે આવી રહ્યા છે. પાંચ દિવસમાં 12 લાખથી વધુ લોકો મેળામાં આવે તેવુુ અનુમાન સેવાઈ રહ્યુ છે.
સુરત : સ્વતંત્રતા દિવસે કાયદો તોડી રીલ ઉતારવી મોંઘી પડી. કારના કાફલા સાથે રોડ શો યોજ્યો હતો. યુનિવર્સિટી રોડ પર રૂફ ટોપ કારમા રીલ બનાવી હતી. પોલીસે રીલ બનાવનાર યુવાનોને પકડી કાયદાનું ભાન કરાવ્યુ. પોલીસે કાર પર લગાવેલી બ્લેક ફિલ્મ હટાવી. કાયદો તોડનારે પોલીસની માફી માગી.
મહેસાણાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વડનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે. ક્યાંક ધીમીધીરે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે.
સુરેન્દ્રનગર-લખતર રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો. ઝમર અને દેદાગરા ગામ વચ્ચે બે કાર વચ્ચે ટક્કર સર્જાઈ હતી. રોડ પરથી પલટી માર્યા બાદ એક કારમાં આગ લાગી હતી. આગને પગલે કારમાં સવાર 7 લોકોના મોત થયા છે. અકસ્માતનો ભોગ બનનાર પરિવાર ઝીઝર ગામન હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
જુનાગઢ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં. સતત ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. ધોધમાર વરસાદથી જોષીપરા અંડરપાસમાં પાણી ભરાતા અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે. તો અનેક નીચાણવાળા વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે ઝાંઝરડા ચોકડી મધુરમ વિસ્તાર ગિરનાર જંગલમાં વધુ વરસાદ વરસ્યો હતો.
અમદાવાદના જશોદાનગરમાં ગેરકાયદે બાંધકામ તોડવા મુદ્દે મહિલાએ કરેલ આત્મવિલોપનના કેસમાં, પરિવારજનોએ આખરે મૃતદેહ સ્વીકાર્યો છે. મૃતક મહિલા નર્મદાબેનનો મૃતદેહ પરિવારે સ્વીકારીને અંતિમવિધિ માટેની કાર્યવાહી કરી છે. વીએસ હોસ્પિટલથી મૃતદેહ લઈને અંતિમ વિધિ માટે લઈ જવાયા હતા. મહિલા આત્મવિલોપન મામલે AMC એસ્ટેટ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ મૃતદેહ સ્વીકાર્યો.
સુરતમાં પલસાણાના જોળવા ગામે વિકરાળ આગ ભભૂકી ઉઠી છે. હિમાલયા સ્ક્રેપ ગોડાઉનમાં આગની જ્વાળાઓ ભભૂકતી ઉઠી હતી. એકાએક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. આગને પગલે લોકોએ ફાયર વિભાગને જાણ કરી. ફાયરને જાણ થતાં જ ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.
રાજકોટમાં, સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાનો આજે ચોથો દિવસ છે. રવિવાર હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો મેળામાં પહોચ્યા છે. ત્રણ દિવસમાં 8 લાખથી વધુ લોકોએ મેળાની મજા માણી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લોકો મોટી સંખ્યામાં લોકમેળામાંં પહોચ્યા. પાંચ દિવસમાં 12 લાખથી વધુ લોકો મેળાની મજા માણશે તેવો એક અંદાજ સેવવામાં આવ્યો છે. અલગ અલગ રાઇડ્સમાં બેસીને લોકો માણી રહ્યા છે મોજ. મોતના કૂવા સિવાય તમામ રાઈડસને તંત્ર તરફથી મંજૂરી મળી છે. મોતના કૂવાનું સ્ટ્રક્ચર વધારે જોખમી હોવાથી એક પણ મોતના કૂવાને તંત્રે આ વર્ષે મંજૂરી આપી નથી.
તાલાલામાં થયેલ મારામારીના કેસમાં પોલીસે દેવાયત ખવડની ધરપકડ કરી છે. ગીર સોમનાથ LCBએ, દેવાયત ખવડને, તેના વતન દુધઇ ગામથી ઉપાડ્યો હતો. ગીર સોમનાથ LCB પોલીસે દેવાયતને ગીર સોમનાથ લાવવાના તજવીજ હાથ ધરી છે.
ગુજરાતમાં આજે સવારે છ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન, 33 જિલ્લાના 217 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વઘુ વરસાદ જૂનાગઢના ભેંસાણ તાલુકામાં સાડા છ ઈંચ જેટલો નોંધાયો છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો વર્તમાન ચોમાસામાં આજે સવારના 6 વાગ્યા સુધીમાં 67.77 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 71.12 ટકા, કચ્છ વિસ્તારમાં 67.59 ટકા, ઉત્તર ગુજરાતમાં 69.23 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 68.70 ટકા અને સૌરાષ્ટ્રમાં 62.24 ટકા વરસાદ વરસ્યો છે.
સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પર હુમલો કરવાનો બનાવ બન્યો છે. બે મહિલા સહિત ત્રણ લોકોએ પોલીસ કર્મી પર હુમલો કર્યો છે. મોયદ રુપાજી ગામે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરાયો હતો. ગડદાપાટુનો માર મારી પોલીસ કર્મીના સાથળ પર બચકું ભરવામાં આવ્યું હતું. બોથડ પદાર્થ વડે પોલીસ કર્મીને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પ્રાંતિજ પોલીસે ફરજમાં રુકાવટ સહિત હુમલાનો ગુનો નોંધ્યો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ, શનિવારે નવી મુંબઈમાં દહીંહાંડી નિમિત્તે આયોજિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમનો છેલ્લો કાર્યક્રમ રાત્રે ઘણસોલી ખાતે હતો. કાર્યક્રમ પૂર્ણ થયા પછી શિંદે સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યા હતા, તે સમયે સ્ટેજ અચાનક તૂટી પડ્યું. સ્ટેજ પર ક્ષમતા કરતાં વધુ કાર્યકરોની ભીડ એકઠી થઈ ગઈ. વધુ પડતા વજનને કારણે સ્ટેજ અચાનક તૂટી પડ્યું… જેના કારણે અરાજકતા સર્જાઈ ગઈ.
મુંબઈથી અમદાવાદ આવનારી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં યાત્રિક ખામી સર્જાવા પામી છે. સવારે 5.30 વાગ્યે ઉપડનારી ફ્લાઈટ આ સમાચાર લખાય છે ત્યાં સુધી મુંબઈથી અમદાવાદ માટે ટેક ઓફ નથી થઈ. AI 613 ફ્લાઈટમાં ખામી હોવાથી તમામ યાત્રીઓને નીચે ઉતારી દેવાયા છે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં નર્મદા ડેમમાં નવાનીર આવ્યા છે. ઉપરવાસમાંથી 1,23,686 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 131.02 મીટર પહોંચી છે. 31 જુલાઈથી નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા જે 14 દિવસ બાદ બંધ કરવામાં આવ્યા હતા. હાલ નર્મદા ડેમના તમામ ગેટ બંધ છે. RBPH CHPH ના પાવરહાઉસ ચાલુ છે. નર્મદા નદીમાં કુલ 55,969 ક્યુસેક પાણી જાવક છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાંથી, પાર્ષદ સહિત કુલ 8 વ્યક્તિ જુગાર રમતા ઝડપાયા છે. ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ના ઉતારા વિભાગના પાંચમા માળે આવેલા રૂમ નંબર 509 માંથી કુલ 8 વ્યક્તિ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે. મંદિરમાં રહેતા હરીકૃષ્ણ ગભરૂભાઇ વાઘ ઉર્ફે પાર્ષદ હરીકૃષ્ણ ગુરૂ છત્રભુજદાસજી સ્વામી દ્વારા બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. જુગાર પટ માંથી 1,10,850રૂપિયાની રોકડ રકમ તથા રૂપિયા 60,000 હજારના આઠ મોબાઈલ મળીને 1,70,850 રૂપિયાનો મુદ્દમાલ કબ્જે લીધા છે. ઝડપાઈ ગયેલા જુગારીઓમાં, હરિકૃષ્ણ ગબરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરિકૃષ્ણ ગુરુ સત્ર ભૂજ દાગજી સ્વામી રહે ગઢડા જુના મંદિર, જીગ્નેશભાઈ તળશીભાઈ કાવઠીયા રહે બાબરા
રાજેશભાઈ બચુભાઈ સાવલીયા, લાલજીભાઈ ભગવાનભાઈ વાઘેલા, પરેશભાઈ બાલાભાઈ જોગાણી, કેવલ ભાઈ ગુણવંતભાઈ કાવઠીયા અમરાપર, પંકજભાઈ બાબુભાઈ કાવઠીયા, પૂર્વેશભાઈ બાબુભાઈ જોગાણી. અમરેલી જિલ્લાના રહેવાસી છે. પોલીસ દ્વારા જુગારીઓને રંગેહાથ ઝડપી ધોરણસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ઊંઝા હાઇવે પર ભાંડું ગામ પાસે સર્જાયેલ હિટ એન્ડ રનમાં 1નું મોત થયું છે. પુર ઝડપે આવતી કારે એક્ટિવાને ટક્કર મારી હતી. કારની ટકકરે એક્ટિવા ઉપર બેસેલ એક મહિલાનું મોત થયું છે. એક્ટિવા ચાલક યુવતીને પણ ગંભીર ઇજાઓ થવા પામી છે. એક્ટિવાને ટક્કર મારી કાર ચાલક ફરાર જવા પામ્યો હતો.
સુરત જિલ્લાના લીંબાયત વિસ્તારમાં થયેલ મર્ડર કેસના મુખ્ય આરોપી અસફાક નાસીર શેખને પકડવા સુરત ક્રાઈમ બ્રાન્ચ વલસાડ આવી હતી. વાપીના ડુંગરા વિસ્તારમાં આરોપી એના સાળાના ત્યાં હોવાની બાતમી મળતા શોધખોળ હાથ ધરી હતી. ડુંગરાના અમનપાર્ક વિસ્તારમાં આરોપી એના સાળાના ત્યાં મળી આવતા આરોપી અસફાક શેખે પોલીસ સામે ચપ્પુ કાઢ્યુ હતું. સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. આરોપીને પગના ભાગ ઉપર ગોળી વાગી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાથી આરોપીને વધુ તપાસ માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જવાયો છે.
હાલોલ વડોદરા હાઈવે પર દાવડા ગામ પાસે રોંગ સાઈડમાં પવન ચક્કીની પાંખ લઈ આવી રહેલા મલ્ટી એક્સેલ ટ્રક અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બોલેરો કારમાં સવાર 10થી વધુ વ્યક્તિઓને ઇજા પહોચી હતી.
અરવલ્લી જિલ્લામાં આવેલ યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનકૃષ્ણના જન્મોત્સવને લઈ પૂજા અર્ચના કરાઈ હતી. મોડી રાત્રે મોટી સંખ્યામાં ભક્તો શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા ઉમટ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, ઈસ્કોન ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં લીધો ભાગ. ઈસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભાવિક ભક્તો એ કરી ભવ્ય ઉજવણી. અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્યો પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતા.
આજે ભાજપ સંસદીય બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર ચર્ચા થશે અને તેના પર અંતિમ મહોર પણ લાગે તેવી શક્યતા છે.
Published On - 7:17 am, Sun, 17 August 25