
વડોદરામાં એક દંપતિને ફોન કોલ પર વિશ્વાસ કરવો ભારે પડી ગયો. વિદેશથી પાર્સલ આવ્યાનું કહી, ડોલર અને CIDના નામે ડર ફેલાવી સાયબર ઠગે લાખો રૂપિયા ખંખેરી લીધા. શિનોરમાં રહેતા ફરિયાદીના પત્નીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલ કરનારે વિદેશથી આવેલું પાર્સલ અમદાવાદ એરપોર્ટ પર અટક્યું હોવાનું કહીને તેને છોડાવવા માટે રૂપિયા ભરવાની વાત કરી હતી. ભોગ બનનારે વિશ્વાસમાં આવી પ્રથમ વખત રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ આરોપીએ ફરી ફોન કરીને CID દ્વારા પાર્સલ પકડાયું હોવાનું બહાનું કર્યું અને પાર્સલમાં ડોલર હોવાના કારણે વધુ રૂપિયા ભરવા પડશે, નહીં તો પરિવાર સામે કાયદેસરની કાર્યવાહી થશે તેવી બીક બતાવી હતી. આ રીતે વારંવાર ફોન કરી ગુગલ પે અને બેંક એકાઉન્ટ મારફતે ઠગબાજે કુલ રૂ. 1 લાખ 45 હજર પડાવી લીધા.. જોકે પાર્સલ ન મળતાં છેતરપીંડીનો ભાંડો ફૂટ્યો. ત્યારે ફરિયાદના આધારે શિનોર પોલીસે ટેક્નિકલ પુરાવાઓ એકત્ર કરી તપાસ હાથ ધરી અને મુંબઈથી આરોપી મોહમદનૌસાદ શેખને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.
દેવભૂમિ દ્વારકા: ગોમતી નદીના તેજ પ્રવાહમાં બે લોકો તણાયા છે. ગોમતી નદી પાસે પહોંચતા પાણીના પ્રવાહમાં પહેલા આધેડ ખેંચાયા હતા. આધેડને બચાવવા જતા યુવાન પણ પાણીના પ્રવાહમાં તણાયો હતો. ગોમતી ઘાટ પર હાજર લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સમયસૂચકતા દાખવી માનવ સાંકળ રચી બંનેને રેસક્યુ કરવામાં આવ્યા. તણાયેલા બંને લોકોના દિલધડક રેસ્ક્યૂના દ્રશ્યો સામે આવ્યા છે. હાજર લોકોની સમસૂચકતાથી સદનસીબે મોટી જાનહાની ટળી છે. અરબ સાગરમાં ભારે કરંટની ગોમતી નદીમાં પણ અસર જોવા મળી રહી છે.
અમેરિકા-ઈરાન કરાર પર ટ્રમ્પનું નિવેદન સામે આવ્યુ છે. બંને દેશ વચ્ચે કરાર પર ડિજિટલી હસ્તાક્ષર થઈ ગયા છે. જીનિવામાં માત્ર ઔપચારિક હસ્તાક્ષર બાકી છે. જે.ડી વેન્સના નેતૃત્વમાં શુક્રવારે હસ્તાક્ષર થશે. ફ્રાન્સની મુલાકાત દરમિયાન ટ્રમ્પે આ નિવેદન આપ્યુ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ આંશિક ખુલી ગયો અને શુક્રવાર સુધીમાં સંપૂર્ણ ખુલી જવાનું ટ્રમ્પે જણાવ્યુ છે. છેલ્લા 4 મહિના ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ બનેલી છે. ફેબ્રુઆરી 28 થી આ યુદ્ધની શરૂઆત થઈ હતી. જો કે ઈરાન સાથે કરાર મામલે અમેરિકામાં જ આંતરિક વિખવાદની સ્થિતિ છે. વિદેશ પ્રધાન, સંરક્ષણ પ્રધાન અને CIA ચીફ ટ્રમ્પના વિરોધમાં ચાલી રહ્યા છે. ઈરાન વચનો પાળશે કે નહીં તેને લઈને શંકા છે. ઈરાન પરમાણુ કાર્યક્રમને બંધ નહીં કરે તેવી આશંકા પણ વિદેશમંત્રી માર્ક રૂબિયોએ વ્યક્ત કરી છે.
ગાંધીનગર: શાળાની હોસ્ટેલમાં જ વિદ્યાર્થી સાથે દુષ્કૃત્ય આચરવામાં આવ્યુ હોવાની ઘટના સામે આવી છે. રાજ સ્કૂલના આચાર્યના પુત્રએ વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચર્યુ. વિદ્યાર્થી કૃત્યનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. શાળાની હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થીને શિકાર બનાવ્યાનો ખૂલાસો થયો છે. આચાર્યના પુત્રએ સગીરને બ્લેકમેલ કરીે દુષ્કૃત્ય આચર્યુ છે. સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં આચાર્યના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. શાળાની હોસ્ટેલમાં દુષ્કૃત્યથી વિદ્યાર્થીની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે.
જુનાગઢ: જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિરૂદ્ધ કોંગ્રેસ નેતા જ મેદાને પડ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ સામે નાણાકીય ગેરરીતિનો આરોપ લગાવાયો છે. પાર્ટી ફંડના નાણાં પોતાના અંગત ઉપયોગમાં વાપર્યાનો આરોપ લગાવાયો છે. મેંદરડા તાલુકા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ ધીરૂ કુંભાણીનો આક્ષેપ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંપક્ષે 25 હજારનું ફંડ મોકલ્યુ હતુ પરંતુ પક્ષનું ફંડ અંગત ઉપયોગ માટે વાપર્યુ હતુ. 9 માંથી 4 તાલુકાના પાર્ટી ફંડના પૈસામાં ગોલમાલ કરવામાં આવી છે. કોંગ્રેસ નેતાએ સમગ્ર મામલે પ્રદેશ પ્રમુખને પત્ર લખી જાણ કરી છે.
અમદાવાદમાં 1 જુલાઈથી ઘર ખરીદવું વધુ મોંઘું થશે. 1 જુલાઈથી મકાનના ભાવમાં વધારો થશે. પશ્ચિમ એશિયાના યુદ્ધની અસર રિયલ એસ્ટેટ સેક્ટર પર પણ જોવા મળી રહી છે. સ્ટીલ અને સિમેન્ટના ભાવ 30 થી 40 % વધ્યા છે. અને બાંધકામ પ્રોજેક્ટોના ખર્ચમાં વધારો થયો છે. જેને ધ્યાને રાખી CREDAIની મળેલી બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે.
અમદાવાદ:રબારી કોલોની ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી કાર BRTS રેલિંગમાં ઘુસી હતી. કાર ઓવર સ્પીડમાં હોવાનું અનુમાન છે. અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી.
વડોદરા: SSG હોસ્પિટલ ફરીવાર વિવાદના ઘેરામાં આવી છે. કોલ્ડરૂમમાં મૃતદેહની જવાબદારી અંગે હોસ્પિટલે હાથ અધ્ધર કર્યા છે. મૃતદેહ સડી જવાની ઘટના બાદ કોલ્ડરૂમનો પત્ર વાયરલ થયો છે. કોલ્ડરૂમમાં મૃતદેહ મૂકતા પહેલા ભરાતા ફોર્મ પર નોંધ લખવામાં આવી છે. કોલ્ડરૂમમાં મૃતદેહ મૂક્યા બાદ સંપૂર્ણ જવાબદારી પરિજનોની રહેશે. મશીનની ક્ષતિથી મૃતદેહ સડી જશે તો હોસ્પિટલ જવાબદાર રહેશે નહીં. કુદરતી હોનારત અથવા તો વીજકાપ થાય તો પણ હાથ અધ્ધર કરી લેવાયા છે.
મહત્વનું છે કે થોડા સમય અગાઉ કોલ્ડરૂમમાં વૃદ્ધાનો મૃતદેહ સડી જવાની ઘટના બની હતી. જે બાદ હોસ્પિટલ સ્ટાફ અને મૃતકના સ્વજન વચ્ચે હાથાપાઈના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે હોસ્પિટલ તંત્રએ આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે અને ફરીવાર હોસ્પિટલ તંત્ર જવાબદારીમાંથી હાથ ઉંચા કરી રહ્યું હોય તેવા આક્ષેપ લાગ્યા છે.
ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરનો પ્રશ્ન વર્ષોથી અણઉકેલ છે. રખડતાઢોરના પ્રશ્ને સાધારણ સભામાં પણ અનેકવાર ઉગ્ર ચર્ચાઓ થઈ છે. એટલું જ નહીં પરંતુ ખુદ ભાજપના નગરસેવક દ્વારા જ રાજીનામું આપવા સુધીની તૈયારી દેખાડી હતી. પરંતુ એ પણ એક વાસ્તવિકતાછે કે, આજે પણ ભાવનગર શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર થયો નથી. રખડતા ઢોર પકડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ એક વર્ષ થયું છતાં એક ઢોર પણ એજન્સી દ્વારા પકડવામાં આવ્યું નથી. અને હાલમાં કોર્પોરેશનના એકલદોકલ કર્મચારીઓ દ્વારા રોજના સરેરાશ આઠ જેટલા ઢોર પકડી ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે. રખડતા ઢોર પકડવામાં તો આવે છે અને ભવિષ્યમાં વધુ ઢોર પકડવામાં આવશે. પરંતુ તે ઢોરને પકડી કોર્પોરેશનના ચાર ઢોર ડબ્બામાં પુરવામાં આવે છે. હાલમાં 2150 ઢોરને ડબ્બામાં નિભાવવામાં આવે છે. તે ડબ્બાની કેપેસિટી પણ ક્ષમતા પણ અંદાજે ત્રણ થી સાડા ત્રણ હજાર ઢોર પૂરી નિભાવી શકાય તેટલી જ છે. એટલે કે માત્ર ઢોર પકડવા ઉકેલ નથી પરંતુ પકડાયેલા ઢોરને વધુને વધુ ગૌશાળાઓમાં મોકલવા પણ જરૂરી બન્યું છે.
અમદાવાદઃ વિમાન દુર્ઘટના અંગે પીડિતોના વકીલ માઈક એન્ડ્રુસનો અમેરિકી પરિવહન સચિવને પત્ર લખ્યો છે. માઈક એન્ડ્રુસે તપાસ માટે નવા પૂરાવા અને વિગતો મોકલી છે. જેમા પાયલોટની ભૂલને બદલે વિમાનમાં ગંભીર વિદ્યુત ખામી તરફ ઈશારો કર્યો છે. FAAને પણ માહિતી મોકલી સત્તાવાર તપાસમાં ઉમેરવા માગ
તપાસ એજન્સીઓને નવી વિગતો અંગે ચકાસણી કરવા આવેદન આપ્યુ છે. વકીલ માઈક એન્ડ્રુસ કરી રહ્યા છે 130 પીડિતોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
અમદાવાદ: 1 જુલાઈથી અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે. પશ્ચિમ એશિયાના યુદ્ધની સીધી અસર હવે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોવા મળી રહી છે. આયાતી સામગ્રીનો ખર્ચ વધતા રો-મટીરિયલના ભાવમાં વધારો થયો છે. સ્ટીલ, સિમેન્ટ સહિતના રો-મટીરિયલના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થયો છે. અમદાવાદ ક્રેડાઈની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાને અંતે નિર્ણય લેવાયો. બાંધકામ ખર્ચ, કાચા માલની અછત અને મજૂરોની સમસ્યા મુદ્દે ચર્ચા કરવામાં આવી. મકાનના ભાવ અને રિયલ એસ્ટેટ માર્કેટ અંગે નિર્ણયો લેવાયા. અમદાવાદમાં ચાલી રહેલા બાંધકામ પ્રોજેક્ટોના ખર્ચ વધશે.
સુરત: કામરેજની તાપી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહકે ઓર્ડર કરેલા સૂપમાંથી જીવડું નિકળ્યું. ગ્રાહકે સમગ્ર મામલે વેઈટરનું ધ્યાન દોર્યુ. સંચાલકોએ મશરૂમ છે કહી ગ્રાહકની વાત નકારી હતી. ગ્રાહકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હોટેલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.
મોરબી: વાંકાનેરમાં ટોલ પ્લાઝા પર 6 ઈસમોનો આતંક સામે આવ્યો છે. વઘાસિયા ટોલ પર શખ્સોએ ટોલ પ્લાઝાના કર્મી પર હુમલો કર્યો. સેફ્ટી કોન વડે કર્મી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ગાડી ઉભી ન રાખવા માટે ધમકી આપીને ટોલ પ્લાઝા બાનમાં લીધો. માથાભારે શખ્સો ક્રેટા અને સ્કોર્પિયો કારમાં આવ્યા હતા.
આરોપીઓએ ટોલટેક્સ ન ભરીને ગાડી ભગાવી હતી. ટોલ પ્લાઝાના મેનેજરે કુલ 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતા પ્રકાશ ચંદ્ર નામના પરપ્રાંતીય યુવક પર એક સિંહણએ ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો. ઘટનાસ્થળેથી માત્ર તેની ખોપરી જ મળી આવી..તથા માત્ર પાંસળીના થોડા અવશેષો જ મળ્યા.જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં આસપાસ પાંચ-સાત કંપની આવેલી છે, જ્યાં લોકો દિવસ-રાત શિફ્ટમાં નોકરી કરે છે. અહીં અવારનવાર સિંહો કુતરાની જેમ આંટા મારતા હોય છે, જેના કારણે અવરજવર કરવામાં ભારે તકલીફ પડે છે. જો કોઈની પાસે ફોર-વ્હીલર ગાડી હોય તો જ તે સુરક્ષિત છે, બાકી ટુ-વ્હીલર પર કે પગપાળા જતાં લોકો માટે કોઈ સેફ્ટી નથી.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે, NTA અનુસાર કેટલીક ગેંગ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ટેલિગ્રામ ચેનલો દ્વારા કથિત પ્રશ્નપત્ર આપવાના નામે છેતરતી હતી. હજારોથી લાખો રૂપિયા સુધીની માંગણીઓ ઘણી ચેનલો પર કરવામાં આવી રહી હતી. એજન્સીએ આ નિર્ણયની સાથે સ્પષ્ટતા પણ કરી છે કે, પરીક્ષાનું પ્રશ્નપત્ર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, અને પરીક્ષા પહેલા તે કોઈ પણ પાસે ઉપલબ્ધ નથી. NTAએ કહ્યું કે, ઘણા કિસ્સાઓમાં ટેલિગ્રામના મેસેજ એડિટ ફીચરનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. પરીક્ષા બાદ પ્રશ્નપત્ર લીક થઈ ગયું હોય તેવું દેખાડવા માટે જૂના મેસેજમાં અસલ પ્રશ્નપત્ર ઉમેરાયું હતું. તે પ્રકારની સામગ્રીના ફેલાવાને રોકવા આ પગલું લેવાયું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મોટો આદેશ કર્યો છે. સીરપ હવે મેડિકલ સ્ટોરમાંથી પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે. કફ સીરપ સહિત તમામ સીરપ ઓવર ધ કાઉન્ટર નહીં મળે
ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હશે તો જ સીરપ અપાશે.
સુરત: ગેરકાયદે દબાણ મામલે રાજકીય ખેલ ખેલાયો હોવાના આરોપ લાગ્યો છે. કતારગામમાં પહેલા ગેરકાયદે બાંધકામના પતરાં હટાવાયા છે. થોડીવાર રહીને ફરીવાર બાંધકામના પતરાં મૂકી દેવાયા હોવાનું સામે આવ્યુ છે. ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી પર દબાણના આક્ષેપ કરાયા છે. બે કલાકમાં બનેલી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. સ્થાનિકોએ રજૂઆત કર્યા બાદ દબાણ દૂર કરાયું હતું. દબાણ અંગે રાજકીય ખેલ ખેલાયો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ફ્લેટમાંથી પતરાનું બાંધકામ દૂર કરાય તેવી સ્થાનિકોએ માગ કરી છે.
સુરતમાં અસલીના નામે નકલી વસ્તુ પધરાવવાનો ખેલ યથાવત છે. કામરેજમાં વધુ એક શંકાસ્પદ ઘીની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. નવાગામ GIDCમાં નકલી ઘીનો વેપલો ચાલતો હતો. શ્રીજી ઇન્ડસ્ટીયલ પ્લોટ નંબર 7માં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કૌભાંડ ચાલતું હતું. છેલ્લાં 15 દિવસથી ઘી બનાવાનું કારખાનું શરૂ કરાયાની માહિતી સામે આવી છે. ફેક્ટરીમાંથી તેલના ડબ્બા, ક્રિમ, ઘી સહિતની સામગ્રી મળી આવી છે. ફેક્ટરી માલિકે કોઈપણ પ્રકારની મંજૂરી લીધી હતી કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. ઘી બનાવીને ક્યાં વેચાણ કરાતું હતું તે દીશામાં તપાસ શરૂ કરાઈ છે.
આજે 16 જૂનને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 11:04 am, Tue, 16 June 26