આજે 12 જૂનને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ભરૂચની જુમ્મા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઐતિહાસિક જુમ્મા મસ્જિદ માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારકની મુલાકાત માટે નવી માર્ગદર્શિકા અમલમાં લાવવામાં આવી છે. મુલાકાતીઓએ પોલીસ અને પુરાતત્વ વિભાગની સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે. સ્મારકને નુકસાન પહોંચાડતી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકાયો. ભીડ દરમિયાન તબક્કાવાર મુલાકાતની વ્યવસ્થા કરવામાં આવશે. મસ્જિદમાં સ્ટ્રક્ચરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ કાર્યવાહી થશે. હિન્દૂ અને જૈન ધર્મના લોકોએ આ જૈન મંદિર હોવાનો દાવો કરતા વિવાદ થયો છે. થોડા દિવસ અગાઉ પુરાતત્વ વિભાગે મસ્જિદની અંદરનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું.
કસ્ટમ વિભાગે સોનાની દાણચોરી મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 4 કરોડનું સોનું ઝડપી પાડ્યું છે. 24 સોનાના બિસ્કિટ પ્લેનના લેવેટરીના સ્પીકરમાં સંતાડેલા મળી આવ્યા છે. સોનાની દાણચોરી માળે સ્મગલરોની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. દુબઈથી આવેલી ફ્લાઈટમાં કસ્ટમ વિભાગે બાતમીના આધારે કરી તપાસ. 2 પાઉચમાં 24 સોનાના બિસ્કિટ છૂપાવીને સ્મગલિંગ કરાયા હતા. 2799.3 ગ્રામ સોનાના બિસ્કિટ અંગે કસ્ટમ વિભાગે શરૂ કરી તપાસ. સોનાના બિસ્કિટની દાણચોરી કરીને કોણ લાવ્યું એ દિશામાં હવે આગળની તપાસ હાથ ધરાઈ છે. ફ્લાઈટમાં કોકપિટ પાસે લાગેલા કેમેરાની તપાસમાં ખ્યાલ આવી શકે કે કોણ આ બિસ્કિટ લાવ્યું હોઈ શકે અને ફ્લાઈટ લેવેટરીમાં સંતાડ્યા હોઈ શકે. સોનાની દાણચોરીમાં આરોપી પકડાય નહીં અને ફ્લાઈટ ઈન્ટરનેશનલમાંથી ડોમેસ્ટિક થાય અને ત્યારબાદ દેશના કોઈ એરપોર્ટ પરથી કોઈ વ્યક્તિ એને લઈ જાય એ પ્રકારની આરોપીની નવી મોડસ ઓપરેન્ડી હતી. કુલ 4 કરોડ 26 લાખ 89 હજાર 325 ની કિંમતના સોનાની દાણચોરી પકડાઈ છે.
સોશિયલ મીડિયા ફેસબુક, ફેસબુક મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામની સેવાઓ ટેકનિકલ કારણોસર ખોરવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા એક્સ ( અગાઉ ટ્વીટર) ઉપર ફેસબુક, ફેસબુક મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સ પ્રશ્ન પુછવા સાથે સેવા ખોરવાઈ હોવાની વિગતો આપી રહ્યાં છે.
આણંદના વિદ્યાનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI આઈ. આર. દેસાઈ પર હુમલો થયાનો બનાવ નોંધાયો છે. PSIનો કોલર પકડી મુક્કો માર્યાનો આરોપ કરવામાં આવ્યો છે. ઇસ્માઇલ નગરના સિદ્દીક મેમણ સામે ગુનો નોંધાયો છે. પોલીસ સ્ટેશનમાં જ દાદાગીરી કરનાર સિદ્દીક મેમણની ધરપકડ કરવામાં આવી છે. નિવેદન લખાવવા આવેલા કુંજ ભંડારી નામની મહિલા સાથે પણ આરોપીએ ગેરવર્તણૂક કરી. પોલીસની સામે જ આરોપીએ મહિલાને ધમકી આપી કે, “જો નિવેદન લખાવ્યું તો જાનથી મારી નાખીશ.” આણંદ જિલ્લામાં પોલીસ મથકની અંદર જ પોલીસ અધિકારી પર હુમલો થવાની આ પ્રથમ ઘટના હોવાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
અમરેલીના બગસરાના ઘંટિયાણ ગામે સિંહણ અને બચ્ચાએ બાળકનો કર્યો શિકાર. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કર્યા ગંભીર આક્ષેપ. વન વિભાગે બાળકનો મૃતદેહ બિનવારસી બતાવી નિકાલનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સિંહણે બચ્ચાઓનો શિકાર શીખવવા બાળક પર કર્યો હિંસક હુમલો. બાળકના માતા પિતા અને ખેતર માલિક ત્યાં હાજર હતા. વન વિભાગ ખેડૂતોને આશ્વાસન આપવાના બદલે દાદાગીરી કરી રહ્યું છે. ખેડૂતોએ ટેકાના ભાવ અને વીજળી કંપનીઓ સામે લડવું પડે. હવે ખેડૂતોએ વન વિભાગના અધિકારીઓની દાદાગીરી સામે લડવું પડશે ? અમરેલી વન વિભાગ તંત્ર તાત્કાલિક યોગ્ય અને કાયદેસર કાર્યવાહી કરે.
પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો લો વોલટેજથી હાલાકી ભોગવવી રહા છે. ત્રસ્ત ખેડૂતોએ PGVCL કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. GETCO ના અધિકારી ઓની બેદરકારીને લીધે ખેડૂતોને લો વોલટેજ આવતા હોવાના લાગ્યા આક્ષેપ. ખેડૂતો એ PGVCL કચેરીમાં હલ્લાબોલ કરતા PGVCL ઇજનેર અને GETCO ના અધિકારીઓ આવ્યા આમને સામને. PGVCL ના અધિકારી એ કોરા કાગળમાં સહિ કરી GETCO ના ઇજનેરને વોલટેજ વધારવા આપી સુચના. ખેડૂતો ને લો વોલટેજથી ભારે હાલાકી મોટર મશીનો ચાલુ ન થતા ખેતીના પાકને નુકસાનની થાય તેવી સંભાવના
ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબતજી ઠાકોરે રાજીનામું આપી દીધુ છે. નાદુરસ્ત તબિયતના કારણે પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાને પત્ર લખીને સોંપ્યું રાજીનામું. શારીરિક ક્ષમતાના અભાવે હોદ્દાને ન્યાય ન આપી શકતા હોવાનો કર્યો ઉલ્લેખ. કોઈની પણ પ્રત્યે રાગદ્વેષ કે વિરોધ ન હોવાની પત્રમાં કરી સ્પષ્ટતા. પક્ષના સન્નિષ્ઠ કાર્યકર તરીકે કામ ચાલુ રાખવાની આપી ખાતરી.
આણંદની કલેક્ટર કચેરીમાં કુતરા રાજ ! સરકારી બાબુઓ એસીમાં અને શ્વાન પંખા નીચે બિરાજે છે. જિલ્લાની સૌથી મુખ્ય ગણાતી કલેક્ટર કચેરી સંકુલનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કચેરીમાં ચાલતી વહીવટી કામગીરી વચ્ચે રખડતા શ્વાનોના અડિંગાએ તંત્રની પોલ ખોલી નાખી છે. રખડતા શ્વાનો માટે પંખા નીચે આરામ ફરમાવવાની ફૂલ સુવિધા જોવા મળે છે. વીડિયોમાં જુદી જુદી જગ્યાઓ પર શ્વાન નિરાંતે પંખા નીચે ઊંઘતા જોવા મળે છે. કોઈનો પગ ભૂલથી આ સૂતેલા શ્વાન પર પડી જાય અને તેમની નિંદરમાં ખલેલ પહોંચે, તો તે ગંભીર બની શકે. જો શ્વાન કોઈને બચકા ભરશે તો જવાબદારી કોની?
ભરૂચના અંકલેશ્વર ગામમાં આવેલ ગણેશ સ્કવેરમાં લાગી ભીષણ આગ. ગણેશ સ્કવેરમાં આવેલ પીઝા પાર્લરમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. પાર્લરમાં લાગેલી આગના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડયા હતા. ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી, કોઈ જાનહાનિના સમાચાર નહી
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈ વિવાદ વચ્ચે આજ રોજ જુમ્માની (શુક્રવારની) નમાઝ અદા કરાઈ હતી. મસ્જિદ બહાર પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી. જામા મસ્જિદ જૈન મંદિર હોવાનો સંત સમિતિ અને જૈન સમાજ દાવો કરી રહ્યા છે.
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં AMC દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આંબા તળાવ આસપાસની સરકારી જમીનને દબાણમુક્ત કરવા માટે 200થી વધુ ઝૂંપડા, 50 દુકાનો અને બે ગેરકાયદે મકાનો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તળાવડી પાસે વર્ષોથી ઉભા થયેલા ગેરકાયદે બાંધકામો સામે AMCએ કડક વલણ અપનાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ અનેક વખત નોટિસ આપ્યા છતાં રહેવાસીઓ અને દુકાનદારો દ્વારા જગ્યા ખાલી કરવામાં આવી ન હતી, જેના કારણે ડિમોલિશનની કાર્યવાહી કરવી પડી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં 26 હજાર ચોરસ મીટરથી વધુ વિસ્તારને દબાણમુક્ત કરવામાં આવશે, જેનાથી તળાવ વિસ્તારનું સંરક્ષણ અને વિકાસ શક્ય બનશે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગઢડા વિસ્તારના ખેડૂતો ખેતીવાડી માટે જરૂરી વીજ પુરવઠો બંધ હોવાનો આક્ષેપ કરીને PGVCL કચેરીએ પહોંચ્યા હતા. સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતોએ PGVCL કચેરીને ઘેરી ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં વીજ પુરવઠાની સમસ્યા યથાવત રહી છે, જેના કારણે ખેતીના કામકાજ પર ગંભીર અસર પડી રહી છે. રોષે ભરાયેલા ખેડૂતોએ “પહેલા વીજળી આપો, પછી કચેરી છોડીશું”ના સૂત્રોચ્ચાર સાથે કચેરી બહાર વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે PGVCLના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ ખેડૂતો સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાના મૂડમાં જોવા મળ્યા હતા.
ગાંધીનગર જિલ્લામાં પ્રેમ સંબંધના અંતર્ગત એક ચકચારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ભાગીને ગુજરાત આવેલા એક યુવકે હોટલમાં પોતાની પ્રેમિકાની હત્યા કરી હોવાનો આરોપ છે. ઘટનાને અંજામ આપ્યા બાદ યુવકે પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ગળાના ભાગે છરી મારી હતી. ગંભીર હાલતમાં તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં ચિલોડા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને યુવતીના મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી યુવક સામે હત્યા સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર ઘટનાના કારણોની વધુ તપાસ કરી રહી છે.
સુરતના કથિત ભૂતિયા ડિમોલિશન મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે સમગ્ર મામલાની CBI તપાસ કરાવવાની માંગ ઉઠાવી છે. વડગામના ધારાસભ્ય Jignesh Mevaniએ SITની રચના કરીને કેસની નિષ્પક્ષ તપાસ કરાવવા તેમજ CBIને તપાસ સોંપવાની માંગ કરી છે. તેમણે સુરત મ્યુનિસિપલ કમિશનરના રાજીનામાની પણ માંગણી કરતાં કહ્યું કે, “આટલું મોટું કૌભાંડ થાય અને કમિશનરને તેની જાણ ન હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.” મેવાણીએ આ મામલે પોલીસ, મ્યુનિસિપલ કમિશનર અને મનપાના કેટલાક અધિકારીઓની સંભવિત મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેમના નિવેદન બાદ સમગ્ર મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે અને કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસની માંગ વધુ ઉગ્ર બની રહી છે.
શુક્રવારે, સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનની અરજી ફગાવી દીધી. રિટર્નિંગ ઓફિસરે રાજ્યસભા ચૂંટણી માટે તેમનું ઉમેદવારીપત્ર ફગાવી દીધું હતું. કોંગ્રેસ નેતાએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે આજે તેમની અરજી પર સુનાવણી કરી.
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને વિવાદ વધુ ઘેરાયો છે. ભોંયરાનો વીડિયો વાયરલ થયા બાદ હવે જૈન સમાજ પણ ખુલ્લેઆમ મેદાનમાં આવ્યો છે. જૈન મુનિ રાજસુંદર વિજયજી મહારાજે દાવો કર્યો છે કે આ સ્થળ મૂળ ‘જૈન સમડી વિહાર’ હતું. તેમણે જણાવ્યું કે જામા મસ્જિદના શિલ્પ અને સ્થાપત્યના અભ્યાસ પરથી ભોંયરામાં મૂર્તિઓ હોવાની પ્રબળ શક્યતા જણાય છે, જોકે તેમને ભોંયરામાં જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સાથે જ પુરાતત્વ વિભાગ પર ઐતિહાસિક ધરોહરની ઉપેક્ષા કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કેમિકલ ચોરીના મામલે મોટી વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. સાયલા હાઈવે પર SMC દ્વારા પાડવામાં આવેલી રેડ દરમિયાન કેમિકલ ચોરીનો ભાંડો ફૂટ્યા બાદ જિલ્લા પોલીસ વડાએ કડક પગલાં ભર્યા છે. સમગ્ર ઘટનામાં બેદરકારી અને શંકાસ્પદ ભૂમિકાને ધ્યાનમાં રાખીને એક PI, એક PSI અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે અગાઉ આ મામલે સંબંધિત પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી, પરંતુ હવે વધુ ગંભીર કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકારે દુર્ઘટના સ્થળને સ્મૃતિ અને વિકાસના કેન્દ્ર તરીકે વિકસાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ન્યૂ મેન્ટલ કેમ્પસ વિસ્તારમાં અંદાજે ₹547 કરોડના ખર્ચે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના આધુનિક પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન Praful Pansheriyaએ જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારને આધુનિક “આરોગ્ય મંદિર” અને “શિક્ષણ મંદિર” તરીકે વિકસાવવામાં આવશે. દુર્ઘટનાગ્રસ્ત અને જર્જરિત ઇમારતોને દૂર કરીને નવા માળખાં ઉભાં કરાશે. યોજનાના ભાગરૂપે સ્પાઈન હોસ્પિટલ, રિહેબિલિટેશન સેન્ટર તેમજ 800 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું આધુનિક કેન્ટીન બિલ્ડિંગ પણ તૈયાર કરવામાં આવશે. સરકારના આ મહત્વાકાંક્ષી આયોજનથી આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જામનગરના બાણુગર ગામે યોજાયેલી ખેડૂત આહવાન સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં ખેડૂતો સાથે થયેલા દુર્વ્યવહારની કડક નિંદા કરવામાં આવી હતી અને સરકાર સામે આંદોલન તેજ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. નેતાઓએ 15મી તારીખે ગાંધીનગર તરફ જનાર ટ્રેક્ટર રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા ખેડૂતોને અપીલ કરી હતી. સભામાં પાલ આંબલીયા અને Jignesh Mevani સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સાથે જ સરકારની ખેડૂત વિરોધી નીતિઓનો વિરોધ કરવા માટે ખેડૂતોને એકજૂટ થવા અને હક્કની લડત માટે તૈયાર રહેવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં સર્જાયેલી ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે Lindy Cameron ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્લેન ક્રેશ દરમિયાન હોસ્ટેલ નજીક એક 15 વર્ષીય બાળકનું પણ કરુણ મોત થયું હતું. ચાની કિટલી ચલાવતા પરિવારના આ બાળકને યાદ કરીને પરિવારજનોએ ભાવુક બની શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઘટનાની વરસી નિમિત્તે સ્થાનિકો અને મૃતકોના સ્વજનોએ પણ દુર્ઘટનાને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં કારમાંથી એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઉતરાણ પોલીસ સ્ટેશન નજીક પાર્ક કરાયેલી ગાડીમાંથી મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ભારે કુતૂહલ ફેલાયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની ઓળખ તેમજ મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં મીડિયાકર્મીઓ સાથે માર્શલો દ્વારા કરવામાં આવેલી ગુંડાગર્દીના મામલે પાલિકા કમિશનરે કડક કાર્યવાહી કરી છે. કમિશનરના આદેશ બાદ ત્રણ માર્શલ સહિત પાંચ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. મુખ્ય કચેરીમાં ફરજ બજાવતા ત્રણ માર્શલોને જુદા જુદા ઝોનમાં ખસેડવામાં આવ્યા છે. ગત રોજ નકલી ડિમોલિશન કાંડ મુદ્દે માહિતી મેળવવા આવેલી મીડિયા સાથે માર્શલોએ જીભાજોડ કરી હતી અને બાદમાં ધક્કામુક્કી પણ કરી હતી. ઘટનાને લઈને ભારે વિવાદ સર્જાતા પાલિકા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાણ ગામમાં સિંહણના હુમલામાં 7 વર્ષીય બાળકનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પરપ્રાંતિય પરિવારના બાળકને સિંહણે શિકાર બનાવ્યાની ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામલોકોએ જંગલી જાનવરોની વધતી અવરજવર સામે વનવિભાગ દ્વારા કડક અને અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વનવિભાગે હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી છે.
ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા નાગરિકોને હજુ થોડો વધુ સમય રાહ જોવી પડશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી એક અઠવાડિયા સુધી અમદાવાદમાં વરસાદની શક્યતા નહીંવત છે. વરસાદની રાહ વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેતા ઉકળાટમાં વધારો થવાની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થાય તેવી શક્યતા પણ દેખાતી નથી. બીજી તરફ ચોમાસું મધ્ય ભારત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને 15 જૂન બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. ભાવનગર, અમરેલી અને દીવ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.
Published On - 7:50 am, Fri, 12 June 26