આજે 11 નવેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
“મગફળી ખરીદીમાં કોઈ ગેરરીતિ થાય તો મને જાણ કરજો” આ શબ્દો છે નાફેડના ચેરમેન દિલીપ સંઘાણીના. અમરેલીના લાઠીમાં યોજાયેલા ભાજપના સ્નેહમિલનમાં દિલીપ સંઘાણીએ ટેકાના ભાવે ખરીદી મુદ્દે કહ્યું કે કોઈ પણ ગેરરીતિ થાય તો ધ્યાન પર મુકજો, ખેડૂતોનું સીધું કે આડકતરું શોષણમાં કોઈને બક્ષવામાં નહીં આવે
વાવ પેટાચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે પરંતુ છેલ્લા દિવસે પ્રચારના અલગ અલગ રંગ જોવા મળ્યા હતા. વર્ષો બાદ રાજનિતીમાં કંઈક અનોખું જોવા મળ્યું કોંગ્રેસે ઠેર ઠર પગપાળા જઈને લોકોને ગુલાબ આપ્યું હતું..અહિં લોકશાહીને મજબૂત કરતા દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં ગેનીબેન અને ગુલાબસિંહ ભાજપ કાર્યાલય પહોંચ્યા અને ત્યાં ઉપસ્થિત નેતાઓને ગુલાબ આપ્યું સાથે જ સી જે ચાવડાને ગેનીબેન ગળે પણ મળ્યા હતા. પાછલા વર્ષોમાં આ પ્રકારની રાજનીતિ ખુબ ઓછી જોવા મળે છે…આ તરફ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. ભાજપ દ્વારા માલધારી સમાજનું સંમેલન પણ બોલાવવામાં આવ્યુ હતુ કે જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરી સૂચક હતી. તો વળી અપક્ષના ઉમેદવાર વિક્રમ સિંગલે ધમકી મળ્યા મુદ્દે ફરિયાદ નોંધાવી છે..
વાવ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવારને ધમકી મળથા પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે. અપક્ષ ઉમેદવાર વિક્રમ નાગજીભાઈ સિંગલ ને મળી ધમકી છે. બાપુ રામાજી વિહાજી રાજપુત નામના ઈસમે ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છ. જાતિ અપમાનિત શબ્દો બોલી અને આજ દિન સુધી દબાઈને બેસેલા હતા અને આજે ઉભા થયા છો ભૂતકાળમાં કેટલાને પાડી દીધા છે તેમ કહીને ધમકી આપી હતી. ધમકીને પગલે અપક્ષ ઉમેદવારે વાવ પોલીસ પાસે રક્ષણ પણ માગ્યું છે.
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીના સમયે ભાજપ અને સંઘ સામે બળવો કરનારા કલ્પક મણિયારે બેંકના ભ્રષ્ટાચાર મુદ્દે ધડાકો કર્યો છે. કલ્પક મણિયારનો સામે આવેલ એક વીડિયોમાં કહેવાયું છે કે, રાજકોટ નાગરિક સહકારી બેંકની મુંબઇમાં આવેલી કાલાબાદેવી શાખામાં કૌંભાડ મુદ્દે આક્ષેપો કરાયા છે. બિલ્ડરની વિવાદાસ્પદ, ન વેંચાતી મિલક્તો અને અઘુરા પ્રોજેક્ટ પર ત્રણ ગણી રકમ બેંકે આપી છે. બેંકને તગડી રકમનો ચૂનો બિલ્ડર દ્વારા ચોપડવામાં આવ્યો હોવાનું પણ કહેવાયું છે. બેંક દ્રારા કડક કાર્યવાહી કરીને પોલીસ કેસ કરવાને બદલે બિલ્ડર અને લોન પાસ કરીને રૂપિયા આપનારને છાવરવામાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને અભિનેતા રિતેશ દેશમુખ રવિવારે કોંગ્રેસના ઉમેદવાર અને ભાઈ ધીરજ દેશમુખના ચૂંટણી પ્રચાર માટે બહાર આવ્યો હતો. આ દરમિયાન રિતેશ દેશમુખે કહ્યું, જે લોકો કહે છે કે ધર્મ જોખમમાં છે તેમની જ પાર્ટી જોખમમાં છે અને તે પોતાને અને પાર્ટીને બચાવવા પ્રાર્થના કરી રહ્યા છે.
અમદાવાદના ઠક્કરબાપાનગર બ્રિજ નીચે ગેસ પાઈપલાઈનના લીકેજથી આગ લાગી હતી. ખોદકામ સમયે ગેસ પાઇપલાઇન લીકેજ થતા એકા એક આગ ભભૂકી ઉઠી હતી. ગેસ લીકેજથી લાગેલ આગમાં બાજુમાં જે દુકાન હતી તે બળીને સંપૂર્ણ ખાક થઈ ગઈ હતી. ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળ પર પહોચીને આગને કાબૂમાં લીધી હતી.
અમદાવાદથી જેદ્દાહ ફલાઇટના વોશ રૂમના કમોડ પર કોઈએ કાગળની ચિઠ્ઠીમાં એક લિટીમાં BUMB લખ્યું હતું. ક્રૃ મેમ્બર સાક્ષી બીસ્ટના ધ્યાન પર આ વાત આવતા, ફલાઇટ કેપ્ટન અને ATC ને જાણ કરી હતી. ફલાઇટ લખનૌ એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે રાત્રે 10.12 વાગે લેન્ડ થઈ હતી. રાત્રે 10. 55 વાગે જેદ્દાહ ઉડાન ભરવાની હતી. ફલાઇટને ટર્મિનલ 2 પર લઈ જઈ BDS, સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સધન ચેકીંગ કર્યું પરંતુ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. BUMB લખી ફલાઇટના મુસાફરોમાં ભય ફેલાવનાર અજાણી વ્યક્તિ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફલાઇટ સ્ટાફના સંદેશા અને એરપોર્ટ ઓથોરિટીની સૂચના બાદ SOP મુજબ હાઇલેવલ સિક્યુરિટી કમિટીની બેઠક થઈ હતી. ક્લિયરન્સ મળ્યા બાદ ફલાઇટ રવાના થઈ હતી.
એર ઈન્ડિયાએ ફૂડ વિવાદને લઈને મોટો નિર્ણય લીધો છે. ટાટા ગ્રૂપની માલિકીની કંપનીએ કહ્યું કે, તે હવે ફ્લાઈટ્સ દરમિયાન હિન્દુઓ અને શીખોને ‘હલાલ’ ફૂડ નહીં પીરસે.
વડોદરાના માંજલપુરમાં રહેતી પરિણીતાએ 7 માં માળેથી કૂદી આપઘાત કર્યો છે. પોતાના ઘરેથી 850 મીટર દૂર જઈ શ્રીકુંજ હાઇટ્સ નામની બિલ્ડિંગના 7 માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. 37 વર્ષના મનીષાબેન કદમે આપઘાત કેમ કર્યો ? તેની તપાસ પોલીસે શરૂ કરી છે. પરિણીતા સવારે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી.
વાયનાડમાં, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો રોડ શો યોજ્યો છે. દરમિયાન કોંગ્રેસે કહ્યું છે કે સુલતાન બેથેરીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો રોડ શો શક્તિ પ્રદર્શનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. લોકો પ્રત્યે પ્રિયંકાનો જુસ્સો અને પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે દેખાય છે કારણ કે તે લોકો સાથે જોડાયેલ છે અને લોકોની સમસ્યા અને માંગણીઓ માટે લડવાનું વચન આપે છે.
LoP Shri @RahulGandhi and Congress General Secretary Smt. @priyankagandhi‘s roadshow in Sultan Bathery is a massive show of strength!
Priyanka ji’s passion and commitment to the people shine through as she connects with them, promising to fight for their demands. With Rahul ji… pic.twitter.com/VNz96yKle1
— Congress (@INCIndia) November 11, 2024
ભાવનગરના મહુવાના નાના ખુટવડ ગામેથી બોગસ ડૉક્ટર પકડાયો છે. SOG ની ટીમે શૈલેષ શિયાળ નામના 28 વર્ષીય યુવકને ઝડપ્યો છે. કોઈ પણ પ્રકારની ડિગ્રી ના હોવા છતા કરી રહ્યો હતો મેડિકલ પ્રેક્ટિસ. દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર યુવકને SOG ની ટીમે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છોટાઉદેપુરના પાદરવાટ, ઓલીઆંબા, પાનવડ, સિહોદ, સીમલીયા વિસ્તારમાંથી સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત વહન અને ખનન થતું હોવાની મળેલ બાતમીના આધારે, ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતી 2 ટ્રકો અને 14 ટ્રેકટરોને ઝડપી પાડ્યા છે. ખાણ ખનીજ વિભાગની ટીમે આશરે એક કરોડ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં MICA કોલેજના વિદ્યાર્થીની કરપીણ હત્યા કરવામાં આવી છે. બોપલ ફાયર સ્ટેશન નજીક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. મૃતકે, વાહન ધીમે ચલાવવા માટે ટકોર કરતા કાર ચાલક છરીના ઘા મારીને ફરાર થઈ ગયો હતો. બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે હત્યાની ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટની સિવીલ હોસ્પિટલમાં થેલેસેમિયાના ઇન્જેકશનનો જથ્થો ખાલી થયો હોવાની વિગતો સામે આવ છે. જાણકારોનું કહેવુ છે કે, થેલેસેમિયાના ઇન્જેકશનનો જથ્થો છેલ્લા એક – દોઢ વર્ષથી ખાલી છે. સામાન્ય રીતે થેલેસેમિયા દર્દીઓને નિયમિત ત્રણ થી ચાર જેટલા ઇન્જેકશનની જરૂર પડતી હોય છે. બજારમાં એક ઇન્જેકશનની કિંમત 200 રૂપિયા છે. રાજકોટમાં 300 થી 400 જેટલા થેલેસેમિયાના દર્દીઓ સારવાર લે છે. આવા દર્દીઓના શરીરમાં આર્યનના કન્ટ્રોલ માટે આ ઇન્જેકશનની જરૂરિયાત પડતી હોય છે.
સુરેન્દ્રનગરમાં રાજકોટના ત્રણ સોની વેપારીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. રાજકોટના એક વેપારીએ, લીંબડી ખાતે આવીને આત્મહત્યા કરી હતી. મૃતકના પુત્રએ રાજકોટના ત્રણ સોની વેપારી સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. માનસિક ત્રાસ આપીને બદનામ કરવાની ધમકી આપતા હોવાની ફરિયાદીની પિતાએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે.
જૂનાગઢમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા, આ વર્ષે તેના નિર્ધારિત સમય કરતા બે દીવસ પહેલા જ શરૂ થઈ છે. લીલી પરિક્રમમાં ભાગ લેવા માટે યાત્રિકો મોટી સંખ્યામાં ઉમટતા, વન વિભાગે, જંગલના દરવાજા આજે ખોલી નાખ્યાં છે. વિધિવત પરિક્રમા આવતીકાલે મધ્ય રાત્રીથી શરૂ થશે.
સંજીવ ખન્ના ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને CJI તરીકેના શપથ લેવડાવ્યા છે.
ગાંધીનગરના પેથાપુરમાં સંજરી પાર્ક સોસાયટી સામે નદીના પટમાં ખુલ્લાંમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી 11 જુગરીઓને ઝડપી પાડ્યા છે. જુગારીઓ પાસેથી રોકડ રૂપિયા 2 લાખ 6 હજાર 950 સહિત કુલ રૂપિયા 3 લાખ 13 હજાર 550 નો મુદ્દામાલ કબજે કર્યા છે. ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પેથાપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી અન્ય ત્રણની શોધખોળ શરૂ કરી છે.
ગુજરાત સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આજથી રાજ્યના વિવિધ તાલુકાઓમાં આવેલ 160 ખરીદ કેન્દ્ર મારફતે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી કરશે. સરકારે મગફળી માટે પ્રતિ મણના રૂ. 1356.60નો ભાવ નિર્ધાર કર્યો છે. મગ પ્રતિ મણના રૂ. 1736.40, સોયાબીન પ્રતિ મણ માટે રૂ. 978.40 અને પ્રતિ મણ અડદ માટે રૂ. 1480નો ભાવ નક્કી કર્યો છે.
વડતાલ ખાતે ચાલી રહેલા સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઈન જોડાશે. સ્વામિનારાયણ મંદિરની સ્થાપનને 200 વર્ષ પૂર્ણ થતા વડતાલ ખાતે, 7 નવેમ્બરથી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12.30 વાગ્યે બૂથ લેવલના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે અને જીતનો મંત્ર આપશે. મારું બૂથ સૌથી મજબૂત કાર્યક્રમ હેઠળ પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરશે. આ અભિયાન દ્વારા વડાપ્રધાન મોદી બૂથ કાર્યકરો સાથે સીધી ચર્ચા કરશે અને તેમને ઝારખંડની જીત માટે પ્રેરિત કરશે. આ સાથે આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં કરાયેલા વિકાસના કામો અને ચલાવવામાં આવેલા અભિયાનો અંગે ચર્ચા કરવામાં આવશે.
Published On - 7:23 am, Mon, 11 November 24