
રાધનપુર પોલીસે લુંટેરી દુલ્હન સહિત ઠગ ટોળકી ઝડપી પાડી છે. રાજકોટની ઈલા ઉર્ફે હિરલ પરમાર નામની યુવતીના લગ્ન રાધનપુરના યુવક સાથે કરાવ્યા. અને રૂપિયા 10 લાખ પડાવી માત્ર 20 દિવસ જેટલો સમય રોકાઈને પરત જતી રહી. ત્યારબાદ રાધનપુરના યુવકે લૂંટેરી દુલ્હનનો સંપર્ક કર્યો પરંતુ લૂંટેરી દુલ્હનના સાગરીતોને યુવકને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરતી હતી.
જો કે હિંમત દાખવી આખરે યુવકે રાધનપુર પોલીસ મથકે લૂંટેરી દુલ્હન સહિત ઠગ ટોળકી સામે ફરિયાદ નોંધાવતા રાધનપુર પોલીસે લૂંટેરી દુલ્હન સહિત ઠગ ટોળકીના ત્રણ સાગરીતોને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 2 સાગરીતોને ઝડપવા પોલીસની ટીમ દોડતી થઈ છે. ઝડપાયેલી લૂંટેરી દુલ્હન અને ઠગ ટોળકીએ અગાઉ પણ આ પ્રકારની ટ્રેપમાં અન્ય યુવકોને ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. જે મામલે અન્ય પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે.
ગોવાની ક્લબમાં આગ લાગ્યા બાદ થાઈલેન્ડ ભાગી છુટેલા કલબના માલિક લુથરા બ્રધર્સના પાસપોર્ટને ભારતીય સત્તાવાળાઓએ સસ્પેન્ડ કર્યો છે. . ભારત સરકારે લુથરા બ્રધર્સ સામે કડક કાર્યવાહી કરી છે.
મોરબી જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન બનેલ અકસ્માતોમાં કુલ 6 વ્યક્તિઓના મોત થયા છે. ટ્રક, ટેન્કર અને ડમ્પર, છકડો રિક્ષા અને ટ્રેક્ટરના ચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે GJ-36-V-5149 નંબરના ડમ્પર ચાલકે હડફેટે લેતા સ્કૂટર સવાર જગદીશભાઈ પાટડિયા નામના પ્રૌઢનું મોત થયું છે. મોરબીના ભરતનગર પાસે નં-GJ-13-AW-7130 નંબરના ડમ્પર ચાલકે પાર્ક કરેલ અન્ય ડમ્પર સાથે અકસ્માત સર્જતા ક્લીનર શત્રુભાઈ વસુનીયાનું મોત થયું છે. માળિયા મિયાણાના સૂરજબારી પુલ પાસે ટેન્કર નંબર NL-01-AA-5670 ના ચાલકે અકસ્માત સર્જતા ટેન્કર ચાલક ડાલુરામ રામારામ દતરવાલનું મોત થયું હતુ. માળિયા મિયાણા માં GJ 04 AU 4941નંબરના છકડો રિક્ષા ચાલકે અકસ્માત સર્જતા બાઇક ચાલક સાગર જુગાભાઈ પરસુંડાનું મોત થયુ. મોરબીના બગથળા ગામે ટ્રક ચાલકે હડફેટે લેતા બાઈકસવાર રાજીવરંજન નાગેશ્વર ઝા નું મોત થયુ હતુ. જ્યારે વાંકાનેરના કાછીયાગાળા નજીક ટ્રેક્ટર ચાલકે બાઈકને હડફેટે લેતા બે ઇજાગ્રસ્ત થયા હતા.
સુરેન્દ્રનગર પાટડીના નાવયાણી ગામ પાસે થયેલા ગંભીર અકસ્માતમાં 3 યુવાનના ઘટના સ્થળે જ મોત થયા છે. ટેલર–બાઈક વચ્ચે ભારે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈકસવાર 3 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે. નાવયાણી ગામના પાટીયા પાસે ટેલર ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જીને ટેલર ચાલક ફરાર થઈ ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ મૃત યુવકો એરવાડા ગામના હોવાની માહિતી સામે આવી છે.
ગુજરાતમાં શિયાળાની ઋતુ જામી છે. દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ સપ્તાહમાં ઠંડીનો પારો ધીમે ધીમે ગગડી રહ્યો છે. આજે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી 9 ડિગ્રી નોંધાઈ છે. રાજ્યમાં સૌથી વધુ ઠંટુ શહેર કચ્છનું નલિયા રહ્યું છે. કચ્છના નલિયામાં સામાન્ય તાપમાન કરતા 3.6 ડિગ્રી ઓછુ તાપમાન નોંધાયું છે. જે એક પ્રકારે કોલ્ડવેવ બરાબર છે. નલિયામાં આજે ઠંડીનો પારો 9 ડિગ્રીએ અટક્યો છે.
ગુજરાતના મોટા શહેરોમાં ઠંડીના પારાની વાત કરીએ તે, અમદાવાદ અને ગાંધીનગર કરતા પણ વધુ ઠંડી વડોદરામાં નોંધાઈ છે. અમદાવાદમાં ગાંધીનગર કરતા સહેજ જ ઓછી ઠંડી નોંધાઈ છે. ગાંધીનગરમાં ઠંડીનો પારો 13 ડિગ્રીએ અટક્યો છે તો અમદાવાદમાં 13.4 ડીગ્રીએ અટક્યો છે. વડોદરા શહેરમાં ઠંડીનો પારો ગગડીને 12 ડીગ્રીએ અટક્યો છે. જે વડોદરાના સામાન્ય તાપમાન કરતા 3.2 ડીગ્રી જેટલુ ઓછુ તાપમાન છે.
અમરેલીમાં 11.4 ડીગ્રી, ભાવનગરમાં 14.6 ડિગ્રી, ભૂજમાં પણ 14.6 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ડીસામાં 12.7 ડિગ્રી, રાજકોટમાં 12.5 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. કદવાલ, ઉકાઈ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, ચીકદા, રાહ, ધરણીધર, ઓગડ, હડાદ, ગોધર, નાનાપોંઢાને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા છે. આ નવા વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત વાર્ષિક રૂ. 2 કરોડ તથા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (ATVT) વિકાસશીલ તાલુકા યોજના અન્વયે વાર્ષિક રૂ. 1 કરોડ; એમ સમગ્રતયા કુલ 3 કરોડ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ વિકાસ કામો માટે મળશે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર આજે સવારે 8 વાગ્યાની સ્થિતિએ, ઈન્ડિગોની કુલ 18 ફ્લાઈટ રદ થઈ છે. જેમાં 9 ફ્લાઈટ અમદાવાદ આવતી અને 9 ફ્લાઈટ અમદાવાદથી અન્યત્ર જતી હતી.
સવારે 8 વાગ્યા સુધીમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી કુલ 25 ફ્લાઈટનુ સંચાલન કરવામાં આવ્યું હતું. જેમા 8 ફ્લાઈટ આવી હતી જ્યારે 17 ફ્લાઈટ અહીંથી અન્યત્ર ગઈ હતી.
કચ્છના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી 11 પાકિસ્તાની ઝડપાયા છે. જખૌ કોસ્ટ ગાર્ડ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન આ પાકિસ્તાનીઓ ઝડપાયા હતા. સુરક્ષા એજન્સીઓની પ્રાથમિક તપાસમાં 11 પાકિસ્તાનીઓ, વ્યવસાયે માછીમારો હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાની અલવલી નામની બોટ ઝડપાઈ છે. પાકિસ્તાની બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો છે. 11 પાકિસ્તાનીઓ પાસે કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી નથી. શા માટે તેઓ કચ્છની દરિયાઈ સીમામાં ઘુસ્યા હતા તે દિશામાં સુરક્ષા એજન્સીઓ તપાસ હાથ ધરી છે.
રાજકોટના જસદણ નજીક આવેલ આટકોટ ખાતે બે દિવસ પૂર્વે છ વર્ષના બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને ઈજાગ્રસ્ત કરનાર નારાધમ પોલીસની પકડમાંથી ભાગવા જતા પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. દુષ્કર્મના આરોપીએ કરી ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના કારણે આરોપીને પગના ભાગે ઈજા પહોચી હતી. આ કાર્યવાહીમાં પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઈજાગ્રસ્ત આરોપી અને પોલીસ કર્મીને KDP હોસ્પિટલ આટકોટ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.
આજે 11 ડિસેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:17 am, Thu, 11 December 25