
ડાંગના સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓની ભીડ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અચાનક બસ ડેપોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન બસ ડેપોમાં દિવ્યાંગો માટેનું શૌચાલય બંધ હોવાની સ્થિતિ સામે આવતા હર્ષ સંઘવી રોષે ભરાયા હતા. તેમણે સ્થળ પર જ ડેપો મેનેજરને ખખડાવી પ્રવાસીઓની સુવિધામાં બેદરકારી નહીં ચલાવાય તેવી સ્પષ્ટ ટકોર કરી હતી. મોન્સૂન ફેસ્ટિવલને પગલે સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે સ્વચ્છતા અને પાયાની સુવિધાઓ જાળવવા તંત્રને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે. પ્રવાસીઓની સુવિધામાં બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવાના પણ સંકેત આપવામાં આવ્યા છે. હર્ષ સંઘવીની અચાનક મુલાકાતથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
ભરૂચ: પાનોલીમાં ટ્રેનમાંથી પટકાતા યુવકનું મોત નિપજ્યુ છે. સુરત માટે ટ્રેનમાં જતી વખતે ચેઈન સ્નેચિંગનો પ્રયાસ કર્યો અને સંતુલન ગુમાવતા યુવાન પ્લેટફોર્મ પરથી નીચે પટકાયો હતો. યુવાન ટ્રેન નીચે આવી જતા તેનુ મોત નીપજયું છે. રિક્ષા ચલાવતા 32 વર્ષીય યુવકનું મોત થયુ છે. આ ઘટનાને પગલે મુસાફરોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.
જુનાગઢમાં ગત રાત્રે જાહેર રસ્તા પર સિંહની લટારના દૃશ્યો સામે આવ્યા છે. શ્રી રામ ટેકરી નજીક સ્મશાન પાસે સિંહ જોવા મળ્યો. મોડી રાત્રે 2 સિંહ જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. શ્વાનના અવાજથી બંને સિંહ જંગલ તરફ વળ્યા હતા. સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિંહની અવરજવરથી લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં સ્ટંટબાજો બેફામ થયા છે. ફેમસ થવાની ઘેલછામાં જોખમી રીલ બનાવી લોકોના જીવ પણ જોખમમાં મુકી રહ્યા છે. સ્ટંટબાજોએ બાઈક પર સ્ટંટ કરી વીડિયો વાયરલ કર્યો. વીડિયો વાયરલ થતા જ પાંડેસરા પોલીસે કાર્યવાહી કરી છે. યુવરાજ પાટીલ, આકાશ મસ્ક સહિત 5 શખ્સની અટકાયત કરાઈ છે. પોલીસે પાંચયન સ્ટંટબાજોને ઝડપી કાયદાનું ભાન કરાવ્યુ છે.
ગાંધીનગરના ગલુદણમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી સામે ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રેન્જ IG, ફૂડ ટીમ, FSL અને સ્થાનિક પોલીસે સંયુક્ત તપાસ કરી ફેક્ટરી ઝડપી પાડી હતી. ફેક્ટરીમાં અલગ-અલગ ત્રણ નામથી ઘીનું પેકિંગ કરવામાં આવતું હતું. જાણીતી બ્રાન્ડની નકલ કરી ડબ્બા અને બોક્સમાં ઘી પેક કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં ઘી અને પેકિંગ મટીરિયલ જપ્ત કરાયું છે. ફૂડ વિભાગે ઘીના 11 જેટલા સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે. આ ઉપરાંત નજીકમાં આવેલી તક્ષિલ ડેરી પ્રોડક્ટમાંથી શંકાસ્પદ માવો પણ સીઝ કરાયો છે. કુલ 2500 કિલો માવો, અંદાજે 3 લાખ રૂપિયાની કિંમતનો, જપ્ત કરાયો છે.
વડોદરામાં દશામાની આગમન યાત્રા દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે. ઠેકરનાથ યુવક મંડળ દ્વારા યોજાયેલી દશામાની આગમન યાત્રામાં કેટલાક લોકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. સમગ્ર ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. યાત્રા દરમિયાન અચાનક મારામારી થતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભક્તિના પર્વ દરમિયાન બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ચકચાર મચી છે. યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે મારામારીના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ સમગ્ર ઘટનામાં સામેલ ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. હવે પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
રાજકોટ શહેર બાદ હવે જિલ્લા આરોગ્ય વિભાગે એનાલોગ પનીર બનાવતી પેઢીઓ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગે કુલ 12 જેટલી પેઢીઓમાં ચકાસણી કરી હતી, જેમાં 8 પેઢીઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન 8 કિલો એનાલોગ પનીરનો નાશ કરાયો છે. જામકંડોરણાની શ્રી વૃંદાવન ગીર ગૌશાળા, ગોંડલની આઇ ખોડલ ડેરી ફાર્મ અને લાલજી આઇસ્ક્રીમ સહિતની પેઢીઓ સામે કાર્યવાહી કરાઈ છે. રાજકોટમાં પટેલ ગાંઠિયા અને શ્રીજી ફૂડ, જ્યારે લોધિકાની શ્રી રામદેવ ડેરી અને સરધારની શ્રી સોનલકૃપા ડેરીનું પણ લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે. અગાઉ ત્રણ પેઢીઓમાંથી 1165 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો.
રાજ્યભરમાં આજે TAT-HS એટલે કે શિક્ષક અભિયોગ્યતા કસોટી-ઉચ્ચતર માધ્યમિકની મુખ્ય પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યના 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના 64 કેન્દ્રો પર 11 હજાર 865 ઉમેદવારો પરીક્ષા આપશે. ધોરણ 11 અને 12માં શિક્ષક બનવા માટે આ પરીક્ષા લેવાય છે. જોકે, પરીક્ષા બાદ સરકારી શિક્ષકોની ભરતી પ્રક્રિયા સમયસર પૂર્ણ ન થતી હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે. સારા માર્ક્સથી પાસ થયા બાદ પણ ભરતી ન થતાં ઉમેદવારો કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરવા મજબૂર બનતા હોવાની રજૂઆત છે. TET-TATની પૂરતા પ્રમાણમાં ભરતી અને સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવાની માગ ઉઠી છે. અગાઉ વરસાદના કારણે બે વાર તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ આજે સુચારુ રીતે પરીક્ષા યોજાઈ રહી છે.
અમદાવાદમાં બે દિવસ પહેલા રેલવે સ્ટેશનથી રિક્ષામાં જઈ રહેલા સાહિત્યકાર અને લેખક કાજલ ઓઝા વૈદ્યનું પર્સ ઝૂંટવીને બે શખ્સો ફરાર થઈ ગયા હતા. આ મામલે ઝોન 6 DCP સ્કોર્ડ એ બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી તનવીર શેખ અને ફેજાન સૈયદની ધરપકડ કરી છે. આરોપીઓ ચાલતી રિક્ષામાં મુસાફરોને ટાર્ગેટ કરતા હતા. પર્સ સહિત તમામ મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આજે 08 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 10:54 am, Sat, 8 August 26