આજે 06 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિવિધ મંત્રાલયો (ખાસ કરીને સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રાલય) ની કામગીરીની સમીક્ષા કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યક્રમના સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેઓ ભાજપના કાર્યકરો સાથે બેઠક પણ કરશે. આ વખતે પ્રથમ વખત સરકારી કાર્યક્રમ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. બુક માય શો એપ્લિકેશન મારફતે રજિસ્ટ્રેશન શરૂ કરાયું હતું અને એક કલાકમાં જ ક્ષમતા પ્રમાણેનું બુકિંગ પૂર્ણ થઈ ગયું હતું. જેના કારણે 36 હજાર લોકો રજિસ્ટ્રેશનથી વંચિત રહ્યા હતા. આ લોકોને આગામી કાર્યક્રમોમાં સમાવવાની વાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.
અમદાવાદઃ અપહરણ કરાયેલા ત્રણ બાળકોને ક્રાઈમ બ્રાન્ચ અને AHTUની ટીમે રેસ્ક્યૂ કર્યા છે. સોલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં બાળકોના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી બાળકોને તેમના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી દિનેશ બાળકને રૂ.10 હજારના ભાવે ભરતને વેચતો હતો. ભરત અને તેનો ભાઈ બાળકો પાસે મજૂરી કામ કરાવતા હતા. ભરત અને તેના ભાઈના કબજામાં ત્રણ બાળકો હોવાનું સામે આવ્યું હતું. એક બાળકના કાકાને આરોપી ભરત વર્ષે રૂ.500થી રૂ.1 હજાર આપતો હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે બાળકોના માતા-પિતાને શોધી તેમને સોંપ્યા છે.
બોટાદમાં રૂ.1 કરોડના કથિત ‘તોડ’ના આક્ષેપોને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આશરે 20 દિવસ અગાઉ ગેમિંગ મામલે કોળી સમાજના એક યુવક પાસેથી પોલીસ અને ભાજપના રાજકીય આગેવાનોની કથિત સાંઠગાંઠથી રૂ.1 કરોડનો તોડ થયો હોવાના આક્ષેપ થયા છે. ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણ સહિત કોળી સમાજ અને વિપક્ષના આગેવાનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. અખિલ ભારતીય કોળી સમાજના બોટાદ જિલ્લા પ્રમુખ ભુપતભાઈ ડાભી અને AAP જિલ્લા પ્રમુખ પરષોતમભાઈ રાઠોડે પણ તપાસની માંગ કરી છે. યોગ્ય તપાસ નહીં થાય તો આંદોલનની ચીમકી અપાઈ છે. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
સુરતના વરાછામાં યુવકની સમયસૂચકતાથી રસ્તા પર અચાનક ઢળી પડેલા આધેડનો જીવ બચ્યો છે. હીરાબાગ-ગૌશાળા સર્કલ રોડ પર સૌરાષ્ટ્ર સોસાયટીની વાડી પાસે આધેડ અચાનક ઢળી પડ્યા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા યુવકે સમયસૂચકતા દાખવી તાત્કાલિક આધેડને CPR આપવાનું શરૂ કર્યું હતું. CPR બાદ આધેડને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી. જોકે, પ્રાથમિક સારવાર બાદ આધેડે હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કર્યો હતો. યુવકની સમયસરની મદદના કારણે આધેડને મોટી મુશ્કેલીમાંથી બચાવી શકાયા હતા.
ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા નહિવત્ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ખેડૂતોને સારા વરસાદ માટે રાહ જોવી પડશે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. હાલ કોઈ સક્રિય વરસાદી સિસ્ટમ ન હોવાથી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા ઓછી છે. અમદાવાદમાં પણ આગામી દિવસોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. વરસાદની અછતનો સામનો કરી રહેલા અનેક જિલ્લાઓમાં ખેડૂતો માટે ચિંતા યથાવત્ છે. આગામી દિવસોમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. હાલ ભારે વરસાદની શક્યતા ન હોવાથી ખેડૂતોને વધુ રાહ જોવી પડશે.
ચોમાસું નબળું પડતાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની ભારે ઘટ નોંધાઈ છે. સૌથી વધુ વરસાદની ઘટ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 88 ટકા નોંધાઈ છે. જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો માત્ર 6.81 ટકા વરસાદ પડ્યો છે. પોરબંદરમાં પણ વરસાદની ઘટ 73 ટકા પર પહોંચી છે, જ્યાં અત્યાર સુધી માત્ર 18 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જુનાગઢમાં 61 ટકા, જામનગરમાં 61 ટકા, ગીર સોમનાથમાં 40 ટકા અને રાજકોટમાં 34 ટકા વરસાદની ઘટ છે. વડોદરામાં 32 ટકા, સાબરકાંઠામાં 44 ટકા, મહેસાણામાં 27 ટકા, ગાંધીનગરમાં 27 ટકા, દાહોદમાં 45 ટકા અને છોટાઉદેપુરમાં 30 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં ડેમમાં 58,525 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાલમાં નર્મદા ડેમની જળસપાટી 135.75 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 12 સેન્ટીમીટરનો વધારો થયો છે. પાણીની આવક વધતાં ડેમની જળસપાટી પણ ઝડપથી વધી રહી છે. સરદાર સરોવર ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. હાલની સપાટી મહત્તમ સપાટીથી થોડા જ અંતરે હોવાથી તંત્ર દ્વારા ડેમમાં પાણીની આવક અને જળસપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ સ્થિતિને પગલે નર્મદા કાંઠાના વિસ્તારોમાં પણ તંત્ર સજ્જ બન્યું છે.
સુરતઃ કીમ નજીક ચાલુ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ઓલપાડ-કીમ રાજ્ય ધોરીમાર્ગ પર ઓલપાડના કદરામા નજીક કારમાં આગ લાગી હતી. પરિવાર કારમાં સવાર થઈ ઓલપાડથી કીમ તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા કાર ભડભડ સળગી ઉઠી હતી. ઘટનાને પગલે કારમાં સવાર પરિવારજનોમાં અફરાતફરી મચી હતી. જોકે, સદનસીબે પરિવારના તમામ સભ્યો સમયસર કારમાંથી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતઃ કાપોદ્રામાં પ્રેમલગ્નના વિવાદમાં વેવાઈએ જ વેવાઈનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. ભરતભાઈ મકવાણા અને તેમના પરિવારજનોએ જયંતીભાઈનું અપહરણ કર્યું હતું. જયંતીભાઈનો દીકરો અને ભરતભાઈની દીકરી પ્રેમલગ્ન કરવા ઘરેથી ભાગી ગયા હતા. દીકરીને પરત મેળવવા ભરતભાઈએ જયંતીભાઈનું અપહરણ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. સીમાડા નાકા પાસે શક્તિવિજય સોસાયટીમાંથી ગત રાત્રે આશરે 10 વાગ્યે જયંતીભાઈને માર મારી ઈકો કારમાં બળજબરીથી લઈ જવાયા હતા. પરિવારની જાણ બાદ કાપોદ્રા પોલીસે ટેકનિકલ મદદથી કોસંબા નજીક ધમરોડ ગામની હોટલના પાર્કિંગમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે જયંતીભાઈને સહીસલામત મુક્ત કરાવી ઈકો કાર અને મોબાઈલ ફોન જપ્ત કર્યા.
બનાસકાંઠાની જીવાદોરી સમાન સીપુ ડેમમાં 2017 બાદ પાણી આવ્યું નથી. અત્યારે સીપુ ડેમમાં પાણીનો જથ્થો માત્ર ચાર ટકા જેટલો છે. ડેમના તળિયા દેખાઈ રહ્યા છે ત્યારે સીપુ ડેમથી દાંતીવાડા અને ધાનેરા વિસ્તારમાં પિયત અને પીવાનું પાણી પૂરું પડાતું હતું જે સદંતર છેલ્લા બે વર્ષથી બંધ છે ખેડૂતોના પાણીના તળ નીચે જઈ રહ્યા છે પાક સુકાઈ રહ્યા છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે નર્મદાના નીર થી આ ડેમમાં પાણી નંખાય
ગુજરાત અને રાજસ્થાન માં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ચોમાસાની સિઝનનો અડધાથી વધુ સમય પસાર થઈ ગયો છે પરંતુ જિલ્લાના જીવાદોરી સમાન ડેમોમાં જોઈએ તેટલું પાણી આવ્યું નથી. દાંતીવાડા ડેમમાં હાલ માત્ર 25 ટકા જેટલું પાણી છે, જ્યારે મુક્તેશ્વર ડેમમાં 43% પાણીનો જથ્થો નહિવત જોવા મળી રહ્યો છે. સૌથી ગંભીર સ્થિતિ સીપુ ડેમની છે જ્યાં માત્ર 4% પાણી છે 2017 બાદ આજદિન સુધી ડેમ છલકાયો નથી અને હાલ પણ ડેમના તળિયા દેખાઈ રહ્યા છે. પાણીના અભાવે આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર પણ સતત નીચે જઈ રહ્યું છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ખેડૂતોને માત્ર હાલની સિઝનમાં જ નહીં પરંતુ આગામી રવિ અને ઉનાળાની સિઝનમાં પણ સિંચાઈના પાણીની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
સુરતઃ એમેઝોનની ડિલિવરી પ્રોડક્ટ્સ બદલીને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે. પાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી ગેંગના આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં આરોપીઓ ઓનલાઈન મંગાવેલા અસલી સામાનની અદલાબદલી કરી તેમાં ડમી પ્રોડક્ટ્સ મૂકીને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.83 લાખની કિંમતનો Apple iPhone 17 Pro 1TB, 8TB SanDisk હાર્ડડિસ્ક સહિત રૂ.3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની છેતરપિંડીના કારણે કંપનીને રૂ.8 લાખથી વધુનું નુકસાન થયું હતું. કંપનીના મેનેજરને શંકા જતા પાલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાંથી ગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ ક્રેટા સહિતની ગાડીઓમાં કિંજલ રબારીનું અપહરણ કર્યું હોવાની માહિતી છે. ઘટના સમયે કિંજલ રબારી પોતાના પતિ સાથે હતી. સમગ્ર મામલે પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે. કિંજલ રબારીએ અગાઉ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેમના આંતરજ્ઞાતિ લગ્નને કારણે બંને પરિવારો વચ્ચે વિવાદ સર્જાયો હતો. બંને સમાજના આગેવાનોની સમજાવટ બાદ કિંજલ રબારી ઘરે પરત ફરી હતી. જોકે, વિવાદ બાદ કિંજલ રબારીએ રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ સોલાર ઇન્વર્ટર આપવાના બહાને રૂ.1.46 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં બાપુનગર પોલીસે આરોપી હિતેશ ભુવાની રાજકોટથી ધરપકડ કરી છે. આરોપીએ સોલાર ઇન્વર્ટર આપવાની વાત કરી ફરિયાદી પાસેથી નાણાં મેળવ્યા હતા. જોકે, નાણાં લીધા બાદ સોલાર ઇન્વર્ટર નહીં મોકલી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન પોલીસે આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ રાજકોટ અને સુરતમાં પણ વિશ્વાસઘાતના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
સુરતઃ ગુજરાતના રમતવીરોને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 20 વર્ષ પહેલા ગુજરાતના ખેલાડીઓને ખમણ, ઢોકળા, ફાફડા અને જલેબી કહીને ચિડાવવામાં આવતા હતા. જોકે, હવે ગુજરાતના ખેલાડીઓ જ્યાં પહોંચે છે ત્યાં ભુક્કા બોલાવીને આવે છે. હર્ષ સંઘવીએ ખેલાડીઓની સફળતામાં તેમના માતા-પિતાના યોગદાનને સૌથી મહત્વનું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે દીકરા-દીકરીને રમત ક્ષેત્રમાં મોકલનારા માતા-પિતાને અભિનંદન છે. ખેલાડીઓને અપીલ કરતાં તેમણે કહ્યું કે એવોર્ડ અને મેડલ મળ્યા બાદ પણ જમીન છોડવી નહીં અને માતા-પિતા પ્રત્યેનું વર્તન બદલવું નહીં. માતા-પિતાએ ખેલાડીઓને પોડિયમ સુધી પહોંચાડવા પોતાનું સમગ્ર જીવન આપ્યું છે.
રાજકોટના રૈયા ચોકડી પાસે કાર અડવા બાબતે બે મહિલાઓ વચ્ચે બબાલ થઈ હતી. કાર અડવા મુદ્દે બંને મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં એક મહિલા મનફાવે તેમ અપશબ્દો બોલતી જોવા મળી રહી છે. રૈયા ચોકડી પાસે જાહેરમાં મહિલાઓ વચ્ચે થયેલી માથાકૂટને લઈને લોકોના ટોળા પણ એકઠા થયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે અંગેની વિગતો સામે આવી નથી.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. વડાપ્રધાન ગુજરાતમાં રેલવે વિભાગના કુલ રૂ.30 હજાર 766 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું શિલાન્યાસ કરવામાં આવશે. સાથે વિશ્વામિત્રી-ડભોઇ રેલવે ડબલ લાઇનનું પણ ખાતમુહૂર્ત કરાશે. મિયાગામ-કરજણ, ચોરંદા અને માલસર ગેજ પરિવર્તનના કામનો પણ શિલાન્યાસ થશે. આ ઉપરાંત ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ન્યૂ સાણંદ નોર્થ-મકરપુરા, ન્યૂ ઉમરગામ અને ન્યૂ JNPT સેક્શનને રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યને રેલવે ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ વિકાસકાર્યોની ભેટ મળશે.
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અંબાજી માતાજીના દર્શન કરવા માટે નોંધાયેલા 1600થી વધુ પદયાત્રા સંઘો અંબાજી તરફ ધજા સાથે આવશે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી. અંબાજી મંદિરના શિખર પર માત્ર 5 મીટરની ધજા જ ચઢાવવામાં આવશે, તેથી પદાત્રીઓ અને સંઘોને પાંચ મીટરની જ ધજા લઈને આવે તેવી ખાસ અપીલ કરવામાં આવી છે. લાંબી ધજા લઈને આવતા શ્રદ્ધાળુઓની ધજા મંદિરના શિખર પર ચઢાવવામાં નહીં આવે અને તેને માતાજીના મંદિરમાં મૂકવામાં આવશે. ભાદરવી પુનમના મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચવાના હોવાથી વ્યવસ્થા અને ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં AMCના ડોગ સેલ્ટર હાઉસફુલ થવાના આરે પહોંચી ગયા છે. ડોગ સેલ્ટરમાં 700 ડોગ રાખવાની ક્ષમતા સામે હાલ 650 ડોગ રાખવામાં આવ્યા છે. દાણીલીમડા અને બહેરામપુરા ખાતે આવેલા ડોગ સેન્ટરમાં કુલ 350 ડોગ રાખવાની ક્ષમતા છે. શહેરમાં ડોગ બાઈટના કિસ્સાઓમાં વધારો થતાં સેલ્ટર હોમમાં ડોગની સંખ્યા વધી રહી છે. વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા વધુ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરના વસ્ત્રાલ અને લાંભા વિસ્તારમાં નવા ડોગ સેન્ટર ઉભા કરવાની કામગીરી હાથ ધરાશે. નવા સેન્ટર શરૂ થતાં ડોગને રાખવાની ક્ષમતા વધશે અને હાલના સેલ્ટર પરનો ભાર ઘટશે.
કચ્છના આદિપુરમાં નશાના વેપારનો પર્દાફાશ થયો છે. તોલાણી કોલેજ નજીક “નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ કેમ્પેઇન” હેઠળ SOG ટીમે કાર્યવાહી કરી હતી. પોલીસે નશાકારક દવાઓ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 352 ટ્રામાડોલ અને 180 નિટ્રાઝેપમ ટેબ્લેટ તેમજ 36 બોટલ કોડેઈન સિરપ મળી આવી હતી. પોલીસે રોકડ, મોબાઇલ ફોન અને વાહન સહિત કુલ રૂ.11.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે નશાના વેપારના નેટવર્ક અંગે પણ તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં વધુ એક વખત નકલી દવાના વેચાણનો પર્દાફાશ થયો છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઈન્ટાસ કંપનીની દવાની કોપી કરી ડુપ્લિકેટ દવા બનાવવાના મામલે કાર્યવાહી શરૂ કરી છે. કેર ફાર્મસી નામની રિટેલ ચેઈન સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યારે લખનૌના બ્રિજેશ પટેલ અને તેની કંપની ‘ક્યોરપેથ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ’ સામે FIR નોંધાઈ છે. ઊંચા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી દવાઓ વેચાતી હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી વોલસ્ટ્રીટ-2 સામે પણ તપાસ ચાલી રહી છે. બેચ નંબર, બિલ અને બારકોડના આધારે તપાસ કરવામાં આવી રહી છે. બારકોડ મેચ ન થતાં ઈન્ટાસ કંપનીને નકલી દવાની જાણ થઈ હતી. સમગ્ર મામલે વધુ મોટા ખુલાસાની શક્યતા છે.
ફરજમાં બેદરકારી મામલે CM ભૂપેન્દ્ર પટેલનો આકરો નિર્ણય કર્યો છે. CM ભૂપેન્દ્ર પટેલે 2 અધિકારીને સસ્પેન્ડ કરવાના કર્યા આદેશ. જમીન સર્વે અને જમીન દફ્તર સંદર્ભે ગેરરિતીની CMને મળી હતી ફરિયાદ. મહેસાણાના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકોર્ડ બીકીશા પટેલને કરાયા સસ્પેન્ડ. ભાવનગરના જમીન દફતર નિરીક્ષક કે.એ.પંડ્યાને સસ્પેન્ડ કરવાનો આદેશ. ગાંધીનગરથી તપાસ અર્થે ગયેલી ટીમને મળી આવી હતી ગેરરીતિ.
દેશની રાજધાની દિલ્હીના દક્ષિણ-પશ્ચિમ જિલ્લામાં સત્ય નિકેતન વિસ્તારમાંથી એક મોટી દુર્ઘટનાના અહેવાલો સામે આવ્યા છે. અહીં એક પાંચ માળની ઇમારત અચાનક તૂટી પડી. એકાએક ઈમારત ધસી પડવાથી આસપાસના વિસ્તારમાં ગભરાટ અને ભયની લાગણી ફેલાઈ છે. ઈમારત ધરાશાયી થવાથી એની આશંકા છે કે, ઇમારતના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોઈ શકે છે.
અમદાવાદ અપહરણ કરાયેલા ત્રણ બાળકોને રેસ્ક્યૂ કરાયા. ક્રાઈમ બ્રાન્ચ અને AHTUની ટીમની કાર્યવાહી. સોલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 માં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી.
આરોપીઓના કબજામાંથી બાળકોને મુક્ત કરાવાયા. આરોપી દિનેશ બાળકને 10 હજાર રૂપિયામાં ભરતને વેચતો હતો. આરોપી ભરત અને તેનો ભાઈ બાળકો પાસે મજૂરી કામ કરાવાતો હતો. ભરત અને તેના ભાઈ પાસે ત્રણ બાળકો હોવાનું સામે આવ્યું. ત્રણેય બાળકો પાસે મજૂરી કામ કરાવાતું હતું. બાળકોના માતા-પિતાને શોધી બાળકોને સોંપવામાં આવ્યા. એક બાળકના કાકાને આરોપી ભરત વર્ષે 500 થી 1000 રૂપિયા આપતો હોવાનો પણ ખુલાસો થયો છે.
જલંધરમાં H1N1ના શંકાસ્પદ એક દર્દીનું મૃત્યુ થયું હતું, જોકે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ નથી. દર્દીનો H1N1 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં કુલ 220 કેસ નોંધાયા છે.
જન્માષ્ટમીની રજાઓનો આજે અંતિમ દિવસ છે. રાજકોટ સ્થિત પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પહોચ્યા છે. છેલ્લા પાંચ દિવસની અંદર 60 હજારથી વધુ લોકોએ પ્રદ્યુમન પાર્ક ઝૂની લીધી મુલાકાત. ઝૂ મા રહેલા એશિયાટિક્ સિંહ,વાઘ સહિતના અવનવા પ્રાણીઓને જોવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા. દૂર દૂરથી લોકો પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાતે આવતા હોય છે. પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે જંગલ જેવો અહેસાસ લોકોને થતો હોય છે.
ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની ચૂંટણીમાં ગુજરાતના પ્રધાન ઇશ્વરસિંહ પટેલની ક્લીન સ્વીપ. તમામ 16 બેઠક પર ઈશ્વર પટેલની પેનલનો વિજય થયો છે. 14 બેઠક બિનહરીફ થયા બાદ 2 બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 14 બેઠક બિન હરીફ જીત્યા બાદ આજે 2 બેઠક પણ મંત્રી ઈશ્વર પટેલની પેનલે જીતી લીધી. તમામ 16 બેઠક મંત્રી ઇશ્વરસિંહ પટેલની સહકાર પેનલનાં ફાળે. 2 બેઠક પર યોજાયેલ ચૂંટણીમાં 90 ટકા વોટ ઈશ્વર પટેલની સહકાર પેનલના ફાળે.
અમદાવાદના શાહ-એ-આલમ વિસ્તારમાં રખડતાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. 4 શ્વાને ભેગા મળીને બકરીના 5 મહિનાના બચ્ચા પર હુમલો કરી ફાડી કાઢ્યું. રખડતા શ્વાન મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ.
સુરેન્દ્રનગરમાં લોકમેળામાં રાઈડ્સમાંથી પટકાતાં કિશોરીનું મોત થયું છે. વઢવાણ જન્માષ્ટમીના લોકમેળામાં 12 વર્ષીય કિશોરીનું મોત થયું. પાલખીવાળા મોટા ચકડોળમાંથી પટકાતા ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું. મૃતક કિશોરી પોલીસ કર્મચારીની દીકરી હોવાનું સામે આવ્યું છે. કિશોરીના મૃતદેહને પી.એમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પાટણના સાંતલપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 વ્યક્તિના મોત થયા છે જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત. ખાટુ શ્યામથી દર્શન કરીને પરત ફરતા અંજારના પરિવારને નડ્યો અકસ્માત.
કચ્છ અને દ્વારકા જિલ્લામાં રાહત દરે ઘાસ આપવામાં આવશે તેવી ગુજરાતના વન અને પર્યાવરણ પ્રધાન અર્જૂન મોઢવાડિયાએ જાહેરાત કરી હતી. પશુપાલકોને બે રૂપિયા કિલો ઘાસ આપવામાં આવશે. એક થી પાંચ પશુ ધરાવનારાઓને સરકારી રાહત દરે ઘાસ આપવામાં આવશે. જે પશુધારકોએ હજુ સુધી ઘાસ કાર્ડ નથી કઢાવ્યા તેઓ તાત્કાલિક ઘાસ કાર્ડ કઢાવી લે તેવી અપીલ પણ અર્જૂન મોઢવાડિયાએ કરી હતી. ખંભાળા અને ફોદાડા ડેમો ભરવા સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે.
વાવ-થરાદમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. નર્મદા કેનાલમાં વધુ પાણીની માંગ તેજ. વાવ-થરાદથી રાજસ્થાનના સાંચોર સુધી કેનાલમાં વધુ પાણી છોડવાની માંગ. બાજરી સહિતના પાક સુકાવાની ભીતિથી ખેડૂતો મુશ્કેલીમાં. રાજસ્થાનના સાંચોરના ધારાસભ્ય જીવરામ ચૌધરીએ ગુજરાત પાસે કરી પાણીની માંગ. ધાર્મિક કાર્યક્રમના મંચ પરથી શંકર ચૌધરી સમક્ષ જીવરામ ચૌધરીની રજૂઆત. મારા માટે નહીં ખેડૂતો માટે પાણી માંગુ છું તેમ જીવરામ ચૌધરીએ કહ્યું. હજુ 10 દિવસ થોડું વધુ પાણી મળે તો ખેડૂતોના પાક બચી શકે. વરસાદ ઓછો પડતા શંકર ચૌધરીએ પણ વ્યક્ત કરી ચિંતા. ડેમ હજુ ભરાયો નથી પરંતુ કંઈક કરીશું તેમ શંકર ચૌધરીએ જણાવ્યું હતું. વરસાદની અછત વચ્ચે હવે ખેડૂતોની નજર કેનાલના પાણી પર. રાજસ્થાનના સાંચોરના ખાતે ધાર્મિક કાર્યક્રમના મંચ પર ગુજરાત અને રાજસ્થાનના નેતાઓ વરસાદના મુદ્દે ચિંતિત જોવા મળ્યા.
જામનગરમાં લોન અપાવવાનાં બહાને રૂ 1.5 કરોડથી વધુના સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે. ડોક્યુમેન્ટ મેળવી મજૂર પરિવારના નામે સિમકાર્ડ અને બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા. કર્ણાટકા બેંકના કર્મચારી સાથે મળીને પરિવારના નામે 3 બેંક ખાતા ખોલાવ્યા. આ બોગસ એકાઉન્ટ્સનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે કરાયો હોવાની ફરિયાદ. ત્રણેય ખાતામાં કુલ 1.5 કરોડથી વધુના નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ થયા. ભોગ બનનાર અસલમ ભગાડેની ફરિયાદના આધારે જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો. બેંક કર્મચારી રઘુભાઇ સહિત 3 આરોપીઓ સામે BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ.
રાજકોટના ગોંડલના આઇકોનિક મેળામાં બ્રેક ડાન્સ રાઈડમાં ખામી સર્જાઈ હતી. ચાલુ રાઈડમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી. રાઈડનું લોખંડનું પતરૂ ઊંચું થઈ એક સાઈડ બેસી ગયું. સદનસીબે મોટી દુર્ઘટના ટળી કોઈ જાનહાનિ નહીં. રાતે તમામ રાઇડ્સ બંધ કરાવવામાં આવી હતી. હાલ બ્રેક ડાન્સ રાઈડ બંધ, અન્ય રાઈડ્સ ચાલુ.
ભાવનગરના દંપતીએ સુરતનાં જ્વેલર્સ સાથે રુ. 2.63 કરોડની કરી છેતરપિંડી. અડાજણનાં ઓમ જ્વેલર્સનાં સંચાલક સાથે રૂપિયા 2.63 કરોડની છેતરપિંડી. દિવાળી પહેલાં સોનાનાં દાગીનાં આપવાનાં વાયદે કરોડો રૂપિયા પડાવ્યા. દિવાળી બાદ પૈસા કે પછી સોના ચાંદીના દાગીના પરત ન આપી વિશ્વાસઘાત કર્યો. ભોગ બનનારે દંપત્તિનો સંપર્ક ના થઇ શકતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઇ. ભોગ બનનારે અડાજણ પોલીસ સ્ટેશનમાં અનિલ ભીખાભાઈ વિમાણી અને વિમીબેન અનિલભાઈ વિમાણી વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ. તપાસમાં આરોપી દંપતિ અમદાવાદ ભાગ્યા હોવાની વિગતો આવી સામે.
સુરતના અમરોલીમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો છે. અમરોલી પોલીસે આરોપી ભૂરાશંકર પરીડાને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી 1.997 કિલોગ્રામ ગાંજો જેની કિંમંત રૂ. 99850ની થાય તે ગાંજો જપ્ત કર્યો છે.
હાલ પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુન્હો નોધી આગળની તપાસ હાથ ધરી છે.
દાહોદના ભથવાડા ટોલનાકા કર્મી પર કાર ચડાવી દેવાનો મામલે પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. હાલોલના સેબાજઅલી મકરાણી અને કદવાલના ફેઝાનઅલી મકરાણી પકડાયા છે. ટોલ ચુકવવાના વિવાદમાં ટોલકર્મી પર કાર ચડાવી થયા હતા ફરાર. કોર્ટે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ખરીફ પાક માટે નર્મદાનું વધારાનું પાણી ફાળવવાનો સરકારનો નિર્ણય. રાજ્યમાં પાણી વ્યવસ્થાપન મુદ્દે મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં યોજાઇ હતી બેઠક. મહી કમાન્ડ વિસ્તારમાં 20 દિવસ 5000 ક્યુસેક પાણી અપાશે. દેવભૂમિ દ્વારકા-જામનગરમાં નર્મદાનું પાણી 10 દિવસ વધારાશે. ઉત્તર ગુજરાતમાં 2000 ક્યુસેક નર્મદા પાણી 15 દિવસ અપાશે. અલ નીનોની સંભવિત અસર વચ્ચે પાણીની સ્થિતિની સમીક્ષા. વરસાદ ઓછો પડે તો પીવાના પાણીને પ્રથમ પ્રાથમિકતા અપાશે. અછતગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો સુચારુ રાખવા સૂચના. જળસંસાધનોના કરકસરપૂર્વક ઉપયોગ માટે મુખ્યમંત્રીની તાકીદ. પાણીના સંરક્ષણ માટે ખેડૂતો-નાગરિકોને મુખ્ય પ્રધાનની અપીલ
ગુજરાતમા શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં, રાજ્યના પાંચ જિલ્લાના 13 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં છોટા ઉદેપુરના કવાંટ તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આ સાથે સમગ્ર રાજ્યનો વર્તમાન ચોમાસામાં 75.52 ટકા વરસાદ નોંધાયો છે.
દહીસરડા ગામે ચેકડેમમાં ડૂબી જવાથી 4 બાળકના મોત થયા છે. નાહવા ગયા હતા તે દરમિયાન બની ઘટના. એક જ શેરીના ત્રણ બાળકો અને એક બાળક મામાના ઘરે જન્માષ્ટમીનું વેકેશન કરવા આવ્યો હતો. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા ચારેય બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા. મૃતકો 12 વર્ષીય વંશિત ખંભાયતા, દીપ રાજપરા (14 વર્ષ), વાસુ સવસાણી (12 વર્ષ), ધ્યેય ધમાસણા (14 વર્ષ) ના મોત નિપજ્યા છે.
12 વર્ષીય વંશિત પોતાના મામાના ઘરે જન્માષ્ટમી વેકેશનમાં આવ્યો હતો.
મોરબીના વાંકાનેર નજીક રોલ સ્ટાર સિરામીક ફેક્ટરીમાં લાગી આગ. મોરબી, વાંકાનેર સહિત ફાયર વિભાગની 5 ગાડી ઘટનાસ્થળે પહોચી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા ભારે પ્રયાસો હાથ ધર્યા બાદ આગને કાબૂમાં લેવાઈ. આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ
બનાસકાંઠાના ધાનેરાની નેનાવા બોર્ડર પરથી રાજસ્થાનમાંથી ચોરેલા લાખોના દાગીના સાથે ચોર પકડાયો. ધાનેરા પોલીસે 723800 ની કિંમત ના સોના ચાંદી ના દાગીના પકડ્યા. રાજસ્થાનમાં રહેણાંક મકાનમાંથી ચોરી કરી ગુજરાતમાં લઈ આવતો ઇસમ ઝડપાયો. રાજસ્થાનના નારણ નાઈ પાસેથી 7,29,800 નો મુદામાલ પકડાયો. બોર્ડર પરથી એકટીવા પર ગુજરાતમાં પ્રવેશ કરતો પકડાયો ચોર.
મહીસાગરના કોઠંબા પોલીસ સ્ટેશનના PSI કેસરીસિંહ ચાવડા લાંચ લેતા ઝડપાયા છે. વરધરી આઉટ પોસ્ટ કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતા કેસરીસિંહ ચાવડા. અકસ્માતના કેસમાં આરોપીને માર ના મારવા અને જામીન આપવા માંગી હતી લાંચ. રૂપિયા 2 લાખની લાંચ માંગી પરંતુ રૂપિયા 1 લાખની લાંચ લેતાં ACBએ ઝડપી પાડ્યા છે.
ગુજરાતના 7 સનદી અધિકારીની બદલી અને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજકુમાર બેનીવાલને સુરતના નવા મનપા કમિશનર બનાવવામાં આવ્યા છે. રમ્યા મોહનને શહેરી વિકાસનો સોંપાયો વધારાનો ચાર્જ. હર્ષિત મહેતા બન્યા મહેસાણા જિલ્લાના નવા DDO. જેનુ દેવનને મહેસૂલ વિભાગમાં તપાસ કમિશનરનો પ્રભાર સોંપાયો છે. સંજીવ કુમારને GNFCના MDનો વધારાનો ચાર્જ સોંપાયો છે. આદિજાતિ વિકાસ નિયામક તરીકે રચિત રાજની નિમણૂક કરવામાં આવી છે.
Published On - 7:16 am, Sun, 6 September 26