
આજે 03 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ ફરી વિવાદમાં આવ્યો છે. અગાઉ આ પ્રોજેક્ટથી નાના આદિવાસી ખેડૂતો જમીન વિહોણા બનશે. તેવા દાવા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 2022માં પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી પરંતુ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા લોકસભાના ચોમાસુ સત્રમાં પ્રોજેક્ટનું DPR મુક્યું હોવાનો દાવો કરી. રિવર લિંક પ્રોજેક્ટને સામે આંદોલન “ટુ પોઈન્ટ ઓ”નાં મંડાણ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ભાજપના ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે આ વિવાદમાં ઝૂકાવ્યું અને અનંત પટેલ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનું નિવેદન આપ્યું છે. સાથે સરકાર દ્વારા કોઈ પણ ચર્ચા ન કરવામાં આવી હોવાની વાત કરવામાં આવી છે.
સોમનાથ મહાદેવના દર્શને દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ આવે છે. તાજેતરમાં ઓનલાઈન હોટલ બુકિંગના બહાને થતા ફ્રોડ વધતા, સોમનાથ ટ્રસ્ટે કેન્દ્ર સરકારના સાયબર સુરક્ષા તજજ્ઞો સાથે મળી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. જેમા સોમનાથ રામ મંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં હોટલ વ્યવસ્થાપકો, યાત્રાધામ સેવકો અને સ્થાનિક સંચાલકોને ફ્રોડ અટકાવવા સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ.
ભારતીય ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર (I4C)ના વરિષ્ઠ સલાહકાર ઋષિ મહેતાએ જણાવ્યું કે,ઓનલાઈન ફ્રોડનો મોડસ ઓપરેન્ડી સમજવો જરૂરી છે. યાત્રીઓએ ફક્ત સત્તાવાર વેબસાઈટો પરથી જ બુકિંગ કરવું જોઈએ. જો ફ્રોડ થાય તો તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવવી
પાટણમાં પોલીસે અસામાજિક તત્વોની ટાંટિયાતોડ સર્વિસ કરીને ભણાવ્યો કાયદાનો પાઠ. વારાહીના ટોલનાકા પર કારચાલક પર હુમલો કરનારા ટોલનાકાના 5 કર્મીની પોલીસે ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. 2 દિવસ અગાઉ ટોલ ટેક્સ મામલે કારચાલક અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ કર્મચારીઓએ કારચાલક સહિત કારમાં સવાર લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જેના CCTV પણ સામે આવ્યા હતા.જોકે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ટોલનાકા પર અનેકવાર હુમલાની ઘટનાઓ બનતી હોય છે જેથી કડક કાર્યવાહીની માગ ઉઠી છે.
વડોદરાના ડભોઇમાં આવેલા નાંદોદી ભાગોળ નજીક કૂવામાંથી કુલ 24 અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વન વિભાગના જણાવ્યા અનુસાર માદા અજગરે એકસાથે 24 બચ્ચાને જન્મ આપ્યો હતો અને અજગર અને બચ્ચા કૂવામા હતા. વન વિભાગની ટીમે તમામ અજગરના બચ્ચાને હેમખેમ બહાર કાઢ્યા અને તેમને સુરક્ષિત જગ્યાએ છોડી મૂક્યા છે.
સુરત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના દાવાઓ માટે જાણીતી છે, ત્યાં ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગની નિષ્ફળતા ઉજાગર થઈ છે. મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારમાં એક કાપડ દલાલની 60થી વધુ ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ઘાતકી હત્યાનો ઘટનાક્રમ CCTVમાં કેદ થઈ ગયો છે. દૃશ્યોમાં દેખાય છે તેમ યુવક જ્યારે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે એકાએક ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને યુવકને ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દીધાં. એક હત્યારાએ દોઢ મિનિટમાં યુવકને 40 ઘા ઝીંકી દીધાં. અને અન્ય બે આરોપીઓએ તેને 20 ઘા માર્યા.
બર્બરતાની હદ વટાવતા હત્યારાઓએ મૃતકના જમણાં હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી. CCTVમાં આરોપીઓ ભોગ બનનારને લાતોથી મારતા પણ નજરે પડી રહ્યા છે. મૃતક આલોક અગ્રવાલ કાપડની દલાલી કરવાની સાથે પોલીસનો બાતમીદાર હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે અનેક સવાલો ઊઠી રહ્યા છે.
સમગ્ર દેશનું ઘરેણું ગણાતા એશિયાટિક સિંહ હવે શું ગુજરાતમાં જ સુરક્ષિત નથી ? આ સવાલો ઉઠવાનું કારણ છે સિંહોના મોતની સતત ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગુજરાતમાં જ એશિયાટિક સિંહોની સુરક્ષા સામે ફરી એક વખત ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ વખતે ફરી ભાજપના વધુ એક ધારાસભ્ય જે.વી. કાકડિયાએએ વન મંત્રીને પત્ર લખી બાળસિંહના મોત અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે વન વિભાગની દેખરેખ છતાં સિંહના મૃત્યુ કેમ થઈ રહ્યા છે.
એક તરફ ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ બાળસિંહના અપમૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરીને વન વિભાગની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે. તો અગાઉ ભાજપના જ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ વન પ્રધાનને પત્ર લખીને અધિકારીઓની નિષ્કાળજી અંગે સવાલો ઉઠાવ્યા હતા.
મહેસાણા: વિજાપુર હાઈવે પર હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત થયુ છે. રોડ ક્રોસ કરતા શ્રમિકને કારચાલકે અડફેટે લીધો હતો. ગોવિંદપુરા ચોકડીથી આનંદપુરા ચોકડી વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત સર્જી કારચાલક ફરાર થયો હતો.
ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્ક લીમીટેડની ચૂંટણીમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 38 ટકાથી વધુ મતદાન નોંધાયુ છે. અન્ય શહેરોની સરખામણએ મહેસાણામાં મતદાનની ટકાવારી વધુ છે. મહેસાણા જિલ્લામાં મતદાનનો આંક 50 ટકાથી વધુ છે. ગુજરાતની 57 શાખાના 150 મતદાન મથકો પર મતદાનપ્રક્રિયા હાથ ધરાઈ હતી. તમામ બૂથ પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરાયુ હતુ, પરંતુ એક વિવાદી ઘટના પણ સામે આવી હતી. કલોલમાં મતદાન કરનારને ગિફ્ટ આપતો વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો હતો. વિકાસ પેનલ દ્વરા, ગિફ્ટ અપાતી હોવાનો દાવો વ્યક્ત કરાયો હતો. સૌથી મહત્વનું છે કે 8 ડિરેક્ટરોની ચૂંટણીમાં બેંકના ચેરમેન,વાઈસ ચેરમેન પણ નક્કી થશે. આવતીકાલે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધી ટક્કર છે. 8 ડિરેક્ટરો માટેની પેટાચૂંટણીમાં 26 ઉમેદવારો મેદાને છે.
વડોદરાના વાઘોડિયામાં દશામાના મઢમાં લોકોની ભીડ વધી. મુદ્દો આસ્થાનો હતો, વ્રત ચાલી રહ્યું હતું. પરંતુ આ ભીડ વધારવા અને લોકોને ગુમરાહ કરવાનો પણ કારસો રચાયો હતો. જેનો પર્દાફાશ વિજ્ઞાનજાથાએ કર્યો. એવી વાતો ફેલાવાઈ હતી કે, દશામાના મઢમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળે છે. આ વાતની જાણ વિજ્ઞાનજાથાને પણ થઈ. જેમણે બે દિવસ સુધી બે લોકોને તપાસમાં જોતર્યા હતા. જેમાં જાણવા મળ્યું કે, ઘી નીકળવાની વાત તદ્દન ઉપજાવી કાઢી હતી. વનસ્પતિ ઘીને થીજવીને સાંઢણીની આંખમાં લગાવી દેવાતું હતું. જે તાપમાનને કારણે ધીરે ધીરે ઓગળતું જેને એવું કહેવાતું કે, આંખમાંથી ઘી નીકળે છે.
કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવનગર શહેરની મુલાકાતે હતા. જ્યાં તેમણે ભાવનગર-અયોધ્યાને જોડતી સાપ્તાહિક ટ્રેનનો આરંભ કરાવ્યો. સાથે જ રિવા-પુણે તેમજ જબલપુર-રાયપુર ટ્રેનનું વર્ચ્યુલ પ્રસ્થાન કરાવામાં આવ્યું. આ ઉપરાંત પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાનાં રેલવે સુવિધાઓનું વિસ્તરણ અને અનેક નવી યોજનાઓ અને ટ્રેનની જાહેરાત કરાઈ. જેમાં પોરબંદર અને રાજકોટ વચ્ચે વાંસજાળિયા અને જેતલસર થઈને બે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ પૈકી એક ટ્રેન દરરોજ ચાલશે અને બીજી ટ્રેન અઠવાડિયામાંપાંચ દિવસ ચાલશે. તેમજ પોરબંદર શહેરના ભદ્રકાળી ગેટ નજીક આવેલા લેવલ પર નવો રોડ ઓવરબ્રિજને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે અયોધ્યાની ટ્રેન શરૂ થતા. રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદની લાગણી છે. કારણ કે હવે તેઓ સરળતાથી રામલ્લાના દર્શને જઈ શકશે.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર સર્જાઇ છે હુમલાની ઘટના. સેનાના એક અધિકારી વધારાનો સામાન લઇને જઇ રહ્યા હતા એ સમયે જેને સ્પાઇસ જેટના કર્મચારીએ અટકાવતા, સેનાના અધિકારીએ પિત્તો ગુમાવ્યો હતો અને સ્પાઇસ જેટના કર્મચારી પર હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં તેને છોડાવા પડેલા અન્ય 3 કર્મચારીઓને પણ ઢોર માર માર્યો હતો. હુમલામાં ચારેય કર્મચારીઓને નાની-મોટી ઇજા પહોંચી હતી. એક કર્મચારીના હાડકા તૂટ્યા છે, તો એકનું જડબું જ્યારે અન્ય 2 કર્મચારીને સામાન્ય ઇજા પહોંચી છે. આપને જણાવી દઇએ કે સમગ્ર ઘટના 26 જુલાઇની છે. જોકે હાલ આ ઘટનાનો LIVE વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ હુમલાખોર સેનાના અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભાગ લેવા માટે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાદ્ય સામગ્રી અંગે તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો. ચાર અલગ-અલગ ટીમ બનાવીને હોટલ, રેસ્ટોરન્ટ, કરિયાણાની દુકાનોમાં ગુણવત્તા બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. 20 જેટલાં એકમોમાં તપાસ કરતાં અનેક સ્થળે વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. તો કેટલાંક સ્થળે એક્સાપયરી ડેટની વસ્તુઓ પણ મળી આવી હતી. કેટલાંક રસોડામાં ખૂબ જ ગંદકી પણ જોવા મળી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લગભગ 50 કિલો જેટલાં અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે.
ગુજરાતની ઓળખ સમા ગીરના સિંહના ઉપરાછાપરી મોતથી વનવિભાગ દોડતું થયું છે. પહેલા સિંહબાળના મોત થયા છે બાદ વધુ એક સિંહણનું મોત થયું છે. આમ કુલ 4 મોતથી વન વિભાગમાં ખળભળાટ મચી ગયો છે., જાફરાબાદ રેન્જમાં રાજુલાના માંડરડી ગામની સીમમાં ખેડૂતની વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. જે બાદ વન વિભાગે સમગ્ર ઘટનાને દબાવવા પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. સ્થાનિક ખેડૂતે મીડિયાને જાણ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો. જો કે વન વિભાગનો દાવો છે કે સિંહણનું મૃત્યુ કુદરતી જ થયું છે. તો અગાઉ થયેલા મોત પાછળ વિવિધ કારણો જવાબદાર હોવાનું વન અધિકારીનું કહેવું છે.
હવામાન વિભાગે, વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી સાત દિવસ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ રહેવાની સંભાવના છે. જો કે, આગામી 24 કલાક માટે હવામાન વિભાગે આપ્યું યેલો અલર્ટ. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ માટે યેલો અલર્ટ. અપરએર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમા યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. અત્યાર સુધી રાજ્યમાં 19 ટકા વધુ વરસાદ વરસ્યો છે.અમદાવાદમા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ પૂજ્ય સંત નરેન્દ્ર પ્રસાદ સ્વામી અક્ષરવાસી થયા છે. નરેન્દ્ર પ્રસાદ સ્વામીએ, પ્રમુખસ્વામી મહારાજ સાથે કરી હતી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ. પૂજ્ય મહંત સ્વામી મહારાજના પણ નજીકના સાથી રહી ચૂક્યા છે નરેન્દ્ર પ્રસાદ સ્વામી. સ્વામિનારાયણ નવસારી મંદિર ગ્રીડ ખાતે તેમની અંત્યેષ્ટિ કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાંથી 10,000 થી વધુ સ્વામિનારાયણ ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. 1950 માં જન્મેલા નરેન્દ્ર પ્રસાદ સ્વામી એ 1975 માં લીધી હતી દીક્ષા. બીએસસી, બીએડ, ઝુલોજી સુધી ભણેલા સ્વામી યુકેની નાગરિકતા ધરાવતા હતા. નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં બીએપીએસ સંસ્થાના વિકાસ અને સમાજસેવાના વિકાસમાં રહ્યું છે મોટું યોગદાન.
સાબરકાંઠાના ખેડબ્રહ્માથી ચીખલા રોડ પર વીજ થાંભલે લટકેલી લાશ મળી છે. ચીખલા રોડ પર આવેલ માતાજીના મંદિર પાછળના ખેતરમાં વીજ થાંભલે લટકેલી લાશ મળી હતી. વીજ થાંભલે અર્ધનગ્ન હાલતમાં ગળેફાસો લગાવેલી હાલતમાં હતી લાશ. ખેડબ્રહ્મા પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ શરુ કરી. ખેડવા ગામના યુવકની લાશ હોવાનું તપાસમાં સામે આવ્યું. ખેડબ્રહ્મા પોલીસે યુવકના મોતને લઈ તપાસ હાથ ધરી છે.
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના ઇતિયાથોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. એક બોલેરો ચાલકે કાબુ ગુમાવ્યો અને બોલેરો સરયુ નહેરમાં પડી ગઈ. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. બોલેરોમાં કુલ 15 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
બનાસકાંઠાના દાંતીવાડામાં દશામાની મૂર્તિ પાણીમાં પધરાવવા જતા યુવક પાણીમાં ડૂબ્યો છે. પગ લપસી જતા યુવક પાણીમાં ડૂબતા નીપજયું મોત. યુવક પરિવાર સાથે ગયો હતો મૂર્તિ પધરાવવા. યુવકના મૃતદેહને દાંતીવાડા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયો.
ફેડરેશન ઓફ એકેડેમિક એસો.ની બેઠકમાં, ટ્યુશનિયા શિક્ષકો, ડે કેર સ્કૂલ, ડમી સ્કૂલ સામે આંદોલન કરવાનો નિર્ણય લેવાયો છે. શાળા કક્ષાએ ઇન્ટર્નલ માર્કસ્ પદ્ધતિ પણ બંધ કરવા માંગ કરવામાં આવી છે. શાળામાં આપવામાં આવતા ઇન્ટર્નલન 20 ગુણની પ્રથા કાયમ માટે બંધ કરવામાં આવે એવી માંગણી કરાઈ છે. અનેક શાળાઓના શિક્ષકો ટ્યુશન ચલાવી રહ્યા હોવાનો દાવો ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને કર્યો છે. ટ્યુશન ચલાવતા શિક્ષકો સામે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરવામાં આવશે. ટ્યુશન સંદર્ભે રાજ્યભરમાંથી 200 ફરિયાદો મળી હોવાનો દાવો ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને કર્યો છે. ખાનગી શાળાઓ નિયમનો ભંગ કરીને ડે સ્કૂલ ચાલવી રહી હો વાનો આક્ષેપ પણ ફેડરેશને કર્યો છે. ડે કેર ના નામ પર 2000 કરોડનો વેપલો, કર ટેક્સની ચોરી થઈ રહી છે. CBSE એ ડમી સ્કુલને નાથવા પગલા ભર્યા પરંતુ ગુજરાત બોર્ડે કાર્યવાહી નથી કરી રહ્યું તેમ પણ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને જણાવ્યું છે.
મહેસાણા અર્બન બેંકના 8 ડિરેક્ટરો માટેની આજે પેટા ચૂટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 22 ટકા જેટલું મતદાન થયું છે. તમામ બુથો પર શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે મતદાન. મહેસાણા અર્બન બેન્કની ચૂંટણીમાં મતદારોની કતારો જોવા મળી રહી છે. 8 ડિરેક્ટરો માટેની પેટા ચૂટણી માટે 26 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધી ટક્કર છે.
વડોદરા મનપા સંચાલિત 31 સ્મશાનગૃહનો કોન્ટ્રાક્ટ આપવાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. વડોદરા શહેરના છેવાડે આવેલ છાણી ગામમાં આજે બપોરના એક વાગ્યા સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે. છાણી ગામ આખું સ્વયંભૂ આ બંધમાં જોડાયુ છે. પેટ્રોલ પંપ સહિત તમામ દુકાનો-એકમો બંધ રહ્યાં છે. સ્મશાનમાં અપાયેલા કોન્ટ્રાક્ટ પાછા નહીં લેવાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સ્મશાનના સળગતા મુદ્દે રાજનીતિ છોડી સમગ્ર ગામ એક મંચ પર ભેગુ થયું છે. આવતીકાલ, સોમવારે VMC કમિશનરને 5 હજાર સહી કરીને આવેદનપત્ર આપવામાં આવશે.
રાજકોટના ગોંડલના બિલીયાળા ગામે વિજકરંટ લાગતા પિતાપુત્રના ઘટના સ્થળે મોત થયા છે. બિલીયાળા ગામની સીમમાં કૂવાની મોટર ચાલુ કરવા જતા દુર્ઘટના બની હતી. બન્ને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
સુરતના ઉધના લિંબાયતમાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડનાર 452 યુનિટ અત્યાર સુધીમાં સીલ કરાયા છે. ઉધના લિંબાયતમાં આવેલા તપેલા ડાઇંગ યુનિટો દ્વારા વપરાશમાં લેવાતું પાણી કોઈ પણ ટ્રીટમેન્ટ વગર ડ્રેનેજ લાઇનમાં છોડવામાં આવે છે. જે ખાડી દ્વારા નદીમાં પહોંચે છે અને જળપ્રદૂષણ ફેલાય રહ્યું છે. લોકોના શરીરને નુકસાન પહોંચાડી રહ્યું છે. જેને લઇ પાલિકા દ્વારા કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડનારા યુનિટ સામે કડક કાર્યવાહી કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કર્યા બાદ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, રાજ્યના 3 અધિકારીઓની બદલીના આદેશ કર્યાં છે. મોડી રાત્રે થઈ 3 સચિવની બદલી થતા, તરેહ તરહેની વાત ચર્ચાઈ રહી છે. આઈએએસ અધિકારી મોના ખાંધારની બદલી ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે. જ્યારે આર. સી. મીનાને બંદર તથા વાહન વ્યવહાર વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે. પી ભારતી ને GST વિભાગમાંથી ખસેડીને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં સચિવ તરીકે નિમણુંક કરાઈ છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડતા નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. ભરુચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટ નોંધાઇ છે. છેલ્લા 8 કલાકથી નદીની જળસપાટી સ્થિર છે. નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે નદીની ભયજનક જળસપાટી 24 ફૂટ છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 85 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મહિસાગર જિલ્લાના બાલાશિનોરમાં 68 મી.મી. નોંધાયો છે. શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં વરેલા વરસાદ સાથે, ગુજરાત રાજ્યનો વર્તમાન ચોમાસામાં 63.39 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છ વિસ્તારમાં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.74 ટકા, પૂર્વ ગુજરાતમાં 65.88 ટકા, સૌરાષ્ટ્રમાં 55.18 ટકા, દક્ષિણ ગુજરાતમાં 67.29 ટકા વરસાદ નોંધાયો છે.
ડભોઇ નાંદોદી ભાગોળ નજીક 24 અજગરનું રેસ્ક્યુ કરાયું. કૂવામાંથી અજગરના 24 બચ્ચાને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. નવજાત 24 બચ્ચાને વન વિભાગે સુરક્ષિત જગ્યાએ છોડ્યા છે.
અમરેલીના જાફરાબાદ તાલુકાના છેલણા ગામ નજીક શિયાળને હડકવા ઉપડ્યો હતો. હડકવા ઉપડતા શિયાળે, મહિલા સહીત 3 લોકોને બચકા ભર્યા હતા. મહિલાને ગંભીર રીતે ઘાયલ થતા, વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડ્યા છે. શિયાળને હડકવા ઉપાડ્યા બાદ શિયાળનું મોત નીપજ્યું છે. જાફરાબાદ વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
તાજપર ગામ તેમજ સાળંગપુર રોડ મોહમ્મદ નગરમાં SOGએ દરોડા પાડીને બે બનાવટી તબીબની ધરપકડ કરી છે. SOGને બોગસ ડોકટર અંગે બાતમી મળી હતી જેના આધારે SOGએ દરોડા પાડીને તાજપર ગામે આસિફ બાલા તેમજ મોહમ્મદ નગરમાં પઠાણ મહેફૂજખાન ચાંદને ઝડપી પાડ્યા છે. બોગસ ડોકટરના દવાખાનામાંથી SOGએ સ્ટેથોસ્કોપ, ઇન્જેક્શન, એલોપેથીક દવાઓનો સ્ટ્રીપનો જથ્થો, ઓકસીમીટર સહિતના મેડિકલના ઉપકરણો મળી રૂપિયા 41,438 અને 10,170 મળી કુલ 51,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) આજે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટગ્રેજ્યુએટ એટલે કે NEET PG 2025નું આયોજન કરશે. આ પરીક્ષા સવારે 10 થી બપોરે 1:45 વાગ્યા સુધી એક જ શિફ્ટમાં લેવામાં આવશે.
Published On - 7:24 am, Sun, 3 August 25