20 માર્ચના મહત્વના સમાચાર : રાજ્યમાં ગરમી મચાવશે કહેર, 3 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી

આજે 20 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

20 માર્ચના મહત્વના સમાચાર : રાજ્યમાં ગરમી મચાવશે કહેર,  3 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી
| Updated on: Mar 20, 2024 | 11:46 PM

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં આવનારી બેઠકો માટે નોમિનેશનની પ્રક્રિયા પણ આજથી શરૂ થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ છે. 28મી માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 30 માર્ચ સુધી તેમના નામ પાછા ખેંચી શકશે.

બદાઉનમાં મંગળવારે સાંજે બે ભાઈઓની હત્યા બાદ સ્થિતિ તંગ છે. ઘટનાના થોડા સમય બાદ પોલીસે આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટ મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની માગણી કરતી દાવાની જાળવણીને પડકારતી અરજી પર સુનાવણી કરશે. મૂળ દાવો દાવો કરે છે કે શાહી ઇદગાહ મસ્જિદ કટરા કેશવ દેવ મંદિરની 13.37 એકર જમીન પર બનાવવામાં આવી છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર માટે TV9 સાથે રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Mar 2024 11:46 PM (IST)

    લોકસભા ચૂંટણી માટે ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે બનવાઈ ફ્લાઈંગ સ્ક્વોર્ડ્સ

    કંટ્રોલ રૂમ, NGSP, ટપાલ, ઈ-મેઈલ અને C-Vigil જેવા વિવિધ માધ્યમો થકી અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 1,600થી વધુ ફરિયાદો મળી છે. સરકારી મિલકતો પરથી 1,47,195 તથા ખાનગી મિલકતો પરથી 54,924 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી.

  • 20 Mar 2024 11:18 PM (IST)

    ખરાબ હવામાનના કારણે પીએમ મોદીનો ભૂટાન પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો

    ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂટાનની સરકારી મુલાકાત મુલતવી રાખવામાં આવી છે અને બંને પક્ષો નવી તારીખો પર વિચાર કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે બુધવારે આ જાણકારી આપી. ભારત સરકારની ‘નેબરહુડ ફર્સ્ટ પોલિસી’ હેઠળ મોદી 21-22 માર્ચે ભૂટાનની મુલાકાત લેવાના હતા.


  • 20 Mar 2024 11:10 PM (IST)

    રાજ્યમાં ગરમી મચાવશે કહેર, 3 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી

    રાજ્યમાં હાલ ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. હવે વહેલી સવારે અને રાતે જ માત્ર થોડી ઠંડક લાગી રહી છે જ્યારે બાકીના સમયમાં તો આગઝરતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ત્રણ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

  • 20 Mar 2024 10:26 PM (IST)

    અમદાવાદ : સોસાયટીની બબાલ પોલીસ મથક સુધી પહોંચી

    બોપલમાં રહેતા દિવ્યા જાદવના માતા-પિતા વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઈને પાડોશમાં રહેતા ચેરમેન ઉત્કર્ષ બારોટ તેમજ તેમના પત્ની વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. આ બાબતનું મન દુઃખ રાખી દિવ્યા જાદવના માતા અવારનવાર ઉત્કર્ષ બારોટ સાથે ઝઘડો કરતા હતા. જે મામલે ઉત્કર્ષ બારોટના પત્નીએ દિવ્યા જાદવના માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

  • 20 Mar 2024 09:54 PM (IST)

    રાધનપુરના પાંચ ગામમાં ચૂંટણી બહિષ્કાર

    પાટણમાં રાધનપુરના પાંચ જેટલા ગામોએ તો ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામીને કોઇ પણ રાજકીય નેતાને ગામમાં પ્રચાર માટે આવવા પર પ્રતિબંધ મુક્યો છે. રાધનપુર મત વિસ્તાર હેઠળના નજૂપુરા, શેરગઢ, નવા શબ્દલપુરા અને જુના શબ્દલપુરા સહિતના ગામોમાં રસ્તાઓ બનાવવાની માગ છે. ગામ લોકોએ બેનરો લગાવીને ચૂંટણી પ્રચાર માટે આવતા નેતાઓને ચેતવણી આપી છે.

  • 20 Mar 2024 09:53 PM (IST)

    ઝાલોદ પાલિકાના કોર્પોરેટરની હત્યા કેસમાં ATSને મળી સફળતા

    વર્ષ 2020ની 27 સપ્ટેમબરે ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર હિરેન પટેલ જ્યારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા ત્યારે પીક અપ વાનથી ટક્કર મારીને હત્યાને અંજામ અપાયો હતો. અત્યાર સુધી આ કેસમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

  • 20 Mar 2024 08:43 PM (IST)

    પુતિન સાથે વાત કર્યા બાદ PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સકી સાથે કરી વાત

    રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સકી વચ્ચે વાતચીત થઈ છે. વાતચીત દરમિયાન, બંને નેતાઓએ રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિને આગળ ધપાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો.

    યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં પીએમ નરેન્દ્ર મોદીએ તમામ શાંતિ પ્રયાસો અને સંઘર્ષના વહેલા અંત માટે ભારતના સતત સમર્થનની વાત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત તેના લોકો-કેન્દ્રિત અભિગમ દ્વારા સંચાલિત માનવતાવાદી સહાય પૂરી પાડતું રહેશે.
  • 20 Mar 2024 08:31 PM (IST)

    યુવાને ખાનગી કાર પર લાલ-વાદળી લાઇટ લગાવવા SP પાસે મંજૂરી માંગી

    સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકને સંબોધીને એક યુવાને અરજી કરી છે. જે અરજીમાં તેણે પોતાની ખાનગી કાર પર બિકન-એલઇડી લગાવવા માટે મંજૂરી માંગી છે. વિજયનગરના આ યુવાને એસપીને અરજી કરીને આ અંગે રજૂઆત કરી છે. યુવાને અરજીની એક નકલને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, હિંમતનગરને પણ મોકલી આપી છે.

    હવે તમને પણ થતુ હશે કે, આ યુવાનને વળી કોઈ હોદ્દા અને સરકારી પદ વિના જ કેમ આવી લાઇટ પોતાની ખાનગી કાર પર લગાવવાની ઇચ્છા થઈ હશે. તો આ માટેનું કારણ એ છે કે, નાયબ વન સંરક્ષક, સાબરકાંઠાની એક ખાનગી સ્કોર્પિયો કાર પર આવી જ એલઈડી-બિકન લાઇટ લગાવવામાં આવી છે. જેને દૂર કરવા માટે આ યુવાને રજૂઆત કરી છે.
  • 20 Mar 2024 08:07 PM (IST)

    ગુજરાતની 10 બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ: સૂત્રો

    કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે મળેલી બેઠકમાં લગભગ ત્રીસ બેઠકો માટેના ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના લોકસભા ઉમેદવારો: સૂત્રો દ્વારા જાણવા મળ્યા છે

    • આણંદથી અમિત ચાવડા
    • છોટા ઉદેપુરથી સુખરામ રાઠવા
    • સાબરકાંઠાથી તુષાર ચૌધરી
    • રાજકોટથી પરેશ ધાનાણી
    • પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ
  • 20 Mar 2024 08:05 PM (IST)

    જામનગરમાં પાડોશીએ જ 12 વર્ષીય બાળકીને છરીના ઘા ઝીંકી કરી હત્યા

    જામનગરના બેડીમાં રાજપાર્ક વિસ્તારમાં જ્યાં એક પરિવાર સાથે વર્ષોથી સારો સંબંધ ધરાવતા પાડોશીએ જ 12 વર્ષીય બાળકીની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. જો ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરીએ તો, બેડીના રાજપાર્કમાં રહેતા ટ્રક ડ્રાઇવર રાજેશ કારાવદરાની 12 વર્ષીય દીકરીની હત્યા થઇ ગઇ અને હત્યા કરનાર તેમનો જ મિત્ર કૈલાશ પંડ્યા હોવાનું સામે આવ્યું છે.

     

  • 20 Mar 2024 07:44 PM (IST)

    ઈન્કમટેક્સે કોંગ્રેસને 100 કરોડનો ટેક્સ ભરવા ફટકારી નોટીસ

    ગયા અઠવાડિયે જ એટલે કે 13 માર્ચે દિલ્હી હાઈકોર્ટે ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)ના આદેશને યથાવત રાખીને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો હતો. આ કેસમાં ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી પાસેથી રૂ. 100 કરોડથી વધુનો બાકી વેરો વસૂલવા નોટિસ ફટકારવામાં આવી હતી, જેના પર હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો.

    કોંગ્રેસ પાર્ટીએ, ગત 13 ફેબ્રુઆરીએ આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલી નોટિસ પર સ્ટે આપવાનો ITAT દ્વારા ઇનકાર કરવાની માંગ કરતી અરજી સામે હાઈકોર્ટમાં ગઈ હતી. આવકવેરા વિભાગના અધિકારીએ વર્ષ 2018-19 માટે રૂ. 100 કરોડથી વધુની ટેક્સ ડિમાન્ડ કરી હતી. પરંતુ, આવક રૂ. 199 કરોડથી વધુ હોવાનો અંદાજ હતો.

  • 20 Mar 2024 07:20 PM (IST)

    ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીનો કેસમાં પાંચેય આરોપીઓની જામીન અરજી મંજૂર

    ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલ મારામારીના કેસમાં તમામ આરોપીઓની જામીન અરજી કોર્ટે મંજુર કરી છે. પોલીસે રિમાન્ડ પૂર્ણ થતાં 5 આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે 5 આરોપીઓની CCTVના આધારે ધરપકડ કરી હતી. જો કે, પોલીસને ઠોસ પુરાવા મળ્યા નહોતા. ત્યારે કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.

  • 20 Mar 2024 06:40 PM (IST)

    રાજકોટના ત્રિમંદિર નજીક બોક્સ બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

    રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આગ લાગવાની ઘટના રાજકોટમાં બની છે. રાજકોટ- અમદાવાદ હાઇવે પર બોક્સની ફેક્ટરીમાં  આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. ત્રિમંદિર નજીક આવેલી શિવમણી પ્રિન્ટ પેક નામની ફેક્ટરીમાં આગ લાગી છે.

    જેની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 4 ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ લેવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. ફેકટરીમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. આગ લાગતા આજુબાજુના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

    બીજી તરફ આ અગાઉ સુરતના માંગરોળના હથોડા ગામે કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. સત્યમ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં પુઠાના જથ્થામાં ભીષણ આગ લાગી હતી.

  • 20 Mar 2024 06:00 PM (IST)

    ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની મબલખ આવક, 1000થી 2026 સુધી બોલાયા ભાવ

    રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની મબલખ આવક થઈ છે. હોળી પહેલા માર્કેટયાર્ડ ધાણાથી ઉભરાયું છે. માર્કેટ યાર્ડમાં અંદાજે 1.25 લાખ ગુણી ધાણાની આવક નોંધાઈ હતી. સારા ભાવ મળતા ખેડૂતો પણ મોટા પ્રમાણમાં ગોંડલ પહોંચી રહ્યા છે. હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ રૂપિયા 1000થી 2026 સુધી બોલાયા હતા. જ્યારે ધાણીનો 20 કિલોનો ભાવ રૂપિયા 1100થી 2500 સુધીનો બોલાયો હતો.

    યાર્ડની બહાર બન્ને બાજુ 1400થી 1500 વાહનોની 6થી 7 કી.મી. લાંબી લાઈનો લાગી હતી. ધાણાની આવકને લઈને યાર્ડનું મેદાન ટૂંકું પડતા લોકોની દુકાન પાસે ધાણા ઉતારવાની ફરજ પડી હતી. જેથી યાર્ડના સત્તાધીશો દ્વારા ધાણાની આવકને લઈને બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી છે.

  • 20 Mar 2024 05:30 PM (IST)

    રાજકોટ કોંગ્રેસમાં ટિકિટ માટે જોવા મળ્યો કકળાટ

    રાજકોટ બેઠક પર કોંગ્રેસમાં ઉમેદવારને લઇને કોકડું ગુચવાયું છે. કડવા પાટીદાર ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ કોને મેદાને ઉતારશે તે મોટો સવાલ છે.જો કે અત્યારે પરેશ ધાનાણી, હિતેષ વોરા અને વિક્રમ સોરાણીના નામ ચર્ચામાં આવ્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ જૂથ વિક્રમ સોરાણીના સમર્થનમાં છે. મહેશ રાજપૂત-હેમાંગ વસાવડા સહિતના જૂથ વિક્રમ સોરાણીના વિરોધમાં આવે છે.

    એક જૂથ ઓબીસી-લેઉવા પટેલના બદલે સુવર્ણ સમાજને ટિકિટ આપવામાં આવે તેવી માગ કરી છે. તેમજ લેઉવા પટેલ સમાજમાંથી રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેષ વોરાનું નામ ચર્ચામાં આવે છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણીનું નામ પણ ચર્ચામાં છે. દર વખતની જેમ કોંગ્રેસમાં ટિકિટનો કકળાટ જોવા મળી રહ્યો છે.

  • 20 Mar 2024 05:00 PM (IST)

    હિંમતનગરમાં થયેલ 49 લાખની આંગડીયા લૂંટનો ભેદ ઉકેલાયો

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી 49 લાખની આંગડીયા લૂંટ મામલે 7 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. બનાસકાંઠા પોલીસે ત્રણ અને સાબરકાંઠા પોલીસે ચાર આરોપીઓઓને ઝડપી લીધા છે. સાતેય આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ બંને જિલ્લાની પોલીસે કબ્જે કર્યો છે. આમ પોલીસે લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવતા રાહત સર્જાઇ છે.

  • 20 Mar 2024 04:41 PM (IST)

    વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર કરી વાતચીત

    રશિયામાં 5મી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ વડાપ્રધાન મોદીએ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ વડાપ્રધાન મોદીએ રશિયાના મૈત્રીપૂર્ણ લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભકામનાઓ આપી છે. તે સિવાય તેમને બંને દેશની વચ્ચે કૂટનીતિક ભાગીદારી વિશે પણ ચર્ચા કરી. તેમને ભારત-રશિયાના આગળ વધવાના રસ્તાઓ વિશે પણ વાતચીત કરી અને કૂટનીતિની તરફેણમાં ભારતની સ્થિતિનો સતત પુનરોચ્ચાર કર્યો.

  • 20 Mar 2024 03:54 PM (IST)

    ગાંધીનગરની સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં

    ગાંધીનગરમાં આવેલી સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. નવા સત્રમાં ધોરણ 1થી 8ના સમયમાં ફેરફાર થતા વાલીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. વાલીઓ દ્વારા શાળાનો સમય બપોરનો ન રાખીને સવારનો જ રાખવા માગ કરવામાં આવી છે.

     

  • 20 Mar 2024 03:44 PM (IST)

    આચારસંહિતા અમલમાં આવતા જ વલસાડના મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ

    ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતા અમલમાં આવતાં જ વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે

  • 20 Mar 2024 03:28 PM (IST)

    ગૌતમ અદાણીએ EVને લઈ બનાવ્યો જબરદસ્ત પ્લાન

    ગૌતમ અદાણી પાસે ઓટો કંપની ન હોવા છતાં તેઓ દેશમાં EV ને લઈને મોટું યોગદાન આપવા જઈ રહ્યા છે અને તેની શરૂઆત મુંબઈથી થશે. અદાણી ગૃપની કંપની અદાણી ઈલેક્ટ્રીસીટી મુંબઈમાં મોટી સંખ્યામાં ઈવી ચાર્જર પોઈન્ટ ઈન્સ્ટોલ કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે મુંબઈની 4,000 રહેણાંક સોસાયટીઓને આવરી લેવામાં આવશે.

    અદાણી ઈલેક્ટ્રિસિટી લિમિટેડ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એપાર્ટમેન્ટ બ્લોક્સમાં ઈલેક્ટ્રિક વાહનો માટે 8,500 ચાર્જર ઈન્સ્ટોલ કરવાનું વિચારી રહી છે. આ અંગેની માહિતી આપતાં અદાણી ગ્રૂપ કંપનીએ મંગળવારે જણાવ્યું હતું કે, તેઓએ શેર ચાર્જ પહેલ શરૂ કરી છે, જેના હેઠળ બહુવિધ વાહન માલિકો સમાન ચાર્જિંગ માળખાનો ઉપયોગ કરી શકે છે.

  • 20 Mar 2024 03:14 PM (IST)

    અમદાવાદમાં હવે નિયમ ભંગ કરશો તો ખેર નહીં

    અમદાવાદમાં હવે તમારી પર નજર રાખવા ઓટો ઈન્ટેલીજન્સ કામ કરતું થઈ જશે. જે સીસીટીવી સાથે જોડાઈને તમારી તમામ ગતિવિધિઓ સ્ટોર કરશે, તેનું એનાલિસીસ કરશે. જેના આધારે તમે નિયમભંગ કરવામાં કેવા રીઢા ખેલાડી છો, ક્યારે કેટલી વાર અને કયા કયા નિયમોનો ભંગ કર્યો છે એ બધો જ રેકોર્ડ પળવારમાં હાજર થઈ જશે અને એના આધારે ટ્રાફિક પોલીસ અને પાલિકા બંને તમને ઘેરીને દંડ વસૂલ કરશે.
    અત્યાર સુધી માત્ર સિગ્નલ પર રેડ લાઈટના ભંગ બદલ દંડ ફટકારાતો હતો, પણ હવે આ સોફ્ટવેરને AI સાથે અપડેટ કરી ટ્રાફિકના અલગ અલગ 12 નિયમો તેમજ કોર્પોરેશનના 10 નિયમનો ભંગ કરનાર સામે પગલાં લેવાશે. જો કે એક બે નહીં પરંતુ 22 નિયમો બાબતે હવે કોર્પોરેશનનું એઆઈનું સોફ્ટવેર કામ કરશે અને નિયમનું પાલન ન કરનાર વ્યક્તિને ઘરે  મેમો મોકલી આપશે.
  • 20 Mar 2024 02:45 PM (IST)

    સૌરાષ્ટ્રના 5 જિલ્લાની સફર કરો માત્ર એક જ ટ્રેનમાં

    આ ટ્રેન નંબર-19251 લગભગ અડધા સૌરાષ્ટ્રના જિલ્લાઓને કવર કરે છે. સોમનાથથી લઈને દ્વારકા સુધીના એમ કુલ 16 સ્ટેશનો પર સ્ટોપ કરે છે. આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે ચાલે છે. તે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દોડે છે. અમે વાત કરી રહ્યા છીએ સોમનાથ-ઓખા એક્સપ્રેસની. આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી દ્વારકા સુધીની સફર કરાવે છે. આખી મુસાફરી લગભગ 8 કલાકમાં પુરી કરે છે. આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી 11:05 PM એ ઉપડવાનો સમય છે. તેમજ દ્વારકા 07:08 AM એ પહોંચાડે છે. અઠવાડિયાના દરેક વારે ચાલતી આ ટ્રેન રાજકોટ જંક્શન 20 મિનિટ સુધીનો સ્ટોપ લે છે.

  • 20 Mar 2024 02:12 PM (IST)

    વડાપ્રધાન મોદીનું ભાષણ સાંભળીને વિચારમાં પડી ગયા 20 દેશ

    વડાપ્રધાન મોદીએ અહીં ‘સ્ટાર્ટઅપ મહાકુંભ’ને સંબોધિત કરતા કહ્યું કે ભારતનું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ હવે માત્ર મેટ્રો શહેરો સુધી સીમિત નથી. હવે તે એક સામાજિક સંસ્કૃતિ બની ચૂકી છે. આ અવસરે વડાપ્રધાન મોદીએ વાયદો કર્યો કે તે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારતને દુનિયાની ત્રીજી મોટી ઈકોનોમી બનાવશે.

  • 20 Mar 2024 01:02 PM (IST)

    હું હાજીપુરથી એનડીએનો ઉમેદવાર બનીશઃ ચિરાગ પાસવાન

    ચિરાગ પાસવાને કહ્યું છે કે હું હાજીપુર લોકસભા બેઠક પરથી એનડીએના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડીશ.

  • 20 Mar 2024 12:53 PM (IST)

    તેલંગણાના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન ભાજપમાં જોડાયા

    તેલંગણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી રાજીનામું આપ્યાના 2 દિવસ બાદ તમિલિસાઈ સુંદરરાજન આજે ભાજપમાં જોડાઈ ગયા છે.

  • 20 Mar 2024 12:38 PM (IST)

    હું ચૂંટણીમાં AIની ઘણી મદદ લઉં છું: PM મોદી

    સ્ટાર્ટઅપ મહાકુંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે આપણે AI ટેક્નોલોજી સંબંધિત નવા યુગમાં છીએ. હું AIની ઘણી મદદ લઉં છું, જ્યારે ચૂંટણી પ્રચારમાં ભાષાની અડચણ આવે છે, ત્યારે હું દરેક ભાષામાં મારો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે AIની મદદ લઉં છું.

  • 20 Mar 2024 12:13 PM (IST)

    અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીનાં આપઘાતનો મામલો

    • આર્થિક નિવારણ શાખાના PI બી. કે. ખાચરે કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી
    • જામીન અરજીમાં આરોપી બી. કે.ખાચરે કરી રજૂઆત
    • “મોત પામનાર ને કાયદેસરની સહાય મેળવવાની જરૂરિયાત હોવાથી સંપર્કમાં આવી હતી”
    • સલાહ અને સહાય બાદ પણ યુવતીએ સતત સંપર્ક ચાલુ રાખ્યો હોવાની ખાચરની રજૂઆત
    • ખાચરનો ઉદ્દેશ્ય શરૂઆતથી માત્ર કાયદાકીય માર્ગદર્શન પુરૂ પાડવાનો હતો તેવી અરજીમાં રજૂઆત
    • PI ખાચરને પરિવારમાં પત્ની અને 2 દીકરા તથા 1 દીકરી હોવાથી તપાસમાં સહકાર આપવાની કરી રજૂઆત
    • સંબધિત કેસમાં જો આગોતરા મળે તો સંપૂર્ણ પણે તપાસમાં સહકારની ખાચરે આપી ખાતરી
    • PI ખાચર 14 વર્ષથી પોલીસમાં જ્યારે 11 માસથી આર્થિક નિવારણ શાખામાં બજાવી રહ્યા છે ફરજ
    • આગામી સુનાવણી 27 માર્ચના રોજ હાથ ધરાશે
  • 20 Mar 2024 11:55 AM (IST)

    સ્ટાર્ટઅપ મહાકુંભમાં સંબોધન કરી રહ્યા છે વડાપ્રધાન મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 માર્ચે એટલે કે આજે સ્ટાર્ટઅપ મહાકુંભને સંબોધી રહ્યા છે. મોદીએ ઇવેન્ટને “એક પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું હતું જે સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ અને ઉભરતા સાહસિકોની દુનિયાના હિસ્સેદારોને એકસાથે લાવે છે”.

  • 20 Mar 2024 11:14 AM (IST)

    રાષ્ટ્રપતિએ પશુપતિ કુમાર પારસનું રાજીનામું સ્વીકાર્યું

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય મંત્રી પદ પરથી પશુપતિ કુમાર પારસનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમણે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપ્યો છે.

  • 20 Mar 2024 10:31 AM (IST)

    નર્મદા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું, નર્મદા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાશે

    • નર્મદા કમલમના ઉદ્ઘાટન પ્રસંગે સી આર પાટીલ રાજપીપલામાં આવનાર છે
    • નર્મદા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું નર્મદા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાશે
    • સી આર પાટીલની હાજરીમાં પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના કાર્યકારી અધ્યક્ષ ઈમ્તિયાઝ કાદરી,વિરોધ પક્ષના નેતા શાહીનુર પઠાણ 500 કાર્યકર્તાઓ સાથે ભાજપામાં જોડાશે
    • રાજપીપલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના નેતા ભરત વસાવા પણ 500 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે
  • 20 Mar 2024 09:59 AM (IST)

    રાજ્યમાં માર્ચ માસમાં જ આગ ઝરતી ગરમી

    • 10 શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ
    • સૌથી વધુ તાપમાન ભુજમાં 39 ડિગ્રી
    • રાજકોટમાં પણ તાપમાનનો પારો 39 ડિગ્રી નોંધાયો
    • સુરેન્દ્રનગર અને કેશોદમાં 38 ડિગ્રી ગરમી
    • અમદાવાદ અને ડિસામાં 37 ડિગ્રી તાપમાન
  • 20 Mar 2024 09:58 AM (IST)

    ગઈકાલે સાંજે મળેલી કોંગ્રેસની CEC બેઠકમાં ગુજરાત અંગે ચર્ચા નહીં

    • ગુજરાતની ૧૪ બેઠકો પર ચર્ચા ના થઈ શકી
    • અન્ય રાજ્યોના ઉમેદવારો અંગે ચર્ચા લંબાતા ગુજરાત અંગે ચર્ચા ના થઈ શકી
    • આજે અથવા આવતીકાલે મળનારી CEC માં ગુજરાતના ઉમેદવારોની ચર્ચા થશે
    • આણંદથી અમિત ચાવડા, છોટા ઉદેપુરથી સુખરામ રાઠવાના નામ નક્કી
    • પંચમહાલથી ગુલાબસિંહ અને પાટણથી ચંદનજી ઠાકોરના નામ નિશ્ચિત
    • ખેડા બેઠક પરથી કાળુસિંહ ડાભી કોંગ્રેસના ઉમેદવાર હોઈ શકે
    • એક પણ વાર લોકસભા ન લડ્યા હોય તેવા ઉમેદવાર પસંગ કરવાની કોંગ્રેસની રણનીતિ
  • 20 Mar 2024 09:33 AM (IST)

    સુરત : શહેરમાં ઝોલાછાપ તબીબોનો ફાટ્યો રાફડો

    • ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા ત્રણ બોગસ તબીબો ની ધરપકડ
    • સુરત SOG દ્વારા ત્રણ બોગસ ડોકટરોની કરાઈ ધરપકડ
    • અગાઉ અલગ અલગ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવી ચૂકેલા શખ્સોએ ક્લિનિક શરૂ કરી દીધા હતા
    • લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ત્રણેય બોગસ તબીબોની એસોજીએ કરી ધરપકડ
    • ડીંડોલીના ત્રણ અલગ અલગ સ્થળો પર ચલાવતા હતા ક્લિનિક
    • દવા, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ એસઓજીએ કર્યો જપ્ત
  • 20 Mar 2024 08:20 AM (IST)

    સુરત મહિલા કોન્સ્ટેબલ આપઘાત મામલો

    • સાથી કોન્ટેબલ સાથે પ્રેમમાં હતી હર્ષના
    • સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્ટેબલ પ્રશાંત ભોયેની પૂછપરછ
    • કોન્ટેબલ હર્ષનાએ આપઘાત પૂર્વે પ્રેમીને મળવા માટે આવવાનો મેસેજ કર્યો હતો
    • આપઘાત પહેલા સાડા બાર વાગ્યે છેલ્લો મેસેજ કર્યો
    • એક્સિડન્ટ બાદ હર્ષનાથી સંપર્ક નહિ હોવાનો કોન્ટેબલનો ખુલાસો
    • સિંગણપોર પોલીસની તપાસમાં હજુ મોટા ખુલાસા થઈ શકે છે
  • 20 Mar 2024 07:49 AM (IST)

    ઉમેદવારોની ત્રીજી યાદી માટે આજે કોંગ્રેસની બેઠક

    ઉમેદવારોની ત્રીજી યાદી માટે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે ફરી બેઠક મળશે. 30 બેઠકો પર મંથન થશે. 8 રાજ્યોમાં 50 બેઠકો માટે ઉમેદવારો ફાઈનલ કરવામાં આવ્યા છે.

  • 20 Mar 2024 07:28 AM (IST)

    CM અરવિંદ કેજરીવાલ EDના સમન્સ વિરૂદ્ધ હાઈકોર્ટ પહોંચ્યા

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જાહેર કરાયેલા સમન્સને હાઈકોર્ટમાં પડકાર્યો છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી EDએ અત્યાર સુધીમાં કેજરીવાલને 9 સમન્સ જાહેર કર્યા છે. હાઈકોર્ટની સી ડિવિઝન બેંચ આજે કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે.

  • 20 Mar 2024 06:50 AM (IST)

    પાકિસ્તાનમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા

    આજે સવારે 2.57 વાગ્યે પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા ધરાવતો ભૂકંપ: નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી

  • 20 Mar 2024 06:22 AM (IST)

    લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેર થશે જાહેરનામું, નોમિનેશન પણ શરૂ થશે

    લોકસભા ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા આજથી શરૂ થશે. ચૂંટણી પંચ આજે પ્રથમ તબક્કાના મતદાન માટે જાહેરનામું બહાર પાડશે. આ પછી આજે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પણ શરૂ થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ છે. 28મી માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 30 માર્ચ સુધી તેમના નામ પાછા ખેંચી શકશે.

Published On - 6:19 am, Wed, 20 March 24

Follow Us