10 માર્ચના મહત્વના સમાચાર : આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં રેલવે અકસ્માત, પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ

|

Mar 10, 2024 | 11:58 PM

આજે 10માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

10 માર્ચના મહત્વના સમાચાર : આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં રેલવે અકસ્માત, પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ

Follow us on

વડાપ્રધાન મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસી પહોંચ્યા છે. આજે રવિવારે તેઓ બનારસથી અજામગઢ જશે, જ્યાં મંદુરી એરપોર્ટ સહિત અલગ અલગ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનર્જી બ્રિગ્રેડ મેદાનમાં મોટી રેલી કરશે. લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી અધિકારી અરૂણ ગોયલના રાજીનામા બાદ રાજકારણ ગરમાયુ છે. દેશ-દુનિયા સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચો અહીં.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Mar 2024 10:32 PM (IST)

    સાઉદી અરેબિયામાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પ્રથમ રોઝા

    સાઉદી અરેબિયામાં રવિવારે ઇસ્લામના પવિત્ર માસ રઝામાનનો ચાંદ દેખાયો હતો. આ સાથે પશ્ચિમ એશિયાના ઘણા દેશોમાં સોમવારે પ્રથમ રોઝા પાળવામાં આવશે. સાઉદી અરેબિયાના સરકારી ટીવીએ અહેવાલ આપ્યો છે કે અધિકારીઓએ ચાંદ જોયો છે. રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો રોઝા રાખતા હોય છે. જેઓ રોઝા રાખે છે તેઓ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કંઈપણ ખાતા કે પીતા નથી હોતા.

  • 10 Mar 2024 09:41 PM (IST)

    આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં રેલવે અકસ્માત, પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ

    આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં કોઠાવલસા જંકશન રેલવે સ્ટેશન પાસે એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. આ ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિના સમાચાર નથી. રેલવેની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.


  • 10 Mar 2024 09:12 PM (IST)

    મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને ઝટકો, ધારાસભ્ય રવિન્દ્ર વાયકર શિંદે જૂથમાં જોડાયા

    મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો લાગ્યો છે. યુબીટીના શિવસેનાના ધારાસભ્ય રવિન્દ્ર વાયકર એકનાથ શિંદેના જૂથમાં જોડાયા છે. તેઓ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાયા હતા. વાયકર ઉદ્ધવ ઠાકરેના નજીકના હોવાનું કહેવાય છે. વાયકર રૂ. 500 કરોડના જમીન કૌભાંડમાં સંડોવાયેલા છે, ED આ મામલે તપાસ કરી રહી છે.

  • 10 Mar 2024 08:27 PM (IST)

    ફતેસિંહ વસાવાએ કોંગ્રેસને કર્યા રામરામ, મહેશ વસાવા સાથે કેસરિયો ખેસ ધારણ કરી શકે

    આદિવાસી પટ્ટી પર મહેશ વસાવા બાદ વધુ એક રાજકીય અગ્રણી કેસરિયા કરી શકે છે. ગત વિધાનસભા ચૂંટણીના કોંગી ઉમેદવાર ફતેસિંહ વસાવાએ કોંગ્રેસને રામરામ કર્યા છે. શક્તિસિંહ ગોહિલ અને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાને સંબોધી રાજીનામુ સોંપ્યું છે. INDI ગઠબંધનમાં કોંગ્રેસને ઉમેદવારી ન મળતા નારાજ હતા. આવતીકાલે મહેશ વસાવા સાથે કેસરિયો ખેસ ધારણ કરી શકે છે.

  • 10 Mar 2024 07:50 PM (IST)

    ચૂંટણી પંચ આવતીકાલે નિરીક્ષકો સાથે યોજશે બેઠક, લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે કરાશે ચર્ચા

    કેન્દ્રીય ચૂંટણી પંચ, આવતીકાલ સોમવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચૂંટણી નિરીક્ષકો સાથે બેઠક કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં આ બેઠક યોજાશે અને લોકસભા ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક સવારે 10 વાગ્યાથી શરૂ થશે.

  • 10 Mar 2024 06:04 PM (IST)

    આ સમય કોઈની સામે ઝૂકવાનો નહીં પણ લોકશાહી બચાવવાનો છેઃ અશોક ગેહલોત

    રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે કોંગ્રેસ છોડીને જઈ રહેલા નેતાઓને કોંગ્રેસે માન્યતા આપી છે, કેન્દ્રીય મંત્રી બનાવ્યા છે, રાજ્યમાં મંત્રી બનાવ્યા છે, પાર્ટીમાં મોટા હોદ્દા પર બેસાડવામાં આવ્યા છે, પરંતુ પાર્ટીના મુશ્કેલ સમયમાં તેઓ પાર્ટી છોડીને ભાગી જાય છે. ઘણા લોકો કહી રહ્યા છે કે તેઓ કેન્દ્રીય એજન્સીઓના દબાણ હેઠળ છે અને તેથી તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ સમય કોઈપણ દબાણ સામે ઝૂકવાનો નથી પરંતુ લોકશાહી બચાવવા અને દેશના ભવિષ્ય માટે લડવાનો છે.

  • 10 Mar 2024 05:46 PM (IST)

    યુપીમાં સંયુક્ત રેલીઓ યોજવા કોંગ્રેસે સપા સાથે શરૂ કરી વાતચીત

    કોંગ્રેસના યુપી પ્રભારી અવિનાશ પાંડે અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અજય રાય આજે લખનૌમાં અખિલેશ યાદવને લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને સંભવિત સંયુક્ત રેલીઓના આયોજન અંગે મળ્યા હતા. આ બેઠક સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં થઈ હતી. રાહુલ ગાંધીની મુલાકાત પૂર્ણ થયા બાદ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની સંયુક્ત રેલીનું આયોજન કરવામાં આવશે. કઈ સીટ પર અને ક્યારે રેલી યોજવી ? આ અંગે ચર્ચા થઈ હતી. એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે દરેક લોકસભા બેઠક માટે બંને પક્ષોના નેતાઓની બનેલી સંકલન સમિતિની રચના કરવામાં આવે. આ કમિટી ચૂંટણી પ્રચારથી લઈને મેનેજમેન્ટ સુધીની તમામ બાબતો માટે જવાબદાર રહેશે.

  • 10 Mar 2024 04:39 PM (IST)

    પંજાબના પૂર્વ નાણામંત્રી અને ભાજપના નેતા મનપ્રીત બાદલને હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ.

    પંજાબના પૂર્વ નાણામંત્રી અને ભાજપના નેતા મનપ્રીત બાદલને હાર્ટ એટેક આવ્યો છે. તેમને ભટિંડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે સવારે તેમને થોડી અસ્વસ્થતા અનુભવાઈ હતી જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેઓ ICUમાં છે અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

  • 10 Mar 2024 04:14 PM (IST)

    મમતા બેનર્જીએ બહેરામપુરથી અધીર ચૌધરી સામે યુસુફ પઠાણને ઉતાર્યા

    યુસુફ હવે શ્રીલંકા પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે. તે શનિવારે રાત્રે કોલંબોથી મુંબઈ પરત ફર્યો હતો. આ પછી તેઓ રવિવારે સવારે કોલકાતા પહોંચ્યા હતા. બ્રિગેડમાં મમતા-અભિષેકે પહેલીવાર યુસુફ સાથે વાત કરી હતી. તેમને બહેરામપુર લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા માટે મનાવવામાં આવ્યા હતા. તેણે પણ સંમતિ આપી. આ વખતે બહેરામપુરમાં અધીર અને યુસુફ ખાન વચ્ચે ગાઢ મુકાબલો થવાની સંભાવના છે.

  • 10 Mar 2024 02:54 PM (IST)

    TMCએ તમામ ઉમેદવારોની કરી જાહેરાત, ક્રિકેટર યુસુફ પઠાણને આપી ટિકિટ

    પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યની તમામ 42 બેઠકો માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે. ક્રિકેટર યુસુફ પઠાણને બેરહામપુર બેઠક પરથી ટિકિટ મળી છે અને તેનો મુકાબલો કોંગ્રેસના અધીર રંજન ચૌધરી સાથે થશે. મહુઆ મોઇત્રા કૃષ્ણનગરથી ચૂંટણી લડવાના છે. વર્તમાન સાંસદ અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહા આસનસોલ બેઠક પરથી ફરી ચૂંટણી લડશે.

  • 10 Mar 2024 01:43 PM (IST)

    PM મોદીનું અંતિમ લક્ષ્ય બંધારણનો નાશ કરવાનું છે – રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે ભાજપના સાંસદનું નિવેદન કે તેઓ બંધારણ બદલવા માટે 400 બેઠકો ઈચ્છે છે તે નરેન્દ્ર મોદી અને તેમના સંઘ પરિવારના છુપાયેલા ઈરાદાઓની જાહેર ઘોષણા છે. નરેન્દ્ર મોદી અને ભાજપનું અંતિમ લક્ષ્ય બાબા સાહેબના બંધારણને નષ્ટ કરવાનું છે. તેઓ ન્યાય, સમાનતા, નાગરિક અધિકારો અને લોકશાહીને નફરત કરે છે.

  • 10 Mar 2024 12:15 PM (IST)

    પીએમ મોદીએ આઝમગઢમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં રૂ. 34,700 કરોડની 782 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું.

  • 10 Mar 2024 11:53 AM (IST)

    હરિયાણાના સાંસદ બ્રિજેન્દ્ર સિંહે BJPમાંથી આપ્યું રાજીનામું , કોંગ્રેસમાં જોડાશે

    હરિયાણાના હિસારથી ભાજપના લોકસભા સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહના પુત્ર છે. બંને આજે કોંગ્રેસમાં જોડાશે.

  • 10 Mar 2024 10:55 AM (IST)

    રાહુલ ગાંધીની યાત્રાના કાર્યક્રમમાં ફેરફાર, ગુજરાતમાં આવતીકાલે પણ યથાવત રહેશે રાહુલ ગાંધીની યાત્રા

    1. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઇને મહત્વના સમાચાર
    2. રાહુલ ગાંધીની યાત્રાના કાર્યક્રમમાં ફેરફાર
    3. ગુજરાતમાં આવતીકાલે પણ યથાવત રહેશે રાહુલ ગાંધીની યાત્રા
    4. આવતીકાલે તાપીમાં જ રહેશે રાહુલની યાત્રા
    5. આજે સાંજે મહારાષ્ટ્રના નંદૂરબારમાં પ્રવેશવાની હતી યાત્રા
    6. 12 માર્ચથી નંદૂરબારથી ફરી શરૂ થશે યાત્રા
  • 10 Mar 2024 10:37 AM (IST)

    10 લોકોના મોત, હજારો બેઘર…પૂર અને વરસાદે ઈન્ડોનેશિયામાં વિનાશ વેર્યો

    ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં અચાનક મૂશળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 10 લોકો ગુમ થયા છે, એમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. વરસાદને કારણે સર્વત્ર તારાજી સર્જાઈ છે. અચાનક મુશળધાર વરસાદને કારણે નદીના જળસ્તરમાં વધારો થયો હતો, જેના કારણે અચાનક પૂર આવ્યું હતું. પૂર અને ભૂસ્ખલનથી પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં પેસીસિર સેલાટન રીજન્સીને અસર થઈ છે, લગભગ 46,000 લોકો બેઘર થયા છે, તમામ બેઘર લોકોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં આશરો લેવાની ફરજ પડી છે. પેસીસિર સેલાટનની આપત્તિ શમન એજન્સીના વડા ડોની યુસરિઝાલે જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે લગભગ 10 લોકો ગુમ થયા છે, અને તેમને શોધવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 10 Mar 2024 09:54 AM (IST)

    EDએ લાલુના નજીકના નેતા સુભાષ યાદવની ધરપકડ કરી 

    લાલુ પ્રસાદ યાદવના નજીકના RJD નેતા સુભાષ યાદવની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDએ 14 કલાક સુધી સુભાષ યાદવના 8 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દાનાપુરમાં રહેઠાણમાંથી 2 કરોડ રૂપિયાની રોકડ ઉપરાંત અઢળક સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા છે. સુભાષ યાદવ ગેરકાયદે રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

  • 10 Mar 2024 09:28 AM (IST)

    રાજસ્થાનમાં આજે પેટ્રોલિયમ ડીલરોની હડતાળ, પેટ્રોલ પંપ બંધ

    રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પેટ્રોલ અને ડીઝલ પર લાદવામાં આવેલા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં ઘટાડો કરવાની માંગ સાથે બે દિવસની હડતાળ પર છે. આ કારણોસર જયપુરના પેટ્રોલ પંપ બંધ છે. આજે સવારે 6 વાગ્યાથી શરૂ થયેલી હડતાળ 12 માર્ચે સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.

  • 10 Mar 2024 09:23 AM (IST)

    પ્રાથમિક શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ જ નહીં ગ્રામજનો પણ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા

    માતા-પિતા બાદ બાળકો માટે પ્રથમ ગુરૂ એટલે શિક્ષક કહેવાય છે. જે ભાષાથી લઇ જીવન સુધીનું તમામ જ્ઞાન આપે છે. ત્યારે, બનાસકાંઠાના લાખાણીમાં આવેલા આગથળા ગામની શાળાના ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં, ગોગાપુર અનુપમ શાળાના એક શિક્ષકની બદલી થતા ન માત્ર બાળકો. પરંતુ સમગ્ર ગ્રામજનોના આંખમાં આંસૂ આવ્યા અને કેટલાંક લોકો તો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. અહીં, શિક્ષક કમલેશ સોલંકી 19 વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા. તેમની વિસનગર ખાતે શિક્ષકની બદલી થતા ભાવભરી વિદાય કરવામાં આવી ત્યારે, બાળકો સહિત ગ્રામજનોએ એકત્ર થઇને ફૂલહારથી તેમને વિદાઇ આપી અને આગામી ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી.

  • 10 Mar 2024 08:42 AM (IST)

    જૂનાગઢ: ધાર્મિક સ્થળો પર મનપા તંત્રનું ડિમોલિશન, મજેવડી દરવાજા પાસે આવેલી દરગાહ તોડી પડાઈ

    1. જૂનાગઢ : ધાર્મિક સ્થળો પર મનપા તંત્રનું ડિમોલિશન
    2. મજેવડી દરવાજા પાસે આવેલી દરગાહ તોડી પડાઈ
    3. તળાવ દરવાજા પાસે આવેલ જલારામ મંદિર પણ તોડી પડાયું
    4. રેલવે સ્ટેશન રોડ પર આવેલ રામદેવપીરનું મંદિર પણ કરાયું દૂર
    5. મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન ડિમોલિશન
  • 10 Mar 2024 08:18 AM (IST)

    દિલ્હીમાં કેશોપુર મંડી પાસે બોરવેલમાં બાળક પડી ગયું, બચાવ કામગીરી ચાલુ

    બાળક દિલ્હીના કેશોપુર મંડી પાસે દિલ્હી જલ બોર્ડ પ્લાન્ટની અંદર 40 ફૂટના બોરવેલમાં પડી ગયું હતું. દિલ્હી ફાયર સર્વિસ, NDRF, દિલ્હી પોલીસ ઘટનાસ્થળે છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

  • 10 Mar 2024 06:19 AM (IST)

    વડાપ્રધાન મોદી 12 માર્ચે પોખરણમાં ‘ભારત શક્તિ’ યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે

    વડાપ્રધાન મોદી 12 માર્ચે રાજસ્થાનના પોખરણમાં ‘ભારત શક્તિ’ યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે. આ યુદ્ધાભ્યાસ સેનાની ત્રણેય પાંખનો સંયૂક્ત અભ્યાસ હશે.

  • 10 Mar 2024 06:16 AM (IST)

    આજે ખેડૂતોનું રેલ રોકો આંદોલન, સમગ્ર દેશમાં કરશે ચક્કાજામ

    આજે રવિવારે ખેડૂતો દિલ્હી કુચ કરી શકે છે. સંયૂક્ત કિસાન મોર્ચાના આહ્વાન પર ખેડૂતો આજે સમગ્ર દેશમાં રેલ રોકો આંદોલન કરશે. સમગ્ર દેશમાં બપોરે 12થી 4 વાગ્યા સુધી ટ્રેનોનો ચક્કા જામ કરવામાં આવશે.

Published On - 6:14 am, Sun, 10 March 24