
વર્ષ 1969 માં જાહેર થયેલું નળ સરોવર પક્ષી અભયારણ્ય 120.82 ચો.કિ.મી. વિસ્તાર ધરાવે છે. જેને વર્ષ 2012 માં રામસર સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય એ યાયાવર પક્ષીઓના સેન્ટ્રલ એશીયન ફલાયવેમાં આવે છે. તેના પરિણામે વિશ્વમાંથી યાયાવર પક્ષીઓ આવતા હોવાથી આ સરોવરમાં 329 પ્રકારની પ્રજાતિઓ નોંધાઈ છે. ઉપરાંત નળ સરોવરમાં પેસેજ માઇગ્રેશન કરતા પક્ષીઓ પણ રોકાતા હોય છે.

થોળ પક્ષી અભયારણ્યમાં ડૂબકીઓ, પેણ, કાજિયા, બગલા, બગલી અને પાનબગલી, ઢોંક, કાંકણસાર અને ચમચા, હંજ-સુરખાબ, બતક, હંસ, કુંજ, સંતાકૂકડી, આડ, જલમાંજર, કાદવકીચડ ખૂંદનારા, ધોમડો, વાબગલી, કલકલિયા, પીળકિયા, બાજ તેમજ નળ સરોવર પક્ષી અભયારણ્ય વિસ્તારમાં ડૂબકીઓ, પેલિકન્સ, બતક અને હંસ, સંતાકૂકડી, આડ, જલમાંજર, કાજિયા, બગલા, બગલી અને પાનબગલી, ઢોંક, કાંકણસાર અને ચમચા, હંજ-સુરખાબ, કુંજ, કાદવકીચડ ખૂંદનારા, ધોમડો, વાબગલી, કલકલિયા, પીળકિયા, અને બાજનો સમાવેશ થાય છે.

વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં જોવા મળતા માઇગ્રેટરી બર્ડમાં ગાજ હંસ ( ગ્રે લેગ ગુઝ),રાજ હંસ (બાર હેડેડ ગુઝ), લાલ ચાંચ કારચીયા (રેડ ક્રેસ્ટેડ પોચર્ડ), કાબરી કરચીયા (ટફ્ટેડ ડક), ધોળી આંખ કારચીયા(વાઇટઆઇડ પોચર્ડ), સિંગપર (નોર્થન પિન ટેલ), નાની મુરઘાબી (કોમન ટીલ), ટીલીયા (રફ), નાની કાંકણસાર (ગ્લોસી આઇબીસ), રેસિડેન્શિયલ બર્ડમાં ભગવી સુરખાબ (રૂડી શેલ્ડક), નકટો (કોમ્બ ડક),નાનો કજીયો (લિટલ કોમોરન્ટ), નાની સિસોટી બતક (લેસર વિસલિંગ ટીલ ), નાની ધાનચીડી (પેડિફિલ્ડ પીપીટ ),ગિરજા (કોટન ટીલ), દુર્લભ જાતિઓમાં કાળી ડોક ઢોંક (બ્લેક નેક્ડ સ્ટોર્ક) તેમજ શિકારી જાતિમાં પાન પટ્ટાઈ (યુરેશિયન માર્શ હેરિયર)નો સમાવેશ થાય છે.

‘પેસેજ માઇગ્રન્ટ’ ગણતરી એ ભારતની એક અગ્રણી સિટિઝન સાયન્સ પહેલ છે, જે વર્ષ 2022થી દર સપ્ટેમ્બરે મધ્ય અને પશ્ચિમ એશિયાથી આફ્રિકા તરફ જતા પ્રવાસી પક્ષીઓનો વૈજ્ઞાનિક સર્વે કરે છે. કચ્છ વિસ્તાર આ પક્ષીઓ માટે 'રિફ્યુઅલિંગ' સ્ટેશન તરીકે અત્યંત મહત્વનું છે, જ્યાં તેઓ અરબી સમુદ્ર ઓળંગતા પહેલા ચોમાસા પછી પેદા થતા જીવજંતુઓ ખાઈને ખોરાક સ્વરૂપે શક્તિ મેળવે છે.

ગત વર્ષ તા. 19થી 21 સપ્ટેમ્બર-2025 દરમિયાન કચ્છમાં એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી, પ્રણિધિ ટ્રસ્ટે ગુજરાત વન વિભાગ અને બર્ડ કાઉન્ટ ઈન્ડિયા સાથે મળીને પેસેજ માઇગ્રન્ટ કાઉન્ટની ચોથી અને અત્યાર સુધીની સૌથી મોટી આવૃત્તિનું આયોજન કરાયું હતું, જેમાં 17 રાજ્યોના 200થી વધુ પક્ષીપ્રેમીઓએ 51 ટીમોમાં જોડાઈને કચ્છના 10 હજાર ચોરસ કિમી વિસ્તારનું ઝીણવટભર્યું સર્વેક્ષણ હાથ ધર્યું હતું. ભુજમાં આયોજિત ઓરિએન્ટેશન સત્ર બાદ આ ટીમોએ રણ, બન્નીના મેદાનો, કાંટાળા જંગલો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 250થી વધુ સર્વે ગ્રીડ આવરી લીધી હતી. eBird પ્લેટફોર્મના સહયોગથી તૈયાર થયેલા 600થી વધુ ચેકલિસ્ટમાં પક્ષીઓની 250થી વધુ પ્રજાતિઓ નોંધાઈ છે, જે આ પ્રદેશની પર્યાવરણીય વિવિધતા અને સંરક્ષણ માટેના મજબૂત આંકડા પૂરા પાડે છે.

કચ્છ વિસ્તારમાં વર્ષ 2025માં પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે. જેમાં 1,577 યુરોપિયન રોલર અને 313 સ્પોટેડ ફ્લાયકેચર નોંધાયા છે. આ સિવાય 379 બ્લ્યુ ચેકડ બી ઈટર સહિત કોમન કુકો પ્રજાતિઓનો સમાવેશ થાય છે.