ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને સમૃદ્ધ કરવાના ભાગરૂપે વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે ખેડૂતોને ખબર હોય છે તો કેટલીક યોજના અંગે જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને સીમાન્ત ખેડૂત અને ખેત મજૂરો માટે અમલી સ્માર્ટ ટૂલ કીટ સહાય યોજના અંગે સંપૂર્ણ જાણકારી આપીશું.
ગુજરાત રાજ્યના સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને જો અઘુનિક સાધનોવાળી સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ આપવામાં આવે તો, સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને ખેતી કામ કરવામાં સરળતા રહે છે. ઉપરાંત સારી રીતે ખેતી કામ થઈ શકે છે. ખેત ઉત્પાદન પણ વધે છે.
આ યોજનાનો લાભ એવા ખેડૂત અને ખેત મજૂરોને મળે છે જેઓ, જમીનના 8-અ મુજબ, 1 હેકટર સુધીની જમીન ધારણ કરતા સીમાંત ખેડૂત અથવા તો ખેતી કામ કરતા ખેત મજૂરો પાત્ર છે. સીમાંત ખેડૂતોને 8-અ ખાતા દીઠ એક વાર અને ખેત મજૂરોને કુંટુબદીઠ એકવાર લાભ મળે છે.
સ્માર્ટ ટૂલ કીટ મેળવવા પાત્ર અરજદારે ગાંધીનગરમાં આવેલ ગુજરાત ખેત ઉત્પાદન નિગમ લિમીટેડની માન્યતા પ્રાપ્ત વિક્રેતાના કેન્દ્ર ખાતેથી 90 ટકા સહાય અથવા તો રૂપિયા 10,000 (દશ હજાર) બે માથી જે ઓછુ હોય તે રકમની મર્યાદામાં હેન્ડ ટૂલ્સની કીટ્સના સાધનો 90 દિવસમાં ( ત્રણ મહિનામાં) મેળવવાની રહેશે.
સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ મેળવવા માંગતા સીમાંત ખેડૂત કે ખેત મજૂરોએ I-Khedut (આઈ ખેડૂત) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી ગ્રામ્યકક્ષાએ ઈ ગ્રામ સેન્ટર મારફતે અથવા તો જ્યા પણ કોમ્પ્યુટર-ઈન્ટરનેટની સુવિધા હોય તે સ્થળેથી I-Khedut (આઈ ખેડૂત) પોર્ટલ પર કરી શકશે. આ ઉપરાંત અરજદાર જો લેખિત અરજી સંબંધિત કચેરીમાં રજૂ કરે તો કચેરીએ, I-Khedut પોર્ટલ ખુલ્લુ હોય, ત્યાં સુધી પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. I-Khedut પોર્ટલ ઉપર સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ મેળવવા માંગતા સીમાંત ખેડૂત કે ખેત મજૂરોએ, ઓનલાઈન કરેલ અરજી ઓટો ઈનવર્ડ થશે.
સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજનાનો અમલ કરવા માટે સરકારે તાલુકા અમલીકરણ અધિકારીને જવાબદારી સોપી છે. આ યોજના તેમના થકી લાભાર્થીને લાભ આપવામાં આવશે.
યોજના અંગે વધુ વિગતો જાણવા માટે આ QR કોડ સ્કેન કરો.
આવી જ બીજી સરકારી યોજના વિગતે જાણવા માટે આપ https://tv9gujarati.com ની વેબસાઈટ ઉપર જોતા રહો.
Published On - 8:00 am, Fri, 11 August 23