ગુજરાત સરકાર 3જી માર્ચે બજેટ રજૂ કરશે, આરોગ્ય સહિતના વિભાગો માટેની જોગવાઈઓમાં વધારો થવાની સંભાવના

| Edited By: | Updated on: Jan 29, 2022 | 6:57 PM

ગુજરાતમાં વિધાનસભામાં આગામી 2 માર્ચથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે જેમાં વર્તમાન સરકાર  3 માર્ચે પોતાનું બજેટ રજૂ કરશે, અત્યારે બજેટની તૈયારીઓને લઈને સીએમના નિવાસ્થાને મહત્ત્વની બેઠકોનો દોર ચાલી રહ્યો છે, આરોગ્ય ઉપરાંત શિક્ષણ, સામાજિક ન્યાય-અધિકારીતા અને કૃષિ વિભાગ માટે બજેટની જોગવાઈઓમાં વધારો કરાશે

ગુજરાતમાં વિધાનસભામાં આગામી 2 માર્ચથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે જેમાં વર્તમાન સરકાર (government) 3 માર્ચે પોતાનું બજેટ (budget) રજૂ કરશે. અત્યારે બજેટની તૈયારીઓને લઈને CM ના નિવાસ્થાને મહત્ત્વની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આરોગ્ય ઉપરાંત શિક્ષણ, સામાજિક ન્યાય-અધિકારીતા અને કૃષિ વિભાગ માટે બજેટની જોગવાઈ (budget Provision) ઓમાં વધારો કરાશે. વિધાનસભાના બજેટ સત્રના સમય માટે સરકારે રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મોકલી આપ્યો છે.

2 માર્ચના રોજ બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલનું સંબોધન હશે અને સદ્દગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યાર બાદ પ્રથમ દિવસની કાર્યવાહી પૂર્ણ કરાશે. બજેટ સત્રના બીજા દિવસે એટલે કે 3 માર્ચે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં 2022-23નું બજેટ રજૂ કરશે. વિધાનસભામાં 31 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે. આ બજેટ સત્ર દરમિયાન 6-8 દિવસ બે-બે બેઠકો થશે. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાયદાઓમાં જરૂરિયાત મુજબના સંશોધક વિધેયકો પસાર કરાવવામાં આવશે. જે બાદ 31 માર્ચે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરીને બજેટ સત્રનું સમાપન કરવામાં આવશે.

આગામી બજેટમાં આરોગ્ય વિભાગ માટેની જોગવાઇઓમાં 650 કરોડનો વધારો કરાય તેવો અંદાજ છે. હાલમાં આરોગ્ય વિભાગ માટે લગભગ 11000 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે, જેમાં હવે 650 કરોડનો વધારો કરાશે. આરોગ્ય વિભાગનું માળખું મજબૂત કરવા માટે આ વધારો કરવામાં આવી રહ્યો છે.

આ બજેટ સત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકારને વિવિધ મુદ્દાઓ પર ભીંસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવશે. જેના કારણે આ સત્ર તોફાની બને તેવી શક્યતા જોવામાં આવી રહી છે. બજેટ સત્ર પૂર્વે સરકારના વિવિધ વિભાગો દ્વારા બજેટને લગતા ખર્ચા અને નવી યોજનાઓ અંગેની વિગતો ઉપરાંત રાજ્ય સરકારના ખર્ચ અને આવકના અંદાજો સહિતની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આગામી 3 માર્ચે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પોતાનું પ્રથમ અને વર્તમાન સરકારનું અંતિમ બજેટ રજૂ કરશે કારણ કે આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી આવતા વર્ષનું બજેટ નવી રચાનારી સરકાર રજૂ કરશે.

આ પણ વાંચોઃ પોલીસ ભરતી માટે ગૃહ વિભાગે વીડિયો સીરીઝ લોંચ કરી, હર્ષ સંઘવીએ કહ્યું કે નવી ભરતીઓ પણ થશે, તૈયારી ચાલુ જ રાખજો

આ પણ વાંચોઃ Rajkot: આરોગ્ય વિભાગે 140 કિલોથી વધુ શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપ્યો, સેમ્પલની ચકાસણી બાદ થશે કાર્યવાહી